ઘરને બારે મહિના સુઘડ રાખો .

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
ઘરને બારે મહિના સુઘડ રાખો                                        . 1 - image


- થોડી ચીવટ રાખશો તો કાયમ ઘર ચોખ્ખું જ રહેશે

દિવાળીનો તહેવાર આવતાંજ ઘરની સાફ-સફાઇ કરવામાં આવે છે. નવરાત્રિ બાદ જ બાર મહિનાની ભેગી થયેલી ધૂળને સાફ કરતાં નાકે દમ આવી જાય છે. પરંતુ શું તમે કયારેય એવું વિચાર્યું છે કે એકવખત ઘર સાફ થયા પછી કાયમ માટે તે આવું જ સુંદર રહે તો?આ માત્ર વિચાર નહિ હકીકત પણ બની શકે છે જો તમે થોડી ચીવટ રાખો. ઘરને વ્યવસ્થિત રાખવા માટે થોડું પ્લાનીંગ કરવું જરૂરી છે. આ માટે અહીં થોડી ટીપ્સ આપવામાં આવી છે જેનો ઉપયોગ કરવામાં આવે તો વર્ષભર ઘર સારું રહી શકે છે.

*સૌ પ્રથમ તો આવશ્યક સામાનની યાદી બનાવો. માસિક કરિયાણાની તથા અન્ય જરૂરી વસ્તુની યાદી નોટપેડ પર તૈયાર કરો અને આ યાદીને રસોડામાં એવી જગ્યાએ ટીંગાડો જયાં સહેલાઇથી નજર પડે. કામ કરતાં કરતાં જે કંઇ વસ્તુ લાવવાની યાદ આવે તે તરત જ તેના પર લખી લેવી જેથી કોઇ વસ્તુ ભૂલાઇ ન જવાય

*રસોડામાંથી ખરાબ થયેલા કુકર,ફૂડ પ્રોસેસેર,બ્લેન્ડર કે અન્ય બીનજરૂરી વસ્તુઓ  કાઢી નાંખો. આ નકામી વસ્તુઓ દૂર થતાં જગ્યા થશે તથા ત્યાંની સાફસફાઇ કરવાની કડાકૂટ પણ નહિ રહે.

*દવા,બેટેરી કે અન્ય નાની-નાની કામની વસ્તુઓને પ્લાસ્ટિકના કન્ટેનરમાં મૂકી લેબલ લગાડો. રસોડામાં રહેલી ખાદ્યસામગ્રીને પણ આ રીતે જ જુદા-જુદા ડબામાં ભરીને લેબલ લગાડો. આનાથી તમારી અભેરાઇઓ પણ વ્યવસ્થિત લાગશે અને વસ્તુઓ પણ સુરક્ષીત રહેશે.

*બિલ રાખવા માટે ફાઇલ બનાવો. રોજેરોજ ફાઇલીંગનું કામ કરવું અશક્ય છે એટલે બજારમાં મળતાં રંગબેરંગી ફોલ્ડર ખરીદવા. આ ફોલ્ડર પર માર્કર પેનથી મથાળાં લખવા જેમ કે-'ચૂકવવાના બિલ','ફાઇલમાં લગાવવાના બિલ' વગેરે.પછી રવિવારે કે એકાદ રજાના દિવસે બેસી તમામ બિલોને ફાઇલ કરવા.

*એક ડાયરી અથવા નોટબુક લઇને બે કોલમ બનાવવી. એક કોલમમાં આવશ્યક કામોની યાદી બનાવવી ,જયારે બીજી કોલમમાં સમય મળતાં કરવાના કામોની યાદી બનાવવી  . આ રીતે કરવાથી પ્રત્યેક કામ સમયસર પૂરા થશે અને ભૂલાઇ જશે નહિ.

*દર મહિને કેલેન્ડર તથા તમે બનાવેલી યોજના પર નજર નાંખવી. જે તારીખે મહત્વપૂર્ણ કામ કરવાના હોય તે અગાઉથી જ નોંધી લેવા. દરરોજ ડાયરી પર એક નજર નાંખવાની આદત પાડવી જેથી કશું ભૂલી ન જવાય.

*જો ઘરમાં કોઇ એવો સામાન હોય જેનો લાંબા સમયથી ઉપયોગ ન કર્યો હોય કે જેની ખાસ કોઇ ઉપયોગિતા ન હોય તો તેને ત્યાંથી કાઢી નાંખો.

