Get The App

જાલીમ ઊધઈનો અસરકારક ઉપાય

Updated: Oct 6th, 2020

GS TEAM

Google News
Google News
જાલીમ ઊધઈનો અસરકારક ઉપાય 1 - image

અમદાવાદમાં રહેતા મીનાબહેનના ઘરમાં ખૂબ જ ઊધઈ થાય છે.  ઊધઈ એક 'સેન્શિયન્ટ' - સંવેદના ધરાવતો અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાાન પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવતો જીવ છે. ઈશ્વરે તેની રચના એક ખાસ કારણથી કરી છે તેવું તેમનું  માનવું છે, પણ આ વર્ષે ઊધઈના સૈન્યે મીનાબહેનના ઘરના  ઘણાં  બધાં અમૂલ્ય પુસ્તકોનો ખુરદો બોલાવી દીધો.

સાથે ઘણી સાડીઓ, શાલ અને કીમતી વસ્ત્રો પણ તેના સપાટામાં આવી ગયાં. આ સૈન્યે ચૂપચાપ તેમના કબાટનું પાછળનું લાકડું કોરી નાખ્યું. મારે મારા સુંદર લાકડાનાં કબાટોનો નિકાલ કરી લોખંડના જરા પણ કળાત્મક નહીં તેવાં કબાટોને શરણે જવું પડયું.

તેમના જૂના  ઘરમાં ઊધઈપ્રૂફ થવા માટેનાં કોઈ પગલાં લેવાયાં નથી. આ ઘરમાં  કોઈ ફાઉન્ડેશન લગાડાયું નથી. આખું વર્ષ ઘરને ઠંડુંગાર કરી મૂકતો ભેજ રહ્યા કરે છે. ઊધઈઓને માટે આદર્શ એવું વાતાવરણ અહીં ચે એટલે તેઓ ભીંતમાં ઘર બનાવ્યા કરે છે અને તેની સાથે સંઘર્ષ ચાલ્યા કરે છે.

મીનાબહેન કહે છે જ્યારે મેં છાપામાં કેરીના વાવેતરને બચાવવા વિશે વાંચ્યું. ઉત્તર પ્રદેશમાં ઘણી કેરીની વાડીઓમાં હળદરના છોડ ઉગાડવામાં આવે છે. મને એમ હતું કે હળદરનું વાવેતર એ વધુ પૈસા રળવાનો એક ફળદ્રુપ નુસખો છે, પણ હવે મને ખબર પડી છે કે આ વાવેતરની પાછળ એક વધુ બુદ્ધિમાન હેતુ છે - ભારતીય કૃષિના રિસર્ચ ઇન્સ્ટિટયૂટના વૈજ્ઞાાનિકોએ શોધ્યું છે કે હળદરથી ઊધઈ દૂર રહે છે અને તેથી ફળોની વાડીઓમાં હળદર જરૂર ઉગાડવી જોઈએ.

બીજો એક ગ્રામ્ય નુસખો તેમને  એક મિત્રે કહ્યો હતો કે તેઓ પોતાના ઘર કે ખેતરમાં છાણનો ઢગલો કરી રાખતા. ઊધઈ થવાની હોય તો છાણમાં પહેલાં થાય. તેઓ છાણને તો બાળવાના હોય એટલે ઊધઈ પણ બળી જાય.  કદી આવું જોયું નથી, પણ આ રીતે મારી નાખવું એ ઊધઈને દૂર કરવાનો ચિરકાલીન ઉપાય હોઈ ન શકે. 

રાસાયણિક દ્રવ્યોથી ઊધઈને દૂર કરી શકાય, પણ આવાં દ્રવ્યો પણ ઊધઈને મારી નાખે છે અને જ્યાં છાંટીએ ત્યાં કદરૂપા ડાઘા પડે છે. ઘણું સંશોધન કર્યા પછી  ઊધઈથી બચવાના અહિંસક ઓર્ગેનિક ઉપાયો મળ્યા છે. સૌથી અસરકારક રસ્તો ઊધઈ થવા જ ન દેવાનો છે. તે થાય પછી જાગવું તે કરતાં તેને થવા જ ન દેવી તે દરેક રીતે સારું છે.

તે માટે લાકડાંને ઘરથી દૂર, ફળિયાના છેડે સંગ્રહવાં, ઘરમાં તિરાડો હોય તો સત્વરે પુરાવી દેવી, લાકડાંના વરંડા પોલિશ કરાવતાં રહેવું, ઘરની બહાર પણ તિરાડોને પુરાવ્યા કરવી, માટી ભીની હોય ત્યારે ઊધઈ જલદી નજરે ચડે છે. ઓલ વેધર વૂડ સીલર આવે છે તે ભીનાં  દેખાતાં લાકડાં પર લગાડવું જોઈએ અથવા લાકડાંની સપાટી પર બોરિક એસિડવાળું પાણી લગાડવું.

ઘરની બહાર કે અંદર ઊધઈ થાય તો તે માટેના પ્રાકૃતિક ઉપાયો નીચે મુજબ છે :

૧) ઊધઈ થઈ હોય તેની આજુબાજુ ડ્રીલથી કાણાં પાડી તેમાં નારંગીનું તેલ કે ડી-લીમોનીન પૂરવું. નારંગીનું તેલ થોડાં ઝેરી તત્ત્વો ધરાવે છે. તેનાથી ઊધઈ ચાલી જશે. આ તેલ નારંગીની છાલમાંથી કાઢવામાં આવે છે અને પર્યાવરણને તેનાથી કશી હાનિ થતી નથી. તેનાથી ઊધઈનો નાશ થાય છે, પણ મનુષ્યો કે પ્રાણીઓ પર કોઈ ખરાબ અસર થતી નથી. ૨) ઘરને વ્યાવસાયિક રીતે 'હીટ ટ્રીટ' અપાવવી. તેમાં ઘરનું તાપમાન ૧૨૦૦ ફેરનહીટ જેટલું ઊંચું લઈ જવામાં આવે છે અને ૩૩ મિનિટ સુધી એ જ તાપમાન રહેવા દેવાય છે. નાનાં ઘર અને અપાર્ટમેન્ટમાં આ ઉપાય બહુ અસરકારક સાબિત થાય છે.

