Get The App

જાણો બેબી ઑઇલ જેલના વિવિધ ઉપયોગો

Updated: Nov 11th, 2024

GS TEAM

Google News
Google News
જાણો બેબી ઑઇલ જેલના વિવિધ ઉપયોગો 1 - image


- માત્ર શિશુઓ માટે નથી બેબી ઑઇલ જેલ

નવજાત શિશુ માટે આપણે બેબી ઑઈલ અને બેબી ઑઈલ જેલનો ઉપયોગ હમેશાંથી કરતા આવ્યાં છીએ. બાળક થોડાં મહિનાથી લઈને થોડાં વર્ષનું થાય ત્યાં સુધી આપણે તેમના માટે આ બંને પ્રોડક્ટનો ઉપયોગ કરતાં રહીએ છીએ. આમ છતાં મઝાની વાત એ છે કે સંખ્યાબંધ લોકો બંને ઉત્પાદનો વચ્ચેનો ફરક નથી સમજી શકતાં. નિષ્ણાતો તેના વિશે સમજ આપતાં કહે છે કે બેબી ઑઈલ બાળકની ત્વચાને મૉઇશ્ચર કરે છે. જ્યારે બેબી ઑઈલ જેલ ભૂલકાની ત્વચામાં અંદર સુધી શોષાઈ જતું હોવાથી બાળકની ત્વચા લાંબા સમય સુધી મૉઈશ્ચર અને સુંવાળી રહે છે. વાસ્તવમાં બેબી ઑઈલ જેલ ચીકણું હોવાથી ત્વચામાં સહેલાઈથી અંદર સુધી શોષાઈ જાય છે. નિષ્ણાતો વધુમાં કહે છે કે તેના ગુણોને જોતાં દરેક વય જૂથના લોકો સૌંદર્ય નિખારવા માટે પણ બેબી ઑઈલ જેલનો ઉપયોગ કરે છે. તેઓ તેના વિશે વધુ માહિતી આપતાં કહે છે કે આ પ્રોડક્ટમાં ૯૮ ટકા મિનરલ ઑઈલ અને બે ટકા ફ્રેગરન્સ હોય છે. અને મિનરલ ઑઈલથી ત્વચા પરના રોમછિદ્રો પૂરાઈ નથી જતાં તેથી તે ચામડી માટે શ્રેષ્ઠ પુરવાર થાય છે. આજે આપણે બેબી ઑઈલ જેલના વિવિધ ઉપયોગો વિશે વાત કરીશું.

એડીમાં પડેલા ચીરા સાંધે : જો તમારા પગની એડીઓ ફાટી ગઈ હોય તો બેબી ઑઈલ જેલ તમારા માટે શ્રેષ્ઠ ઉપચાર બની શકે. રાત્રે સુતી વખતે પગ સારી રીતે ધોઈને કોરા કરી લો. હવે ફાટેલી એડી પર હળવા હાથે બેબી ઑઈલ જેલ લગાવો. પાંચેક મિનિટ રહેવા દઈને મોજાં પહેરી લો. ખાસ કરીને ઠંડીની ઋતુમાં આ ઉપાય અજમાવો. તમારી એડીઓ લિસ્સી-સુંવાળી રહેશે.

બૉડી મસાજ માટે શ્રેષ્ઠ : બેબી ઑઈલ જેલ બૉડી મસાજ માટે ઉત્તમ ગણાય છે. પરંતુ આ ઑઈલનો ઉપયોગ અન્ય તેલથી કરાતી માલીશની જેમ નથી કરવાનો. સવારના સ્નાન કર્યા પછી તરત જ આ ઑઈલ લગાવી લો. તે વખતે તમારા શરીરમાં હજી થોડી ભીનાશ હોવાથી તે ત્વચામાં વધુ જલદી શોષાઈ જશે અને તમારી ચામડી આખો દિવસ સુંવાળી રહેશે.

