Get The App

તમારા મગજમાં સતત શંકાનો કીડો સળવળે છે?

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
તમારા મગજમાં સતત શંકાનો કીડો સળવળે છે? 1 - image

- તીવ્ર શંકાશીલ વ્યક્તિ પેરાનોઈડ પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર હોઈ શકે

તાજેતરમાં કુર્લાના નેહરુનગરમાં રહેતી કુસુમ લક્ષ્મણ રાવ નામની ગૃહિણીએ તેના ચારિત્ર્ય પર વારંવાર શંકા કરીને શારીરિક-માનસિક ત્રાસ આપતાં પતિથી કંટાળીને ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણી દીધો. તેનો પતિ તેને હંમેશા શંકાની નજરથી જોતો, તેની ઉલટતપાસ કરતો. તેની કાલ્પનિક શંકાનો શિકાર કુસુમ બનતી. લક્ષ્મણ તરફથી તેને સતત મહેણાંટોણાં સાંભળવા પડતા અને તેની મારઝૂડ સહેવી પડતી. રોજેરોજના આ કકળાટથી કંટાળીને છેવટે કુસુમે જીવન ટૂંકાવી દીધું.

આ રીતે આયખાનો અંત આણનારી કુસુમ એકમાત્ર સ્ત્રી નથી. છાશવારે અખબારોના પાનાં પર આવા સમાચાર ચમકતા રહે છે. સ્વભાવે શંકાશીલ હોવું એ માત્ર પુરુષોનો ઇજારો નથી. સ્ત્રીઓ પણ પતિ અને બાળકો પર શંકા કરીને પોતાના સંસારમાં અશાંતિ ઊભી કરે છે. પણ શું તમે જાણો છો કે અતિશય શંકાશીલ હોવું એ સ્વભાવ નથી, બલ્કે એક પ્રકારની માનસિક બીમારી છે. આ માનસિક વ્યાધિને પેરોનોઈડ પર્સનાલિટી ડિસઓર્ડર અથવા પેરાનોયા પર્સનાલિટી ડિસઓર્ડરના નામે ઓળખવામાં આવે છે. આ બીમારીમાં પતિ અથવા પત્નીને સતત એમ લાગે છે કે તેમની વચ્ચે કોઈક ત્રીજી વ્યક્તિ મોજૂદ છે. તે પોતાને એકદમ એકલા પડી ગયેલા અનુભવે છે. પોતાના ઘરમાં જ પોતે અસલામત હોવાની ભીતિ અનુભવે છે. પરિણામે વાતવાતમાં શંકા કરવી, અવિશ્વાસ રાખવો, સામી વ્યક્તિની ઉલટતપાસ કરવી, તેની ગેરહાજરીમાં તેનો કબાટ કે તેની અન્ય વસ્તુઓ ફંફોસવી અને તેની ગેરહાજરીમાં સતત તેના વિશે નકારાત્મક વિચારો કરવા જેવી પ્રવૃત્તિઓમાં જ દરદી રચ્યોપચ્યો રહે છે.

સ્વાભાવિક રીતે જ આવી પ્રવૃત્તિઓને કારણે સંબંધોમાં તિરાડ પડે છે. જો આવું બધુ લાંબા સમય સુધી ચાલે તો આ તિરાડ ખાઈનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જો શંકાશીલ વ્યક્તિ સમજાવવાથી ન સમજે, શંકાને કારણે બગડેલા સંબંધો સુધારવાની બધી કોશિશ નાકામિયાબ પુરવાર થાય તો તમે સંબંધિત વ્યક્તિને સાઈકોથેરપિસ્ટ પાસે લઈ જઈને તેનો ઇલાજ કરવો.

સાઈકોથેરપિસ્ટ  આ વ્યાધિ વિશે કહે છે કે પેરાનોઈડ પર્સનાલિટી ડિસઓર્ડરનો દરદી સામી વ્યક્તિ વિશે મનમાં કાલ્પનિક ગ્રંથિ બાંધી લે છે અને તેણે ધારી લીધેલી તેની છબિ  મુજબ જ તેની સાથે વર્તન કરે છે.

