Get The App

જગતભરના પુરૂષોમાં જાગી 'કે-બ્યુટી'ની ઘેલછા

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
જગતભરના પુરૂષોમાં જાગી 'કે-બ્યુટી'ની ઘેલછા 1 - image

- કાચ જેવી ચળકતી ત્વચા પામવાના ઉધામા

મેકઅપ કે સાજશણગારની વાત આવે ત્યારે આપણા મનમાં કોઈ પુરૂષનો વિચાર આવે ખરો? સામાન્ય રીતે આનો જવાબ 'ના'માં આવે. પરંતુ આજની તારીખમાં આ વાત સાવ સાચી ન ગણાય. આજના પુરૂષો, ખાસ કરીને યુવાનોને 'મરદ મૂછાળા', 'રફ ટક' ઇત્યાદિ કહેવડાવવાનું નથી ગમતું. તેઓ પોતાને સોફિસ્ટિકેટેડ, સોહામણા કહેવડાવવાનું પસંદ કરે છે. કદાચ આ કારણે જ છેલ્લા કેટલાક સમયથી પુરૂષોમાં પણ મેકઅપ કરવાનું ચલણ જોર પકડી રહ્યું છે. અને હમણાં હમણાં તો યુવાનોમાં કોરિયન મેકઅપ, એટલે કે ગ્લાસ સ્કિનની ઘેલછા જાગી છે. અલબત્ત, તેનો સઘળો યશ સોશ્યલ મીડિયાના ફાળે જાય છે. દુનિયાભરના પુરૂષોમાં આ ચલણે જોર પકડયું છે. મઝાની વાત એ છે કે કોરિયન મેકઅપ કરાવવામાં પુરૂષોએ મહિલાઓને પણ પાછળ છોડી દીધી છે. ચીન અને બ્રિટન પછી ભારતીય પુરૂષો કોરિયન મેકઅપ કરાવવામાં અગ્રેસર છે. હવે તમને ચોક્કસ એમ થશે કે શું છે આ ગ્લાસ સ્કિન? આના જવાબમાં સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે..,

કોરિયન મેકઅપ, એટલે કે- બ્યુટીમાં ગ્લાસ સ્કીન મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અને કાચ જેવી ચળકતી, બેદાગ ત્વચા પામવા ત્વચાની ખાસ સારસંભાળ લેવા સાથે વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે. વાસ્તવમાં ડાઘ-ધાબા વિનાની, એકસમાન રંગ ધરાવતી અને કાચની જેમ ચળકતી ત્વચાને કોરિયાઈ ગ્લાસ સ્કિન કહેવામાં આવે છે. ત્વચાને અનોખો ચળકાટ આપવા શીટ માસ્ક, ડયૂ મેકઅપ, ડબલ ક્લિન્ઝિંગ, ડાયટ, હાઇડ્રેશન, સનસ્ક્રીન, મૉઇશ્ચરાઇઝર, સીરમ, ફેસ ઑઇલ અને શીટ માસ્ક જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મેકઅપમાં લિક્વિડ હાઇલાઇટર, નેચરલ બ્લશ, લાઈટ વેટ ફાઉન્ડેશન, કંસીલર જેવા ઉત્પાદનો ઉપયોગમાં લેવાય છે.

સૌંદર્ય નિષ્ણાતો વધુમાં કહે છે કે આ બ્યુટી ટ્રીટમેન્ટની ખાસિયત છે ડબલ ક્લિન્ઝિંગ. જેમાં પહેલી વખત ત્વચામાં રહેલા વિષારી તત્વો દૂર કરવા ઑઈલ બેઝ્ડ ક્લીન્ઝરથી અને બીજી વખત મેકઅપ અને સનસ્ક્રીન દૂર કરવા વૉટર બેઝ્ડ ક્લિન્ઝિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આમ બમણું ક્લિન્ઝિંગ થવાને પગલે ત્વચામાં ભીનાશ જળવાઈ રહે છે. કોરિયાઈ મેકઅપમાં ત્વચાને અંદર સુધી મોઇશ્ચરાઈઝ કરવા હયાલૂરોનિક એસિડ ભેળવેલા હળવા એસેંસનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના સ્કિન કેરમાં ઉપયોગમાં લેવાતા આ પ્રોડક્ટમાં મુખ્યત્વે ફર્મેન્ટેડ રાઈસ અને ગ્રીન ટીનો સમાવેશ થાય છે. આ બંને વસ્તુઓ નુકસાન પામેલી ત્વચાનું સારી રીતે સમારકામ કરવા સાથે કોલેજનમાં પણ વૃધ્ધિ કરે છે. આ મેકઅપમાં ત્વચાને ચમકાવવા પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા શીટ માસ્ક મહત્વની કામગીરી બજાવે છે. તેમાં રહેલી સિરમ ત્વચાને નરમ-મુલાયમ બનાવે છે. કોરિયન મેકઅપમાં ક્રીમ તેમ જ લિક્વિડ ફોર્મમાં આવતાં પ્રોડક્ટ્સનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે જેને પગલે મેકઅપ ચળકવા લાગે છે. લિક્વિડ અને ક્રીમ પ્રોડક્ટસનો ઉપયોગ બ્લશ, હાઈલાઈટર, ફાઉન્ડેશન, કંસીલર, કરેક્ટર અને કંટૂરિંગના રૂપમાં કરવામાં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે કે-બ્યુટીને જગતભરમાં ફેલાવવામાં કૉરિયાના સંગીતે મહત્વનો ફાળો આપ્યો છે. કહેવાનો અર્થ એ છે કે છેલ્લા કેટલાંક વર્ષમાં કોરિયાઈ બેન્ડ વીટીએસ, સંગીત કે-પૉપ અને કોરિયાઈ શો બેહદ પ્રખ્યાત થયાં છે. વીટીએસમાં સામેલ પુરૂષોથી લઈને કોરિયાની સેલિબ્રિટીઓની ગ્લસ સ્કિન પર લોકોની આંખો ચોંટી જાય છે. આમ વિશ્વભરમાં આ પ્રકારની ત્વચા મેળવવાની ઘેલછા વધી છે. જેને પગલે કોરિયાના સૌંદર્ય પ્રસાધનોની માગમાં પણ ધરખમ વધારો થયો છે. એમ કહેવાય છે કે વર્ષ ૨૦૧૭માં કોરિયાની બ્યુટી ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર ૧૩ અબજ ડોલર હતું તે વધીને હવે ૧૬ અબજ ડૉલરને આંબી ગયું છે. સોશ્યલ મીડિયાએ તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

