- વાસ્તુ મુજબ બાંધેલું ઘર શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને સમૃદ્ધિ આપે છે એવી એવી શ્રદ્ધા સચોટ પુરવાર થતી જાય છે
કોઈ પણ સંસ્કૃતિ,સમાજ,ધર્મ કે સંપ્રદાય હોય પણ તેનાં મૂળ તેનાં શાસ્ત્રોમાં હોય છે. આ શાસ્ત્રો જેટલા પ્રમાણમાં સમૃદ્ધ એટલા જ પ્રમાણમાં એ સંસ્કૃતિ, સમાજ, સંપ્રદાય, ધર્મ જીવંત અને સમૃદ્ધ હોવાનાં.એના સભ્યો પણ સંસ્કારી, પરિપક્વ, સમજદાર, વિકસિત અને સંતોષકારક જીવન જીવનારા હોવાના!
આપણી ભારતીય સંસ્કૃતિ પણ સાંસારિક જીવન, આધ્યાત્મિક જીવન,ખગોળ,ભૂગોળ, રસાયણ સહિતનાં અનેક વિજ્ઞાાન,આરોગ્ય પર્યાવરણ,વનસ્પતિ,અન્ય જીવસૃષ્ટિ જેવા અન્ય અનેક વિષયોને તથા માનવજીવનનાં તમામ પાસાંને આવરી લેતાં શાસ્ત્રોનો ભંડાર છે.
આમાંનું એક શાસ્ત્રો છે વાસ્તુશાસ્ત્ર :
આ શબ્દ સંસ્કૃતના ધવસધ ધાતુ પરથી બનેલો છે.'વસ' એટલે વસવું અને શાસ્ત્રો અર્થાત વિજ્ઞાાન.હિન્દુ પરંપરા મુજબ ઘરની બાંધણી એટલે કે ભવન નિર્માણકલાનું વિજ્ઞાાન.તેના નિયમ મુજબ બનાવેલું રહેઠાણ શારીરિક તંદુરસ્તી,મનને શાંતિ અને આથક સમૃદ્ધિ આપે છે એવી શ્રદ્ધા દિનપ્રતિદિન સચોટ પુરવાર થતી જાય છે.
આ શાસ્ત્ર ઘરની બાંધણી ઉપરાંત ફનચર, મંદિર,તિજોરી,ગેસ સ્ટવ ક્યાં મૂકવાંથી લઈ દરેક રુમના રંગ સુધીની ઘર સજાવટ માટેની અનેક બાબતોનું માર્ગદર્શન આપે છે. યાદ રહે કે આ શ્રદ્ધાનું શાસ્ત્ર છે.ભારતીય ફિલસૂફી પ્રમાણે વ્યક્તિને ફળ તો તેનાં કર્મ મુજબ મળે છે.હા,એ હકીકત છે કે વાસ્તુશાસ્ત્ર નેગેટિવ એનજીનો નાશ થાય અને પોઝિટિવ એનજી ઉત્પન્ન થાય એવું વાતાવરણ ઘરમાં સર્જી આપે.પછી શાંતિ, સુખાકારી, સમૃદ્ધિ મેળવવા એ વાતાવરણનો કેટલો લાભ લેવો એ વ્યક્તિના હાથમાં છે.
અલબત્ત, ઘરમાં પોઝિટિવ અને નેગેટિવ એનર્જી (સકારાત્મક - નકારાત્મક ઉર્જા)ના પ્રવાહની અવરજવર બારીબારણાં મારફતે થાય છે. એટલે વાસ્તુમાં બારીબારણાંની દિશા,તેની બનાવટની સામગ્રી, તેના આકાર વગેરે વિશે ખાસ આગ્રહ રાખતું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મકાન બાંધતી વખતે બારીબારણાં મૂકવામાં હવાઉજાસ ઉપરાંત આ આગ્રહને પણ ધ્યાનમાં રખાય તો ઘરમાં નેગેટિવ નહીં પણ પોઝિટિવ એનર્જી પ્રવેશે. આ વિશે વધુ જાણવું રસપ્રદ બની રહેવા સાથે ઉપયોગી પણ થશે.
પ્રવેશદ્વારની દિશા :
ઘરમાં પ્રવેશવાનું બારણું પૂર્વ,પશ્ચમ કે ઉત્તર દિશામાં હોય એને શુભ માનવામાં આવે છે.નેગેટિવિટીની અસરને ટાળવા બારીબારણાં દક્ષિણ યા તો નૈઋત્ય ખૂણા તરફી હોવાં જોઈએ નહીં. વળી,ઘરમાં આવવા માટેનું બારણું અન્ય બારણાં કરતાં વધારે નહીં પણ સહેજ મોટું અને વધુ સુશોભીત હોવું જોઈએ.
મુખ્ય બારણે અવરોધ :
મુખ્ય બારણાના માર્ગમાં ફૂલછોડ,પ્રતિમા,થાંભલા જેવા અવરોધો ન હોવા જોઈએ. આવા અવરોધ પોઝિટિવ એનજીના પ્રવાહને રુંધે છે.
બારીબારણાં માટે એક જ મટીરીયલ:
ઘરનાં તમામ બારીબારણાં એક જ મટીરીયલ અને શક્ય હોય તો ટીકવૂડમાંથી બનાવાય તો વધુ યોગ્ય છે. કારણ કે આ લાકડું સદનસીબને ખેંચી લાવે છે.મુખ્ય બારણાનું ચોક્ઠું (ફ્રેમ) લીમડાના લાકડાનું કે ધાતુનું ન હોવું જોઈએ.કેમકે આ બન્ને અશુભ મનાય છે.