*જો ઘરમાં ઉપરનો માળ હોય અને વારંવાર ઉપર નીચે ચઢ-ઉતર કરવી પડે તો જવા-આવવા સાથે લઇ જવાનો કે લાવવાનો સામાન પણ સાથે લઇ લેવો. આના કારણે શારિરીક ઊર્જાનો વ્યય થતો અટકશે.

 *દર રવિવારે અથવા તમારી સુવિધા પ્રમાણે કોઇ એક દિવસ ઘરના ચોક્ક્સ ભાગની સફાઇ કરવાનું નક્કી કરો.આનાથી ઘર સ્વચ્છ પણ રહેશે અને તમને થાક પણ નહિ લાગે.

*તહેવારોમાં કે ભારે ડિસ્કાઉન્ટનીઓફર હોય ત્યારે નવા કપડા ખરીદવામાં આવે છે.પરંતુ નવી ખરીદી કરતાં પૂર્વે કબાટમાં ભરેલા જુના ડ્રેસ અને સાડીને કાઢી નાંખો. આના લીધે કબાટમાં નવા પરિધાન વ્યવસ્થિત મૂકી શકાશે.

*ઘરને સુઘડ રાખવામાં પરિવારજનોની મદદ લેવી. કુટુંબના સભ્યોની વયને ધ્યાનમાં રાખી પ્રત્યેકને કામ સોંપવું. નાના બાળકોને પણ તેઓ કરી શકે તેવા કામ આપવા.

*હંમેશા કંઇક નવીન કરવાનો વિચાર કરવો. નકામી વસ્તુઓને પણ ઉપયોગમાં લેવી જોઇએ. જેમ કે- જવેલરી મૂકવા આઇસ-ટ્રેનો ઉપયોગ કરી શકાય આઇસ-ટ્રેના પ્રત્યેક ખાનામાં પેન્ડન્ટ, બુટ્ટી, ચેન વગેરેને અલગ-અલગ રાખી શકાય છે. બાદમાં આ ટ્રેને ડ્રેસિંગ ટેબલના ખાનામાં મૂકવી. આ કારણે નાની-નાની વસ્તુઓ પણ સુરક્ષીત રહેશે તથા તેને શોધવામાં સમય લાગશે નહિ.

*તમે નોકરિયાત હો કે ગૃહિણી , ઘરમાંથી નીકળતાં પૂર્વે ઘરને વ્યવસ્થિત કરો. બને ત્યાં સુધી બધી વસ્તુઓને યથાસ્થાને મૂકવાનો જ આગ્રહ રાખો. બાળકોમાં પણ નાનપણથી આ જ આદત કેળવો. તે જ પ્રમાણે ઓફિસમાંથી નીકળતી વખતે તમારા ટેબલને પણ ઠીકઠાક કરીને નીકળો.

*ઘણા બાળકો સ્વિમીંગ, ક્રિકેટ, બેડમીન્ટન કે અન્ય કોઇ વર્ગોમાં જતાં હોય છે. આવા બાળકોમાં બહારથી આવ્યા બાદ તેમની બેગને યથાસ્થાને મૂકવાની આદત પાડો. તેમની બેગને મૂકવાની જગ્યા નિર્ધારીત રાખો જેથી બાળક ત્યાંથી જ બેગ લઇને ત્યાંજ પાછી મૂકી શકે.

*ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને કાઢવાની કે સાફ કરવાની પણ ઇચ્છા થતી નથી. જુના સોફા, ટીવી, ફ્રિઝ, ગેસ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આવી વસ્તુઓને 'જુનું આપો નવું ખરીદો'ની યોજના હેઠળ કાઢી નાંખો.

જો નવી વસ્તુ ખરીદવાની જરૂર ન હોય તો કોઇ જરરિયાતમંદને અથવા કોઇ સંસ્થાને આપી દો. આવા વધારાના સામાનને વેચીને રોકડ રકમ એકબાજુ મૂકી રાખો જેથી કંઇક નવું ખરીદતી વખતે તે રકમ કામ લાગે.

*જુના સામાન સાથે જુની યાદો જોડાયેલી હોય છે. પરંતુ આ કારણસર તેને સંગ્રહી રાખવી ન જોઇએ.

ધરતીનો છેડો ઘર છે અને જયારે આ ઘર વ્યવસ્થિત હશે તો તે સ્વર્ગસમાન લાગશે. ઘરને સ્વર્ગ બનાવવાની ચાવી ગૃહિણીના હાથમાં છે તે વાત યાદ રાખવી.

- અદિતી


Google NewsGoogle News