હવે પુરૂષો પણ પોતાના દેખાવ બાબતે અત્યંત જાગૃત થઈ ગયા હોવાથી તેમના માટે બનાવવામાં આવતાં સૌંદર્ય પ્રસાધનો/ ઉત્પાદનોમાં વૃધ્ધિ થવી સહજ છે. એક બેઝિક આઇબ્રો ટિંટથી લઈને સમગ્ર ચહેરાના મેકઅપ સુધીમાં પુરૂષો માટે દર વર્ષે નવા નવા ઉત્પાદનો ડિઝાઈન કરવામાં આવે છે. વાસ્તવમાં હવે યુવાનો ડેટિંગ, ઇન્ટરવ્યુ, વિવાહ કે અન્ય પ્રસંગોએ મેકઅપથી લઈને મેકઓવર સુધ્ધાં કરાવવા લાગ્યાં છે. તેઓ સોહમણા દેખાવા પોતાની ત્વચા, આઈબ્રો, હેરસ્ટાઈલ બાબતે સજાગ થઈ ગયા છે. સૌંદર્ય નિષ્ણાતો વધુમાં કહે છે કે કામના સ્થળે વધતી જતી સ્પર્ધાને કારણે પુરૂષોમાં આકર્ષક દેખાવાની જાણે કે હોડ જામી છે. વળી બદલાતી જતી જીવનશૈલી, યુવાન વયમાં જ મોટી કમાણી, સોશ્યલ મીડિયાને કારણે વધતું જતું એક્સપોઝર, બજારમાં ઉપલબ્ધ મબલખ સૌંદર્ય પ્રસાધનો/ઉત્પાદનોએ પુરૂષોમાં કોસ્મેટિક્સની માગ વધારી મૂકી છે.

એક અભ્યાસ મુજબ આજની તારીખમાં ૧૮થી ૨૫ વર્ષની વયના યુવાનો ગૂ્રમિંગ તેમ જ પર્સનલ કેર પ્રોડક્ટ્સ પર યુવતીઓ કરતાં વધુ ખર્ચ કરે છે. પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં પુરૂષો માટેના ઉત્પાદનોની માગ મોટા પ્રમાણમાં વધી છે. છેલ્લા પાંચ વર્ષમાં પુરૂષો માટેના પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં ૪૨ ટકાનો વધારો થયો છે. મઝાની વાત એ છે કે સમગ્ર ભારતના સલોં બિઝનેસમાં પુરૂષોનો હિસ્સો ૨૫થી ૩૦ ટકા જેટલો છે. પુરૂષોની સોહામણા દેખાવની ઘેલછાને પગલે સૌંદર્ય પ્રસાધનો ઉત્પાદન કરતી કંપનીઓ અલગ અલગ ક્લાસ માટે જુદાં જુદાં પ્રોડકટ્સ બજારમાં ઠાલવી રહી છે. કંપનીઓની નજર હવે ગ્રામીણ યુવાનો પર પણ ઠરી છે.

મનોચિકિત્સકો કહે છે કે જ્યારે આપણે આપણી ખામીઓને સંતાડીને ખૂબીઓને ઉજાગર કરીએ ત્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે. મેકઅપ કરવો એટલે પોતાના ચહેરા પરની ક્ષતિઓને સંતાડીને ખૂબીઓને પાધરી કરવી. આજના યુવાનોને આ રીતે આત્મવિશ્વાસ કેળવવામાં પણ કાંઈ ખોટું નથી લાગતું.

- વૈશાલી ઠક્કર