કાયાને કામણગારી રાખવા કે પછી સ્વાસ્થ્યની કાળજી ખાતર વજનને અંકુશમાં રાખવા લોકો જે ઉપાય હાથ લાગે તે અજમાવવા લાગે છે. અને તેમાં કાંઈ ખોટું પણ નથી. વજન ઓછું હોય તો સુંદર દેખાવા સાથે ઘણી વ્યાધિઓથી પણ બચી જઈ શકાય. પરંતુ કોઈપણ ઉપાય અજમાવવાથી પહેલા તેનાથી થતાં નુકસાન અંગે જાણી લેવું પણ અત્યાવશ્યક છે.
છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલા ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગના ટ્રેન્ડની જ વાત કરીએ તો તેનાથી પહોંચતી હાનિ વિશે બહુ ઓછા લોકો જાણે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ (આઈએફ)થી વજન ઘટાડવામાં ભલે મદદ મળે છે. પરંતુ તેના લાંબા સમયના જોખમો પણ અગવણી શકાય નહીં. 'ડાયાબિટિસ એન્ડ મેટાબોલિક સિન્ડ્રોમ : ક્લિનિકલ રીસર્ચ એન્ડ રિવ્યુઝ'માં પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસમાં ૧૯,૦૦૦ અમેરિકનોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જણાવ્યું હતું કે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં જે લોકો ૧૨ થી ૧૪ કલાક દરમિયાન ખાતાં હતાં તેમના કરતાં આખા દિવસમાં આઠ કલાકથી પણ ઓછા સમય દરમિયાન જ ખાતાં હતાં તેમનામાં હૃદયરોગથી થતાં મૃત્યુનું જોખમ ૧૩૫ ટકા જેટલું વધારે હતું.
સંશોધકોએ જણાવ્યું હતું કે ઉપવાસ પછી, એટલે કે લાંબા કલાકો સુધી ભૂખ્યા રહ્યા પછી લોકો મોટાભાગે જંક ફૂડ ખાય છે જેને પગલે લો-ડેંસિટી કોલેસ્ટરોલ વધવાની શક્યતા રહે છે. અને તે જ હૃદયરોગનું જોખમ ઊભું કરે છે.
ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ એટલે શું?
ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં રોજિંદા ખાવાના કલાકોને ચોક્કસ કલાક સુધી નિશ્ચિત કરવામાં આવે છે. જેમ કે કોઈક ૨૪ કલાકમાંથી ૧૬ કલાક સુધી ઉપવાસ કરે છે અને બાકીના આઠ કલાક દરમિયાન જ ખાય છે. આનો સીધો અર્થ એ થયો કે આ પધ્ધતિમાં ખાવા-પીવાની વસ્તુઓ નહીં, બલ્કે ખાવાના કલાકો નક્કી કરવામાં આવે છે. પરંતુ તેને કારણે જે તે વ્યક્તિના શરીરમાં પ્રોટીન, વિટામીન, ખનિજ તત્વો અને ઇલેકટ્રોલાઈટ્સની ઊણપ પેદા થઈ શકે છે.
- વૈશાલી ઠક્કર


