ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ
સામગ્રી : એક લિટર દૂધ, ૪-૫ ચમચા ખાંડસ, બે ચમચા વાટેલી બદામ, એક ચમચી એલચીનો પાઉડર, બે ચમચા કોનફ્લોર, ૩/૪ કપ ક્રીમ, થોડું રોજ એસન્સ, ૬ ચેરી, ૬ બદામ.
રીત : દૂધને એટલું ઉકાળો કે તે ૩/૪ લિટર જેટલું જ રહે. તેમાં ૧/૨ કપ પાણીમાં ધોળેલ કોર્નફ્લોર નાખો અને ચમચાથી હલાવો. જેથી ગઠ્ઠા ન બાઝી જાય. હવે ખાંડ નાખો. દૂધ સહેજ ઘટ્ટ થાય એટલે તેમાં સાકર નાખો અને ઉકળવા દો, જેથી સાકર ગળી જાય. તે પછી નીચે ઉતારી લઈ ઠંડું થવા દો.
ઠંડા થયેલા મિશ્રણમાં ક્રીમને ફીણીને નાખો. તેમાં વાટેલી બદામ, એલચીનો પાઉડર અને રોઝ એસન્સ ભેળવી, ફ્રીઝમાં મૂકી આઇસ્ક્રીમ જામવા દો. ૩-૪ કલાક પછી આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય, એટલે તેના પર ઇચ્છા હોય તો ચેરી અને બદામના ટુકડાથી સજાવટ કરી સ્વાદ માણો.
મિક્સફ્રુટ કોકટેલ
સામગ્રી : એક કપ પાઈનેપલના નાના-નાના ટુકડા, એક કપ પપૈયાના નાના-નાના ટુકડા, બે કેળાના નાના-નાના ટુકડા, એક સફરજનના નાના-નાના ટુકડા, બે લીંબુનો રસ, એક ચમચી ખાંડ, ૩-૪ ચીરી બીટ.
રીત : એક તપેલીમાં દોઢ વાટકી પાણી લઈ તેમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. તેને આંચ પરથી ઉતારી લઈ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો.
હવે પાઈનેપલ, પપૈયાં, કેળાં તથા સફરજનના ટુકડા એક બાઉલમાં મિક્સ કરી ગ્લાસમાં નાખો. તેના પર લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખી એકદમ ઠંડુ કરી સ્વાદ માણો.
લાલ લહેર
સામગ્રી : ૧૦-૧૨ જરદાળુ, ૧ કપ દાડમનો રસ, ૧ કપ ઓરેન્જ જ્યૂસ, ૧/૨ ચમચી મીઠું, અને સંચળ, ૩ બોટલ (૨૫૦ મિ.લી.) સોડાવોટર, ૧/૨ ચમચી આદુંનો રસ, બરફનો ભૂકો (જરૂર મુજબ)
રીત : સોડાવોટરની બોટલોને ઠંડી થવા માટે ફ્રીઝમાં મૂકી દો. જરદાળુને ધોઈને છોલી નાખી ઠળિયા કાઢી નાખો. મિક્સીમાં જરદાળુનો ગર દાડમનો રસ નાખી પાંચ મિનિટ ક્રશ કરો. તે પછી તેમાં ઓરેન્જ જ્યૂસ આદુંનો રસ અને મીઠું નાખી એક મિનિટ ચલાવીને ગ્લાસમાં સરખા ભાગે ભરી દો. તેમાં બરફનો થોડો ભૂકો નાખી ઉપર ઠંડું સોડાવોટર રેડી તરત જ પીઓ.
લીચી આઈસ
સામગ્રી :૨૦૦ ગ્રામ પનીર, એક ચમચી બૂરું ખાંડ, ૪-૫ લીચી, બે ગ્લાસ લીચીનો રસ (તે બનાવવા લગભગ ૨ કિ.ગ્રા. લીચી લો), ૨૫૦ મિ.લી. સોડાવોટર અથવા ૩ બોટલ કોલા, બરફનો ભૂકો (જરૂર પ્રમાણે).
