Get The App

જાણો 'જવ'નાં ઔષધિય પ્રયોગો .

Updated: Mar 18th, 2024

GS TEAM


Google News
Google News
જાણો 'જવ'નાં ઔષધિય પ્રયોગો                           . 1 - image


- આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ

એ બાબત તો આપણને વિદિત જ છે કે, પ્રાચીનકાળમાં આપણાં ઋષિઓનો આહાર મુખ્યત્વે જવ નો જ હતો અને યજ્ઞાની આહૂતિ આપવામાં પણ જવનો જ ઉપયોગ થાય છે. જવ ભારતમાં સર્વત્ર થાય છે, તે રેતાળ અને ઉતરતાં પ્રકારની જમીનમાં પણ થાય છે. જવ એ ઘઉંની જાતનું ધાન્ય છે. પણ સ્વાદ અને આકારથી તે ઘઉં કરતાં થોડા અલગ પડે છે અને ગુણવત્તામાં પણ તે પચવામાં હલકા અને બરછટ છે.

જવની એક જાત યુરોપ, અમેરિકા, જાપાન, ચીન વગેરે દેશોમાં થાય છે. તે જંગલી છે અને તે ઔષધિઓ બનાવવામાં વપરાય છે. આપણે ત્યાં જવનું સત્તુ બને છે તેને સાથવો પણ કહે છે. જવને શેકીને તેનાં ફોતરાં કાઢી નાખવામાં આવે છે. પછી પીસીને લોટ બનાવાય છે. આ લોટમાં મીઠું ભેળવી પાણી કે દૂધ મેળવીને ખાવામાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ તૈયાર થયેલાં લોટમાં ગોળ કે ગોળ ઘી અથવા તો ઘી સાકર મેળવી તે પણ ઉપયોગમાં લેવાય છે. પગપાળા યાત્રા કરતાં યાત્રી તપસ્વીઓ વગેરે માત્ર જવ ઉપર જ ઘણાં લાંબા સમય સુધી શરીરને ટકાવે છે. જવ એ ખૂબ જ સાત્વિક અને પચવામાં હલકો આહાર છે.

જવનો સાથવો ઠંડો, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, ઝાડો સાફ લાવનાર, કફ અને પિત્તને હરનાર, રૂક્ષ અને જૂના મળને ઉખેડી કાઢનાર છે. તે પેશાબનાં ઘણાં રોગો મટાડનાર છે. ગરમીથી તપેલાં અને કસરત કે ચાલવાથી થાકેલાં માણસો માટે સાથવો પીવો ખૂબ જ લાભદાયી છે.

જવ શેક્યા વગર ખૂબ છડીને તેની ઉપરની બરછટ છાલ કાઢીને પછી તેને દળવામાં આવે છે. જવનાં આ લોટમાંથી રોટલી, ભાખરી, રોટલા વગેરે બનાવાય છે, ક્યારેક ઘઉં અને જવનો મિક્સ લોટ કરી તેની રોટલી પણ બનાવાય છે. જે વજન ઉતારવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત કેવળ જવની રોટલી પણ ખૂબ જ લાભપ્રદ છે. જવની રોટલી સ્વાદિષ્ટ, રુચિકર, મધુર, પચવામાં હલકી, બળ આપનાર તેમજ કફ અને પિત્ત સંબંધી રોગોને મટાડનાર છે. પણ તે વાતકારક પણ છે. વળી જવ મેદ ને ઘટાડે છે. એટલે વજન ઉતારવા માટે ખૂબ અસરકારક છે. ઉપરાંત જવ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ હિતકર છે.

વધારે મેદસ્વી માણસો જો ઘઉં અને ભાતનો ત્યાગ કરે અને જવની રોટલી ખાય તો તેને ખૂબ લાભ થાય છે. જવની રોટલી સાથે ભાજીનું શાક, મગનું પાણી અને મલાઈ ઉતારેલાં દુધની છાસ બનાવી જો લેવામાં આવે તો તેમનું વજન અવશ્ય ઘટે છે. વળી, શરીર સ્ફૂર્તિવાળુ બને છે. ચાલતાં કે દાદરો ચઢતાં હાંફ ચઢતો હોય તો તે પણ મટે છે, વળી બેડોળ બની ગેયલું શરીર ધીમે ધીમે સુડોળ બને છે. વજનને કારણે શ્વાસ ચઢવો, પરસેવો પરસેવો થઇ જવું, ચાલી ન શકવું, બોલવામાં પણ હાંફી જવું, પ્રમાદીપણું આળસ, તંદ્રા વગેરે જેવી ફરિયાદો ધીમે ધીમે દૂર થાય છે.