અલબત્ત, શંકા કરવી કે વહેમ રાખવો એ વત્તાઓછે અંશે માનવમાત્રમાં જોવા મળે છે, બલ્કે એમ કહી શકાય કે તે દરેક માનવીના સ્વભાવનો એક ભાગ હોય છે. પરંતુ પેરાનોઈડ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાતી વ્યક્તિના મગજમાં સતત શંકાનો કીડો સળવળ્યા જ કરે છે. જો પતિ આ વ્યાધિનો શિકાર હોય તો તેને એમ લાગે છે કે તેની પત્ની તેને પ્રેમ નથી કરતી.  કોઈ બીજા પુરુષ સાથે તેને પ્રેમસંબંધ છે. તે પત્નીની દરેક વસ્તુને ફંફોસે છે. તેને એમ પણ લાગે છે કે તેની પત્ની તેના વિરુદ્ધ કાવતરું કરી રહી છે. તેના મગજમાં રાતદિવસ આવી બધી વાતો જ ચાલતી હોવાથી તેને બીજું કાંઈ સૂઝતું નથી.

આવી જ રીતે જો કોઈ માતાને પોતાના સંતાન પર અકારણ શંકા જાય, તે તેની સ્કુલબેગ, કબાટ, ડ્રોઅર ફંફોસ્યા કરે, તેના ફોન પર નજર રાખે, વારંવાર તેને પૂછે કે તે ક્યાં જાય છે, કોની સાથે જાય છે અને શું કરે છે, તો શક્ય છે તે સ્ત્રી સંબંધિત બીમારીમાં સપડાઈ હોય.

આવા રોગના રોગીઓની સામાજિક હાલત કફોડી બની જાય છે. તેના સવાલ-જવાબ અને તર્ક-વિતર્ક એટલાં બધાં હોય છે કે પરિવારજનો તેનાથી દૂર ભાગે છે. એટલે સુધી કે બહારની વ્યક્તિને તેના આવા સ્વભાવની ખબર હોય તો તે પણ તેની સાથે વાત કરવાનું ટાળે છે. તેઓ એમ જ વિચારે છે કે જવા દો, તેની સાથે વાદવિવાદમાં કોણ ઉતરે? તેઓ સારી પેઠે જાણતા હોય છે કે આવી વ્યક્તિ દરેક વાતમાં પોતાને જ સાચી પુરવાર કરવાનો પ્રયત્ન કરશે. આને માટે તે પોતાનો દોષ પણ બીજાના માથે મઢી દેતા નહીં ખચકાય.

નિષ્ણાતો પેરનોઈડ પર્સનાલિટી ડિસઓર્ડને આનુવાંશિક માને છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જેના પરિવારજનોમાં સેઝોફ્રેનિયાની બીમારી હતી, તે કુટુંબમાં આ વ્યાધિ જોવા મળી હતી. જોકે હજી સુધી આ વાત સો ટકા પુરવાર નથી થઈ. આ ઉપરાંત બાયોકેમિસ્ટ્રીને પણ આ વ્યાધિનું એક કારણ માનવામાં આવે છે. પરંતુ તેના વિશે પણ હજી ઝાઝી જાણકારી મળી શકી નથી. જ્યારે કેટલાંક વૈજ્ઞાાનિકો માનસિક તાણને પણ આ બીમારીનું કારણ માને છે, જેમાં પેરાનોયાના તીવ્ર લક્ષણ જોવા મળે છે. આવી સ્થિતિમાં દરદીમાં ચોક્કસ સમય સુધી માનસિક અસંતુલન પણ જોવા મળે છે.

