Get The App

દાવત : અવનવા દિવાળીનાં મિષ્ટાન

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
દાવત : અવનવા દિવાળીનાં મિષ્ટાન 1 - image

માવા ખજૂર

 સામગ્રી :   ૧૦-૧૨ ફ્રેશ ખજૂર, ૧ કપ તાજો માવો, ૧/૨ ચમચો દૂધ પાઉડર, ૧/૪ ચમચી લીંબુ રસ, ૧/૨ ચમચો બૂરુ ખાંડ અથવા શુગરફ્રી, ઇચ્છાનુસાર સૂકો મેવો.

 રીત : તાજા માવામાં લીંબુનો રસ, દૂધ પાઉડર, બૂરુ ખાંડ નાખીને સારી રીતે ફીણો. ખજૂરને કાપીને ઠળિયો કાઢી નાખો. માવાના મિશ્રણમાંથી રોલ જેવું તૈયાર કરો. દરેક ખાલી ખજૂરમાં માવાનો રોલ મૂકો અને કાપેલો સૂકો મેવો મૂકો. ઇચ્છાનુસાર સજાવીને પીરસો.

કેક ડિલાઈટ

 સામગ્રી : ૧ તૈયાર કેક, ૧,૧/૨ કપ માવો, ૧/૪ કપ પીસેલી ખાંડ અથવા સ્વાદાનુસાર શુગરફ્રી, ૧૦-૧૨ ચોકલેટ શીટ્સ (૪ પીસ માટે), ૨ રંગના જેમ (ઇચ્છાનુસાર કોઈપણ), સિલ્વર બોલ્સ સજાવટ માટે.

 રીત : કેકના ૪ ભાગ કરો અને દરેક ભાગને વચ્ચેથી ૨ વખત કાપીને ૩ સરખા ભાગમાં વહેંચો. માવામાં ખાંડ અથવા શુગરફ્રી નાખીને મસળી લો. માવાના ૮ સરખા ગોળા બનાવો અને તેને ચપટા બનાવી લો. કેકના ૩ સરખા કાપેલા ભાગ લઈને તેની વચ્ચે ચપટો દાબેલો માવો અને ૧-૧ ચોકલેટ શીટ લગાડો. સૌથી ઉપરનો કેકનો ભાગ રાખીને તેની  ઉપર એક ચોકલેટ શીટ લગાડો. એવાં ૪ લેયર્સ પીસ તૈયાર કરો. બદાને જેમ અને સિલ્વર બોલ્સની સજાવટ કરી ઠંડા કરીને પીરસો.

કેસરિયા સેવ

 સામગ્રી : ૧ કપ ઘઉંની ઝીણી સેવ (વરમેસિલી), ૩-૪ લીલી એલચી, ૧/૨ કપ મિક્સ સૂકો મેવો, ૧ કપ ખાંડ, ૧/૪ કપ દેશી ઘી, ચપટી પીળો રંગ, ૧/૪ કપ કિસમિસ, સિલ્વર બોલ્સ.

 રીત: સ્વચ્છ, સૂકી કડાઈમાં ઘઉંની સેવો નાખીને શેકી લો. ૧,૧/૨ ગ્લાસ પાણીમાં રંગ, એલચી, નાખીને એક ઊભરો આવવા દો. હવે તેમાં કિસમિસ અને ખાંડ નાખીને ખાંડ ઓગળવા દો.  ઘી અને સેવો નાખીને ધીમી આંચ પર પકાવો. આંચ ધીમી કરીને ઢાંકીને દાબી રાખો. સૂકો મેવો નાખીને સિલ્વર બોલ્સથી સજાવો અને પીરસો.