સામસામેના ઘરનાં બારણાં :
એકબીજાની સામે હોય એવાં બે ઘરનાં મુખ્ય બારણાં બહારની બાજુએ એકબીજાની સામે ખુલતાં હોય એવું ન હોવું જોઇએ. આ રીતે બારણાં ખૂલે એને અત્યંત અશુભ માનવામાં આવે છે.
બારીઓનો આકાર :
તમામ બારીઓનો આકાર અને ઊંચાઈ એક સરખી હોવી જોઇએ. અલગ અલગ આકાર અને ઊંચાઈ અપશુકનિયાળ ગણાય છે?
દિવાલની મધ્યમાં બારણું :
વાસ્તુ મુજબ દિવાલની મધ્યમાં બારણું ન રખાય.મઘ્યથી થોડે દૂર રખાય પણ પાછું સાવ ખૂણામાં ય ન હોવું જોઈએ.
મિજાગરાંની જાળવણી : બારીબારણાંનાં મિજાગરાં(હિન્જ્સ)માં બરાબર ઊંજણ (તેલ લગાવવું તે)કરેલું હોવું જોઈએ. તે ખોલતાં કે બંધ કરતાં અવાજ ન થવો જોઈએ.એનાથી એકાગ્રતાની ભંગ થાય છે. ઝઘડા-કંકાસ ન થાય તે માટે તૂટેલાં કે તિરાડ પડી હોય એવાં બારણાં વહેલી તકે બદલી નાંખો.
ક્રોસ વેન્ટિલેશન :
ઘરમાં મહત્તમ પ્રકાશ અનેહવા આવે તેમ બારીબારણાં એકબીજાની સામે મૂકાવાં જોઈએ. મનની પ્રફુલ્લતા તથા આરોગ્યની દ્રષ્ટિએ પણ પર્યાપ્ત હવાઉજાસ જરુરી છે.
બારીબારણાંની સંખ્યા :
વાસ્તુ શાસ્ત્ર મુજબ બારીબારણાંની સંખ્યા બન્નેને અલગઅલગ રીતે ગણતાં ૨,૪,૬,૮ એમ સમ(એક સરખી સંખ્યા) હોવી જોઇએ.પણ દસ કે આઠના ગુણાંકમાં ન હોવી જોઇએ.
આ ઉપરાંત, મુખ્ય પ્રવેશ દ્વાર હંમેશાં અંદરની તરફ ખુલવું જોઈએ. તેના પર કોઈ માંગલિક કે શુભ ચિન્હ મૂકી શકાય.તેની બન્ને બાજુએ સરખા કદની બારી રાખવાથી શુભ પરિણામ મળે છે.આ બારીઓ ઘરમાં પોઝિટિવ એનર્જીના ે પ્રવાહ સતત વહેતો રાખે છે એમ મનાય છે. દક્ષિણમાં બારી ન રાખવી કેમકે આ દિશા યમરાજની ગણાય છે. કદાચ આ દિશામાં બારી હોય તો તેને બંધ રાખવી.
પ્રકૃતિની વચ્ચે સતત ખુલ્લામાં રહેવા ટેવાયેલા આદિમાનવે સદીઓ દરમિયાન ભલે પ્રગતિ કરી,સભ્ય બન્યો,સંસ્કારી થયો અને અડાબીડ જંગલ,ગુફાનો વસવાટ છોડી ઘરમાં રહેતો થયો પણ તેનું પ્રકૃતિના ઉઘાડ, ખુલ્લાપણા માટેનું આકર્ષણ ક્યારેય ઓછું થાય તેમ નથી!અને એટલે જ તે ઘરમાં રહેતો થયો ત્યારથી બારીબારણાંનું મૂલ્ય સમજતો થયો છે. બારબારણાં મકાનની સુંદરતાના એક મહત્વના ભાગ રુપ છે.એટલે જ વાસ્તુમાં તેના વિશે ઝીણવટભર્યુ માર્ગદર્શન છે. જોકે, વ્યક્તિએ વ્યક્તિએ આ માર્ગદર્શનના જાત અનુભવ,અર્થઘટનો,અભિપ્રાય, પ્રતિક્રિયા અલગ અલગ હોઈ શકે છે.
મનમાં જાતજાતના વિચારો,ઉદ્વેગ,ચિંતા, વિષાદ,હતાશા લઈને ઘરમાં બેઠા હોઈએ એવે સમયે ઘરની જ કોઈ બારી કે બારણું પવનની એક લહેરખી સાથે આસપાસના કોઈ વૃક્ષની ડાળી, લીલુંછમ પાન કે મરક મરક હસતું પુષ્પ,દિવસના ભૂરા રંગના કે રાતે ટમટમતા તારાથી ઝગમગતા આકાશનો એકાદ ટુકડો કે દૂધ જેવી ચાંદનીમાં નહાતા ચંદ્રની ઝાંખી આપણા સુધી લઈ આવે ત્યારે સમગ્ર ઉદાસીનતા ઓગળી જાય અને મન મ્હોરી ઊઠે છે.આથી ઉલટું, સરસ મઝાના હળવા મન સાથે બેઠા હોઈએ ત્યારે પણ બારીબારણાં પ્રકૃતિનાં આ પરમ તત્વો આપણી સમીપ લઈ આવે ત્યારે હૃદય ટાઢક અનુભવે,આનંદથી છલકાઈ ઊઠે છે. આ અસર જ ઘરમાં વાસ્તુ મુજબ યોગ્ય સ્થાને બારીબારણાં હોવાની મહત્તા કેટલી છે તે દર્શાવે છે!
- મહેશ ભટ્ટ


