કાશ્મીરી પશમીના અને જામેવારની શાલ
- ભાત ભાતની શાલમાં મોખરાનું સ્થાન ધરાવતી
- દરેક જાતના વસ્ત્ર સાથે શોભી ઉઠતી આ નરમ-મુલાયમ શાલ શ્રીમંતાઇ સાથે સ્ટાઇલનું પ્રતિક છે
શિયાળો શરૂ થતાં પહેલાં જ બજારમાં વિવિધ જાતની શાલ, સ્વેટર, કોટ જેવાં ગરમ વસ્ત્રો ઊભરાવા લાગે છે. હવે તો ગરમ કપડાં પણ ચોક્કસ બ્રાન્ડમાં ઉપલબ્ધ થવા લાગ્યાં છે. સ્વેટર અને કોટ તેની જગ્યાએ બરાબર છે, પણ શાલનો એક અનોખો અંદાજ, એક આગવી અદા હોય છે. આમ તો દેશભરના જુદા જુદા પ્રાંતની, જે તે સ્થળની ઓળખ આપતી નોખી નોખી જાતની શાલ હોય છે, આમ છતાં શાલનું નામ પડતાં જ દિલ-દિમાગમાં સૌથી પહેલાં 'કાશ્મીરી શાલ'નું નામ ઝબૂકે છે.
આજની તારીખમાં પશમીના, સેમી પશમીના, સિલ્ક પશમીના, કાશ્મીર વર્ક કરેલી, જામેવાર તેમ જ વિવિધ પ્રાંતની શાલોએ માર્કેટમાં ધૂમ મચાવી છે. આટલી બધી વિવિધતા જોઇને સ્હેજે મુંઝવણ થાય કે આ લઉં કે તે લઉં. પરંતુ શાલ લેતી વખતે સૌ પ્રથમ એ ધ્યાનમાં રાખો કે તમે શાલ કોને માટે ખરીદી રહ્યાં છો. કારણ કે જે શાલ કોઇ મોટી ઉંમરની વ્યક્તિના વ્યક્તિત્વને જાજરમાન બનાવશે, તે જ શાલ તમારા માટે ફીકી લાગશે. બીજું તમે માત્ર શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા જ શાલ ખરીદી રહ્યાં છો કે તમારા લગ્ન માટે? જો લગ્ન માટે લઇ રહ્યાં હો તો પશમીનાની અથવા જામેવારની શાલ ખરીદો. આ સિવાય બનારસની સિલ્ક બ્રોકેડ શાલ પણ ખરીદી શકાય. લગ્ન વખતે ખરીદેલી શાલ પછીથી પણ વર્ષાનુવર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
પશમીનાને પહાડી બકરીના અંદરના ભાગમાંથી કાઢવામાં આવે છે જે મનુષ્યના વાળ કરતાં છ ગણું મુલાયમ હોય છે. વજનમાં ખૂબ હલકી અને અત્યંત મુલાયમ પશમીનાની શાલ એક સમયમાં શ્રીમંતાઇનું પ્રતિક ગણાતી. આ શાલ ઓઢવાથી શરીરને મધ્યમ માત્રામાં ગરમાટો મળતો હોવાથી તે દરેક સિઝનમાં ઉપયોગમાં લઇ શકાય છે. પશમીનાની શાલ સૌ પ્રથમ વખત ૧૫મી સદીમાં કાશ્મીરમાં બનાવવામાં આવી ત્યાર પછી ૧૮મી સદીમાં આ શાલે યુરોપનું માર્કેટ સર કર્યું હતું. પશમીનાની શાલની ઉત્તરોત્તર વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને કારીગરોએ યુરોપિયન પસંદગી મુજબ તેની ડિઝાઇનમાં ફેરફાર કરીને ફ્રેંચ માર્કેટમાં ઊતારી હતી. આ શાલની ખૂબી એ છે કે તે દરેક જાતના વસ્ત્રો સાથે સરસ દેખાય છે. આ શાલ પર કરેલું કાશ્મીરી ભરતકામ તેને અત્યંત આકર્ષક બનાવે છે. જો કે છ હજાર કે તેનાથી પણ વધુ કિંમતમાં મળતી પશમીનાની શાલ ખરીદવી, દરેક જણ માટે શક્ય નથી હોતું.
