આંખો વિના જગ અંધારું, એક અંધજનને જઈને પૂછો કેવું તેનું જીવન આકરું.
ઈશ્વરે આપણા શરીરના પ્રત્યેક અંગને ચોક્કસ કામ માટે બનાવ્યાં છે. પરંતુ આપણે મોટાભાગે તેની કદર નથી કરતાં. આંખોની જ વાત કરીએ તો આપણે તેને કેટલો ત્રાસ આપીએ છીએ. આખો વખત વિવિધ પ્રકારના ગેઝેટોમાં નજર ખૂંપાવી રાખીને નેત્રની રોશનીને ઝાંખી પાડવાનું કામ આપણે જાણ્યે-અજાણ્યે કરતાં જ રહીએ છીએ. પણ હવે સમય આવી ગયો છે કે તેની યોગ્ય કાળજી કરવામાં આવે. તમારી આંખો સ્વસ્થ છે કે કેમ તે જાણવા તેનું નિયમિત ચેક-અપ કરાવતાં રહેવું જોઈએ. આ તપાસ દરમિયાન પ્રત્યેક દરદીને એક સ્કોરકાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં તેમની વિઝન વિષયક માહિતી નોંધવામાં આવે છે. જો તમારા કાર્ડમાં ૬/૬ સ્કોર હોય તો સમજવું કે તમારી આંખો સ્વસ્થ છે.
જો કે ઘણાં લોકો પોતાના કાર્ડમાં આવતો ૬/૬નો સ્કોર એટલે શું તે સમજી નથી શકતાં. નિષ્ણાતો તેના વિશે સમજ આપતાં કહે છે..,
૬/૬ વિઝન એટલે વિઝ્યુઅલ એક્ટિવિટી (વીએ), જે તમે થોડા અંતરેથી કેટલું સાફ જોઈ શકો છો તેના વિશે કહે છે. જો તમે છ મીટરના અંતરેથી પણ સાફ જોઈ શકતા હો તો તમારી દ્રષ્ટિ સામાન્ય ગણાય છે. નેત્રની તપાસ દરમિયાન જે વ્યક્તિના સ્કોરકાર્ડમાં ૬/૬ આવે તેની દ્રષ્ટિ સ્વસ્થ લેખાય છે.
૬/૬ વિઝનની તપાસ માટે સ્નેલન ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચાર્ટમાં અક્ષરો અથવા આંકડા હોય છે જેને છ મીટરના અંતરેથી વાંચવાનું કહેવામાં આવે છે. આ ચાર્ટની દરેક લાઈનમાં સંબંધિત અક્ષરો કે શબ્દો અથવા આંકડાઓનું કદ અલગ અલગ હોય છે. તેની છેલ્લી લીટીના અક્ષરો-આંકડાઓ એકદમ ઝીણાં હોય છે. જો જે તે વ્યક્તિ આ અક્ષરો પણ વાંચી શકે તો તેની આઈસાઈટ સામાન્ય માનીને ૬/૬ સ્કોર આપવામાં આવે છે.
જો તમારા આ સ્કોરમાં કોઈ ફરક હોય તો તમારી દ્રષ્ટિમાં કોઈક નાની-મોટી ખામી હોવાનું સ્પષ્ટ થાય છે. જેમ કે તમે ખોટા નંબરના ચશ્મા પહેરો છો અથવા તમને નંબર આવી ગયા છે તે વાતથી તમે અજાણ છો. એવું પણ બને કે તમને તમારા ચશ્માના કાચ કે કોન્ટેક્ટ લેન્સ અપડેટ કરવાની આવશ્યકતા છે. જો કે દ્રષ્ટિ નબળી પડવા પાછળ અન્ય પણ ઘણાં કારણો હોય છે. નિષ્ણાત તબીબ પાસેથી તેની તપાસ કરાવવાથી તેનું કારણ સ્પષ્ટ થાય છે. તેથી જો દ્રષ્ટિ સહેજ અમસ્તી ધૂંધળી લાગે તોય સમયસર આંખોની તપાસ કરાવી લેવી.
આઈસાઈટ ચોક્ખીચણાંક રાખવા રોજિંદા આહારમાં વિટામીન 'એ', ઓમેગા-૩ અને લ્યૂટિન જેવા પોષક તત્વો ધરાવતા ખાદ્ય પદાર્થો અચૂક સામેલ કરો.
તમારા કામના ભાગરૂપે તમને કલાકો સુધી સ્ક્રીન સામે જોવાની ફરજ પડતી હોય તોય સમયાંતરે બ્રેક લેવાનું રાખો. સ્ક્રીન સામે કામ કરતી વખતે પણ વારંવાર આંખો પટપટાવતા રહો જેથી નેણમાં ભીનાશ જળવાઈ રહે.
આંખો થાકેલી જણાય, અચાનક ઝાંખુ દેખાવા લાગે કે દ્રષ્ટિમાં અન્ય કોઈ સમસ્યા લાગે તો તરત જ નેત્રની તપાસ કરાવી લો.
દ્રષ્ટિને સતેજ રાખવા પૂરતી ઊંઘ લો, આંખો શુષ્ક ન થાય તેની કાળજી રાખો, તડકામાં સનગ્લાસ પહેરવાનું ન ભૂલો, આંખો જોરથી ન ઘસો, દર ૨૦ મિનિટે દૂર સુધી દ્રષ્ટિ નાખો. આવા નાના નાના ઉપાય તમારી દ્રષ્ટિ સામાન્ય રાખવામાં સહાયક બનશે.
- વૈશાલી ઠક્કર


