Get The App

નેણની આસપાસ રહેલી શુષ્ક ત્વચાને ભીનાશ બક્ષવાનું ખાસ અઘરું નથી

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
નેણની આસપાસ રહેલી શુષ્ક ત્વચાને ભીનાશ બક્ષવાનું ખાસ અઘરું નથી 1 - image

જ્યારે તમે કોઈને મળો ત્યારે તેનું ધ્યાન સૌથી પહેલા તમારા ચહેરા પર જાય તે સ્વાભાવિક છે. તમે દેખાવમાં ગમે તેટલાં સુંદર હો, તમારું વ્યક્તિત્વ કેટલું પણ પ્રભાવશાળી કેમ ન હોય, જો તમારી આંખોની આસપાસની ત્વચા શુષ્ક થઈ ગઈ હશે તો તમારું સઘળું સૌંદર્ય અને વ્યક્તિત્વ ઝંખવાઈ જશે. જો તમે ઇચ્છતા હો કે માત્ર આવી સમસ્યાને કારણે તમારું સૌંદર્ય ન હણાઈ જાય તો કેટલાંક સરળ નુસખા અજમાવીને આંખોની આસપાસ રહેલી શુષ્ક ત્વચાને ફરીથી સુંવાળી-ચમકદાર બનાવી લો. નિષ્ણાતો આ ઉપાયો વિશે જાણકારી આપતાં કહે છે..,

ગુલાબ જળ : તમારા નેણની આસપાસ રહેલી શુષ્ક ત્વચા પર ગુલાબ જળ જાદુઈ અસર કરી શકે. ગુલાબ જળમાં રૂનું પૂમડું બોળીને તે આંખો નીચેની શુષ્ક ત્વચા પર ૧૦ મિનિટ સુધી મૂકી રાખો. આ પ્રયોગ આંખો પાસેની સુકી ત્વચાને ભીનાશ બક્ષશે અને તમારો ચહેરો તાજગીભર્યો લાગશે.

એલોવેરા જેલ : એલોવેરાનું એક પાન લો. તેની આજુબાજુ રહેલો કાંટાળો ભાગ ચપ્પુ વડે દૂર કરી દો. હવે આ પાનને વચ્ચેથી ચીરીને બે ફાડિયા કરો. તેમાંથી નીકળેલી જેલ (ચીકણો પદાર્થ) લઈને આંખોની આસપાસની સુકી ત્વચા પર લગાવી હળવા હાથે મસાજ કરો. થોડીવાર પછી પાણી વડે ધોઈને આ જેલ દૂર કરો. અવારનવાર આ પ્રયોગ કરવાથી નેણની આજુબાજુની ત્વચા સુંવાળી અને ચમકદાર બનશે અને તમારી વય જાણે કે અચાનક જ બે-પાંચ વર્ષ ઘટી ગઈ હોય એવું લાગશે.

લેવેંડર ઑઇલ : શુષ્ક ત્વચાને ફરીથી ભીનાશ બક્ષવામાં લેવેંડર ઑઈલ મહત્વની ભૂમિકા ભજવે છે. તે ત્વચા નીચેના ખેંચાઈ ગયેલા સ્નાયુઓને ફરીથી હળવા કરે છે. આ પ્રયોગ કરવા માટે થોડું લેવેંડર ઑઈલ લઈને તેમાં બે ટીપાં કોપરેલ તેલ ભેળવો. હવે આ તેલને સહેજ ગરમ કરીને ઠરવા દો. ત્યાર પછી આંખોની આસપાસની શુષ્ક ત્વચા પર તેના વડે હળવા હાથે મસાજ કરો.

કોપરેલ તેલ : કોપરેલ તેલમાં પુષ્કળ પ્રમાણમાં ફેટી એસિડ હોવાથી તે આંખો નીચેની ત્વચાને મોઇશ્ચર કરવા સાથે ભીનાશ બક્ષે છે. વળી તેમાં દાહવિરોધી અને બેકટેરિયાવિરોધી ગુણ હોવાથી આંખોની આસપાસની ત્વચા પર લગાવવાથી ત્યાં ટાઢક પહોંચે છે. સાથે સાથે આ હિસ્સામાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે અને ત્વચામાં નવી ચમક, નવી જાન આવે છે. કોપરેલ તેલને હુંફાળુ ગરમ કરીને આંખોની આસપાસની ત્વચા પર હળવા હાથે મસાજ કરવાથી આ તેલમાં રહેલા સઘળા ગુણોનો લાભ મળશે.

મિલ્ક પાવડર : બે-ચાર ચમચી મિલ્ક પાવડર લઈને તેમાં થોડું મધ તેમ જ લીંબુનો થોડો રસ ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ આંખોની નીચેની ત્વચા પર લગાવીને થોડીવાર રહેવા દો. હવે નવશેકા પાણીથી આ પેસ્ટ ધોઈ લો. આ પ્રયોગ આંખો નીચેની સુકી ત્વચાને નવી ભીનાશ બક્ષશે જે છેવટે ચહેરાને તાજગીભર્યો બનાવવામાં મદદરૂપ થશે.