Get The App

દાવત : ગરમીમાં મહેમાનોને શીતળ ખાણી પીણીથી આવકારો

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
દાવત : ગરમીમાં મહેમાનોને શીતળ ખાણી પીણીથી આવકારો 1 - image


મિક્સફ્રુટ કોકટેલ

 સામગ્રી : એક કપ પાઇનેપલના નાના-નાના ટુકડા, એક કપ પપૈયાના નાના-નાના ટુકડા, બે કેળામાં નાના-નાના ટુકડા, એક સફરજનના નાના-નાના ટુકડા, બે લીંબુનો રસ, એક ચમચા ખાંડ, ૩-૪ ચીરી બીટ.

 રીત : એક તપેલીમાં દોઢ વાટકી પાણી લઇ તેમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો.

હવે પાઇનેપલ, પપૈયાં, કેળાં તથા સફરજનના ટુકડા એક બાઉલમાં મિક્સ કરી. ગ્લાસમાં નાખો. તેના પર લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખી એકદમ ઠંડુ કરી સ્વાદ માણો.

ડ્રાય ફ્રુટ આઇસ્ક્રીમ

 સામગ્રી : એક લિટર દૂધ, ૪-૫ ચમચા ખાંડસ બે ચમચા વાટેલી બદામ, એક ચમચી એલચીનો પાઉડર, બે ચમચા કૉનફ્લોર, ૩/૪ કપ ક્રીમ, થોડું રોજ એસન્સ, ૬ ચેરી, ૬ બદામ.

 રીત : દૂધને એટલું ઉકાળો કે તે ૩/૪ લિટર જેટલું જ રહે. તેમાં ૧/૨ કપ પાણીમાં ધોળેલ કૉર્નફ્લોર નાખો અને ચમચાથી હલાવો. જેથી ગઠ્ઠા ન બાઝી જાય. હવે ખાંડ નાખો. દૂધ સહેજ ઘટ્ટ થાય એટલે તેમાં સાકર નાખો અને ઉકળવા દો, જેથી સાકર ગળી જાય. તે પછી નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. ઠંડા થયેલા મિશ્રણમાં ક્રીમને ફીણીને નાખો. તેમાં વાટેલી બદામ, એલચીનો પાઉડર અને રોઝ એસન્સ ભેળવી, ફ્રીઝમાં મૂકી આઇસ્ક્રીમ જામવા દો. ૩-૪ કલાક પચી આઇસ્ક્રીમ તૈયાર થઇ જાય, એટલે તેના પર ઇચ્છા હોય તો ચેરી અને બદામના ટુકડાથી સજાવટ કરી સ્વાદ માણો.

પ્લમ પુડિંગ

 સામગ્રી : ૫૦ ગ્રામ સૂકો મેવો (બદામ, કિશમિશ, કાજુ, ખારેક), ૧/૨ કપ સૂકાં જરદાળુ, ૧/૨ મેંદો, ૧/૪ કપ બ્રેડક્રમ્સ, ૧/૨ ખાંડ, ૧/૨ ચમચી બેકિંગ પાઉડર, ૧/૪ કપ માખણ, ૧/૨ કપ ક્રીમ, એક ચમચો આઇસિંગ સુગર, ૧ ચમચો મિક્સ ફ્રૂટ જૅમ, બે ચમચા દૂધ, થોડો લોટ માફકસર ચાયનાગ્રાસ

 રીત : સૂકા મેવાને બારીક સમારો જરદાળુના ઠળિયા કાઢી નાખી બારીક સમારો. મેંદાને ચાળી તેમાં બ્રેડક્રમ્સ અને બેકિંગ પાઉડર ભેળવો.  ખાંડ તથા માખણને પણ ભેગાં કરી ખૂબ ફીણો મેંદાના મિશ્રણમાં બધો સૂકો મેવો, તથા ખાંડ-માખણનું મિશ્રણ ભેળવો. ત્યારબાદ તેમાં દૂધ રેડી ખૂબ હલાવો. પુડિંગ મોલ્ડને ચીકાશવાળો હાથ લગાવી તેમાં થોડો લોટ ભભરાવો. તેમાં પુડિંગ મિશ્રણ ભરી તેને ફોઇલ પેપરથી બરાબર બાંધી દો, જેથી તેમાં પાણી ન જાય. કૂકરમાં પાણી રેડી તેમાં તેને મૂકો.

