- ડેટિંગ એપ હાઈટ માપી રહી છે પણ
આજના ડિજિટલ-ફર્સ્ટ ડેટિંગ લેન્ડસ્કેપમાં 'સ્વાઈપ કરો અને મેચ કરોે'એ પારંપરિક પ્રેમ સંબંધનું મહદ્અંશે સ્થાન લઈ લીધું છે. એક સમયે પ્રાથમિક્તા અંગત રાખવામાં આવતી તે હવે ખુલ્લે આમ પ્રદર્શિત કરાય છે અને તેમાં પણ આલ્ગોરિધમનો ઉપયોગ થાય છે. ડેટિંગ એપમાં સૌથી છેલ્લો અને સૌથી વધુ વિવાદીત ઉમેરો છે ઉમેદવારની હાઈટના પરિમાણ દ્વારા ફિલ્ટર કરવાનો વિકલ્પ. આ સુવિધાએ બોડી ઈમેજ, ડેટિંગ ધોરણો અને આલ્ગોરિધમ પ્રેરિત પ્રેમની સંભવિત મર્યાદાઓ વિશે ઉગ્ર ચર્ચા છેડાઈ છે.
આ વિકલ્પથી વપરાશકારોને ભાવિ પાર્ટનરો માટે હાઈટની સીમા નક્કી કરવાની સુવિધા મળે છે જેનાથી તેઓ તેમની શારીરિક પ્રાથમિકતાને અનુકૂળ ન હોય તેવી પ્રોફાઈલ રદ કરી શકે છે. કેટલાક લોકોના મતે આ વિકલ્પ સ્પષ્ટતાની સુવિધા કરી આપે છે. અન્ય લોકોના મતે એનાથી લોકોને શારીરિક પરિમાણમાં સીમિત કરાય છે અને સૌંદર્યના અવાસ્તવિક ધોરણો મજબૂત બની શકે છે. હવે જ્યારે આ સુવિધા લોકપ્રિય બની રહી છે ત્યારે સવાલ ઉપસ્થિત થાય છે કે શું અર્થપૂર્ણ સંબંધો બનાવવામાં ખરેખર ઊંચાઈ મહત્વની છે?
પ્રેમના માપદંડ હોય?
હાઈટના ફિલ્ટરના સમાવેશથી ડેટિંગ ઉમેદવારોનું ધૂ્રવીકરણ થયું છે. કેટલાક વપરાશકારો માટે આ એક તર્કબદ્ધ ઉમેરો છે, જેનાથી ફોટોમાં લાંબા અથવા ટૂંકા દેખાતા ઉમેદવારને મળ્યા પછી થતી હતાશા નિવારી શકાય છે. એનાથી પારદર્શિતાનું એક સ્તર ઉમેરાય છે જેની ઘણા ઉમેદવારોના મતે ઓનલાઈન પ્રોફાઈલના વિશ્વમાં ખોટ વર્તાતી હતી.
દાખલા તરીકે નોઈડાની એક યુવા મહિલાના મતે હાઈટનું ફિલ્ટર વ્યવહારુ છે. તેની હાઈટ પ'૫'' હોવાથી તે પોતાનાથી ઊંચા પાર્ટનર પસંદ કરે છે. આ સુવિધાથી તેને લાગણીનો સંબંધ બને તે પહેલા અપેક્ષા નક્કી કરવામાં સહાય મળે છે. તે સ્પષ્ટતા કરે છે કે કોઈની ઓળખાણ થાય તે પહેલા તેની હાઈટ વિશે જાણકારી મળવાથી આંચકા નિવારી શકાય છે. આ બાબત ભેદભાવની નથી, પણ વય અને ધૂમ્રપાનની આદતો જેવી બાબતોની પ્રાથમિકતા વિશે છે.
