- આરોગ્ય સંજીવની
'જળોદર' રોગનાં લક્ષણો તેના નામ પરથી જ જણાઈ આવે છે. 'જળોદર' એટલે ઉદરમાં જળનું ભરાવું. પેટમાં અને વાયુના ભરાવાને કારણે જળોદર નામનો રોગ થાય છે. જળોદરનો સમાવેશ આયુર્વેદમાં ઉદરરોગોમાં કરવામાં આવ્યો છે. આયુર્વેદમાં ૮ પ્રકારનાં ઉદરરોગો બતાવવામાં આવ્યા છે. તમામ ઉદરરોગો કષ્ટસાધ્ય બતાવેલા છે. આજે હું તમામ ઉદરરોગો વિશે વાત ન કરતાં માત્ર જળોદર ઉપર જ ચર્ચા કરવાની છું. કારણ કે, જળોદર એ તમામ ઉદરરોગોની અંતિમ અવસ્થા છે, અને બધા જ ઉદરરોગો અવદશા થતાં જલોદરમાં પરિણમી છે.
જળોદર રોગમાં પુષ્કળ પાણી ભરાઈ જાય છે, જેનાથી દર્દી ખૂબ જ પીડા અને બેચેની અનુભવે છે. આ રોગમાં વારંવાર ટેપિંગ (પાણી ખેંચાવવું) પડે છે. પરંતુ પાણી કઢાવ્યા પછી પાછું તરત જ ઉદરમાં ફરી પાણી ભરાઈ જાય છે. દર્દીનું પેટ મોટું ને મોટું તુંબડા જેવું થતું જાય છે. જેનાથી દર્દીને ચાલવામાં, બોલવામાં અને શ્વાસ લેવામાં પણ ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે. આ રોગમાં દર્દી ખોરાક પણ લઈ શકતો નથી. જો વ્યક્તિ અધિક સ્નેહપાન અને પંચકર્ણ ચિકિત્સા કર્યા બાદ તુરંત જ શીતળજળનું સેવન કરે તેનાં ઉદકવાહીસ્ત્રોતો દૂષિત થઈ જાય છે, અને તેને જળોદર રોગ થાય છે. જળોદર રોગથી પીડાતી વ્યક્તિનું પેટ મોટું ફુલેલું અને ભારે થઈ જાય છે. નાભિ બહાર તરફ આવી જાય છે અને પેટ ફૂલતું જાય છે.
દર્દીની નાભિ સપાટ થઈ જાય છે તથા જેવી રીતે પાણી ભરેલી મશકમાં કંપન અને ધ્વનિ થતા હોય છે તેવી જ રીતે જળોદરના દર્દીના પેટમાંથી અવાજ અને કંપન થતા હોય છે. જળોદરના દર્દીનાં ઉદર ઉપર વિવિધ રંગની શિરાઓ જોવા મળે છે. ઉદરગુહામાં જળનું દબાણ વધવાથી અઘરી મહાશિરાઓનો માર્ગ રોકાઈ જાય છે. જેથી લોહી ઉદરની બાહ્યત્વચાઓની શિરાઓ દ્વારા હૃદય તરફ જાય છે. તેથી ઉદર (પેટ) ઉપર વિવિધ રંગની જુદી જુદી શિરાઓ જોવા મળે છે.
આ રોગમાં દર્દીને ટેપિંગ કરવાની સલાહ ડૉક્ટરો આપતા હોય છે. આયુર્વેદમાં પણ જળોદરના રોગી માટે શસ્ત્રક્રિયા દ્વારા દૂષોટકને બહાર કાઢવાની ક્રિયાનું સવિસ્તર વર્ણન શલ્યતંત્રમાં કરવામાં આવ્યું છે અને જેનાથી રોગીને ફાયદો પણ થાય છે. જળોદર રોગ માટે આયુર્વેદમાં કેટલાક સરળ ઉપચારો પણ દર્શાવ્યા છે. જે પથ્યમિત્રોની જાણકારી માટે અહીં મુકું છું. છતાં આ રોગના દર્દીઓ માટે ખાસ સૂચના છે કે,
નિષ્ણાત ડૉક્ટરો કે વૈદ્યની સલાહ મુજબ જ ટ્રીટમેન્ટ લેવી, કારણ કે આ અતિ કષ્ટદાયક રોગને દુઃસાધ્ય કે અસાધ્ય થતાં સહેજ પણ વાર લાગતી નથી.
