Get The App

જેન ઝી વહેલાં પરણી લગ્નસંંસ્થાને મજબૂત બનાવી રહી છે?

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
જેન ઝી વહેલાં પરણી લગ્નસંંસ્થાને મજબૂત બનાવી રહી છે? 1 - image

- જેન ઝી મિલેનિયલ્સની જેમ પોતે જીવનમાં સ્થિર થાય ત્યાં સુધી લગ્નને ઠેલે રાખવામાં માનતી નથી 

- જેન ઝી ઇમોશનલી વધારે પરિપક્વ અને જાગરૂક હોવાથી લગ્નના આયામો બદલાઇ રહ્યા છે

ભારતીય પરંપરામાં લગ્ન સમયસર એટલે કે સરકારી નિયમો અનુસાર યુવાનના ૨૧ વર્ષે  પુરાં કર્યા હોય તો અને યુવતીના લગ્ન ૧૮ વર્ષ પુરાં કર્યા બાદ કરવામાં આવે છે. પરંતુ આધુનિક જમાનામાં શહેરોમાં છેલ્લા ઘણાં દાયકાથી જીવનમાં ઠરીઠામ થયા બાદ છેલ્લે લગ્ન કરવાનો ચાલ યુવાનોમાં વધ્યો હતો. પરંતુ નવી જેન ઝી દ્વારા આ ચાલ ઉલટાવવામાં આવી રહ્યો હોવાનાસંકેતો સાંપડે છે. જેના કારણે યુવાનો ત્રીસીમાં પ્રવેશ્યા પછી જ લગ્ન કરતાં હતાં તેઓ હવે સમયસર લગ્ન કરવા માંડયા છે. જેને કારણે સમાજમાં એક પ્રકારનો હાશકારો વરતાઇ રહ્યો છે. 

પહેલાં તો આ પરિવર્તન લાવનારી જેન ઝીને સમજવી પડે. જેન ઝી એટલે આ પેઢી જેનો જન્મ ૧૯૯૭ અને ૨૦૧૨ દરમ્યાન થયો છે. આ એક એવી પેઢી છે જે સંપૂર્ણપણે ડિજિટલ જમાનામાં ઉછરેલી છે. તેમને નાનપણથી જ ઇન્ટરનેટ, સોશ્યલ મિડિયા અને આધુનિક ટેકનોલોજીના લાભો મળ્યા છે. આ પેઢી આ બધી વિશિષ્ટતાઓને કારણે વિચારોમાં, સંવાદ સાધવામાં અને નિર્ણયો કરવામાં અન્ય પેઢીઓથી અલગ તરી આવે છે. સંબંધો વિશે શીખવાનું હોય કે માનસિક આરોગ્ય અને અંગત વિકાસ સાધવાનો હોય જેન ઝીએ તેની આગલી પેઢી મિલેનિયલ્સ કરતાં વધારે પરિપક્વ જણાઇ રહી છે. નાનપણથી જ ટેકનોલોજીના વિવિધ લાભો મળવાને કારણે તેમનો જીવન પ્રત્યેનો અભિગમ વધારે સ્પષ્ટ હોય છે અને તેમના ઇરાદા મક્કમ હોય છે. તેઓ પરંપરાનું આંધળું અનુસરણ કરતાં નથી. તેઓ પરંપરાને સમજવાનો પ્રયાસ કરે છે, સવાલો કરે છે અને પછી તેમને માફક આવે તે બાબતોને તેઓ જીવનમાં સ્વીકારે છે. 