જો કે હાઈટની સુવિધા સાથે એક વણકહ્યો પૂર્વગ્રહ પણ સાથે આવ્યો છે, ખાસ કરીને એવા પુરુષો માટે જેઓ અમુક ઊંચાઈના ધોરણોમાં ફિટ નથી બેસતા. પુરુષ ઉમેદવારોની સર્વસામાન્ય ફરિયાદ છે કે એકવાર તેઓ હાઈટ જાહેર કરે પછી તેમની મેચની સંખ્યામાં ભારે ઘટાડો થાય છે. એક વપરાશકારે લખ્યું કે પોતાની પ્રોફાઈલમાં પ'૬'' હાઈટ લખવાથી તેને ઘણી ઓછી મેચ મળી હતી. અન્ય ઉમેદવારે લખ્યું કે હાઈટ ફિલ્ટરથી અનિવાર્ય અસ્વીકાર ઝડપી બને છે અને તેનાથી પ્રત્યક્ષ નિરાશાના સ્થાને ડિજિટલ હતાશા મળે છે.
જ્યાં પ્રાથમિકતા અને દબાણ વચ્ચે ઘર્ષણ થાય છે
શારીરિક આકર્ષણ રોમેન્ટિક પસંદગીનો કુદરતી હિસ્સો છે, પણ જ્યારે શારીરિક પરિમાણને સખત માપમાં સીમિત કરવામાં આવે ત્યારે તેનાથી ગાઢ સામાજિક મુદ્દાનો સંકેત મળે છે. હાઈટ એક પ્રકારે ડેટિંગ ચલણ બની ગઈ છે, તેને ઘણીવાર આત્મવિશ્વાસ, પ્રભાવ, સુરક્ષા જેવા ગુણો સાથે સાંકળવામાં આવે છે, પછી ભલે આ ધારણાઓમાં વાસ્તવિક્તાનો સદંતર અભાવ હોય.
નવી ડેટિંગ સંસ્કૃતિ બાહ્ય દેખાવથી ભારે પ્રભાવિત થઈ છે અને હવે હાઈટ આ ચર્ચામાં પ્રભુત્વ ધરાવતી રહી છે. તાજેતરમાં રજૂ થયેલી એક ફિલ્મમાં આ જ દબાણનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે: તેના મુખ્ય પાત્રએ ડેટિંગ વિશ્વમાં વધુ આત્મવિશ્વાસ કેળવવા પગ લાંબા કરાવવાની સર્જરી કરાવવી પડે છે. ફિલ્મ વ્યાંગાત્મક હોવા છતાં તેમાં ખરી ચિંતાને દર્શાવવામાં આવી છે કે સમાજના ડેટિંગ ધોરણોને અનુરૂપ થવા હાઈટ મેળવવા માટે લોકો કેટલાક લાંબા થાય છે.
ફિલ્મનો મેચમેકર હાઈટને આવક અને વયની જેમ વર્ગીકૃત કરે છે જેનાથી ડેટિંગ કઈ દિશામાં જઈ રહ્યું છે તેની જાણકારી મળે છે. એમાં ડેટિંગ પ્રોફાઈલના વાસ્તવિક વિશ્વનું પ્રતિબિંબ પડે છે જ્યાં ભાવનાત્મક અનુરૂપતા, સહિયારા મૂલ્યો અથવા જીવનના લક્ષ્યાંકોના સ્થાને શારીરિક દેખાવને પ્રાધન્ય મળે છે.
હાઈટ દર્શાવવાથી સગવડ મળે છે?
કેટલાક વપરાશકારો હાઈટના ફિલ્ટરને સમય અને મહેનત બચાવવાના ઉપાય તરીકે ગણાવે છે, ખાસ કરીને ગેરમાર્ગે દોરતા પ્રોફાઈલથી તે રક્ષણ આપતું હોવાનું કહેવાય છે. ખોટી હાઈટની વિગતોથી લઈને વિપરીત અપેક્ષાઓ સુધી ઘણા ડેટિંગ ઉમેદવારો એવા ફિલ્ટરો રાખે છે જેનાથી હતાશાથી બચી શકાય.
દિલ્હી સ્થિત એક મહિલાએ સ્પષ્ટતા કરી કે તે પોતાનાથી સહેજ ઊંચો પાર્ટનર ઈચ્છે છે, પણ આ બાબતને તે મહત્વની નથી ગણતી.
