- ઓરડાનું ઉષ્ણતામાન નીચું રાખવા અજમાવો સરળ ઉપાયો
માનવી માટે તેનું ઘર સર્વસ્વ હોય છે. દિવસભરનો થાક્યો પાક્યો માણસ ઘરમાં પગ મૂકે ત્યાં જ તેનો અડધો થાક ઉતરી જાય. પણ ગરમીના દિવસોમાં આવું બને ખરું? ગ્રીષ્મ ઋતુની ધોમધખતી ગરમીમાં સ્ત્રી-પુરુષો નોકરીએથી અને બાળકો શાળામાંથી પરત ફરે ત્યારે તેઓ એમ ઈચ્છતા હોય છે કે ઘરમાં પહોંચ્યા પછી તેમને ગરમીમાંથી રાહત મળે. પરંતુ જો ઘરનું ઉષ્ણતાતમતાન જ ઊંચુ હોય તો?
જેમના ઘરમાં એરકંડિશન કે કૂલર હોય તેઓ આ ઉપકરણોનો ઉપયોગ કરીને ટાઢક મેળવી લે. પરંતુ જેમના ઘરમાં માત્ર પંખા જ હોય તેમનું શું. વળી ગૃહિણીઓને તો ચૂલા સામે ઊભા રહીને રાંધવાનું પણ હોય. આવી સ્થિતિમાં ઘરના ઉષ્ણતામાનને નીચું રાખવું ફાયદાકારક બની રહે છે. નિષ્ણાતો કહે છે કે ચોક્કસ બાબતોેની કાળજી અને ઘરમાં કેટલાંક ફેરફાર કરીને ઘરને પ્રમાણમાં ઠંડુ રાખી શકાય છે.
ઘરના તાપમાનને ઓછું રાખવા સૌથી પહેલાં તેમાં શક્ય એટલી જગ્યા ખુલ્લી રાખો. કહેવાનો અર્થ એ છે કે ઘરમાં જેટલો વધારોનો કબાડ હોય તે દૂર કરો. મોટાભાગના લોકો ઘરની બારી બહાર લગાવેલી ગ્રીલના હિસ્સામાં વધારાની વસ્તુઓ મૂકી રાખતાં હોય છે. પરિણામે હવાની અવરજવર અવરોધાય છે. ગ્રીષ્મ ઋતુ શરૂ થવાથી પહેલા આ બધો સામાન દૂર કરો. તેને માટે દિવાળી સુધી રાહ જોવાની જરૂર નથી.
ઊનાળાના દિવસોમાં ઘરના પડદા હળવા રંગના હોવા જોઈએ. તેથી જો તમારી બારી પર ઘેરા રંગના ફેન્સી પડદા લગાવેલા હોય તો તે બદલીને હળવા રંગના પડદા લગાવો. આ વાત તમારા સોફાના કવર, કુશન, બેડશીટ તેમ જ સેંટર ટેબલના કવરને પણ એટલા જ અંશે લાગુ પડે છે. આ બધી વસ્તુઓ પર લાઈટ કલરના કવર લગાવવાથી ઓરડામાં ગરમીનો પારો નીચે રહેશે.
ગરમીની ઋતુમાં ઘરમાં હવાની અવરજવર વ્યવસ્થિત રીતે થવી જોઈએ. જો તમારા ઘરમાં સામસામે બારી અથવા બારી-બારણાં હોય તો સવાર-સાંજે તેને ખુલ્લાં રાખો. આમ કરવાથી ઘરની હવા બંધિયાર નહીં બને અને તાજી હવા સાથે ગરમી પણ ઓછી વર્તાશે. હા, બપોરના સમયે આ બારી-બારણા બંધ કરી દો. કારણ કે બપોરે બહારની હવા જ એટલી બધી ગરમ હોય છે કે તે ઘરનું ઉષ્ણતામાન ઘટાડવાને બદલે વધારી મૂકે છે.
ઘરની દિવાલો પરનો રંગ પણ ઓરડાઓની ગરમીમાં વધારો -ઘટાડો કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ વાત છતને પણ એટલા જ અંશે લાગુ પડે છે. જો તમારું ઘર ટોપ ફ્લોર પર હશે તો તે વધારો તપશે. તેથી શક્ય હોય તો અગાશી પર પાણી નાખતા રહો. આ સિવાય ગરમીને ખાળવામાં ફોલ સિલિંગ પણ સારું કામ આપે છે તેથી શક્ય હોય તો ફોલ સિલીંગ કરાવી લો. તેવી જ રીતે છતને સફેદ અથવા આસમાની રંગે રંગો. તમે ચાહો તો છત પર આસમાની રંગથી વાદળો જેવી ડિઝાઈન પણ બનાવડાવી શકો છો. આમ કરવાથી ઘર સુંદર લાગવા સાથે ગરમી પણ ઓછી લાગશે. ઘરની ભીંતો પણ સફેદ, ક્રીમ, આસમાની કે આછા ગુલાબી જેવા રંગોથી રંગેલી હશે. તો ગરમી ઓછી લાગશે.
