Get The App

પરંપરાગત અને આધુનિક રાંધણકળામાં ઉપયોગી કોકમ:

Updated: Dec 11th, 2023

GS TEAM

Google News
Google News
પરંપરાગત અને આધુનિક રાંધણકળામાં ઉપયોગી કોકમ: 1 - image


- આરોગ્યવર્ધક લાભ અને આડઅસરો

ભારતનું રહસ્યમયી ફળ કોકમ પશ્ચિમી ઘાટ, આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઉત્તર-પૂર્વના લીલાછમ જંગલોમાં પાંગરે છે. કોકમનું વૈજ્ઞાાનિક નામ ગાર્સિનિયા ઈન્ડિકા છે અને રાંધણકળા, ફાર્મા તેમજ ઓદ્યોગિક ક્ષેત્રમાં આ અસાધારણ ફળને છુપાયેલું રત્ન માનવામાં આવે છે. સમગ્ર એશિયા અને આફ્રિકામાં આશરે ૨૦૦ પ્રજાતિ ધરાવતું કોકમ દક્ષિણ ભારત, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામમાં લાંબા સમયથી મુખ્ય ખોરાક રહ્યું છે જ્યાં તેના વાયબ્રન્ટ સ્વાદ અને અસંખ્ય આરોગ્યલક્ષી ગુણોની કદર થાય છે.

કોકમની વિવિધ ઉપયોગિતા

કોકમનું સેવન અનેક પ્રકારે થઈ શકે છે. કાચા ફળનો રસ, શરબત અથવા તડકામાં સુકવીને તેમજ પાવડરના રૂપમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

એક ઉત્કૃષ્ઠ એન્ટીઓક્સીડન્ટ

કોકમ એન્ટીઓક્સીડન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ઘટકોથી ભરપૂર છે. તેના મુખ્ય ઘટકો પૈકી એક ગાર્સિનોલ શરીરની પ્રતિરોધક શક્તિમાં વધારો કરીને તેના કોષોના નુકસાનથી બચાવે છે. ગાર્સિનોલના કેન્સર વિરોધી ગુણોને કારણે તે હૃદયરોગ અને કેન્સર સહિત વિવિધ રોગોના જોખમ સામે રક્ષણ આપે છે. આ રોગોના મુખ્ય દોષી મુક્ત રેડિકલનો સામનો કરવાની કોકમની ક્ષમતા ખરેખર નોંધપાત્ર છે.

પોષક તત્વોનો ભંડાર

કોકમમાં એકંદર સ્વાસ્થ્યને ફાળો આપતા અનેક પ્રકારના જરૂરી પોષક તત્વો મોજુદ છે. એમાં કાર્બોહાયડ્રેટ્સ, એસેટીક એસિડ, વિટામીન બી, પોટેશિયમ, મેન્ગેનીઝ, સાયટ્રીક એસિડ અને હાયડ્રો સાયટ્રીક એસિડ જેવા પોષક તત્વો આરોગ્ય અને સુખાકારીની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કબજિયાતમાં રાહત

તેના નોંધપાત્ર ડાયેટરી ફાયબર કન્ટેન્ટ સાથે કોકમ કબજિયાત સામે અસરકારક સારવાર સાબિત થાય છે. તેનું નિયમિત સેવન પાચનતંત્રને સુદ્રઢ રાખે છે.

ઉનાળામાં તાજગી આપતું પીણું

કોકમનો રસ અથવા સીરપ ધોમધખતા ઉનાળામાં રાહત મેળવવા માટે  ઠંડક અને તાજગી આપતો વિકલ્પ સાબિત થાય છે. તે આકરા તાપ, લૂ, ડીહાયડ્રેશનથી બચાવીને ઉચ્ચ તાપમાનમાં યોગ્ય સાથીદાર સાબિત થાય છે.

વૃદ્ધાવસ્થા અટકાવતું અમૃત

કોકમના અનન્ય ગુણધર્મો સેલ રિપેર અને પુનર્જીવનની સુવિધા દ્વારા વૃદ્ધત્વ પ્રક્રિયાને વિલંબિત કરે છે. આ ગુણ ત્વચાની એકંદર રચના અને દેખાવમાં સુધારો કરીને વૃદ્ધાવસ્થાને પણ આરોગ્યપ્રદ બનાવે છે.

મગજ સક્ષમ બનાવે છે

કોકમનું નિયમિત સેવન મગજમાં ચેતા કોષોના વિકાસને પ્રોત્સાહન આપે છે, જ્ઞાાનાત્મક કાર્ય અને માનસિક એકાગ્રતામાં વધારો કરે છે. તે કુદરતી મગજ બૂસ્ટર છે જે માનસિક સુખાકારીમાં વધારો કરે છે.

વાળને પોષણ આપે છે

કોકમનું બટર વાળને પોષણ આપતા તત્વોનો શક્તિશાળી સ્રોત છે. તે વાળ વૃદ્ધિને ઉત્તેજિત કરીને તેને સુંવાળા, ચમકદાર અને સરળતાથી મેનેજ થઈ શકે તેવા બનાવે છે. વાળના તેલના સંયોજનમાં ઉપયોગ કરવાથી કોકમનું બટર શેમ્પૂ કર્યા પછી વાળને પુનર્જિવીત કરતા હેર માસ્ક અથવા કંડિશનર જેવી કામગીરી કરે છે.

પાચનમાં સહાય

મીઠા અને કાળા મરી સાથે સેવન કરવાથી કોકમ અપચાને દૂર કરીને પાચનતંત્ર બહેતર બનાવે છે.