જ્યારે જીવનમાં સંબંધોની વાત આવે ત્યારે જેન ઝી માટે લાગણીની સમજણ, પ્રમાણિક સંવાદ અને સીધો સંપર્ક એ મૂલ્યવાન બાબતો બની રહે છે. જેન ઝી સમાજના દબાણ કરતાં પોતાની માનસિક આરોગ્ય અને અર્થપૂર્ણ સંબંધોને વધારે મહત્વ આપે છે. સ્વાભાવિક રીતે જ પ્રેમ અને લગ્નના મામલે જેન ઝી એકદમ અલગ પડે છે. હવે આ જેન ઝી સમયસર પરણવા માંડી છે જેના કારણે એક પ્રકારનું આશ્ચર્ય ફેલાયું છે. પણ તેમના આ વલણને સમજીએ તો તેમના વહેલાં લગ્ન કરવાના વલણને કઇંક અંશે સમજી શકાશે. પહેલાં તો જેન ઝી અગાઉની પેઢીઓની સરખામણીમાં લાગણીના મામલે મુક્ત અને પરિપક્વ પેઢી છે. તેઓ માનસિક આરોગ્ય, સંવાદ અને મર્યાદાઓ વિશે મુક્તમને ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં માને છે. આ સ્પષ્ટતાને કારણે તેઓ નાની વયે જ યોગ્ય પાર્ટનરને શોધી કાઢે છે. જેને કારણે તેઓ નાની વયે લગ્ન કરવાના મામલે ખાસો આત્મવિશ્વાસ ધરાવતાં હોય છે. 

બીજી રસપ્રદ બાબત એ છે કે આ પેઢી જાતજાતની ડેટિંગ એપથી વાકેફ છે. સતત સ્વાઇપિંગ કરીને થાકેલી આ પેઢી ઉપરછલ્લા સંબંધોની વ્યર્થતા બરાબર સમજે છે. આ જ કારણે તેઓ લાંબા  ગાળાના સંબંધો બાંધવામાં વધારે માને છે. તેમને હવે છીછરાં સબંધોમાં રસ પડતો નથી. આજના અનિશ્ચિત જમાનામાં લાગણીના મામલે સુરક્ષા એ તેમની પહેલી પ્રાયોરિટી બની રહી છે. જેન ઝીને સંબંધોમાં શાંતિ, સહકાર અને સ્થિરતા ખપે છે. તેમને માટે લગ્ન એ બંધન નહીં પણ એક સલામત સંબંધ બની રહે છે. 

અન્ય મહત્વની બાબત એ છે કે જેન ઝી ડિજિટલ કારકિર્દીને કારણે અગાઉની પેઢીઓની સરખામણીમાં વહેલી કમાતી થઇ જાય છે. તેમને માટે ઓનલાઇન કમાણી કરવી એ ડાબા હાથનો ખેલ બની રહે છે. જીવનમાં આ કારણે તેમને આર્થિક સ્વતંત્રતા વહેલી મળી જાય છે. આર્થિક સ્વતંત્રતા વહેલી મળવાને કારણે તેઓ ઘણાં મહત્વના નિર્ણયો જાતે લેતાં શીખી જાય છે. તેઓ લગ્નના મામલે પણ પરંપરાગત ઢબે કારકિર્દીમાં સ્થિરતા આવે એ પછી લગ્ન કરવાને બદલે વહેલાં લગ્ન કરી લેવામાં માને છે. મજાની વાત તો એ છે કે જેન ઝી માટે લગ્ન એ સામાજિક દબાણ હેઠળ કરવામાં આવતી વિધિ નહીં પણ એક મહત્વની પાર્ટનરશિપ બની ગઇ છે. સમાનતા અને પરસ્પર વિકાસની જેમાં સંભાવના વધારે હોય ત્યાં તેઓ લગ્ન કરવામાં વિલંબ કરતાં નથી. જેન ઝીની બીજી એક લાક્ષણિકતા એ જણાઇ છે કે તેઓ હવે પ્રેમલગ્ન કે એરેન્જ મેરેજ વચ્ચે પસંદગી કરવાને બદલે બંને વચ્ચે એક પ્રકારનું સંતુલન સાધવામાં માને છે. તેઓને તેમના પાર્ટનરની પસંદગીમાં સંપૂર્ણ સ્વતંત્રતા જોઇએ છે પણ તેઓ આ સંબંધમાં પરિવારની સામેલગીરીથી આવતાં વિશ્વાસ અને સુરક્ષાને પણ મૂલ્યવાન માને છે. 

જેન ઝીના આ નવતર અભિગમને કારણે એક નવી જ મૂલ્યવ્યવસ્થા સર્જાઇ રહી છે. જેમાં લગ્ન એ વ્યક્તિ સાથે કરવાનું પસંદ કરવામાં આવે છે જેમાં બંને વચ્ચે સ્વભાવનો મેળ પડતો હોય અને તેમના મૂલ્યો સમાન હોય. તેમના માટે વ્યક્તિગત પસંદગી જેટલું જ મહત્વ પરિવારની મંજૂરીનું પણ હોય છે. આમ, જેન ઝી પરંપરા અનુસાર કુંડળી મિલાવીને જ લગ્ન કરવામાં કે ડેટિંગમાં મળેલાં પ્રિય પાત્રને જ પરણી જવામાં માનતી નથી. તેઓ યોગ્ય રીતે યોગ્ય પાર્ટનર મેળવવામાં માને છે. 