આ વ્યાધિના બે તબક્કા હોય છે. પ્રથમ તબક્કામાં રોગીને એમ લાગે છે કે લોકો તેની ઉપેક્ષા કરે છે, તેનો ખોટો ફાયદો ઉપાડે છે. લોકો તેની વિરુદ્ધ કાવતરું કરીને તેને હાનિ પહોંચાડશે. જ્યારે બીજા તબક્કામાં દરદી પોતાને એકદમ દ્રઢ માનવા લાગે છે અને લોકોને પણ એવું જ બતાવવાનો પ્રયત્ન કરે છે. તેને બીજા લોકોની ઇર્ષ્યા આવે છે. તે બીજાઓ પર અધિકાર અથવા રોફ જમાવવાનો પ્રયત્ન કરે છે. તે પોતાને સર્વગુણ સંપન્ન માનવા લાગે છે. તેને પોતાનો કોઈ દોષ દેખાતો જ નથી. તે પોતાના ભાગના આરોપો પણ બીજાના માથે મઢવાનો પ્રયત્ન કરે છે, પણ પોતાની ભૂલનો સ્વીકાર નથી કરતા. તે દરેક વાતમાં તર્કવિતર્ક કરીને પોતાના સિવાય બધા ખોટાં છે એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે. ઘણીવાર તો દરદી એવી કલ્પના કરવા લાગે છે કે તે સર્વશ્રેષ્ઠ છે, ઈશ્વરે જ તેને શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે નિમ્યો છે, તેથી તે ખૂબ અગત્યની વ્યક્તિ છે તેથી લોકો તેની ઇર્ષ્યા કરે છે. તેની અદેખાઈ કરતાં લોકો તેને હાનિ પહોંચાડશે.

અહીં પ્રશ્ન એ છે કે આવી બીમારી ધરાવતા રોગીનો ઇલાજ શી રીતે કરવો. આના ઉપચાર માટે સૌથી પહેલા રોગીનો ઇતિહાસ જાણવો જરૂરી છે. રોગીના પરિવારજનો અને સાઈકોથેરપિસ્ટને સૌથી પહેલા રોગીમાં એવો વિશ્વાસ પેદા કરવો જોઈએ કે તે એકલો નથી. બધા તેની સાથે છે. બધા તેને પ્રેમ કરે છે. બધાને તેની કાળજી છે. આ ભરોસો પેદા થાય ત્યાર બાદ સાઈકો થેરપીસ્ટ દ્વારા મરીજનો ઉપચાર શરૂ કરવામાં આવે છે. કેટલાંક કેસમાં રોગીને એન્ટિ-એન્કઝાઈટી ડ્રગ પણ આપવામાં આવે છે. સાઈકો થેરપિસ્ટ આ રોગનો ઇલાજ કરવા માટે સૌથી પહેલા પરિવારજનોનો સહયોગ માગે છે. તે તેના કુટુંબીજનોને સમજાવે છે કે રોગી જે કરી રહ્યો છે તે ડિસઓર્ડરને લીધે કરી રહ્યો છે. તેથી તેની સાથે ક્રોધાવેશમાં આવીને કામ લેવાને બદલે સંયમ રાખવો જોઈએ. તેની આળપંપાળ કરીને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જો દરદીમાં પેરાનોઈડ પર્સનાલિટી ડિસઓર્ડરના તીવ્ર લક્ષણો દેખાય તો તેને સાઈકો થેરપિસ્ટ પાસે લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. અલબત્ત, આ કામ ખાસ્સું કપરું છે. સૌથી પહેલા તો મરીજ સાઈકો થેરપિસ્ટ પાસે જવા જ તૈયાર નહીં થાય. પરંતુ તેને આ વ્યાધિમાંથી મુક્ત કરવા સાઈકો થેરપિસ્ટની સારવારની આવશ્યકતા હોવાથી જરૂર પડયે તેને ખોટું બોલીને પણ સાઈકો થેરપિસ્ટ પાસે લઈ જાઓ.

આ ઉપરાંત દરદીને સમજવાનો પ્રયત્ન કરો. તેની બધી વાતો ધ્યાનપૂર્વક સાંભળઓ, જો તે વારંવાર એક જ વાત કર્યા કરે તોય તેની ઉપેક્ષા ન કરો કે તેની સામે આંખ આડા કાન ન કરો. તેને વારંવાર 'આમ ન કર, તેમ ન કર' જેવી સલાહ ન આપો. સાઈકો થેરપિસ્ટની સારવાર અને પરિવારજનોનો પ્રેમ તેને આ વ્યાધિમાંથી મુક્ત થવામાં સહાયક નીવડશે.