તહેવારોના દિવસો એટલે ખાઈ- પી, પહેરી- ઓઢીને મોજ માણવાનો સમય. તેમાંય દિવાળી આવે એટલે ઘરેઘરમાં મિષ્ટાન તેમ જ વિવિધ પ્રકારના નાસ્તાના ડબ્બા ભરાવા લાગે. વળી મિત્રો- સંબંધીઓને ત્યાંથી આવતાં બોક્સ જુદાં. અને ગુજરાતી પ્રજા ઘરે આવેલા મહેમાનોને આગ્રહ કરીને ન ખવડાવે એવું બને ખરું? આવી સ્થિતિમાં મોટાભાગના લોકોનું વજન બે- ત્રણ કિલો જેટલું તો વધી જ જાય. જો કે વજન વધ્યા પછી દિવાળીની મીઠાઈ અને તળેલાં નાસ્તા ખાવા બદલ પસ્તાવો પણ થાય. પરંતુ જો પહેલેથી થોડી તકેદારી રાખવામાં આવે તો ઉત્સવો પૂરાં થયા પછી વજન વધી જવાનો વસવસો કરવાની નોબત ન આવે.
જોકે આનો અર્થ એવો નથી થતો કે તમે દિવાળી વખતે મિષ્ટાન- ફરસાણ ખાઓ જ નહીં. આહારશાસ્ત્રીઓ કહે છે કે તમે જે ચાહો તે ખાઓ-પીઓ. પરંતુ અકરાંતિયા બનીને નહીં. તેઓ કહે છે કે તમે ઘરમાં મીઠાઈ ખાઓ ચાહે કોઈ ફંક્શનમાં જઈને મિષ્ટાન આરોગો, પણ તેમાં ચોક્કસ મર્યાદા રાખો. તમારી ભાવતી મીઠાઈ હોય તોય તમારી જીભને તેનો સ્વાદ મળી રહે એટલા પૂરતો એકાદ ટૂકડોે જ લો. જો ઘરમાં અલગ અલગ જાતની મીઠાઈઓ બનાવી હોય તો જુદા જુદા સમયે એક એક ટુકડો લો. તેવી જ રીતે તળેલાં નાસ્તા પણ પ્રમાણસર લો. અલબત્ત, કોઈના ઘરે મહેમાન બનીને જાઓ કે કોઈ ઈવેન્ટમાં હાજરી આપો ત્યારે ત્યાં સાગમટે બે-પાંચ જાતના મિષ્ઠાન- ફરસાણ મૂકવામાં આવશે. પરંતુ તેમાંથી તમને વધુ ભાવતા હોય એવા મીઠાઈ- નમકીન જ લો. જેટલું તમારી સમક્ષ મૂકવામાં આવ્યું હોય એ બધું જ ખાવું ફરજિયાત નથી હોતું.
ઘરે ખાવા માટેની મીઠાઈઓ બજારમાંથી લાવવાને બદલે ઘરમાં જ બનાવો. તમે ચાહો તો કોપરાપાક, લાડુ, ગોળપાપડી, મોહનથાળ, શીરો, શીંગપાક ઈત્યાદિ ઘરમાં સહેલાઈથી બનાવી શકો છો. જ્યારે તમે ઘરમાં મિષ્ટાન બનાવો ત્યારે તેમાં સાકરનું પ્રમાણ ઓછું રાખો. જો ઘરમાં કોઈને ડાયાબિટિસ હોય તો તેેને માટે સાકરના સ્થાને સુગર ફ્રી કે મધ નાખીને પણ મીઠાઈ બનાવી શકાય. આ જ વાત ફરસાણને પણ એટલા જ અંશે લાગુ પડે છે. છેલ્લા ઘણાં વર્ષથી ગુજરાતી ગૃહિણીઓ પણ બજારમાંથી ફરસાણ લઈ આવે છે. પરંતુ ઘરમાં બનાવેલાં ચેવડા, પુરી, ચકરી, શક્કરપારા જેવા નાસ્તામાં શુદ્ધ તેલનો ઉપયોગ કરવાથી તે શરીરને હાની નથી પહોંચાડતા.