રીત :લીચીઓને છોલી, તેમના ઠળિયા સાચવીને કાઢી નાખો. દરેક લીચીના ૪-૪ ભાગ કરીને એક મોટી પ્લેટમાં છૂટા-છૂટા ગોઠવી, થોડીવાર પંખા નીચે મૂકી રાખો. જેથી લીચી સહેજ સુકાઈ જશે. પનીરમાં બૂરું ખાંડ નાખી ચીકાશ વાળું થાય ત્યાં સુધી મસળો. હવે તેના નાના-નાના ગોળાવાળો. એક ગોળો લઈ, હથેળી પર ફેલાવીને વચ્ચે લીચીનો એક ટુકડો મૂકો. ત્યારબાદ ફરી પનીરનો ગોળો વાળી દો. આ રીતે બધા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકી દો.
લીચીનો રસ અને સોડાવોટરને ફ્રીઝમાં ઠંડા થવા માટે મૂકી દો. મોટા ગ્લાસ લઈ તેમાં સરખા ભાગે લીચીનો રસ ભરો. બરફનો થોડો ભૂકો નાખો અને ૨-૩ ગોળા પનીર સ્નો તેમાં નાખી ઉપર સોડાવોટર રેડી તરત પીવા આપો.
પ્લમ પુડિંગ
સામગ્રી : ૫૦ ગ્રામ સૂકો મેવો (બદામ, કિશમિશ, કાજુ, ખારેક), ૧/૨ કપ સૂકાં જરદાળુ, ૧/૨ મેંદો, ૧/૪ કપ બ્રેડક્રમ્સ, ૧/૨ ખાંડ, ૧/૨ ચમચી બેકિંગ પાઉડર, ૧/૪ કપ માખણ, ૧/૨ કપ ક્રીમ, એક ચમચો આઇસિંગ સુગર, ૧ ચમચો મિક્સફ્રૂટ જેમ, ૨ ચમચા દૂધ, થોડો લોટ માફકસર ચાયનાગ્રાસ.
રીત : સૂકા મેવાને બારીક સમારો જરદાળુના ઠળિયા કાઢી નાખી બારીક સમારો. મેંદાને ચાળી તેમાં બ્રેડક્રમ્સ અને બેકિંગ પાઉડર ભેળવો. ખાંડ તથા માખણને પણ ભેગાં કરી ખૂબ ફીણો મેંદાના મિશ્રણમાં બધો સૂકો મેવો, તથા ખાંડ-માખણનું મિશ્રણ ભેળવો. ત્યારબાદ તેમાં દૂધ રેડી ખૂબ હલાવો. પુડિંગ મોલ્ડને ચીકાશવાળો હાથ લગાવી તેમાં થોડો લોટ ભભરાવો. તેમાં પુડિંગ મિશ્રણ ભરી તેને ફોઈલ પેપરથી બરાબર બાંધી દો, જેથી તેમાં પાણી ન જાય. કૂકરમાં પાણી રેડી તેમાં તેને મૂકો.
પુડિંગ મોલ્ડ પાણીમાં અડધા જેટલું ડૂબેલું રહેવું જોઈએ. કૂકરને સીટી લગાવ્યા વિના જ આંચ પર મૂકો. લગભગ એક કલાક સુધી રહેવા દઈ પછી નીચે ઉતારી લો. તે ઠંડું થાય એટલે મોલ્ડને હળવેથી ઊંધું પાડી પુડિંગ પ્લેટમાં કાઢો અને તેના ટુકડા કરો. ક્રીમમાં આઇસિંગ સુગર નાખી હલાવો અને જેમથી સજાવી સ્વાદ માણો.
એપલ-કિશમિશ અમૃત ધારા
સામગ્રી : ૬ સફરજન, ૧૦૦ ગ્રામ કિશમિશ, ૩૦૦ ગ્રામ ખાંડ, ૧ લીંબુ, એક કપ પાઈનેપલ જ્યૂસ, ૪ મોસંબીનો રસ.
