Get The App

વસંતના આગમનની છડી પોકારતો 'કેસૂડો'

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
વસંતના આગમનની છડી પોકારતો 'કેસૂડો' 1 - image

- વસંત ટાણે જ પોતાનું પોત પ્રકાશતા કેસૂડાને અંગ્રેજીમાં 'ફલેમ ઑફ ધી ફોરેસ્ટ' (જંગલની જયાળા) કહે છે. વસંતઋતુમાં ફૂલોથી આચ્છાદિત કેસૂડાના જંગલોમાં દેખાતા કેસરી લાલ કેસૂડા દૂરથી એવા લાગે જાણે સંપૂર્ણ જંગલ લાલચટ્ટક લાવાથી ધગધગી રહ્યા છે

પ્રકૃતિનો ઉત્સવ વસંતઋતુમાં જોવા મળે. સદાય સુંદર લાગતી પ્રકૃતિ વસંતઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે. વસંત પંચમીથી પ્રારંભાતા આ દિવસોમાં ધરતી લીલીછમ થઈને ખીલી ઊઠે છે. આ ઋતુમાં ખાસ કરીને કેસૂડાનો ખાસ મહિમાં ગવાયો છે. કેસૂડાના આગમનથી ધરતીએ જાણે લાલ ચાદર ઓઢી લીધી હોય એમ લાગે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દેવોને મોહ પમાડનાર કામદેવ તેમજ રતિનું આ દિવસે કેસૂડાનો રંગ ઊડાડવામાં આવે છે.

ફેબુ્રઆરી માસનો અંત આવે અને માર્ચનો પ્રારંભ થાય એટલે વસંતઋતુની છડી પોકારતા ફાગણનો પ્રારંભ થતા નવો ઉલ્લાસભર્યો માહોલ રચાવા માંડે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સાતપુડા ડુંગરો વચ્ચે હરિયાળા જંગલો અને રૂપાળી ટેકરીઓની છાયામાં ખળખળ વહેતાં ઝરણાને કાંઠે વેરાતું લખલૂંટ સૌંદર્ય તો ભારે ખીલી ઊઠે છે. જ્યારે ફોરમતાં ફાગણની છડી પોકારતા કેસૂડાનો ફૂલ મ્હેકી ઊઠે છે.

વસંતનું આગમન થતાં જ આંબાને મોર આવે, કેસૂડાના ફૂલો ઠેરઠેર મ્હેકી ઊઠે ત્યારે પ્રકૃતિ સોળે શણગાર સજીને નવોઢાની જેમ નવ પલ્લીત થઈ ઊઠે છે. આ ઋતુમાં નવી કુંપળો ફૂટે, અંકૂરો ફૂટે, રંગીન ફૂલોનું પૂરબહારમાં ખીલી ઉઠવું એ તો ઋતુરાજ વસંતનો વૈભવ ગણાય છે.

દક્ષિણ ગુજરાતના વન પ્રદેશો, પહાડી વિસ્તારોની વનરાજીમાં ઠેરઠેર કેસૂડાના (ખાખરડાના) વૃક્ષો ઉપર કેસરી રંગના કામણગારી કેસૂડાના ફૂલો પૂરબહારમાં ખીલી ઊઠયા છે. હોળી પર્વ પહેલ ભરૂચ, નર્મદા, પંચમહાલ જીલ્લાના સેંકડો, હજારો નહિ પરંતુ લાખોની સંખ્યામાં એક જ માનામાં ખાખેડાના વૃક્ષો - કેસૂડાના ફૂલોથી મધમધી ઉઠતા હતા. હોળીના તથા ધૂળેટીના તહેવારોમાં વૈષ્ણવ મંદિરોમાં રંગછાંટવામાં કેસૂડાનો ભરપેટ ઉપયોગ થતો હતો. પરંતુ સમયના પ્રવાહમાં આ કેસૂડાના ફૂલોનું ઝાડ જે ''ખાખરડા'' નામથી ઓળખાય છે. તે હવે ક્રમશઃ દુર્લભ થવા માંડયા છે.

નર્મદા જીલ્લાના સાગબારા, દેડીયાપાડાના જંગલો, ડુંગરોમાં તથા પાવાગઢના જંગલોમાં કાણીયા તળાવની બાજુમાં, ધોબી કૂવા નર્સરી પાસે કેસૂડાના ઝાડો હાલ જોવા મળે છે. પરંતુ તેની સંખ્યા ક્રમશઃ ઘટતી જઈ રહી છે. જાંબુઘોડા તાલુકામાં પણ હવે ખોખેડાના વૃક્ષો ઓછા જોવા મળે છે. 'કેસૂડો કામણગારો' કહેવાતા કેસૂડાના ફૂલો હાલ ગ્રામ્ય વિસ્તારની ડુંગરની તળેટીમાં રૂપ ધારણ કરી રહી છે. નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં અને ભરૂચ, દેડીયાપાડા જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર આજુબાજુ કેસૂડાના ફૂલોની ચાદર પથરાયેલી જોવા મળે છે.

