Get The App

અઘરું નથી 40-50ની વયે વધતા વજનને ખાળવું

Updated: Dec 4th, 2023

GS TEAM


Google News
Google News
અઘરું નથી 40-50ની વયે વધતા વજનને ખાળવું 1 - image


- મેનોપૉઝને પગલે આવતો શારીરિક બદલાવ સહજતાથી સ્વીકારો

અલકાબેને ૪૫ વર્ષ પાર કર્યાં ત્યાં તેમનું વજન વધવા લાગ્યું. હમેશાં નિયમિત જીવન જીવવાની ટેવ ધરાવતાં અલકાબેનનું વજન અગાઉ ક્યારેય આ રીતે નહોતું વધ્યું. તેમની વયની સ્ત્રીઓ અલકાબેનની ઇર્ષ્યા કરતાં કહેતી કે દીકરા-દીકરી પરણાવી દીધાં તોય તમે ફિગર જાળવવાનું નથી છોડયું. અને હવે જ્યારે તેમનું વજન વધ્યું છે ત્યારે તેમની અદેખાઈ કરનારાઓને એમ કહેવાની તક મળી ગઈ છે કે વહુ આવી ગઈ એટલે અલકાબેનને જલસા પડી ગયા છે. હવે તેમના શરીરે ચરબી ભરાવા માંડી છે. જ્યારે હકીકત એ હતી કે વહુ આવ્યા પછી પણ તેમની દિનચર્યા કે જીવનશૈલીમાં કોઈ ફરક નહોતો પડયો. છેવટે તેમણે ચિંતાના માર્યા તબીબનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે મેનોપૉઝને કારણે તેમનું વજન વધી રહ્યું છે.

તબીબે તેમને કહ્યું હતું કે સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે મેનોપૉઝને પગલે શરીરમાં હોર્મોન્સ પરિવર્તિત થતાં હોવાથી જે તે મહિલાનું વજન વધે છે. પરંતુ વજન વધવાનું આ એકમાત્ર કારણ નથી. વાસ્તવમાં મેનોપૉઝને કારણે સંબંધિત મહિલા થાક અનુભવે છે. 

પરિણામે તેની શારીરિક ગતિવિધિઓ ધીમી પડવા લાગે છે. અને જ્યારે શારીરિક શ્રમ ઘટવા લાગે ત્યારે મેટાબૉલિઝમ રેટ, એટલે કે ચયાપચયની ક્રિયા પણ ધીમી પડે છે. મેનોપૉઝ પછી વજન વધવાનું આ પણ એક મહત્વનું કારણ છે. એક અભ્યાસ અનુસાર મેનોપૉઝ પછી જે તે મહિલાનું વજન પાંચથી આઠ કિ.ગ્રામ જેટલું વધે છે. તબીબે અલકાબેનને વધુમાં કહ્યું હતું કે મેનોપૉઝ દરમિયાન એસ્ટ્રોજન હોર્મોનનું ઉત્પાદન ક્યારેક વધે તો ક્યારેક ઘટે છે. વળી વધતી જતી વય સાથે મહિલાઓ ઇન્સ્યુલિન પ્રતિરોધી બનતી જાય છે જેને પગલે વજન ઘટાડવું મુશ્કેલ બને છે. તદુપરાંત ચયાપચયની ક્રિયા ધીમી પડી જવાને કારણે વજન વધે તો છે, પણ ઘટાડવાનું અઘરું થઈ પડે છે. તેના સિવાય મેનોપૉઝને પગલે સંબંધિત મહિલાની ઊંઘ વારંવાર ઉડી જાય છે. આમા અધૂરી નિંદ્રા કે અનિંદ્રા પણ વજન વધવાનું કારણ બને છે. આ સમય દરમિયાન જે તે સ્ત્રીનો મૂડ પણ વારંવાર બદલાય છે જે તેના માનસિક તણાવનું કારણ બને છે. અને જ્યારે તમે માનસિક રીતે સ્વસ્થ ન હો ત્યારે પણ તમારું વજન વધવાની શક્યતા રહે છે.

આવી સ્થિતિમાં એવો પ્રશ્ન થવો સહજ છે કે તો પછી વજન વધતું અટકાવવા કરવું શું? આના જવાબમાં નિષ્ણાત તબીબો કહે છે..,

* ખાણીપીણી બાબતે અત્યંત સાવધાન રહો. રોજિંદા આહારમાં ફળો, શાકભાજી, કડધાન્ય, દાળ અચૂક લો.

* ફાઇબરયુક્ત વસ્તુઓ, પ્રોટીન, ઓમેગા-૩ ફેટી એસિડ, કેલ્શિયમ, બીટા-કેરોટીન, ઝિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ, કૉપર, સઘળાં વિટામીન ઇત્યાદિ ધરાવતાં પદાર્થો પૂરતા પ્રમાણમાં લો. 

* શારીરિક ક્રિયા ધીમી પડી જતી હોવા છતાં આખો વખત સુસ્ત થઈને બેસી ન રહો. થોડી ધીમી ગતિથી થાય તોય ગૃહકાર્ય જારી રાખો. ચાલવા જાઓ જેથી સ્નાયુઓ શિથિલ ન બને.

* યોગ, પ્રાણાયમ, ધ્યાન કરો જેથી માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે.

* પૂરતી નિંદ્રા લેવાથી પણ માનસિક તાણ ઓછી થાય છે. જો રાત્ર ેઝટ નીંદર ન આવતી હોય કે વારંવાર ઊંઘ ઉડી જતી હોય તો વહેલા જમી લો અને સુવા જવાથી પહેલા હળદરવાળું ગરમ દૂધ લો. તમે ચાહો તો તેમાં સહેજ જાયફળ પણ ઉમેરી શકો.

મેનોપૉઝને પગલે વધતા જતા વજનને અંકુશમાં રાખવા તેમ જ માનસિક તણાવ ઓછો કરવા આટલી કાળજી પણ પૂરતી છે. તેને કારણે તમારું વજન ધીમી ગતિએ પણ અંકુશમાં રાખી શકાશે. હા, સૌથી મહત્વની વાત છે ખુશ રહેવું. કોઈપણ વાત મન પર ન લો. થોડાં જાડી ચામડીના થઈ જવાથી પણ માનસિક તાણ ઓછી રહે છે. 'ગામના મોઢે ગરણું ન બંધાય' ઉક્તિ ગાંઠે બાંધી લો અને પ્રૌઢાવસ્થાને હસતે મુખે સ્વીકારીને ખુશ રહો.

- વૈશાલી ઠક્કર

Tags :