મોટાભાગના ઘરોમાં ટી.વી. સતત ચાલતું જ રહે છે. ઘણીવાર જોવામાં આવ્યું છે કે ઓરડામાં કોઈ ન હોય તોય ટી.વી. ચાલુ હોય. પરંતુ શું તમે જાણો છો કે ટી.વી. માઈક્રોવેવ, ઓવન, ગીઝર જેવા ઉપકરણો કેટલી ઉષ્ણતા પેદા કરે છે. તેથી જ્યારે જે ઉપકરણની આવશ્યક્તા ન હોય ત્યારે તે બંધ રાખો. વળી આ ઉપકરણોમાંથી આવતો તદ્ન હળવો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ પેદા કરે છે જે ગરમીમાં વધારાની અકળામણ પેદા કરે છે. આ બાબતનો અનુભવ ત્યારે થાય છે જ્યારે અચાનક વીજળી ગુલ થઈ જાય. તમે કદાચ નોંધ્યું હશે કે અચાનક વીજળી ગાયબ થઈ જાય ત્યારે કેટલી શાંતિ છવાઈ જાય છે.
ઘરમાં બળતી ટયુબલાઈટ કે પીળાં બલ્બ પણ ગરમી વધારવાના કારણો બને છે. આ સમસ્યાનું નિવારણ છે એલઈડી બલ્બ . આ બલ્બમાં પૂરતી રોશની મળે છે. આમ છતાં ટયુબ લાઈટ કે પીળા બલ્બની તુલનામાં ગરમી ઓછી લાગે છે.
એ વાત સર્વવિદિત છે કે છોડ પ્રાણવાયુ આપવા સાથે ટાઢક પણ આપે છે. જો તમારા ઘરની આસપાસ ખુલ્લી જગ્યા હોય તો ત્યાં છોડો-વૃક્ષો વાવો. જો તમારા ઘરમાં કે ઘરની ઉપર અગાશી હોય તો તમે ટેરેસ ગાર્ડન પણ બનાવી શકો. જો આવી કોઈ સગવડ ન હોય તો ઘરની બારીની ગ્રિલમાં કુંડાઓમાં છોડ વાવો. બારીમાં લટકતા કુંડા પણ હવામાં ઠંડક પ્રસરાવે છે. સાથે સાથે તે સુંદર પણ લાગે છે. તમે ચાહો તો ઈનડોર પ્લાન્ટ પણ રાખી શકો. ઘરના ખૂણાઓમાં ઈનડોર પ્લાન્ટ રાખવાથી ઓરડાઓની હવા શુદ્ધ અને શીતળ રહે છે.
જો ઘરની બહાર મોટું આંગણું હોય તો ત્યાં પાણીનો ફુવારો બનાવડાવો. ઘરમાં ટાઢી હવા લાવવામાં તે મહત્ત્વની ભૂમિકા ભજવશે. જો કે મહાનગરોમાં વસતા લોકો તો આવી કલ્પના સુધ્ધાં ન કરી શકે. પરંતુ તેમની પાસે આનો વિકલ્પ છે. પિત્તળના કે માટીના એક મોટા બાઉલમાં પાણી ભરો. તેને ઘરના દરવાજા કે બારી પાસે મૂકો. તમે ચાહો તો તેમાં ફૂલની થોડી પાંખડીઓ પણ નાખી શકશો. પાણી ભરેલા આ બાઉલ ઘરમાં શીતળતા ફેલાવવા સાથે ઓરડાને સુંદરતા પણ બક્ષે છે. વળી તેમાં નાખેલી ફૂલોની પાંખડીઓમાંથી આવતી મધુર સુગંધ મનને તરબતર કરે છે.
જરૂરી નથી કે તમારું ઘર વાતાનુકૂલિત હોય. અને તમારા ઘરમાં એરકંડિશનર હોય તોય તમે આખો દિવસ એસી ચાલુ કરીને ન બેસી શકો. પરંતુ ઘરને ઠંડુ રાખવાના આવા ઉપાયો અજમાવીને ગરમીમાંથી રાહત જરૂર મેળવી શકો.