વસંત ટાણે જ પોતાનું પોત પ્રકાશતા કેસૂડાને અંગ્રેજીમાં 'ફલેન ઑફ ધી ફોરેસ્ટ' (જંગલની જયાળા) કહે છે. વસંતઋતુમાં ફૂલોથી આચ્છાદિત કેસૂડાના જંગલોમાં દેખાતા કેસરી લાલ કેસૂડા દૂરથી એવા લાગે જાણે સંપૂર્ણ જંગલ લાલચટ્ટક લાવાથી ધગધગી રહ્યા છે. પ્રસિદ્ધ કવિ ભાટવિએ તો એને હવાની લહેરખીથી ફેલાયેલી દાવાનળની તુલનામાં કેસૂડાની બિછાવેલ ચાદર સાથે કરી છે. સંસ્કૃતમાં ''પલાશ'' શબ્દથી ઓળખાતા આ ફૂલો ''પલ'' એટલે માંસ, અને ''અંશ'' એટલે ખાવું, એ પરથી બનેલ શવ પલાશ એટલે એવું વૃક્ષ જાણે માંસ ખાધુ હોય. પૂરબહારમાં ખીલેલા ફૂલોથી લદાયેલ આ વૃક્ષની ઉપમા સંસ્કૃત લેખકોએ ''પલં માંસમ્ અશ્નાતિ ઈતિ પલાશઃ''ના માધ્યમથી એવી ઉપમા આપી છે કે જાણે કેસૂડાનું વૃક્ષ માંસના લાલચટ્ટક લોચાઓથી ભરેલું છે. પોપટની ચાંચ જેવો વળાંક, રેશમ જેવી મુલાયમ, કામણગારી અને મોહક લાલ કેસરી રંગના ફૂલોની સુંદરતા અને અદ્ભૂતતાનું સંયોજન વિશ્વના કોઈ ફૂલોમાં નથી ! ખાખેડાના આ વૃક્ષને વૈજ્ઞાાનિક નામ ''બ્યુટિયા મોનોસ્પર્મા'' છે. મોનો સ્પર્માનો અર્થ થાય છે - ''એક બીજ વાળું.''

કેસૂડાના ફૂલોનું આ ખાખેડાનું વૃક્ષ આમતો ભારતીય ગણાય છે. અત્યંત શુલ્ક પ્રદેશો છોડીને ખુલ્લા ઘાસના મેદાનોમાં ટેકરીઓ પર, ડુંગરાળ પ્રદેશોમાં સમૂહમાં સાલ વૃક્ષની સાથે જોવા મળે છે.

કેસૂડાના ફૂલોનું ઔષધિય મહત્વ વિશેષ છે. પેરિસના એક લેખક ગુઈવોર્ટે ઔષધિઓ ઉપર લખાયેલા પુસ્તકમાં લખ્યું છે કે એક જમાનામાં કેસૂડાની એક ડાળખી એક પૌંડમાં વેચાતી હતી. ઇંગ્લેન્ડના જાણીતા દવા વિક્રેતા તેને ''ગમી રૂબમ એષ્ટ્રીનેજ'' નામથી ઓળખાતા હતાં.

કેસૂડાના ફૂલોની ત્રણ પાંદડીઓ હોય છે. જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. બ્રહ્મા માટે આ વૃક્ષ પવિત્ર મનાતું હોવાથી તેને સંસ્કૃતમાં બ્રહ્મ વૃક્ષ પણ કહે છે. તેના ઉપયોગ પુજામાં પણ થાય છે.

ગરમીનો આરંભ થતાની સાથે જ નવી પાંદડીઓ ફુટવા માંડે તે પહેલા કાપી ચમકદાર કલી ઉપર નારંગી રંગના પોપટની ચાંચ જેવા દેખાતા ફૂલોના ઝુમખાં ખીલવા માંડે છે. આ ફૂલોને સુગંધ હોતી નથી તેથી જ કદાચ કેસૂડાનું અલૌકિક સૌંદર્ય ગુલાબથી ચડિયાતું બની શકતું નથી ! ફૂલો ઊગી નીકળ્યા પછી નવા પાંદડાઓ પ્રગટે છે. ક્યારેક ક્યારેક કેસૂડાના પીળા અને સફેદ રંગના ફૂલો પણ જોવા મળે છે. આ ફૂલોમાંથી કાચો પીળો રંગ પણ મેળવવામાં આવે છે. તેની પાંદડીઓમાં ફટકડી, ચૂનો કે ક્ષાર મેળવીને અપેક્ષાકૃત પાકો ઘાટો નારંગી રંગ મેળવી શકાય છે. જે હોળી, ધૂળેટીના તહેવારોમાં રંગો છાંટવા આ ફૂલોની ભરપૂર માંગ રહે છે. 

પાણીના રંગોની હોળી, ધૂળેટી રમવા માટે કેસૂડાના ફૂલોને પાણીમાં ઉકાળવામાં આવે છે. તેને ઉકાળી લીલો રંગ અથવા ફૂલોને સૂકવીને તેને દળીને તેનો સુકો રંગ બનાવાય છે. એ ઉપરાંત તેનો ઉપયોગ છાપરા બનાવવામાં પણ થાય છે. તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં તેનો વિશેષ ઉપયોગ બીડી લપેટવામાં પણ થાય છે. જ્યારે ભેંસ અને હાથી માટે ચારા તરીકે, તેની છાલ અને પડના રેસામાંથી કાગળ અને દોરી પણ બનાવાય છે. તેના પાનનો વિશેષ ઉપયોગ ગુજરાતમાં બાજો-પડીયા બનાવવાનો મોટો ગૃહઉદ્યોગ તરીકે ગરીબ આદિવાસીઓ માટે સ્વરોજગારનું સાધન બન્યું છે. તેના મૂળનો ચર્ક આંખની દવા બનાવવાને કામમાં પણ થાય છે. આમ કેસૂડો મહત્વનું વૃક્ષ ઉપયોગી પુરવાર થયું છે. તેની ક્રમશઃ લુપ્ત થતી વનસ્પતિનું સંવર્ધન કરવામાં આવે તો બહુ ઉપયોગી અને અસરકારક સાબિત થાય એમ છે.