જવનાં લોટમાંથી બિસ્કિટ પણ બનાવી શકાય છે. જવનાં લોટની રાબ ખૂબ સારી બને છે. સ્મૃતિ શક્તિની વૃદ્ધિ માટે જવ વધારે સારા છે, તેથી તે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી ગણાય. પેશાબનાં તમામ રોગોમાં જવનો આહાર ઔષધિય લાભ દેનાર છે. જવ મૂત્રલ છે. તેથી તે મૂત્રઘાત કે મૂત્રકૃચ્છ (ટપકી ટપકી ને આવતું મૂત્ર) જેવાં રોગોમાં ખૂબ લાભદાયી છે. જવથી શરીરનો વર્ણ પણ સુધરે છે. વળી, કંઠ ગળાનાં રોગોને પણ જવ મટાડે છે. જવ એ સ્વર માટે ખૂબ સારા છે. તે ચામડીનાં રોગોને પણ દૂર કરનાર છે. લોહી વિકાસ, તૃષા, શોષ પડવો વગેરે બિમારીઓને પણ તે હટાવે છે. જો સાથળથી પગ પકડાઈ ગયા હોય, ઉપડતાં ન હોય, સાથળમાં દુ:ખાવો હોય તો જવનાં સેવનથી તે મટે છે. કફ, પિત્ત, મેદ, શરદી, સળેખમ, શ્વાસ, લોહી વિકાર વગેરે જેવા રોગોને પણ તે મટાડનાર છે.

જવમાંથી બારણી વોટર બનાવવામાં આવે છે. જવને ખાંડી, તેનાં બરછટ છોતરાં કાઢી નાંખી પછી તેને ચાર ગણાં પાણીમાં ધીમા તાપે ઉકાળી, ત્રણ-ચાર ઉભરા લાવી ઉતારી લેવું અને એકાદ કલાક ઢાંકી રાખવું. પછી ગાળી લેવું. જવનાં આ પાણીને 'બારણી વોટર' કહે છે. જે પીવાથી ઉલટી, તરસ, અતિસાર, મૂત્રકૃચ્છ, પેશાબની રૂકાવટ (મૂત્રાઘાત), મૂત્રાશયનું શૂળ (દુ:ખાવો), વૃક્કશૂળ વગેરે મટે છે.

જવમાંથી જવક્ષાર પણ બને છે. આ ક્ષાર આમવૃદ્ધિ, પથરી, વાતપ્રકોપ, કફપ્રકોપ, આફરો વગેરેેેને મટાડે છે. તે અગ્નિપ્રદિપ્ત કરે છે. કંઠરોગો, શ્વાસ, ગ્રહણી, પ્લીહાવૃધ્ધિ, હૃદયરોગ, પાંડુરોગ, શૂળ વગેરે અનેક રોગોમાં તે રામબાણ ઇલાજ છે. બાળકને 'સરણી'માં ખૂબ અલ્પમાત્રામાં જવક્ષાર અને પીપર મેળવી મધમાં ચટાડવાથી ખૂબ ફાયદો થાય છે.

જવ અને મગનું ઓસામણ બનાવી પીવાથી આંતરડાની ઉગ્રતા અને અતિસાર મટે છે વળી જવ, તલ અને સાકર સમાન ભાગે લઇ તેનું ચૂર્ણ કરી મધમાં આપવાથી ગર્ભપાત થતો અટકાવી શકાય છે. વળી, જવને બાળી તલનાં તેલમાં ખરણ કરી લેપ કરવાથી અગ્નિણ્ધ વ્રણ મટે છે. શેકેલા જવનું ચૂર્ણ અને જેઠીમધનું ચૂર્ણ ધોયેલા ઘીમાં મેળવી લેપ કરવાથી રતવાની બિમારીમાં ઘણો જ ફાયદો થાય છે.

આમ જવનો આહાર-ઔષધ તરીકેનો ઉપયોગ અનેક રોગોમાં અસરકારક ઇલાજ સાબિત થઇ શકે છે.

Tags :