અઘરી નથી પગ પર પડતી કરચલીઓ ખાળવી
વધતી જતી વય સાથે આપણા ચહેરા અને ગરદન પર કરચલીઓ સૌથી પહેલા દેખા દે છે. વાસ્તવમાં આપણી ત્વચામાં ઉત્પન્ન થતું કોલાજન ચામડીને લવચીક રાખે છે. પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ ત્વચામાં કોલાજનનું ઉત્પાદન ઘટતું જાય છે. પરિણામે ત્વચા પર કરચલીઓ પડવા લાગે છે. સામાન્ય રીતે આપણે ચહેરા-ગરદન પરની કરચલીઓ પર ધ્યાન આપીએ છીએ, ત્યાં કરચલીઓ ઝટ ન દેખાય તેને માટે વિવિધ નુસખા અજમાવીએ છીએ. પરંતુ એ ભૂલી જઈએ છીએ કે હાથ અને પગની ચામડી પર પણ કરચલીઓ તો પડવાની જ. જે પગ આપણા સમગ્ર શરીરનો ભાર ઝીલે છે તેની કરચલીઓ પ્રત્યે આપણે શા માટે બેદરકાર રહીએ છીએ? ખેર..., જો તમે અત્યાર સુધી પગની ત્વચાની કાળજી ન કરી હોય તો હજી પણ મોડું નથી થયું. વળી પગ પર પડતી કરચલીઓની પ્રક્રિયા ધીમી પાડવા માટેના ઉપચાર તમે ઘરબેઠાં પણ કરી શકો છો. ત્વચા નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે...,
* પગ પર નિયમિત રીતે મોઇશ્ચરાઇઝર લગાવો. ત્વચા જ્યારે શુષ્ક થવા લાગે છે ત્યારે કરચલીઓ પડવાની પ્રક્રિયા ઝડપી બને છે. ત્વચા જ્યારે પૂરતા પ્રમાણમાં સીબમ ઉત્પન્ન નથી કરતી ત્યારે તે શુષ્ક થવા લાગે છે. આવી સ્થિતિમાં ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવવાથી તેની ભીનાશ જળવાઈ રહે છે. તેવી જ રીતે શિયાળામાં સુતરાઉ મોજાં પહેરી રાખવાથી પણ ચામડી ઝટ સુકાતી નથી.
* ત્વચા પર પડતી કરચલીઓની પ્રક્રિયા ધીમી પાડવામાં આપણો રોજિંદો આહાર પણ મહત્વનો ભાગ ભજવે છે. પગની ત્વચા લવચીક રહે તેને માટે તમારા નિત્ય ખોરાકમાં રસદાર ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. તેનાથી શરીરમાં પાણી જળવાઈ રહેશે અને ત્વચા શુષ્ક થતી અટકશે જે છેવટે કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પાડશે.
* જેમની ત્વચા ઝડપથી શુષ્ક થતી હોય તેણે દિવસમાં ઓછામાં ઓછા છથી આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ. શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ત્વચાની ભીનાશ જળવાઈ રહે છે અને કરચલીઓ ઝટ દેખા નથી દેતી.
* પગની કરચલીઓ અને પાની પર પડતાં ચીરા ખાળવાનો શ્રેષ્ઠ ઉપાય છે શીઆ બટર. પગ-પાનીને થોડીવાર માટે હુંફાળા પાણીમાં બોળી રાખો. ત્યાર પછી તે કોરા કરીને તેના ઉપર શીઆ બટર લગાવો.
* ત્વચાને નિયમિત રીતે એકસફોલિએટ કરો. તેને માટે બજારમાંથી સ્ક્રબ ખરીદવાની પણ જરૂર નથી. ઘરમાં રહેલા મધ અને ખાંડને સરખા ભાગે ભેળવીને તેના વડે પગ-પાનીની ત્વચા પર એકદમ હળવા હાથે મસાજ કરો. અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવાથી ત્વચા પર રહેલા મૃત કોષો દૂર થઈને નવા કોષો આવશે. આમ તમારી ત્વચા પર કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડશે.
* પગ પર પડેલી કરચલીઓ અને ચીરા દૂર કરવામાં એવોકેડો પણ સહાયક બને છે. એક એવોકેડોને છૂંદી લો. તેમાં થોડાં ટીપાં ઑલિવ ઑઈલ અને થોડું મધ ભેળવો. આ મિશ્રણ કરચલી અને ચીરાવાળી ત્વચા પર લગાવો.
* રાત્રે સુતી વખતે હાથ-પગની ત્વચા પર ઑલિવ ઑઈલ લગાવો. આ તેલ પ્રમાણમાં ઘટ્ટ હોવાથી ત્વચા પર લાંબા કલાક સુધી ટકે છે, પરિણામે તે ધીમે ધીમે ત્વચાની અંદર ઉતરે છે અને ચામડી સુકાતી અટકે છે.
* પપૈયા અને અનાનસને સરખા ભાગે છૂંદી લો. તેમાં એક ટેબલસ્પૂન જેટલું મધ નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ પગ પર લગાવીને અડધો કલાક રહેવા દો. ત્યાર બાદ પગ ધોઈ લો. અઠવાડિયામાં એક વખત આ પ્રયોગ કરો.
* તમારા રોજિંદા આહારમાં પાલક, શીંગદાણા, બદામ ઇત્યાદિનો સમાવેશ કરો. આ સઘળી વસ્તુઓમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન ઈ હોવાથી ત્વચા સુંવાળી અને લવચીક રહે છે.
* એલોવેરામાં ત્વચાને સુંવાળી અને લવચીક રાખવાના ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા છે. પગ-પાની પર એલોવેરા જેલ લગાવીને ૨૦ મિનિટ રહેવા દો. હવે તે હુંફાળા પાણી વડે ધોઈ લો.