Get The App

એઆઈ ચેટ'બોટ'માં બેસીને તરવું કે ડૂબવું તમારા હાથમાં છે

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
એઆઈ ચેટ'બોટ'માં બેસીને તરવું કે ડૂબવું તમારા હાથમાં છે 1 - image

- આજની તારીખમાં ડગલેને પગલે  (એઆઈ)નો વધારે પડતો ઉપયોગ થવા લાગ્યો છે. ગોર્ક, જેમિની, ચેટજીપીટી જેવા ચેટબોટ હાથવગાં થતાં જ લોકો પોતાનું મગજ દોડાવવાને બદલે એઆઈ પાસેથી કામ કઢાવવાના શોર્ટ કટ અપનાવવા લાગ્યાં છે.હદ તો ત્યારથી થઈ ગઈ છે જ્યારથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પોતાનું હોમવર્ક સુધ્ધાં એઆઈ પાસેથી કરાવવા લાગ્યાં છે.

કોઈપણ આવિષ્કાર માનવી માટે સારા-નરસાં, બંને પાસાં લઈને આવે છે. જેમ કે ગૃહિણીઓને મિક્સર-ગ્રાઈન્ડર, વોશિંગ મશીન, મોપ, ડિશ વોશર જેવા સાધનોએ તેમના શારીરિક શ્રમમાંથી મોટી રાહત આપવા સાથે તેમનો પુષ્કળ સમય પણ બચાવ્યો છે. પણ તેનું દુષ્પરિણામ એ આવ્યું છે કે ગૃહકાર્યો કરવાને પગલે તેમના શરીરને મળતો વ્યાયામ લગભગ બંધ થઈ જતાં મહિલાઓનું વજન વધવા લાગ્યું, સમયથી પહેલાં જ તેમને સાંધાના દુખાવાની તેમ જ સ્થૂળતા સાથે આવતી અન્ય વ્યાધિઓ ઘેરવા લાગી. આનો સીધો અર્થ એ થયો કે તેમણે હાથ-પગ ચલાવવાનું છોડીને સઘળું કામ મશીન પાસેથી લેવા માંડતા તેમના શરીરને તેની સીધી અસર થઈ. આપણું શરીર પણ એક મશીન છે અને મશીનને ચાલતું ન રાખો તો તે કટાઈ-ખોટકાઈ જાય. આવું જ કાંઈક આપણા દેશની મહિલાઓ સાથે થઈ રહ્યું છે, ખાસ કરીને મોટા-નાના શહેરોમાં રહેતી અને ગૃહકાર્યો માટેના સાધનો વસાવી શકતી સ્ત્રીઓ સાથે. ચિંતાજનક વાત એ છે કે હવે આ વાત આપણી ઉગતી પેઢીને જ નહીં, યુવા પેઢીને પણ લાગૂ પડી રહી છે. પરંતુ શરીર નહીં, મગજ બાબતે. હા, જો સમયસર સાવધાન થવામાં પાછાં પડયાં તો તેના માઠાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. કહેવાનો અર્થ એ છે કે આજની તારીખમાં ડગલેને પગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો વધારે પડતો ઉપયોગ થવા લાગ્યો છે. ગોર્ક, જેમિની, ચેટજીપીટી જેવા ચેટબોટ હાથવગાં થતાં જ લોકો પોતાનું મગજ દોડાવવાને બદલે એઆઈ પાસેથી કામ કઢાવવાના શોર્ટ કટ અપનાવવા લાગ્યાં છે. ચાહે યુવા વર્ગને પોતાનો સીવી બનાવવાનો હોય કે પછી ઓફિસના કામના ભાગરૂપે અલગ અલગ વિષયો પર લેટર બનાવવાના હોય. હદ તો ત્યારથી થઈ ગઈ છે જ્યારથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પોતાનું હોમવર્ક સુધ્ધાં એઆઈ પાસેથી કરાવવા લાગ્યાં છે. આજે આપણે માત્ર આ મુદ્દે વાત કરીને એઆઈના ફાયદા અને નુકસાન સમજવાનો, એઆઈ પાસેથી ક્યું કામ લેવું અને ક્યાં તેનો ઉપયોગ ટાળલવો તે સમજવાનો પ્રયાસ કરીશું.

તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આપણા દેશની શાળાઓ તેમ જ મહાવિદ્યાલયોમાં એઆઈની મદદથી નોટ્સ બનાવવાનું કે હોમવર્ક કરવાનું ચલણ ઝપાટાભેર વધી રહ્યું છે. છાત્રો પોતાનું હોમવર્ક અસાઇનમેન્ટ, એટલે સુધી કે નોટ્સ પણ ચેટ જીપીટી, ગ્રોક, જેમિનીમાં જેવા એઆઈ ટૂલ પાસેથી કરાવી-બનાવડાવી રહ્યાં છે. પ્રારંભિક તબક્કે શિક્ષકોને આ મુદ્દે આંચકો લાગ્યો હતો, ધીમે ધીમે આ આંચકો ગુસ્સામાં પરિવર્તિત થયો અને હવે તે ડરમાં તબદીલ થઈ ગયો છે. આનું કારણ એ છે કે જે વિદ્યાર્થીઓ ૯૦ થી ૯૫ ટકા ગુણાંક લાવવા સક્ષમ હતાં તેઓ આખરી પરીક્ષામાં ૬૦ થી ૬૫ ટકા ગુણાંક માંડ લાવી રહ્યાં છે. શિક્ષકો કહે છે કે માત્ર બનાવટી બુધ્ધિ (એઆઈ)ના ભરોસે નોટ્સ બનાવવાનું પરીક્ષામાં ભારે પડી શકે. તાજેતરમાં કરવામાં આવેલા અન્ય એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૧૧મા-૧૨મામાં અભ્યાસ કરતાં ૬૮ ટકા વિદ્યાર્થીઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણેક વખત તો પોતાનું હોમવર્ક એઆઈ પાસેથી કરાવી લે છે.

નિષ્ણાતો કહે છે કે જ્યાં સુધી તમે જાતે જ સમજી-વિચારીને નહીં લખો ત્યાં સુધી જે તે કોન્સેપ્ટ તમારા મગજમાં બેસતો જ નથી. તમે જ્યારે કહેશો ત્યારે એઆઈ તમારું કામ કરી આપશે. પરંતુ આ શોર્ટકટ તમને પરીક્ષા તેમ જ વાસ્તવિક જીવનમાં પાછળ પાડી દેશે. જે સવાલનો જવાબ એઆઈએ પળભરમાં તાસક પર ધરીને આપી દીધો હશે તે જ પ્રશ્ન જો એક્ઝામ અથવા રીઅલ લાઈફમાં થોડી જુદી રીતે પૂછાશે ત્યારે તમે મૂંઝવણ અનુભવશો. બહેતર છે કે ક્ષુલ્લક કાર્યો માટે કે મહત્વના મુદ્દાઓ બાબતે સુધ્ધાં એઆઈનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે. વળી એ વાત પણ ખાસ ધ્યાનમાં લેવી રહી કે એઆઈ પણ ઘણી વખત ખોટી માહિતી આપે છે. આવું બને ત્યારે લેવાના દેવા થઈ જાય. એઆઈનો વિવેકપૂર્વકનો ઉપયોગ ક્યારે અને શી રીતે કરવો તે સમજવાનો આછેરો પ્રયાસ કરીએ. જેમ કે..,

ટોપિક સમજવા : પુસ્તકમાં વાંચ્યા પછી પણ જો કોઈ મુદ્દો ન સમજાય તો એઆઈને પૂછી શકાય. ઉદાહરણ તરીકે માઇટોકોન્ડ્રિયા (કોશિકાઓના ઊર્જા કેન્દ્ર)ને સમજવું હોય તો એઆઈને કહી શકાય કે માઇટોકોન્ડ્રિયાને હિન્દી કે ઇંગ્લિશમાં ઉદાહરણ સાતે સરળ સમજાઈ જાય એ રીતે રજૂ કરે.

શંકાના સમાધાન માટે : ગણિત, ફિઝિક્સ કે કેમિસ્ટ્રીનો કોઈ મુદ્દો વારંવારના પ્રયાસો પછી પણ ન સમજાતો હોય તો એઆઈ પાસેથી તેનો ચરણબધ્ધ ઉકેલ માગી શકાય.

રીવિઝન નોટ્સ : લાંબા પ્રકરણો વાંચી લીધા પછી પણ જો એમ લાગતું હોય કે પરીક્ષા વખતે તે ભૂલાઈ જશે કે તેમાંથી કશુંક ચૂકી જવાશે તો એઆઈની મદદથી દરેક વિષયની રીવિઝન નોટ્સ બનાવી શકાય. આ નોટ્સ તૈયાર થતાં તે પોતાના શબ્દોમાં લખીને તૈયાર કરી લેવી જેથી બનાવટી બુધ્ધિએ કાંઈ ગોટાળો વાળ્યો હોય તોય સમયસર તે ધ્યાનમાં આવી જાય.