જોકે, કોંક્રિટના અમુક પ્રકારોને ગરમી આપવા સરળ હોતી નથી. ૩) ઘરની આસપાસ એક નીક જેવું ખોદી તેમાં સપ્રમાણ આકારના પથ્થરો ભરી દેવાથી ઊધઈ આવતી નથી. તેના માર્ગમાં આવા પથ્થરો એક દીવાલ જેવું કામ આપે છે. ૪) બોરિક એસિડને પાણીમાં કાલવો અને તેને ઊધઈગ્રસ્ત જગ્યાઓ પર લગાડો. વર્ષો સુધી ઊધઈ પાછી નહીં આવે. ઊધઈની સંભાવનાવાળી જગ્યાએ આ દ્રાવણ લગાડવું. તે સુરક્ષાત્મક ઉપાય તરીકે સરળ અને ઉત્તમ છે. ૫) નાની જગ્યામાં ઊધઈ દેખાય ત્યારે ફ્રિઝિંગ પ્રોસેસ પણ ઉપયોગી નીવડે છે. તેમાં પ્રવાહી નાઇટ્રોજન લઈ તેને ઊધઈગ્રસ્ત વિસ્તારો પર છાંટવાથી ઊધઈના દર થીજી જાય છે.

વનસ્પતિના ભાગ અથવા અમુક વનસ્પતિના છોડવા પણ અસરકારક હોય છે. સંબંધિત ભાગોને પાઉડર બનાવી ઊકળતાં પાણીમાં કાઢો કરવામાં આવે છે. આ કાઢાને ઊધઈગ્રસ્ત ભાગો પર છાંટવામાં આવે છે. અમુક ઝેરી ફળોનાં રસ, માવો કે છાલને સીધા પણ ઉપયોગમાં લઈ શકાય છે.

અમુક વનસ્પતિની વાસ તીવ્ર હોય છે, તેથી તેનાથી કીટકો દૂર રહે છે. આવો એક છોડ એરંડાનો છે જેમાંથી બનતું એરંડિયું તેલ આપણે અનાજને સાચવવા માટે વાપરીએ છીએ. આ છોડનાં પાંદડાં  અને લીલી ડાળીઓ જંતુનાશક ગુણ ધરાવે છે. એરંડાના પુખ્ત છોડ પરથી નરમ ડાળ અને પાંદડાંને મોજાં પહેરીને કામમાં લેવાં. તેને પાણીમાં ચોળી ઉકાળવાં અને પછી ધીમા તાપે ૩૦-૪૦ મિનિટ રાખવાં. હાથ અને ચહેરા પર છાંટા ન ઊડે તે જોવું. ત્યાર પછી આ દ્રાવણ ઠંડું પાડવું ને ગાળી લેવું. ગાળેલું દ્રાવણ ઊધઈના દર પર છાંટવું. બચેલા કૂચા ખાતર તરીકે વાપરવા.

કડવા લીમડાનું લાકડું પણ ઊધઈને અટકાવે છે. ગ્રેનાઇટ, રેતી કે કાચના ભૂકામાં લીમડાના લાકડાનો ભૂકો ભેળવી આ કરકરો પાઉડર દીવાલોની તિરાડોમાં ભરવો. આના લીધે ઊધઈને અવરજવર કરવામાં તકલીફ પડે છે અને તે દર બાંધી શકતી નથી. ઘરની ચારેતરફ આ ભૂકાનું જાડું પડ પાથરવાથી દરેક પ્રકારના કીડા ઘરમાં આવતા અટકે છે. લીમડાનો ભૂકો ઊધઈ-પ્રતિરોધક છે. કડવા લીમડાનું તેલ અને એરંડિયાનું તેલ મિક્સ કરી ઊધઈના દર પર નાખી શકાય. રબરનું દૂધ પણ ઊધઈને અટકાવે છે. કાળા મરી જીવડાને ગમતા નથી. તેનો ભૂકો પણ ઉપયોગી છે.

કરોળિયા, લીયન્સ, માખી, ફૂદાં, કીડી, દેડકાં, સરકતા જીવો, ચામાચીડિયું ને વાંદરા સાથે ઊધઈને બનતું નથી, તેથી જંગલમાં ઊધઈનો ઉપદ્રવ ઓછો હોય છે. સગવડ હોય તો ઘરની બહાર ઝાડ વાવવાં. આવા જીવો ઝાડ પર આશ્રય લે છે ને તેથી ઊધય થતી અટકે છે.

ઇજિપ્શિયન થોર્નનું લાકડું, અમેરિકન એલો, લસણ, કાજુના છોડનું તેલ, મેક્સિકન પોપી, કડવો લીમડો, ચાની પત્તી, પો-પોનાં ફળ-પાન-મૂળ, પીળા કેશિયા અને કેસોફ, ચેસ્ટનટ ઓક, સીડર, ચંદન, મેક્સિકન મેરિગોલ્ડ અને ટીકનાં છોડ-વૃક્ષના વિવિધ ભાગો જંતુનાશક તરીકે ઘણા ઉપયોગી છે.