પ્રેમમાં ભાવનાત્મક
તેના જણાવ્યા મુજબ લાગણીઓ મળે તે જ મહત્વનું છે. પણ અતિશય ટૂંકી વ્યક્તિ પાસે હીલ પહેરીને ઊભા રહેવામાં અગવડ પડી શકે, તેમાં ખચકાટ થાય છે.
આ ઘટનાથી એક વાત સ્પષ્ટ બને છે, શારીરિક પ્રાથમિકતા મહત્વની જરૂર છે. પણ તે વધુ ગાઢ ભાવનાત્મક ગુણો સાથે અસ્તિત્વ ધરાવી શકે છે. ઘણા માટે હાઈટ માત્ર એક લક્ષણ છે, તે નિર્ણાયક બાબત નથી.
રસપ્રદ બાબત છે કે કેટલાક વપરાશકારો વધુ હાઈટ માટે પણ એક સીમા નક્કી કરે છે. એક મહિલાએ ૬ ફીટનું ફિલ્ટર કેપ લગાવ્યું હતું, કારણ કે તેને વધુ ઊંચાઈ ધરાવનાર સાથે અજૂગતુ લાગતું હતું. એનાથી એક સામાન્ય માન્યતાનું ખંડન થાય છે કે વધુ હાઈટ ધરાવતી વ્યક્તિ બહેતર હોય છે અને તેમાં ડેટિંગ પ્રાથમિકતાઓ પ્રત્યે એક વધુ અંગત અને સંતુલિત અભિગમ નજરે પડે છે.
જ્યારે હાઈટ વિનિમયનું કારણ બને છે
પ્રાથમિકતા ઉપરાંત હાઈટનો મુદ્દો ઘણી વાર ચેટ દરમ્યાન વાતચીતમાં દાખલ થઈ જાય છે. ક્યારેક મજાક માટે તો ક્યારેક ચકાસણી માટે. વધુ ઊંચાઈ ધરાવતા વપરાશકારોને વધુ મેચ મળે છે અને કેટલાક કિસ્સામાં તો તેમને હાઈટ માટે જ પસંદ કરાયા હોય તેવા ઉમેદવાર પાસેથી પ્રશંસા પણ મળે છે.
રમતિયાળ વાતચીતમાં 'ઓછામાં ઓછું તમે લાંબા તો છો, નહિ તો મે રિજેક્ટ કરી નાખ્યા હોત' જેવી ટિપ્પણી હાનિરહિત ભલે લાગે પણ તેમાં ડેટિંગ નિર્ણયોમાં હાઈટનો મુદ્દો કેટલો નિર્ણાયક બન્યો છે તેનું પ્રતિબિંબ પડે છે. ઠીંગણા ઉમેદવારો માટે છ ફીટ અથવા રિજેક્ટ જેવી ટિપ્પણી અપમાનજનક બની જાય છે.
એક વપરાશકારે હાઈટ માટે રિજેક્ટ થવાની બાબતની રમૂજમાં વિસાના ઈન્ટરવ્યુમાં નાપાસ થવા સાથે સરખામણી કરી જેનાથી શારીરિક ગેરલાયકાત સાથે કેવી ભાવનાત્મક સ્થિતિ સંકળાયેલી છે તે જણાય છે. આવા દાખલાથી સ્પષ્ટ થાય છે કે મામૂલી જણાતી પ્રાથમિકતા કેટલી અંગત અને પીડાદાયક બની શકે તેના પર પ્રકાશ પાડે છે.
એપ્સના ખુલાસા
હાઈટનું ફિલ્ટર રજૂ કરનારી ડેટિંગ મંચોએ સ્પષ્ટતા કરી છે કે તેમણે તો માત્ર વપરાશકારોની માગણીનો પ્રતિસાદ આપ્યો છે. એક પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ સૌંદર્યના ધોરણો સ્થાપવાનો નહિ પણ વપરાશકારો માટે વધુ પારદર્શી અને અર્થસભર અનુભવ રચવાનો છે.
