Get The App

વિદેશમાં ફરવા જાવ ત્યારે બેગમાં શું ન ભરવું તે જાણવું અત્યંત જરૂરી છે

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
વિદેશમાં ફરવા જાવ ત્યારે બેગમાં શું ન ભરવું તે જાણવું અત્યંત જરૂરી છે 1 - image

- નવ્યા નાયરને માથાંમાં નાખેલાં ગજરા માટે ઓસ્ટ્રેલિયામાં 1.14 લાખનો દંડ ભરવો પડયો અથાણાં, વસાણાં અને દવાઓ પેક કરતાં પહેલાં વેબસાઇટ પણ ચેક કરી લેવી

દુનિયાની સૈર કરવાની મોજ અનોખી છે પણ આજના જમાનામાં વિમાની મુસાફરી કરવાની હોય તો તમારે અનેક પ્રકારની સાવચેતીઓ રાખવી પડે છે. તેમાં પણ વિવિધ એરલાઇન્સના નિયમો અનુસાર બેગ પેક કરવી એ એક કળા બની ગઇ છે. આપણે જેને સાવ નિર્દોષ અને સામાન્ય બાબત ગણતાં હોઇએ તે વિદેશમાં એરપોર્ટ પર અચાનક પ્રતિબંધિત વસ્તુ પુરવાર કરવામાં આવે ત્યારે ઘણાંની મતિ મારી જાય છે. 

ભારતમાંથી ઓસ્ટ્રેલિયા રવાના થયેલી નવ્યા નાયરે વિમાનમાં બેઠી ત્યારે તેના માથામાં વેણી નાંખી હતી. નવ્યા જ્યારે મેલબોર્ન એરપોર્ટ પર ઉતરી ત્યારે તેને ફૂલોની ગેરકાયદે આયાત કરવાના ગુનાસર ૧.૧૪ લાખ રૂપિયાનો દંડ ભરવા જણાવવામાં આવ્યું. નવ્યાએ આ મામલે જણાવ્યું હતું કે નિયમોનો તમને ખ્યાલ નહોતો એવું બહાનું ન ચાલે. પણ આ કિસ્સામાં મને ખરેખર ખબર નહોતી કે તમે ઓસ્ટ્રેલિયામાં ફૂલ ન લઇ જઇ શકો. 

