દરેક યુવતી ઇચ્છતી હોય છે કે તે પોતાના જીવનના સૌથી ખાસ દિવસ એટલે કે લગ્નને દિવસે સૌથી વધુ સુંદર અને આકર્ષક દેખાય. પરંતુ ચહેરા પર પણ ચમક ત્યારે જ આવે છે જ્યારે શરીર સ્વસ્થ અને નિરોગી હોય. જોકે આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં લગ્નનું પ્લાનિંગ અને શોપિંગના થાકને લીધે યુવક-યુવતીઓ ઇચ્છવા છતાં પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન નથી આપી શકતા અને માનસિક તાણ તેમ જ થાક તેમના લગ્નના આનંદને ફિક્કો પાડી દે છે. એવામાં લગ્ન પહેલાં હેલ્થ-કેયર ખૂબ જ જરૂરી છે તેથી લગ્નના ત્રણથી છ મહિના અગાઉથી જ ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દેવું જોેઈએ અને કેટલીક ખાસ વાતોની કાળજી રાખવાથી પર્ફેક્ટ વર-વધૂ બની શકાય છે.
* સારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ જરૂરી છે યોગ્ય આહાર. તેથી દિવસમાં ત્રણ વખત પેટ ભરીને ખાવા કરતા છ વખત થોડું-થોડું ખાવું.
* લગ્નના પાંચ-છ મહિના પહેલાથી જ વ્યાયામ કરવાનું શરૂ કરી દો. અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ અડધો કલાક કાર્ડિયો એક્સરસાઇઝ કરવી લાભદાયક રહેશે.
* જો તમને જિમમાં જવું ન ગમતું હોય તો રોજ સવાર-સાંજ ચાલવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલવાથી શરીરમાં રહેલી વધારાની કેલરીથી છૂટકારો મળી જાય છે. દરરોજ ૪૦ મિનિટ ચાલવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે અને થાક પણ ઓછો લાગે છે.
* ખૂબ પાણી પીઓ. તેનાથી શરીરમાં રહેલા સેલ્યુલાઇટ બહાર નીકળી જાય છે અને વજન પણ ઘટે છે, પાચનક્રિયા સુધરે છે તેમ જ આંખની નીચે રહેલા કાળા કુંડાળાં દૂર થાય છે.
* લગ્નની શોપિંગ અને બીજાં બધાં કામની તાણથી બચવા માટે ડાર્ક ચોકલેટ ખાઓ. કેટલીય શોધો પરથી જાણવા મળ્યું છે કે ચોકલેટ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં અને માનસિક તાણ દૂર કરવામાં મદદરૂપ નીવડે છે.
* તાણ દૂર કરવા માટે સમયાંતરે વાળમાં ઓઇલ મસાજ કરાવતા રહો. એનાથી તમે રિલેક્સ રહેશો અને તમારા વાળ પણ ઘેરા અને સુંદર થશે.
* લગ્નના પ્લાનિંગ માટે રાત્રે ઉજાગરા ન કરવા. કારણ કે એમ કરવાથી ધીમે-ધીમે તમારું વજન વધવા માંડશે.
* હેલ્ધી રહેવા માટે ભરપૂર ઊંઘ ખૂબ જરૂરી છે. ૬-૮ કલાકની નીંદર લીધા બાદ તમે તાજગી અનુભવશો. ઓછી ઊંઘને લીધે સ્થૂળતા, ડાયાબિટીઝ, હાર્ટ એટેક અને ફ્લૂ જેવી બીમારીઓ ઘેરી લે છે.
* તમારા આહારમાં હાઈ એન્ટિઓક્સિડન્ટ્સવાળાં પદાર્થો સામેલ કરો જેમ કે પીળા, લીલા, નારંગી અને લાલ રંગના ફળ અને શાકભાજી વગેરે લેવાથી તમારા ચહેરા પર ચમક આવશે અને દોડ ધામને લીધે થાક પણ નહીં લાગે.
* નારિયેળ પાણી, લીંબુ પાણી, જલજીરા, છાશ અને ફ્રૂટ જ્યુસ જેવા પ્રવાહી પદાર્થો વધુ પ્રમાણમાં લેવા.
* સ્વસ્થ ત્વચા અને વાળ માટે ખોરાકમાં પ્રોટીનની માત્રા ભરપૂર રાખવી. એ માટે દૂધ, દહીં, પનીર અને ફણગાવેલાં કઠોળ વધારે ખાવા.
* હાઈ કેલરી ફૂડને બદલે ફળો અને શાકભાજી વધુ માત્રામાં લેવા. તબીબોનું માનવું છે કે દિવસભર ફિટ અને એક્ટિવ રહેવા માટે દરરોજ ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત ફળ ખાવા.
* જમવાનો સમય નિર્ધારિત કરી લો જેથી એસિડિટી ન થાય. તળેલી-મસાલેદાર વાનગીઓથી દૂર રહો. આ ખોરાક ત્વચાને અને પેટને નુકસાન કરે છે.
* યુવકોના શરીરને મલ્ટિવિટામીન્સની વધુ જરૂર પડે છે તેથી તેમણે પોતાના રોજિંદા આહારમાં ફણગાવેલાં કઠોળ, લસ્સી, સલાડ અને સોયાબિનનો સમાવેશ કરવો જોઈએ.
* ભોજનમાં ફાડાનો ઉપમા, બ્રાઉન બ્રેડ અને પપૈયા જેવા ફાઇબરયુક્ત પદાર્થો લેવાથી પેટ સાફ રહેશે.
* ચા, કોફી, સિગારેટ તેમ જ શરાબના સેવનથી બચવું. એના બદલે વેજિટેબલ સૂપ પીવું.
* લગ્નને દિવસે પર્ફેક્ટ દેખાવા માટે પોતાની જાત સાથે કોઈ પ્રયોગ ન કરવો. જે પણ ટ્રીટમેન્ટ કરાવો, તે કોઈ બ્યુટી નિષ્ણાત પાસે જ કરાવો જેથી કોઈ પ્રકારની આડઅસર ન થાય.
* લગ્ન બાબતે તમારા મનમાં કોઈ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તમારે પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ જરૂર કરાવવું જોઈએ.
* ખુશ રહો, હકારાત્મક વિચારો મનમાં રાખો અને સ્વસ્થ રહો. લગ્ન સૌથી ખાસ દિવસ હોય છે તેથી આ દિવસે બધાં ટેન્શન ભૂલીને આનંદિત રહેવાનો પ્રયત્ન કરો.
-નયના