ચોકલેટ મેવાની મીઠાઈ

 સામગ્રી :  ૧/૨ કપ કાજુ, ૧/૨ કપ બદામ, ૧ કપ નાળિયેર છીણેલું, ૧/૪ કપ તલ, ૧/૨ ચમચો રવો, ૧/૨ કપ ગુંદર, ૧/૪ કપ પિસ્તા, ૧/૨ કપ મગજતરી, ૧/૨ કપ મખાને, ૩/૪ કપ બૂરું ખાંડ, ૧/૪ કપ કોકો પાઉડર, ૩/૪ કપ મસળેલો શેકોલો માવો, દેશી ઘી જરૂરિયાત અનુસાર, ૧ ચમચો ચોકલેટ પાઉડર.

 રીત: કડાઈમાં ૨ ચમચા ઘી ગરમ કરો અને કાજુ, બદામ, તળીને બહાર કાઢીને તોડી નાખો અથવા નાના ટુકડા કરી લો. થોડું વધારે ઘી નાખી ગુંદર નાખીને તળો અને ફુલાવીને બહાર કાઢી લો. થોડું ઘી વધારે નાખો અને મગજતરી તેમાં નાખીને ઢાંકીને તળીને બહાર કાઢી લો. 

મખાને નાખીને તળો અને કડક કરી બહાર કાઢીને ફોડી લો. છીણેલું નાળિયેર નાખીને ઉપરનીચે કરી બહાર કાઢી લો. તલ અને રવો નાખી જલદી જલદી ઢાંકીને હલાવો અને બહાર કાઢી લો. ગમે તો ખસખસ અને તલને ખાંડી લો. ગુંદરને પણ ખાંડી લો. મસળેલા માવામાં કોકો અને ચોકલેટ પાઉડર અને બૂરું ખાંડ નાખી મિશ્રણ કરી મસળી મસળીને એકસરખું કરો. બધો સૂકો મેવો માવામાં મિક્સ કરી હાથથી ભેળવી લોંદા જેવું બનાવો. હથેળી દેશી ઘીવાળી કરી ગમે તેવો આકાર આપો.

ચીઝ નાળિયેર રોલ

 સામગ્રી : ૨ ક્યૂબ્સ ચીઝ, ૧/૨ કપ મોટું ઝીણેલું નાળિયેર, ૧ ચમચો સક્કરટેટીનાં  બી, મીઠા લીમડાનાં ૨ પાન, ૧,૧/૨ ચમચી રાઈના દાણા, ૨-૩ સૂકા લાલ મરચાં, ૧ કપ મેંદો, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી કાળાં મરી પીસેલાં, જરૂરિયાત મુજબ તેલ કે ઘી.

 રીત: ૧/૨ ચમચી તેલ ગરમ કરો. મીઠો લીમડો, રાઈના દાણા અને લાલ મરચાંનો વઘાર કરો. અડધો વઘાર અલગ કાઢી લો અને કડાઈમાં વધેલા વઘારમાં છીણેલું નાળિયેર, સક્કરટેટીનાં   બી અને છીણેલું ચીઝ નાખીને ભરવાની સામગ્રી તૈયાર કરો. મેંદાંમાં મીઠું અને કાળાં મરી નાખીને પાણીની મદદથી મિશ્રણ તૈયાર કરો અને પાતળા પાતળા પૂડલા અથવા પેનકેક જેવું શેકી લો.  હવે ૧-૧ પૂડલો લો, તેમાં થોડી ભરવાની સામગ્રી ભરો અને રોલ બનાવી તૈયાર કરો. બધા રોલ તૈયાર કરીને વધેલા વઘારને ફરીવાર ગરમ કરી ઉપર નાખો અને ચીઝ નાળિયેર રોલ પીરસો.

રસમલાઈ

 સામગ્રી : ૨ લિટર દૂધ, ૧ લીંબુ, ૨ ટીપાં પીળો રંગ, ૫-૬ તાંતણા કેસર, ૨ કપ  ખાંડ, ૩/૪ કપ પાણી, ઓરેન્જ જેમ, ૨ ટીપાં ગુલાબજળ, ૨-૩ લીલી એલચી, કાપેલો સૂકો મેંવો ઇચ્છાનુસાર.