જળોદર રોગનાં સરળ આયુર્વેદિક ઉપચારો :
(૧) આ રોગના દર્દીને સાંઢડી (ઊંટડી)નાં દૂધ ઉપર રાખવો. જેથી ઝાડા થઈ પેટમાં ભરાયેલ બધું જ પાણી નીકળી જાય છે, અને ફરી તે ભરાતું નથી. ૨૧ દિવસ સુધી આ પ્રયોગ થાય તો સારું પરિણામ મળે છે.
(૨) ઊંટડીનું દૂધ જો ન મળે તેમ હોય તો બકરીનાં દૂધ ઉપર ૨૧ દિવસ રહેવું. તેમાં ક્ષારપર્પટી ૨-૨ ચપટી મેળવી ત્રણ વાર સવાર, બપોર, સાંજ આ દૂધ લેવું. વચ્ચેના સમયમાં સાદું દૂધ લેવું.
ઉપરના બન્ને પ્રયોગમાં દૂધ ગરમ કરતી વખતે થોડી સાકર અને ઇલાયચી નાખી શકાય છે. એ આ પ્રયોગ ચાલતો હોય તરસ લાગે ત્યારે પણ દૂધ જ પીવું,પાણી પીવું નહીં. ફક્ત દૂધ ઉપર જ રહેવું.
જળોદર માટે આયુર્વેદનાં ઉપરોક્ત જે બે પ્રયોગો બતાવ્યા છે, તેનું નિષ્ણાંતની સલાહમાં રહીને પાલન કરવામાં આવે તો જળોદરના રોગીને અવશ્ય ફાયદાકારક પરિણામ પ્રાપ્ત થાય છે.
(૩) આ સિવાય આ રોગના રોગીને તાજુ ગૌ-મૂત્ર સવાર-સાંજ ૧-૧ તોલો પીવું. તેમાં પાણી ન મેળવવું. જેથી ઝાડા થઈ બધું પાણી બહાર નીકળી જાય છે.
(૪) સરગવાની છાલનો ક્વાથ જવખાર નાખીને રોગીને પીવડાવવામાં આવે તો પણ જળોદરમાં ઘણો જ ફાયદો કરે છે.
(૫) અજમો ૨ ભાગ અને ખારેકમાં શેકેલા ઠળિયાનું ચૂર્ણ ૧ ભાગ મિશ્ર કરી રાખવું. આ ચૂર્ણ ૧-૧ ચમચી સવાર-સાંજ પાણી સાથે દર્દીને આપવું. જેનાથી જળોદર અને પેટનો વાયુ મટે છે. ઠળિયાને ઘીનો હાથ લગાડીને પછી શેકવો જેથી ચૂર્ણ સહેલાઈથી થશે.
(૬) ૩ તોલા દિવેલ બકરીના દૂધમાં મેળવીને દર્દીને પીવડાવવું જેથી ઝાડા થશે અને જળોદરમાં ખૂબ ફાયદો થશે.
ઉપરોક્ત પ્રયોગો નિષ્ણાતની સલાહમાં રહીને જ કરવા અને ચિકિત્સા ચાલુ હોય ત્યારે નિષ્ણાત કે વૈદ્યની સલાહ પ્રમાણે જ ખોરાક લેવો જેથી આ રોગમાં ધાર્યા પરિણામો મળી શકે.
- જ્હાનવીબેન ભટ્ટ