પુડિંગ મોલ્ડ પાણીમાં અડધા જેટલું ડૂબેલું રહેવું જોઇએ. કૂકરને સીટી લગાવ્યા વિના જ આંચ પર મૂકો. લગભગ એક કલાક સુધી રહેવા દઇ પછી નીચે ઉતારી લો. તે ઠંડું થાય એટલે મોલ્ડને હળવેથી ઊંધું પાડી પુડિંગ પ્લેટમાં કાઢો અને તેના ટુકડા કરો. ક્રીમમાં આઇસિંગ સુગર નાખી હલાવો અને જેમથી સજાવી સ્વાદ માણો.

લીચી આઇસ

 સામગ્રી : ૨૦૦ ગ્રામ પનીર, એક ચમચી બૂરું ખાંડ, ૪-૫ લીચી, બે ગ્લાસ લીચીનો રસ (તે બનાવવા લગભગ ૨ કિ.ગ્રા.લીચી લો), ૨૫૦ મિ.લી. સોડાવોટર અથવા ૩ બોટલ કોલા, બરફનો ભૂકો (જરૂર પ્રમાણે)

 રીત : લીચીઓને છોલી, તેમના ઠળિયા સાચવીને કાઢી નાખો. દરેક લીચીના ૪-૪ ભાગ કરીને એક મોટી પ્લેટમાં છૂટા-છૂટા ગોઠવી, થોડીવાર પંખા નીચે મૂકી રાખો. જેથી લીચી સહેજ સુકાઇ જશે. પનીરમાં બૂરું ખાંડ નાખી ચીકાશ વાળું થાય ત્યાં સુધી મસળો. હવે તેના નાના-નાના ગોળા વાળો. એક ગોળો લઇ, હથેળી પર ફલાવીને વચ્ચે લીચીનો એક ટુકડો મૂકો. ત્યારબાદ ફરી પનીરનો ગોળો વાળી દો. આ રીતે બધા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકી દો. લીચીનો રસ અને સોડાવોટરને ફ્રીઝમાં ઠંડા થવા માટે મૂકી દો. મોટા ગ્લાસ લઇ તેમાં સરખા ભાગે લીચીનો રસ ભરો. બરફનો થોડો ભૂકો નાખો અને ૨-૩ ગોળા પનીર સ્નો તેમાં નાખી ઉપર સોડાવોટર રેડી તરત પીવા આપો. 

મધુર કોલ્ડ યોગર્ટ

સામગ્રી : ૩ કપ તાજું દહીં, બે કપ ઉકાળીને ઠંડુ કરેલું દૂધ, એક કપ કાળી દ્રાક્ષ, બે ચમચા મધ, ફુદીનાનાં સુધારેલા પાન, ૩ ચમચા કાળી કિશમિશ, એક ચમચો બરફનો ભૂકો.

રીત : મિક્સીમાં દૂધ અને કિશમિશ નાખી, તે એકરસ થાય ત્યાં સુધી ક્રશ કરો. તે પછી દહીં તથા મધ નાખી ૧ મિનિટ મિક્સી ચલાવીને ગ્લાસમાં સરખે ભાગે મિશ્રણ ભરો. તેના પર બરફનો ભૂકો નાખો ઉપર ફુદીનાના પાનથી સજાવટ કરો.

લાલ લહેર

સામગ્રી : ૧૦-૧૨ જરદાળુ, ૧ કપ દાડમનો રસ, ૧ કપ ઓરેન્જ જયૂસ, ૧/૨ ચમચી મીઠું, અને સચેળ, ૩ બોટલ (૨૫૦ મિ.લી.) સોડાવોટર, ૧/૨ ચમચી આદુંનો રસ, બરફનો ભૂકો (જરૂર મુજબ)

રીત : સોડાવોટરની બોટલોને ઠંડી થવા માટે ફ્રીઝમાં મૂકી દો. જરદાળુને ધોઇને છોલી નાખી ઠળિયા કાઢી નાખો. મિક્સીમાં જરદાળુનો ગર દાડમનો રસ નાખી ૫ મિનિટ ક્રશ કરો. તે પછી તેમાં ઓરેન્જ જ્યૂસ આંદુનો રસ અને મીઠું નાખી એક મિનિટ ચલાવીને ગ્લાસમાં સરખા ભાગે ભરી દો. તેમાં બરફનો થોડો ભૂકો નાખી ઉપર ઠંડું સોડાવોટર રેડી તરત જ પીઓ.

- હિમાની

Tags :