વિઝ્યુઅલ ફોર્મેટ : સામાન્ય રીતે આપણું મગજ વાંચનની તુલનામાં જોયેલી વસ્તુ વધારે સમય સુધી યાદ રાખે છે. આવી સ્થિતિમાં તમારી હેવી ટેકસ્ટવાળી નોટ્સમાંથી હાઈલાઈટર અને જરૂરી ફેક્ટના આધારે એઆઈ પાસેથી વિઝ્યુઅલ ફોર્મેટમાં સમરાઈઝવાળી નોટ્સ બનાવડાવી લો જે અઘરા વિષયને સરળતાથી યાદ રાખવામાં મદદ કરે.

પ્રેક્ટિસ ક્વેશ્ચન : ધારો કે તમે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છો, તો કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે તેના આધારે એક પ્રેક્ટિસ ક્વેશ્ચન પેપર તૈયાર કરવા એઆઈની મદદ લો. આ પ્રશ્ન પત્ર સોલ્વ કરીને તમારી તૈયારીનું જાતપરીક્ષણ કરી લો. હા, સંબંધિત સવાલોના તમે લખેલા જવાબો સાચા છે કે નહીં તે જોવા માત્ર તમારી નોટ્સનો ઉપયોગ કરો.

વાસ્તવમાં એઆઈના વધારે પડતા ઉપયોગથી આપણી લખવાની ટેવ છૂટી જાય છે જેની સીધી અસર પરીક્ષા દરમિયાન જોવા મળે છે. આનો સીધો અર્થ એ થયો કે તમે ભલે એમ માનીને ચાલતાં હો કે એઆઈને હુકમ કરતાં જ તે પળનોય વિલંબ કર્યા વિના તમારો ઓર્ડર પૂરો કરી આપશે અને તમે ઝપાટાભેર તમારું કામ પૂરું કરી લેશો. હકીકતમાં આ શોર્ટકટ લાંબા ગાળે તમારી બુધ્ધિને પણ ટૂંકી કરી નાખશે. તમારી જાતે વિચારવાની ટેવ છૂટી જતાં તમારી સર્જનાત્મકતાને અસર પહોંચશે. આ વાત સમજવા એક સામાન્ય ઉદાહરણ જ પૂરતું છે. જે વખતે સ્માર્ટ ફોન નહોતા, લેન્ડલાઈન ફોન ડાયલ કરીને જ સામી વ્યક્તિ સાથે વાત થઈ શકતી તે સમયમાં મોટાભાગના લોકોને સંખ્યાબંધ ફોન નંબર યાદ રહેતાં. માત્ર ક્યારેક કરવાના હોય એવા ફોન નંબર જ ડાયરીમાંથી જોઈને ડાયલ કરવાની જરૂર પડતી. પરંતુ સ્માર્ટ ફોનના આગમન પછી તેમાં નામ પરતી જ ફોન લાગી જતાં હોવાથી નંબર યાદ રાખવાની ટેવ (ખરેખર તો જરૂરિયાત) છૂટી ગઈ. આજની તારીખમાં તેજસ્વી ગણાતાં લોકોને સુધ્ધાં પોતાના પરિવારજનોના મોબાઈલ નંબર પણ ધ્યાનમાં નથી હોતાં.

જે રીતે ગૃહિણીઓ માટે વિવિધ ઉપકરણો હાથવગાં થતાં તેમણે પોતાના શરીરને શ્રમ આપવાનું બંધ કરી દીધું, જેને પગલે તેમના શરીરે પણ સારી રીતે કામ કરવા સામે અખાડા કરવા માંડયા, બિલકુલ તેવી જ રીતે જો આધુનિક પેઢી વિવેકપૂર્વક બનાવટી બુધ્ધિનો ઉપયોગ નહીં કરે તો તેમની ઈશ્વરદત્ત ઇન્ટેલિજન્સ કાટ ખાઈ જશે એ વાતમાં બે મત નથી. સમય પાકી ગયો છે કે એઆઈને પોતાનું મગજ સોંપી દેવાને બદલે બનાવટી બુધ્ધિને જ પોતાના કબજામાં રાખવાની સમજ કેળવી લેવામાં આવે.

- વૈશાલી ઠક્કર