Get The App

નવી વહુ ઝટ કામ પર ચઢી જાય તો સારું

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
નવી વહુ ઝટ કામ પર ચઢી જાય તો સારું 1 - image

- ઘરના સૌ એવી જ અપેક્ષા રાખે છે

પગમાં ઝણકતાં ઝાંઝર, હાથમાં રણકતી બંગડીઓ, માથા પર ચમકતી બિંદી, હાથેપગે શોભતો મેંદીનો રંગ અને લજ્જાની લાજ ઓઢી નવોઢા જ્યારે સાસરિયાના ઉંબરમાં પ્રવેશે છે, ત્યારે આખું ઘર ખીલી ઊઠે છે એના આગમનથી આખા કુટુંબમાં ખુશીનું મોજું ફરી વળે છે.

આપણા સમાજમાં એવી પ્રથા છે કે શરૂમાં નવવધૂ પાસે કોઈ કામ કરાવવામાં આવતું નથી.  અમુક વિધિઓ પૂરી થાય પછી જ નવવધૂ ઘરનું કામકાજ સંભાળે છે.

જો કે, પરણીને નવી નવી આવેલી વહુ પાસે કેટલા દિવસ કામ ન કરાવવું એનો ઘણો ખરો આધાર સાસરિયાંઓ ઉપર રહેલો છે. મોટા ભાગનાં કુટુંબોમાં સવા મહિના સુધી નવવધૂ પાસે કોઈ કામ કરાવવામાં આવતું નથી. તો વળી, કેટલીક નવી વહૂઓ સવા મહિના સુધી કામ નહીં કરવાની જાતે જ જાહેરાત કરી દે છે.

સવાલ એ છે કે, કેટલા દિવસ સુધી વહુએ નવવધૂ બની રહેવું જોઈએ? સુમનનાં લગ્નને હજુ ચાર દિવસ જ થયા હતા ત્યાં તો સવાર સવારમાં અમારે ત્યાં સવારે બાથરૂમમાં એક કલાક સુધી નહાવાનો રિવાજ નથી... જુઓને, કેવી વહુ પધારી છે હું તો લગ્નના બીજા જ દિવસથી કામકાજ કરવા લાગી હતી.'' સાસુના આવા શબ્દો સાંભળીને સુમન ફટાફટ બાથરૂમમાંથી બહાર નીકળી અને તૈયાર થઈને રસોઈમાં લાગી ગઈ. એટલામાં પડોેશમાં રહેતાં સુધામાસીએ કોથમીર લેવાના બહાને પધરામણી કરી. સુમનને રસોઈ કરતી જોઈ તરત જ બોલ્યાં, ''અરે આ શું? પરણીને આવે હજુ ચાર દિવસ જ થયા છે ને બિચારીને રસોડું સોંપી દીધું?''

સુમનની સાસુ ચોંકીને બહાર આવ્યા અને બોલ્યા, ''કેટલી ના પાડી પણ વહુ માનતી જ નથી ને. એ કહે છે, નવરી બેસીને હું કંટાળી ગઈ છું.''

સુમનની સાસુની વાત સાંભળીને સુધામાસી બોલ્યા, ''ઘરનુંકામ તો એણે આખી જિંદગી કરવાનું જ છે ને. વહુને હજુ અહીંના વાતાવરણમાં ગોઠવાવા તો દો. આ ઘરની રીતભાત, ઘરનાં સભ્યોનો સ્વભાવ, તેમની ટેવો, કોને કેવી રસોઈ ભાવે છે એ બધું ભણવાનો એને મોકો  તો આપો. તમે ક્યાં નથી જાણતાં કે દરેક ઘરમાં કામ કરવાની અને રસોઈ બનાવવાની રીત અલગ હોય છે.''

આવું જ કંઈક મોના સાથે બન્યું. લગ્ન પછી સાસરે આવતાં જ તેની સાસુએ કહ્યું, ''વહુ બેટા, થોડા દિવસ આરામ કર, આપણે ત્યાં તો વહુના હાથની મહેંદી ઊતરે નહીં ત્યાં સુધી વહુને કામ ન કરવા દેવાનો રિવાજ છે. બન્યું એવું કે, લગ્નની દોડાધામના લીધે થાકી ગયેલાં સાસુ બે દિવસમાં જ માંદા પડી ગયા. મોનાએ આખા ઘરની જવાબદારી સંભાળી લીધી. આજે પણ મોનાનાં સાસુ એના વખાણ કરતા થાકતાં નથી. આ રીતે નવવધૂ ક્યાં સુધી બની રહેવું એ ઘરની જવાબદારી, રીતરિવાજો અને જરૂરિયાતો પર આધાર રાખે છે.

વિપુલાનાં લગ્ન પછી બે દિવસમાં જ એની નણંદના લગ્ન હતાં. 'મને ખબર ના પડે' એવું કોઈ બહાનું બતાવીને વિપુલા ઘરના કામકાજમાંથી છટકી શકી હોત, પરંતુ આવું કંઈ કરવાના બદલે એણે હોેંશે હોંશે ઘરની ધણી બધી જવાબદારીઓ ઉપાડી લીધી. એણે સ્ફૂર્તિ અને ઉત્સાહથી મહેમાનોની સરભરા અને અન્ય કામકાજ સંભાળ્યા આ બધું જોઈને કોઈને લાગે જ નહીં કે હજુ એનાં લગ્નને માંડ બે દિવસ થયા છે. 

વિપુલાના આવા વ્યવહારે તેના સાસરિયાઓનું દિલ જીતી લીધું એના સસરા તો વારંવાર કહેતા કે, અમારે તો એક દીકરી વળાવી ને બીજી દીકરીએ ઘર સંભાળી લીધું.

ઘરની જરૂરિયાતો અને કુટુંબની ખુશીને ખાતર નવવધૂએ જ નક્કી કરવું જોઈએ કે એણે ક્યાં સુધી નવી વહુ બની રહેવું. 

- ઈશિતા