- કાન માંડીને સાંભળો શરીર દ્વારા અપાતાં સ્વાસ્થ્ય સંકેતો
જ્યારે આપણે ગંભીર બીમારીમાં પટકાઈએ ત્યારે આપણને પહેલો વિચાર એ જ આવે કે અરે, આ અચાનક શું થઈ ગયું. હકીકતમાં ઓચિંતાનું ભાગ્યે જ કાંઈ થતું હોય છે. કોઈપણ મોટી વ્યાધિ ધીમે ધીમે આપણા શરીરમાં ઘર કરતી હોય છે. અને તે વખતે આપણું શરીર તેના સંકેતો પણ આપતું હોય છે. પરંતુ આ નાના નાના લક્ષણોને આપણે ગણકારતા નથી. નિષ્ણાતો કહે છે કે આપણા શરીરમાં આવતાં નાના નાના બદલાવ અને લક્ષણો કોઈ મોટી બીમારીની ચેતવણી આપતાં હોય છે. બસ, જરૂર છે તેને સમજવાની અને સમયસર સાવચેતીના પગલાં ભરવાની. જો તમે આટલું કરો તો ગંભીર વ્યાધિને શરીરમાં ઘર કરતી ખાળી શકો. તેઓ શરીરમાં આવતાં ચોક્કસ બદલાવ કઈ કઈ બીમારી તરફ ઇશારો કરે છે તેની જાણકારી આપતાં કહે છે..,
અચાનક વજન વધવું અથવા ઘટવું : જો કોઈ દેખીતા કારણ વિના તમારું વજન અચાનક જ વધી કે ઘટી જાય તો તે હોર્મોન્સના અસંતુલન, થાઈરોઇડ કે અન્ય કોઈ બીમારી તરફ અંગુલિનિર્દેશ કરે છે. જો આવું કાંઈ બને તો વિના વિલંબ તબીબનો સંપર્ક કરો.
સતત થાક લાગવો અને નબળાઈ અનુભવવી
જો તમે પૂરતી ઊંઘ લેતાં હો તોય તમને આખો દિવસ થાક અનુભવાય, નબળાઈ વરતાય તો શક્ય છે કે તમે રક્તાલ્પતાથી અથવા ચોક્કસ વિટામીનોના અભાવથી પીડાઈ રહ્યાં છો. આવી સ્થિતિમાં તમારા ડોક્ટરની મુલાકાત લો અને તેમના જણાવ્યાનુસાર રક્ત પરીક્ષણ કરાવીને તમારી સમસ્યાનું કારણ જાણી લો. સમયસર કરાવવામાં આવેલાં ટેસ્ટ અને સારવાર મોટી વ્યાધિમાંથી બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુખાવો
જો તમને શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય, છાતીમાં દુખાવો થાય કે લાંબા સમય સુધી સતત ખાંસી સતાવે તો તે ફેફસાં અથવા હૃદયની સમસ્યા તરફ ઈશારો કરે છે. આ ચિહ્નોને અવગણવાનું જોખમી બની શકે.
ત્વચા અને વાળમાં ઓચિંતો આવેલો બદલાવ
તમારી ત્વચા પર અચાનક ડાઘ-ધાબા દેખાવા લાગે, ખંજવાળ આવવા લાગે તેમ જ વાળ ખરવા માંડે તો શક્ય છે કે તમારા શરીરમાં પોષક તત્વોની ઊણપ સર્જાઈ છે. આ સમસ્યા વકરે તેનાથી પહેલા જ તમારા તબીબની સલાહ લઈને કુપોષણથી બચવાની વ્યવસ્થા કરી લો. કહેવાની જરૂર ખરી કે કુપોષણ અનેક વ્યાધિઓનું મૂળ ગણાય છે.
પાચન કે પેટને લગતી અન્ય સમસ્યા
વારંવાર પેટમાં દુકવું, કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યાઓ લાંબા ગાળે ગંભીર બીમારી નોંતરી શકે. બહેતર છે કે 'રોગ અને શત્રુને ઉગતાં જ ડામી દો' ઉક્તિને અનુસરીને સૌથી પહેલા તમારા ખાનપાનમાં બદલાવ લાવો. જો તમને જંકફૂડ કે વધારે પડતાં ગળ્યાં પદાર્થો ખાવા-પીવાની ટેવ હોય તો જીભના ચટાકા પર અંકુશ મૂકો. પરિસ્થિતિ બગડે તેનાથી પહેલાં જ પોષક અને હળવો આહાર લેવાનું શરૂ કરી દો. સુપાચ્ય ભોજન જ તમારી ઘણી સમસ્યાઓ દૂર કરવામાં સહાયક બનશે. આમ છતાં જો સંબંધિત સમસ્યા ન ઉકેલાય તો સમય વેડફ્યા વિના તબીબી સારવાર શરૂ કરી દો.
સતત માથું દુખવું અને ચક્કર આવવા
વારંવાર માથું દુખવું, માથું ભમવું માઇગ્રેન, બ્લડ પ્રેશર કે દ્રષ્ટિ સંબંધી સમસ્યાના લક્ષણો હોઈ શકે. શરીર દ્વારા મળતાં આ સંકેતોને હળવાશથી લેવાની ભૂલ ન કરો.
માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા સંકેતો
અતિશય માનસિક તાણ, ઉદાસી, હતાશા, અનીંદ્રા માનસિક સ્વાસ્થ્ય બગડયું હોવા તરફ આંગળી ચીંધે છે. માનસિક સ્વાસ્થ્યના રખોપાં પણ શારીરિક આરોગ્યની કાળજી કરવા જેટલાં જ જરૂરી છે. જો આવી સમસ્યાઓ પ્રત્યે વખતસર ધ્યાન આપવામાં ન આવે તો તેમાંથી બહાર આવવાનું વધુ મુશ્કેલ બની જાય. બહેતર છે કે વિના વિલંબ મનોચિકિત્સક, કાઉન્સેલરનો સંપર્ક કરવામાં આવે.
- વૈશાલી ઠક્કર