 રીત : જાડા તળિયાવાળા તપેલામાં ૧ લિટર દૂધને ઉકાવા મૂકો અને એલચી નાખીને ચોથો ભાગ રહે ત્યાં સુધી પકાવો. ઠંડુ કરી રંગ અને કેસર નાખો. વધેલા ૧ લિટર દૂધને ઉકાળો અને લીંબુનો રસ નાખીને ફાડી લો. પાતળા કપડાંમાં બાંધીને લટકાવો. જ્યારે બધું પાણી નીકળી જાય્ ત્યારે થાલીમાં નાખીને સારી રીતે મસળીને એકસરખું કરો. થોડો થોડો માવો લઈને ગોળ અથવા ચપટો આકાર કરો. ખાંડ અને પાણી મિક્સ કરી ઉકાળો. તેમાં ઉપર આવેલી ગંદકીને દૂર કરો. ચપટા આકારની રસમલાઈ ઊકળતી ચાસણીમાં નાખીને પકાવો. વધુ આંચ પર જ્યારે રસમલાઈ ઉપર તરીને આવે ત્યારે ચાસણીમાંથી બહાર કાઢીને ઠંડી કરો. તૈયાર ઘટ્ટ દૂધમાં થોડો જેમ મિક્સ કરો અને તૈયાર ટુકા દેમાં નાખી ફ્રિજમાં ઠંડું કરો. ગુલાબજળ અને સૂકો મેવો નાખી પીરસો.

કચોરી ચાટા

 સામગ્રી : ૨ કચોરી, ૧/૨ કપ ભુજિયા (ચણાનો લોટ અથવા બટાટાં), ૧૦-૧૨ પાપડી, દહીં, સૂંઠ, લીલી ચટણી ઇચ્છાનુસાર, ૧ બટાકું બોલું, કાળાં મરી, લાલ મરચું અને મીઠું સ્વાદાનુસાર, લીલાં મરચાં, લીલા ધાણા, જરૂરિયાત અનુસાર.

 રીત : પ્લેટમાં ઉપરથી ખોલીને કચોરી મૂકો. સમારેલાં બાફેલાં બટાટાં અંદર ભરો. પાપડીને કિનારી પર મૂકો તથા થોડી તોડીને ઉપરથી નાખો. દહીં, સૂંઠ, લીલી ચટણી (સ્વાદાનુસાર) નાખો અને ઉપરથી ઇચ્છાનુસાર મસાલો, લીલાં મરચાં અને લીલા ધાણા નાખો. ઉપરથી ભુજિયા ભભરાવી કચોરી ચાટ તરત જ પીરસો નહીં તો ચાટ પોચી પડી જશે.

નમકીન પેકેટ્સ

 સામગ્રી : ૨ કપો મેંદો, ૪ ચમચા મોવણ માટે ઘી, ૧/૨ ચમચી મીઠું, ૧/૪ કપ નમકીન બુંદી, ૧/૪ કપ નમકીન ભુજિયા, ૧૦-૧૨ કાજુ, ૧૦-૧૨ બદામ, ૧૦-૧૨ કિસમિસ, તલવા માટે તેલ.

 રીત : મેંદાને ચાળી અને તેમાં મીઠું નાખીને મિશ્રણ કરો. મોવણ માટે ઘી નાખીને મસળો અને પાણીની મદદથી મેંદો બાંધી લો. ઇચ્છાનુસાર આકારના લૂઆ બનાવો અને ગોળ ગોળ વણો. બધી ભરવાની સામગ્રીનું મિશ્રણ કરી વણેલી રોટલીમાં ભરો અને બંને બાજુથી વાળીને એક વળાંક વધારે આપીને પેકેટ તૈયાર કરો. તેલ ગરમ કરો અને ધીમી આંચ પર બધાં પેકેટ્સ તળીને કાઢી લો. તેને ડબ્બામાં ભરીને રાખી શકો છો. 

- હિમાની