વિટામીન 'ડી'ને 'સનશાઈન વિટામીન' તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે શાળા જીવન દરમિયાન જ ભણ્યા છીએ કે સૂર્યનો કુણો તડકો લેવાથી આપણા શરીરને ભરપૂર વિટામીન 'ડી' મળી રહે છે. વળી ભારત જેવા ગરમ દેશમાં અરૂણ દેવ હમેશાં મહેરબાન રહેતાં હોવાથી ભારતવાસીઓને તડકો નીકળવાની રાહ નથી જોવી પડતી. આમ છતાં આંચકાજનક વાત એ છે કે મોટાભાગના ભારતવાસીઓ વિટામીન 'ડી'ની ઊણપથી પીડાય છે. અને તેનાથી પણ ચિંતાજનક બાબત છે તત્સંબંધી અજ્ઞાાન. વાસ્તવમાં બહુ ઓછા લોકો જાણતા હોય છે કે તેમના શરીરમાં વિટામીન 'ડી'ની અછત સર્જાઈ છે.
નિષ્ણાતો કહે છે કે આપણને જે વસ્તુ બહુ સહેલાઈથી મળતી હોય તેનું મૂલ્ય આપણે નથી સમજી શકતા. સૂર્યના તડકા બાબતે આ વાત બરાબર લાગૂ પડે છે. આપણને પુષ્કળ તડકો મળતો હોવાથી આપણે તેનાથી બચવાના પ્રયાસો કરીએ છીએ પરિણામે વિટામીન 'ડી' જેવા કિંમતી પોષક તત્વથી વંચિ રહી જઈએ છીએ. લગભગ ૭૦થી ૮૦ ટકા ભારતીયોમાં આ વિટામીનની ઊણપ જોવા મળે છે. વળી તેઓ વિટામીન 'ડી'ના અભાવને કારણ મળતાં સંકેતો પણ નથી ઓળખી શકતા જે છેવટે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક પુરવાર થાય છે. બહેતર છે કે આ વિટામીનની ઊણપને કારણે જોવા મળતા સંકેતો ઓળખવામાં આવે અને સમયસર તેની આપૂર્તિ કરીને ભવિષ્યમાં થનારી વ્યાધિઓને ટાળવામાં આવે. તેઓ તેના વિશે સમજ આપતાં રહે છે..,
- થાક લાગવો : તમે પૂરતી નીંદ્રા લેતા હો તોય સતત થાક અનુભવતા હો તો માની લેવું કે તમારા શરીરમાં વિટામીન 'ડી'ની ઊણપ સર્જાઈ છે. આ વિટામીનના અભાવને કારણે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઊર્જા પેદા નથી થતી તેથી જે તે વ્યક્તિને હમેશાં થાક વરતાયા કરે છે.
- હાડકાં દુખવા : હાડકાં દુખવા, ખાસ કરીને કમરના નીચેના હિસ્સામાં તેમ જ પગમાં પીડા થવી એ તમારા હાડકાંની ઘનતા ઘટી રહી હોવાની નિશાની હોઈ શકે. વિટામીન 'ડી'નો અભાવ હાડકાની ઘનતા ઓછી કરે છે.
- વારંવાર માંદા પડવું : વિટામીન 'ડી'ની ઊણપને કારણે રોગ પ્રતિકારક શક્તિ અસર પામે છે જેને પગલે જે તે વ્યક્તિ વારંવાર શરદી, ખાંસી, તાવ કે પછી અન્ય કોઈ ચેપના સપાટામાં આવી શકે છે. જો અન્ય કોઈ દેખીતા કારણ વિના તમે અવારનવાર આવી સમસ્યાથી પીડાતા હો તો શક્ય છે કે તમારા શરીરમાં આ પોષક તત્વનો અભાવ સર્જાયો છે.
- વારંવાર મૂડ બદલાવો : જો તમારો મૂડ વિના કારણ વારંવાર બદલાતો હોય તો તેને માટે આ વિટામીનનો અભાવ જવાબદાર હોઈ શકે. વાસ્તવમાં વિટામીન 'ડી' આપણા મૂડનું સંચાલન કરતાં રસાયણ સેરોટોનિનનું ઉત્પાદન કરે છે. અને આ વિટામીનની અછત સેરોટોનિનના ઉત્પાદનમાં અડચણ પેદા કરતી હોવાથી આપણો મૂડ વારંવાર બદલાય છે.