ગર્ભાવસ્થામાં સ્ટ્રેચ માર્ક્સ ઝાંખા પાડે : ગર્ભાવસ્થામાં જે તે મહિલાના પેટની ત્વચા ખેંચાઈને શુષ્ક થઈ જતી હોવાથી ત્યાં તીવ્ર ખંજવાળ આવે છે. સ્વાભાવિક રીતે જ ત્યાં સ્ટ્રેચ માર્ક્સ આવી જાય છે. પરંતુ જો ગર્ભવતી સ્ત્રી પેટ પર નિયમિત રીતે બેબી ઑઈલ જેલ લગાવે તો તેની ત્વચા સુંવાળી રહે અને ખંજવાળ આવતી અટકે.

મેકઅપ દૂર કરવા ઉત્તમ : ચહેરા પર ચોપડેલા સૌંદર્ય પ્રસાધનો દૂર કરવા માટે બેબી ઑઈલ જેલ ઉત્તમ પુરવાર થાય છે. ચહેરા પર આ ઉત્પાદન લગાવીને હળવા હાથે ગોળાકારમાં મસાજ કરો. હવે રૂનું પુમડું લઈને ચહેરો લૂછો. મોટાભાગનો મેકઅપ અને ચહેરા પર જામેલી અન્ય ગંદકી આ રૂના પૂમડામાં શોષાઈ જશે. ત્યાર બાદ ફરી એક વખત રૂના નવા પૂમડાથી ચહેરો સાફ કરી લો જેથી ત્વચા પર વત્તાઓછા અંશે રહેલો મેકઅપ પણ નીકળી જશે. મહત્વની વાત એ છે કે આ પ્રોડક્ટના ઉપયોગથી તમારી ત્વચાને તેનો ફાયદો મળશે. તેમાંય જે માનુનીઓ આંખો પર હેવી મેકઅપ કરતી હોય તેમને માટે બેબી ઑઈલ જેલ  ઉત્તમ બની રહેશે.

બેમોઢાળા કે શુષ્ક વાળને સુંવાળા બનાવવા : જો તમારા વાળના છેવાડા બેમોઢાળા  થઈ ગયા હોય કે સાવ શુષ્ક દેખાતા હોય તો બેબી ઑઈલ જેલ ઝપાટાભેર આ શુષ્કતા દૂર કરવામાં મદદ કરશે. આને માટે એક ટિશ્યુ પેપર અથવા ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા મેકઅપ પેડ પર આ પ્રોડક્ટ નાખો. તે તેમાં શોષાઈ જાય ત્યાર પછી વાળના છેવાડાના સહેજ ઉપરના ભાગથી લઈને છેવાડા સુધી આ પ્રોડક્ટ લગાવો. હવે તે વાળમાં શોષાઈ જવા દો. થોડી મિનિટોમાં જ તમારા કેશ સુંવાળા અને ચમકદાર દેખાવા લાગશે. વાળના છેવાડાને આ રીતની ટ્રીટમેન્ટ આપવા બેબી ઑઈલ જેલ હથેળીમાં લઈને લગાવવાની ભૂલ ન કરો. આમ કરવા જતાં તમારા કેશ ચીકણા લાગશે.

ખરબચડા હોઠને સુંવાળા બનાવે : જો તમારા અધર ખરબચડાં થઈ ગયા હોય તો એક ટીસ્પૂન બેબી ઑઈલ જેલમાં અડધું ટીસ્પૂન ખાંડ અને થોડાં ટીપાં લીંબુનો રસ નાખીને સારી રીતે ભેળવી લો. હવે આ મિશ્રણ વડે એકદમ હળવા હાથે હોઠ પર થોડી મિનિટ સુધી મસાજ કરો. રોજ રાત્રે સુવા જવાથી પહેલા આ પ્રયોગ કરવાથી તમારા હોઠ એકદમ સુંવાળા-મુલાયમ બની જશે.

- વૈશાલી ઠક્કર

Tags :