ઓસ્ટ્રેલિયા સ્થાનિક પર્યાવરણની સુરક્ષા માટે કડક બાયોસિક્યુરિટી કાયદાનું પાલન કરે છે. આ કાયદા અનુસાર ફૂલ, છોડ, બીજ અને અન્ય સજીવ છોડની આયાત પર પ્રતિબંધ છે. આ કાયદા હેઠળ નવ્યાને માથામાં વેણી પહેરી ઓસ્ટ્રેલિયા આવવા માટે  દંડ કરવામાં આવ્યો હતો. આવું જાપાન  અને સિંગાપોરમાં પણ બની શકે છે. જાપાનમાં સ્યુડોફેડરીન ધરાવતી કોઇપણ વસ્તુ વાપરવા પર પ્રતિબંધ છે. આ રસાયણ ભારતમાં શરદીના ઇલાજ તરીકે વાપરવામાં આવતાં ઇન્હેલરમાં વપરાતું હોઇ ઘણીવાર તમારી પાસેથી ઇન્હેલર નીકળે તો જાપાનના એરપોર્ટ પર તમે મુસીબતમાં મુકાઇ શકો છો. આવી જ રીતે સિંગાપોરમાં ચ્યુઇંગ ગમ પર પ્રતિબંધ છે. તો યુએસમાં કોઇપણ પ્રકારના પાવડર લઇ જવાનું હિતાવહ નથી. ઘણીવાર આર્યુવેદિક દવાઓ લઇને જનારા પ્રવાસીઓ તેમના આ પાવડરનો ઉપયોગ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓને ન સમજાવી શકે ત્યારે આ વસ્તુઓને કચરાપેટીને હવાલે કરવાનો વારો આવે છે.  ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને સિંગાપોરમાં તમે જાહેર ન કરી હોય એવી પ્રતિબંધિત ચીજ તમારા સામાનમાંથી નીકળે તો તમારી હાલત કફોડી બની શકે છે. આ દેશોમાં અનડિક્લેર્ડ આઇટમ નીકળે તો તેને ગુનો ગણી કડક સજા કરવામાં આવે છે. થાઇલેન્ડમાં ઇ સિગારેટસ પર પ્રતિબંધ છે. વેપિંગ ડિવાઇસ તમારા સામાનમાંથી નીકળે તો તમને તેઓ દંડ કરી શકે છે. તો વળી યુકેમાં ડેરી પ્રોડક્ટસ કે સેન્ડવીચ તમારા સામાનમાંથી નીકળે તો તમને દંડ થઇ શકે છે.  તમે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઇ જવાનો પ્લાન ધરાવતાં હો તો એ યાદ રાખવું ઘટે કે ભારતમાંથી યુએઇ જતી ફલાઇટ્સમાં કોપરાંની વિવિધ બનાવટોમાંથી કઇ પ્રતિબંધિત છે અને કઇ લઇ જવાની છૂટ છે તે પણ જાણી લેવું જોઇએ. સૂકું કોપરું લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે તો શ્રી ફળ તમે સામાનની બેગમાં લઇ જઇ શકો છો. એ જ રીતે કોપરાંનું છીણ લઇ જવા પર કોઇ પ્રતિબંધ નથી. એ જ રીતે ઘી કે કોપરેલ પણ તમે પ્રવાસી દીઠ પાંચ કિલો લઇ જઇ શકો છો. અથાણાં લઇ જવાની છૂટ હોય છે પણ ચીલી પિકલ તમારે બેગમાં લઇ જવાના રહે છે.દવાના મામલે તમારે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ પ્રિવેન્શનની વેબસાઇટ પર જેની મંજૂરી હોય તે જ દવાઓ લઇ જવી અન્યથા જો તેનું પ્રિસ્ક્રિપ્શન ન હોય તો તેને ફેંકી દેવાનો વારો પણ આવી શકે છે.  ઘણીવાર તમે એક દેશમાં ફરી આવ્યા હોવ અને બીજી વાર જાવ ત્યારે તમને કોઇ બાબતે અટકાવવામાં આવે તેવું બની શકે છે. કેમ કે નિયમો સતત બદલાતાં રહે છે. આનું એક ઉદાહરણ એવું છે કે યુએસમાં હમણા હમણાં ભારત, મેક્સિકો  અને ચીનમાંથી આવતાં પ્રવાસીઓને સિરેમિક ટેબલવેર એટલે કે રસોઇને ગરમ રાખવાના ચિનાઇ માટીના ઉપકરણો લાવવા સામે ચેતવણી આપવામાં આવે છે. અમેરિકનો એમ માને  છે કે આ ચિનાઇમાટીના વાસણોમાં સીસાનું પ્રમાણ ભયજનક હોય છે. આથી આવા વાસણો તમારે લઇ જવા હોય તો તે પ્રમાણિત કરેલાં હોવા જરૂરી છે. અન્યથા અમેરિકાના એરપોર્ટ પર તેને ફેંકી દેવાનો વારો આવી શકે છે. એ જ રીતે બેટરીઝ,પાવલબેન્ક્સ, ડ્રોન અને જ્વલનશીલ વસ્તુઓ લઇ જવા પર પણ પ્રતિબંધ છે. 

તો વિદેશ પ્રવાસ કરવા જનારે કરવું શું? પ્રથમ તો સાદી બાબતો ધ્યાનમાં રાખો તો ઘણી મૂંઝવણો ટળી જાય છે. હેન્ડ લગેજમાં કોઇ ખાવાપીવાની ચીજ ન રાખો તો ઉત્તમ. ખાવા પીવાની ચીજો યોગ્ય રીતે ઢળે નહીં તે રીતે પેક કરીને લગેજમાં લઇ જાવ તો વાંધો ન આવે. પાવડર કે પ્રવાહી ચીજો લઇ જવાનું પણ ટાળવું. બીજી મહત્વની બાબત જે દેશના પ્રવાસે જતાં હો એ દેશની સત્તાવાર વેબસાઇટ તપાસી તેમાં શું લઇ જવાય અને શું ન લઇ જવાય તે જાણી લેવું જોઇએ. આમ છતાં એરપોર્ટ તમને શંકા જાય કે તમારી લીધેલી વસ્તુને કારણે સમસ્યા થાય તેમ છે તો પહેલાં જ અધિકારીને તે વસ્તુ બતાવી તેને જ પૂછી લેવું કે આ વસ્તુ પર પ્રતિબંધ છે કે કેમ. જો વસ્તુ પ્રતિબંધિત હોય તો તે જ તમને તે મુકી દેવાનું કહે છે. 

-વિનોદ પટેલ