નિષ્ણાતો કહે છે કે વિટામીન 'ડી'ની અછતને પગલે પાધરી થતી નિશાનીઓ અવગણવામાં આવે તો સમય જતાં સ્થિતિ વણસતી જાય છે. જેમ કે..,
- હાડકાં નબળાં પડવા : જો આ વિટામીનની ઊણપ તરફ આંખ આડા કાન કરવામાં આવે તો હાડકાં બરડ બનતાં જાય છે જેને પગલે ફ્રેક્ચરનું જોખમ વધે છે. ખાસ કરીને બાળકો તેમ જ વૃધ્ધોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આમેય બાલ્યાવસ્થા તેમ જ વૃધ્ધાવસ્થામાં ઓસ્ટિઓપોરોસિસ થવાની શક્યતા વધારે હોય છે. આવી સ્થિતિમાં જો સંબંધિત સમસ્યા પ્રત્યે ધ્યાન આપવામાં ન આવે તો ઓસ્ટિઓમેલાશિયા થવાની શક્યતા નકારી શકાય નહીં. ઓસ્ટિઓમેલાશિયામાં હાડકાં તદ્દન પોચાં અને નબળાં પડી જાય છે.
- વિવિધ રાજરોગની ભીતિ : વિટામીન 'ડી'ની આપૂર્તિ કરવામાં વિલંબ કરવાથી ડાયાબિટિસ, હૃદયરોગ, ચોક્કસ પ્રકારના કેન્સર જેવા રાજરોગોના સપાટામાં આવવાની શક્યતા વધી જાય છે. એક સંશોધન મુજબ બ્લડ શુગરનું સ્તર જાળવવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં વિટામીન 'ડી' મહત્વનો ભાગ ભજવે છે.
- માનસિક સ્વાસ્થ્યને અસર : આ વિટામીનની કમીને કારણે ડિપ્રેશન અને એંકઝાઈટી જેવા માનસિક રોગો વકરે છે. ખાસ કરીને વૃધ્ધજનોમાં વારંવાર મૂડ બદલાવાની સમસ્યા સામાન્ય બની જાય છે.
હવે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વિટામીન 'ડી'ની કમી દૂર કરવા કરવું શું? આના જવાબમાં તજજ્ઞાો કહે છે..,
- સૂર્યનો કુણો તડકો લો : દરરોજ અથવા અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર-પાંચ દિવસ સૂર્યનો કુણો તડકો લો. તેને માટે વહેલી સવારનો અથવા મોડી બપોરનો સમય ઉત્તમ ગણાય. આ વખતે આકરા તડકાને કારણે થતી હાનિથી બચીને તડકાનો લાભ લઈ શકાય. વહેલી સવાર અથવા મોડી સાંજે ખુલ્લા હાથ, પગ, ચહેરા પર તડકો પડવા દો.
- વિટામીન 'ડી' ધરાવતો આહાર લો : શાકાહારીઓને બહુ ઓછી વસ્તુઓમાંથી વિટામીન 'ડી' મળે છે. આમ છતાં તેઓ વિવિધ પ્રકારના ડેરી ઉત્પાદનો તેમ જ મશરૂમમાંથી આ પોષક તત્વ મેળવી શકે.
- સપ્લીમેન્ટ્સ : જો તમારા શરીરમાં વિટામીન 'ડી'ની તીવ્ર અછત સર્જાઈ હશે તો તમારા તબીબ તમને સપ્લીમેન્ટના માધ્યમથી તેની આપૂર્તિ કરવાની સલાહ આપશે. આ સપ્લીમેન્ટ ટેબ્લેટ, કેપ્સ્યુલ કે લિક્વિડ તરીકે હોઈ શકે.
- નિયમિત રીતે સ્વાસ્થ્ય ચકાસણી : નિયમિત રીતે સ્વાસ્થ્યની તપાસ કરાવતા રહેવાથી પણ માત્ર આ જ નહીં, કોઈપણ પોષક તત્વની કમી વિશે ત્વરિત જાણ થઈ જાય છે જેથી સમયસર તેનો ઈલાજ શક્ય બને છે. વિટામીન 'ડી'ની સ્થિતિ ચકાસવા પણ ચોક્કસ પ્રકારનું રક્ત પરીક્ષણ કરવામાં આવે છે.
નિષ્ણાતો કહે છે કે તદ્દન નિ:શુલ્ક મળતાં વિટામીન 'ડી'ની અવગણના સ્વાસ્થ્ય વિષયક વિવિધ સમસ્યાઓ સર્જે તેના કરતાં બહેતર છે કે સમયસર ચેતી જઈને સૂર્યનો કુણો તડકો લેવાનું શરૂ કરી દો. આમ છતાં કોઈ વ્યાધિ આવે તો તરત જ તબીબનો સંપર્ક કરો.
- વૈશાલી ઠક્કર