પરંતુ તમે ઇચ્છો તો સેમી પશમીનાની અને અન્ય પ્રકારની કાશ્મીરી ભરત ભરેલી શાલ ખરીદી શકો છો. આ ઉપરાંત આજકાલ સિકવન્સ, મોતી વર્ક અને ક્રિસ્ટલ વર્ક કરેલી શાલ પણ ઇન ફેશન છે. આને મિક્સ એન્ડ મેચ કરીને ઇન્ડો-વેસ્ટર્ન પરિધાન સાથે પણ પહેરી શકાય છે. શાલમાં થતા ભરતકામની ખૂબી એ હોય છે કે તે બંને તરફથી પહેરી શકાય એટલી ખૂબસુરતી અને સફાઇથી કરવામાં આવે છે. કાશ્મીરી શાલ પર મોટાભાગે ફૂલ-પાનનું ભરતકામ કરવામાં આવે છે.
પશમીનાથી બનાવવામાં આવેલી જામેવારની શાલને કની શાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કનીએ લાકડીની એક જાતની કાંડી હોય છે જે શાલ વણતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. કની શાલને રંગબેરંગી અને ખૂબસુરત બનાવવા ઘણીવાર કારીગરો ૪૦ જેટલી કાંડીઓનો ઉપયોગ પણ કરે છે. આ શાલની ડિઝાઇન અદ્વિતીય હોય છે. આ શાલ કારીગરની કલ્પના અને મહેનત સાથે ધીરજની કસોટી કરે છે. જામેવારની એક શાલ બનાવતા એકથી ત્રણ વર્ષનો સમય લાગે છે અને તેની કિંમત ૨૦,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે. આ શાલ હાથ વણાટ તેમ જ મશીન વણાટ એમ બંને રીતે તૈયાર કરી શકાય છે. જો કે મશીન પર વણેલી શાલ હાથ વણાટ કરતાં વધુ મુલાયમ હોય છે.
પરંપરાગત ભારતીય વસ્ત્રો પર આ શાલ ખૂબ સુંદર લાગે છે. પ્રસંગોપાત પહેરવામાં આવતી આ શાલથી વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલી ઉઠે છે. ઘેરા રંગની શાલ યુવાન સ્ત્રીઓની ખૂબસુરતી અને અદાને અનોખો નિખાર આપે છે, જ્યારે આછા રંગની શાલ વયસ્ક સ્ત્રીને જાજરમાન બનાવે છે. અત્યંત બારીક ડિઝાઇનની આ શાલ દરેક જાતના વસ્ત્રો સાથે સુમેળ ખાતી હોવાથી ફેશન ડિઝાઇનરો પણ પહેલી પસંદગી જામેવાર પર ઉતારે છે.
વિવિધ પ્રાંતની શાલમાં ગુજરાતની, ઘેરા રંગમાં બનાવેલી, બાંધણી પર આભલા કામ અને શંખ કામ કરેલી શાલ પણ બહુ લોકપ્રિય છે. આ સિવાય હૈદરાબાદની હિમરૂ શાલ પણ અત્યંત લોકપ્રિય છે. હિમરૂ શાલ સિલ્ક અને સુતરના તાંતણાથી બનાવવામાં આવે છે જે બ્રોકેડ જેવી દેખાય છે. એમ કહેવાય છે કે હિમરૂ શાલના વેપારની શરૂઆત ઔરંગાબાદથી થઇ હતી. આ શાલ બનાવવા માટે અમદાવાદ અને બનારસથી કારીગરોને ઔરંગાબાદ લઇ જવામાં આવ્યા હતાં.
જો કે આજકાલ શાલની જેમ સ્ટોલ પણ ઇન ફેશન છે. ઘેરા રંગમાં આધુનિક ડિઝાઇનથી બનાવેલા સ્ટોલ પશ્ચિમી પોશાક સાથે ખૂબ પહેરાય છે. તહેવારો દરમ્યાન કે પ્રસંગોપાત બિડ્સ, સિક્વન્સ, ક્રિસ્ટલ કે આરી કામ કરેલા સ્ટોલ સામાન્ય પોશાકને પણ અસામાન્ય બનાવી દે છે.