એક અન્ય પ્રવક્તાએ કબૂલાત કરી કે હાઈટનો મુદ્દો પ્રારંભિક વાતચીતમાં સ્થાન પામી શકે પણ લાંબા ગાળે તેનું કોઈ મહત્વ નથી. મોટાભાગના વપરાશકારો આખરે તો શારીરિક લક્ષણોના સ્થાને સહિયારા મૂલ્યો, ભાવનાત્મક સુસંગતતા અને યોગ્ય તાલમેલને વધુ મહત્વ આપે છે.
વાસ્તવમાં વલણોથી સમજાય છે કે એક તરફ પારંપરિક પ્રાથમિકતાઓ જેમાં પુરુષો તેમનાથી ઓછી ઊંચાઈની કન્યા અથવા મહિલાઓ પોતાનાથી ઊંચા પુરુષ ઈચ્છે તે પ્રચલિત જરૂર છે, પણ એકવાર અર્થસભર સંવાદ શરૂ થાય પછી આવા વલણો ગૌણ બની જાય છે.
કેટલાક કિસ્સાઓમાં તો ડેટિંગ ઉમેદવારો આશ્ચર્યજનક જોડાણ સિદ્ધ થયા પછી પોતાના જ સેટિંગ કોરાણે મૂકીને હાઈટના ફિલ્ટરને અવગણે છે. ઓનલાઈન ડેટિંગના કેન્દ્રમાં છે પ્રમાણિક સંબંધ, પછી ભલે સેટિંગ બદલાઈ ગયા હોય.
વ્યાપક સંવાદ:
આપણે શું માનીએ છીએ?
હાઈટના ફિલ્ટર વિશેની ચર્ચા માત્ર માપ વિશે નથી, પણ તે ઓળખ, અસુરક્ષા અને આકર્ષણની વ્યાખ્યા વિશે છે. કેટલીક અંગત પ્રાથમિકતાઓ કુદરતી અને માન્ય હોય છે, પણ તેને સખત ડિજિટલ ફિલ્ટરોમાં કોડિફાઈ કરવામાં સંકુચિત સૌંદર્ય ધોરણો સ્થાપવાનું જોખમ બને છે જેના પરિણામે આ ફ્રેમની બહાર રહી જતા લોકો પોતાને બહિષ્કૃત અથવા અપમાનિત મહેસૂસ કરે છે.
સાથે જ આવી સુવિધા ડેટિંગ માટે પારદર્શિતા અને સ્પષ્ટતા પણ લાવે છે, ખાસ કરીને ગેરરજૂઆત અને છેતરપિંડી સાથે ભરેલા આ યુગમાં આવી સ્પષ્ટતા જરૂરી પણ બને છે. આથી જ પ્રાથમિકતા અને પારદર્શિતા વચ્ચે સંતુલન બનાવવાનો મોટો પડકાર રહેલો છે, 'તમને શું જોઈએ છે અને તમને જેની જરૂર છે પણ જાણકારી નહોતી તે મળી ગઈ' વચ્ચેનું સંતુલન મહત્વનું છે.
આખરે ડેટિંગ એપ તો સાધન માત્ર છે, પ્રેમનું મધ્યસ્થી નથી. તે આપણી ઈચ્છાઓ ભલે પ્રતિબિંબિત કરે, પણ તેને આકાર પણ આપી શકે. આપણે જેમ વધુ જાગૃક અને ભાવનાત્મક રીતે સમજદાર બનીએ, તેમ આપણે હાઈટ અને સૂચિઓથી આગળ વધીએ તેવી આશા સાથે કાયમી સંબંધો બનાવતા આદર, હમદર્દી, ઉત્સુકતા તેમજ પારસ્પરિક મેળ જેવા પરિમાણો પ્રત્યે વધુ ધ્યાન આપીએ.
તો, શું હાઈટનું ફિલ્ટર મહત્વનું છે? એટલું જ જેટલું આપણે તેને બનવા દઈએ.
- ઉમેશ ઠક્કર