સાંજના સમયે નાસ્તામાં મિષ્ટાન ખાવાને બદલે પેરનું રાયતું લો. દહીંમાં નામમાત્રની સાકર અથવા સુગર ફ્રી મિક્સ કરીને તેમાં ઝીણું સમારેલું પેર નાખો. પેરમાં લેવ્યુલોઝ નામની શર્કરા હોવાથી તે સ્વયં ગળ્યું હોય છે. વળી તમને દહીંમાં રહેલું પ્રોટીન મળશે તે છોગામાં.
દિવાળી પાર્ટીમાં જવાનું હોય તો સવારથી ભૂખ્યા રહેવાની ભૂલ ભારે પડશે. આહારશાસ્ત્રીઓ કહે છે કે ઘણાં લોકો એમ માને છે કે સાંજે પાર્ટીમાં ભારે આહાર લેવાનો છે તેથી બપોરનું ખાણું ન ખાવામાં જ ભલાઈ છે. હકીકતમાં તમે આખા દિવસના ભૂખ્યા હો ત્યારે સાંજે એકસાથે વધારે પ્રમાણમાં ખાઈ લો છો. જે અંતે તમારા વજન વધવાનું કારણ બને છે. બહેતર છે કે સાંજે પાર્ટીમાં જવાનું હોય તો બપોરે હળવું ભોજન લો. તેવી જ રીતે પાંચેક વાગે સુપ કે સલાડ લઈ લો. આમ કરવાથી તમે પાર્ટીમાં આપોઆપ મર્યાદિત પ્રમાણમાં જ ખાઈ શકશો. પાર્ટીમાં ગયા પછી પણ જેટલી જાતના સ્ટાર્ટસ હોય એ બધા જ ખાવાને બદલે તમને ભાવતાં એક કે બે સ્ટાર્ટરના બેથી ત્રણ ટુકડા ખાઓ. મુખ્ય ભોજનથી પહેલા સુપ પીઓ. ડિનરમાં પણ ટેબલ પર મૂકેલી વાનગીઓમાંથી તમને ભાવતી વાનગી મર્યાદિત પ્રમાણમાં લો. જો ડેઝર્ટમાં તમને ભાવતી વસ્તુઓ હોય અને તે ખાવામાં તમે કાબૂ રાખી શકો તેમ ન હો તો મુખ્ય ભોજનમાં માત્ર દાળ-શાક લો. પુરી કે ભાત ખાવાનું ટાળો.
તહેવારોના સમયમાં સવારના ઉઠીને સૌથી પહેલાં એક ગ્લાસ નવશેકુ લીંબુ પાણી પીઓ. બે-ચાર દિવસ લાગલગાટ પાર્ટીમાં જવાનું હોય તો ઘરમાં લીલા શાકભાજી, બીટ, બ્રોકલી, કાકડી, વટાણા,. સફરજન, અખરોટ, કેળાં, સંતરા, પીચ જેવા ક્ષારયુક્ત પદાર્થો ખાઓ.
વધારે કેલરીવાળો ખોરાક લેવાને કારણે વજન વધવાની ભીતિ હોવાથી દરરોજ ૨૦ મિનિટ કસરત કરો. તેને માટે જિમમાં જવાનું ફરજિયાત નથી. ૨૦ મિનિટ ચાલવાનું રાખો. જે વધારાનો સમય ન ફાળવી શકો તો ઓફિસની બિલ્ડિંગની લિફ્ટનો ઉપયોગ કરવાને બદલે પગથિયાં ચડીને જાઓ. જો મોટરમાં પ્રવાસ કરતા હો તો કાર થોડે દૂર પાર્ક કરીને થોડું ચાલીને ઓફિસે જાઓ. બસમાં પ્રવાસ કરતા હો તો બસમાંથી એક બસ સ્ટોપ જલદી ઉતરી જાઓ. અને એટલો માર્ગ પગપાળા ચાલો. રેલવે સ્ટેશન કે મોલમાં એસ્કેલેટરના સ્થાને પગથિયાનો ઉપયોગ કરો. ઘરમાં સવારના ઉઠીને ઝાડૂ વાળો. આમ કરવાથી કસરત પણ થઈ જશે અને તહેવારના દિવસોમાં ઘર સવારના પહોરમાં સાફ થઈ જશે. આવી નાની નાની બાબતો તમારા વજનને કાબૂમાં રાખવામાં મદદગાર પૂરવાર થશે.