રીત : સફરજનને સમારી મિક્સીમાં તેમનો જ્યૂસ બનાવો. કિશમિશને ૪ કપ પાણીમાં ખૂબ બાફવા દઈ, પછી એ જ પાણીમાં મસળી નાખી, ગાળીને મિક્સીમાં કાઢી લો. બંનેને એકરસ કરી, ખાંડ નાખી હલાવો પછી તેમાં લીંબુ તથા મોસંબીનો રસ ભેળવો. ફરી મિક્સ કરીને પાઈનેપલનો જ્યૂસ ભેળવો. આ એપલ કિશમિશ અમૃતધારાને ઠંડા સોડા સાથે અથવા સોડા વિના પણ પી શકાય. મરજી હોય તો ગ્લાસમાં કિશમિશ નાખો.
કાજુ-અંજીર બહાર
સામગ્રી : ૧૫૦ ગ્રામ અથવા ૧૫-૨૦ અંજીર, ૧૦૦ ગ્રામ ખાંડ, એક નાનું લીંબુ, એક ચમચી ગુલાબજળ.
સજાવટ માટે : ૧૦૦ ગ્રામ કાજુ, એક ચમચી વાટેલાં પિસ્તા, ૫૦ ગ્રામ ખાંડ.
રીત : કાજુને ધોઈ પાણીમાં પલાળી દો. અંજીરને પાણીથી સારી રીતે ધોઈ નાખો. ૧ ગ્લાસ પાણીમાં અંજીર તથા ખાંડ નાંખી ઉકાળો. અંજીર પોચાં પડી જાય, એટલે નીચે ઉતારી લઈ એક-દોઢ કલાક સુધી ઢાંકી રાખો.
આ દરમિયાન પલાળેલા કાજુને એકદમ બારીક વાટી નાખો. તેમાં ખાંડ ભેળવી ચીકાશવાળી કડાઈમાં ધીમી આંચે સતત હલાવીને સેકો. ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ચોંટે નહીં, ત્યારે આંચ પરથી નીચે ઉતારી લો. હવે આ મિશ્રણના છ ભાગ કરો. જો નાના ગ્લાસ હોય, તો વધારે ભાગ કરી શકાય.
દરેક ભાગને ચીકાશવાળી આડણી પર રોલ કરી ગ્લાસની કિનારી પર ચોંટાડી દો. આ કાજુકિનારી વાળા ગ્લાસ પર વાટેલાં પિસ્તા ભભરાવો. હવે આ ગ્લાસને ફ્રીઝમાં મૂકી દો. જેથી કિનારી કડક થઈને ચોંટી જાય.
પલાળેલાં અંજીરમાંથી સજાવટ માટે ૨-૩ અંજીર કાઢી લઈ બાકીનાને મિક્સીમાં પાણી સાથે બારીક ક્રશ કરી નાખો. જેથી મિશ્રણ એક સરખું થઈ જશે. ત્યારબાદ તેને ગાળી નાખો. તેમાં ૪ ગ્લાસ પાણી રેડી ખૂબ ઠંડું થવા દો છેલ્લે લીંબુનો રસ અને ગુલાબજળ ભેળવો.
મહેમાનોને કાજુ-અંજીર બહાર જેને અંજીર-એ-આજમ પણ કહે છે તે પીરસતી વખતે ઠંડી કાજુકિનારી લાગેલા ગ્લાસમાં આઈસક્યૂબ નાખી ગ્લાસને ઠંડા અંજીર-એ-આજમથી ભરી દો. વધેલા અંજીરને વચ્ચેથી કાપીને ગ્લાસની કિનારીએ સજાવો.
આ અંજીર-એ-આજમને એવી રીતે પીઓ કે, કિનારી પર લગાવેલા કાજુ પેસ્ટ પણ પીણા સાથે થોડું થોડું મોંમા જાય.
- હિમાની


