સફળ સેક્સ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે અનિવાર્ય છે?
- સેક્સને કારણે શરીરમાં એન્ડોર્ફિન્સ નામનો સ્ત્રાવ થાય છે, જે શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા મહત્વનો છે
દુનિયાભરમાં લોકોને સેક્સનું અચરજ મોટું છે તેનું એક કારણ એ પણ છે કે તમારી તંદુરસ્તીમાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. જેમનું જાતીય જીવન સુખી ન હોય તેવા દંપતીઓની તબિયત પણ નરમગરમ રહે છે. સેક્સ એ જીવનનુંં એક એવું પરિબળ છે જેની ગેરહાજરીમાં તંદુરસ્તી પર મોટી અસર પડે છે.
સેકસ એક રીતે માનવજીવનનો આધાર છે. માનવના શારીરિક અને માનસિક જીવનના કેન્દ્રમાં એક સમયગાળા દરમ્યાન સેકસનું આધિપત્ય હોય છે. આ સમયગાળામાં જાતીય જીવન સંતોષકારક હોય તો તેની અસર આખા જીવન પર હકારાત્મક રહે છે. પરંતુ જો આ સમયગાળામાં જાતીય જીવન સંતોષકારક ન હોય તો તેની આરોગ્ય પર પણ માઠી અસર થાય છે જેના પરિણામો લાંબા સમય સુધી ભોગવવા પડે છે.
સેકસને અને તંદુરસ્તી વચ્ચે ગાઢ સબંધ રહેલો છે. સેકસની પ્રક્રિયા પ્રમાણમાં જટિલ શારીરિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમ્યાન સ્ત્રી અને પુરૂષના શરીરમાં અનેક પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. જે તંદુરસ્તી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સેક્સ દરમ્યાન શરીરમાં રક્તનો પ્રવાહ વધી જાય છે. રક્તનો પ્રવાહ વધવાને પગલે પ્રથમ લાભ એ થાય છે કે તેને કારણે ત્વચા વોર્મ અપ થઇ જાય છે. આને કારણે શરીરમાં રૂધિરાભિષરણ વધવાને કારણે ઓક્સિજન નું પ્રમાણ પણ વધે છે અને શરીરમાં એક પ્રકારના પ્રોટીન કોલેઝનનો સ્રાવ થાય છે. આ સ્રાવ ત્વચા માટે ખૂબ લાભકારી હોય છે.
સફળ સેકસનું એક પરિણામ એ હોય છે કે સેક્સ કર્યા પછી એકદમ ગાઢ ઉંંઘ આવી જાય છે. આ ગાઢ ઉંંઘ આવવાનું કારણ સેક્સ દરમ્યાન હાથ અને પગને થતી કસરત જવાબદાર હોતી નથી. આનું કારણ એ હોય છે કે સેક્સ દરમ્યાન વિવિધ પ્રકારના હેપ્પી હોર્મોનનો સ્રાવ થાય છે. ઓક્સિટોસિન, સેરોટોનિન, નોરએપિનફિન, વેસોપ્રેસિન અને પ્રોલેક્ટિન નામના રસાયણો શરીરમાં ઝરે છે. આ રસાયણોને કારણે સેક્સનો અનુભવ અદભૂત બની રહે છે.
સેક્સની પરાકાષ્ટાએ શરીરમાં પ્રોલેક્ટિન નામનું રસાયણ ઝરે છે. આ પ્રોલેક્ટિન શરીરને રિલેક્સ અને ફીટ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મહિલાઓમાં સેક્સ દરમ્યાન એસ્ટ્રોજનનું પ્રમાણ ુપણ વધી જાય છે. આ એસ્ટ્રોજનના વધેલાં પ્રમાણને પરિણામે મોટાભાગની મહિલાઓને ઘસઘસાટ ઉંઘ આવી જાય છે.
સેકસ દરમ્યાન આપણાં મગજના હાઇપોથેલમસ નામના હિસ્સામાં ઓક્સિટોસિન ઝરે છે. જેને કારણે અવર્ણનીય સુખનો અનુભવ થાય છે. આવી જ રીતે ડોપામાઇન રિલિઝ થવાથી લાગણીશીલ બની જવાય છે અને એક અનોખા આનંદનો અનુભવ થાય છે. આમ, સેક્સ દરમ્યાન વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો માનવશરીરમાં ઝરતાં હોઇ તેને કારણે માનસિક અને શારીરિક આરોગ્ય જળવાઇ રહે છે. નિયમિત સેકસ એ આરોગ્ય માટે પણ જરૂરી ગણાય છે.
જ્યારે સેક્સ નિયમિત કરવામાં આવે ત્યારે તેનાથી આરોગ્યને ઘણાં લાભ થાય છે. જેમ કે સેક્સ દરમ્યાન હ્ય્દયના ધબકારાં ખૂબ વધી જાય છે. જેને કારણે હ્ય્દયની એક પ્રકારની કસરત થઇ જાય છે. આ કસરત નિયમિત થતી રહે તો હ્ય્દયરોગની સમસ્યા ટાળી શકાય છે. સેક્સને કારણે ઘણી માનસિક સમસ્યાઓમાંથી પણ રાહત મળતી હોય છે. પશ્ચિમના દેશોમાં થયેલા સંશોધનો અનુસાર સેક્સ જીવન સરસ હોય તો માઇગ્રેન, માથાનો દુખાવો અને તંગદિલીમાં રાહત મળે છે. આમ, સફળ જાતીય જીવન એ આરોગ્ય માટે પણ મહત્વની બાબત છે.
- વિનોદ પટેલ