વજન ઘટાડામાં સહાય

હાયપોકોલેસ્ટેરોલેમિક એજન્ટ હાયડ્રોસાયટ્રીક એસિડ (એચસીએ)ની હાજરી હોવાથી કોકમ વજન ઘટાડામાં અસરકારક સાબિત થાય છે. એચસીએ કેલરીનું ચરબીમાં થતું રૂપાંતર અટકાવીને વજનમાં ઘટાડો કરે છે અને કોલેસ્ટેરોલના સ્તરને જાળવવામાં સહાય કરે છે.

આયુર્વેદિક ઉપાયો

કોકમના બહુમુખી ગુણો આયુર્વેદિક સારવારમાં પણ કામ આવે છે જેમાં તેનો ઉપયોગ પગની એડીમાં ચીરાને રૂઝ લાવવા, રુમેટોઈડ પીડા દૂર કરવા, અનિયમિત માસિકને નિયમિત કરવા, કાનના ચેપ અને સોજા સંબંધિત સમસ્યાની સારવાર માટે થાય છે.

માસિક સ્વાસ્થ્યમાં લાભકારક

તેના સોજા અને બળતરા વિરોધી ગુણોને કારણે કોકમ માસિકમાં થતી પીડા ઓછી કરીને માસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને તેને મહિલાઓના એકંદર સ્વાસ્થ્ય માટે મૂલ્યવાન બનાવે છે.

તમામ પ્રકારની એલર્જી માટે લાભદાયી

કોકમનો બાહ્ય ઉપયોગ કરવાથી તે ચાઠા જેવી ત્વચાની તમામ પ્રકારની એલર્જી માટે અસરકારક દવા સાબિત થાય છે. તેના ઠંડક આપતા ગુણો ત્વચાની બળતરા માટે અત્યંત જરૂરી રાહત પૂરી પાડે છે.

કોકમની આડઅસરો: કુદરતી ભેટનો સમજદારીથી ઉપયોગ કોકમ નિ:શકપણે અમૂલ્ય લાભો પ્રદાન કરે છે, પણ સંભવિત આડઅસરો નિવારવા તેનું સેવન સમજદારીપૂર્વક કરવું જરૂરી છે. કોકમની આડઅસરો નિવારવા નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.

- ત્વચાની એલર્જી: કોકમ ત્વચાની હળવી સમસ્યા માટે લાભદાયી છે. જે વ્યક્તિઓને ત્વચાની ગંભીર સમસ્યા હોય તેમણે કોકમનો ઉપયોગ કરવા અગાઉ તબીબી સલાહ અવશ્ય લઈ લેવી.

- દૂધ અથવા દૂધની બનાવટો સાથે તેનું સંયોજન ટાળવું: કોકમમાં ખટાશ હોવાથી દૂધ અથવા દૂધની બનાવટો સાથે તેનું સેવન પાચનતંત્ર પર વિપરીત અસર કરી શકે છે. કોકમ અને દુગ્ધ ઉત્પાદનોના સેવન વચ્ચે ઓછામાં ઓછો એક કલાકનો તફાવત રાખવો જરૂરી છે.

- હાય બ્લડ પ્રેશર: કોકમના સેવનથી શરીરમાં એસિડિટી વધી જતી હોવાથી જેમને હાય બ્લડ પ્રેશર હોય તેમણે કોકમનું સેવન કરવામાં પ્રમાણભાન રાખવું.

કોકમનું ઉત્પાદન

કોકમના વૃક્ષો ૪૫થી ૫૦ ફીટ લાંબા હોય છે અને બીજ સહિત ચમકતા લાલ ફળો આપે છે. આ ફળો સેવન માટે યોગ્ય બનાવવા તેને પૂરી રીતે પાકવા દેવા જોઈએ. તેનો રંગ ઘેરો જાંબુડી અથવા કાળો થાય ત્યારે તેને પાકેલા માનવામાં આવે છે. વાંકીચૂંકી કિનારી ધરાવતા આ ફળોને પછી અડધા કરીને સુકવવામાં આવે છે. ફળોના રંગ પરથી તે કેટલા પાકી ગયા છે તે નક્કી કરવામાં આવે છે. તેની ખટાશને કારણે કોકમનો વિવિધ ડિશોમાં આમલીના સ્થાને ઉપયોગ કરવામાં આવે છે. રસમ, દાળ અને વેજિટેબલ સૂપ જેવી ડિશોમાં તે સ્વાદમાં ઉમેરો કરે છે. 

તદુપરાંત અથાણા અને ચટણીમાં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. કોકમને સાચવવા માટે તેને એક એરટાઈટ કન્ટેનરમાં એક વર્ષ સુધી જાળવી શકાય છે અથવા તો ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી સાચવી શકાય છે. જો કે ફળના સ્વાદ અને બનાવટમાં ફરક પડતો હોવાથી તેને ફ્રીઝમાં રાખવાની ભલામણ નથી કરાતી.

સ્વાસ્થ્યના અનેક લાભ અને રાંધણકળાનો આનંદ આપતું કોકમ કુદરતની અણમોલ ભેટનો પુરાવો છે. તમે કોઈ ડિશમાં તેનો સ્વાદ માણો અથવા તમારા આરોગ્ય માટે તેના ઔષધીય ગુણોનો લાભ મેળવો, કોકમ એવું ગુણસભર ફળ છે જેણે ભારતની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિમાં પોતના મૂળ મજબૂતીથી જડી દીધા છે.  

- ઉમેશ ઠક્કર

Tags :