ભારતમાં લગ્ન વિષયક નિર્ણયોમાં પરિવારની ભૂમિકા મહત્વની હોય છે. આજે પણ પરિવારજનોનો મત લગ્નની બાબતમાં મહત્વનો બની રહે છે. જો કે, તેની સામે જેન ઝીનો અભિગમ વધારે વ્યવહારૂ બની રહ્યો છે. જેન ઝી લગ્નના મામલે સંપૂર્ણપણે પરિવાર પર જ નિર્ભર રહેવામાં માનતાં નથી તેમ જ તેઓ પરિવારને કોરાણે પણ મુકવામાં માનતાં નથી. આ જેન ઝી પેઢી એક મધ્યમમાર્ગ અપનાવી રહી છે. જે લાંબા ગાળે સમાજ માટે પણ હકારાત્મક બાબત બની રહે તેમ લાગે છે. જેન ઝી તેમના પરિવારના મત, મૂલ્યો અને સાંસ્કૃતિક પરંપરાને આદર આપે છે. પણ સાથે સાથે તેમને પોતાનો અવાજ પણ કોઇ કારણસક દબાવવામાં આવે તે મંજૂર નથી.તેઓ માને છે કે લગ્ન એ એક અંગત નિર્ણય છે અને તેમાં પરસ્પર સમજણ, અનુકૂળતા અને લાગણીના સંબંધો હોય તો જ તેમાં આગળ વધાય. આમાં પરિવારની સંમતિ પણ એટલી જ મહત્વની છે. 

મજાની વાત એ બની રહી છે કે પરંપરા અને સ્વાતંત્ર્યના આ સંતુલનને કારણે આજે વહેલાં લગ્ન કરવાનું સ્વીકાર્ય બની રહ્યું છેે. અંગત પસંદગી અને પરિવારનો ટેકો બંને સાથે કારગર નીવડતાં હોઇ જેન ઝી લાંબા ગાળાના સંબંધો બાંધવામાં વધારે આત્મવિશ્વાસ અનુભવી રહી  છે.સમયસર લગ્ન કરવાને કારણે બંને પાર્ટનર્સને એકસાથે જીવનમાં વિકાસ કરવાની તક મળે છે. બંને જણાં પ્રમાણમાં યુવાનવયથી જ સાથે જીવનમાં આગળ વધતાં હોઇ બંને વચ્ચે લાગણીના સંબંધો પ્રમાણમાં વધારે મજબૂત હોય છે. યોગ્ય સમજણ, સ્પષ્ટ સંવાદ અને પરસ્પર સમજણ હોય તો સમયસર લગ્ન એક આશિર્વાદ બની રહે છે.જેન ઝી પરણવા માટે ધસી રહી નથી પણ તેઓ લગ્નને પુન:વ્યાખ્યાયિત કરી રહ્યા છે. તેમના માટે લગ્ન એ નક્કી કરવામાં આવેલું સમયપત્રક નથી કે સમાજની અપેક્ષાને સંતોષવાનો પ્રસંગ નથી. તેમના માટે લગ્ન એ યોગ્ય વ્યક્તિની સભાનપણે કરવામાં આવેલી અર્થપૂર્ણ પસંદગી છે. જેન ઝી કામચલાઉ સંબંધોથી દૂર જઇ રહી છે અને લાંબાગાળાના મજબૂત સંબંધો બાંધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મજાની વાત એ છે કે જેન ઝી લગ્ન સંસ્થાને એક નવો આકાર આપી રહી છે જેમાં લગ્ન પાર્ટનરશિપ, સમજણ અને લાંબા ગાળાના વિકાસનો માર્ગ છે. આમ, જેન ઝીની લગ્ન વિષયક સમજણ વધારે વિચારણીય અને અર્થપૂર્ણ બની રહી છે. શુભમ ભવતુ! 

- વિનોદ પટેલ