આજની તારીખમાં બજારમાં આપણને જોઇતી દરેક વસ્તુ તૈયાર મળી રહે છે. શિયાળો આવતાં જ ટી.વી. પર કંઇકેટલીય જાતના ગરમ કપડાંની જાહેરખબરોનો મારો ચાલે છે. આમ છતાં ઘણાં લોકોને ઊન ખરીદીને જાતે જ સ્વેટર બનાવવાનું ગમે છે. જેમને સ્વેટર ગુંથતા આવડતું હોય તેઓ માત્ર પોતાના માટે જ નહીં, પોતાના આપ્તજનો માટે પણ સ્વેટર ગુંથે છે. મોટાભાગે જોવામાં આવ્યું છે કે સ્વેટર બનાવ્યા પછી થોડું ઊન બચે છે. તો તેનો ઉપયોગ શી રીતે કરવો? નિષ્ણાતો અહીં બચેલા ઊનમાંથી શું શું બનાવી શકાય તેની સમજ આપે છે.
- તમે બચેલા ઊનમાંથી ડેકોરેશનની નાની નાની વસ્તુઓ બનાવી શકો છો. જેમ કે, કપ સ્ટેેન્ડ, કોસ્ટર્સ, ડિનરમેટ, ટેબલક્લોથ, બુકમાર્ક, કુશન્સ વગેરે.
- વધેલા ઊનમાંથી બાળકો માટેના રમકડાં જેમ કે, હાથી, ટેડીબિયર કે પછી નવજાત શિશુ માટે નાના નાના મોજાં બનાવી શકાય.
- જો તમે જૂના સ્વેટરને નવો લુક આપવા માગતા હો તો તેના પર લેસ લગાવો. તમે ચાહો તો ઊનના નાના ફૂલ બનાવીને તેના પર લગાવી શકો છો.
- પુરાણી શાલને નવી બનાવવા તેના ઉપર ચેન સ્ટિચ અથવા સાટિન સ્ટિચથી ભરતકામ કરી લો. તમે ચાહો તો ક્રોશિઓથી નાના નાના મોટિફ પણ બનાવી શકો છો.
- પુરાણી શાલમાંથી કુરતી બનાવી લો અને તેને શિયાળામાં પહેરો.
સ્વેટર ગુંથતી વખતે ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે........,
- ઊનની ગુણવત્તામાં બાંધછોડ ન કરો. સારી ક્વોલિટીનું ઊન ખરીદો. ઊન ખરીદવા માત્ર દિવસનો સમય પસંદ કરો. તેવી જ રીતે તમને જરુર હોય તેના કરતાં થોડું વધુ ઊન ખરીદો.
- સ્વેટર પર જે ડિઝાઇન બનાવવાના હો તેના નાકા માપી લો અને તમારા માપ મુજબ નાકા નાખો. ડીઝાઇન મુજ બ નાકા લીધા પછી જ સ્વેટર ગુંથવાનુ ચાલુ કરો. આમ કરવાથી સ્વેટર વારંવાર ઉધેડવાની જરુર નહીં પડે.
- સ્વેટર બનાવતી વખતે પહેલો નાકો હંમેશાં ગુંથ્યા વિના એમ જ ઉતારી લો.
- સ્વેટર હંમેશાં એક વ્યક્તિના હાથે જ ગુંથાવુ જોઇએ. તેનું કારણ એ છે કે ગુંથણીમાં બધાનો હાથ જુદો જુદો હોય છે. કોઇની ગુંથણી ટાઇટ હોય છે તો કોઇની ઢીલી.
- બાળકોનું માપ દર વર્ષે બદલાતું રહે છે. આવી સ્થિતિમાં તેમના માટે દર વર્ષે સ્વેટર બનાવવા ન બેસવું પડે એટલે તેમના સ્વેટરની બોર્ડર ડબલ બનાવીને તેને ટૂંકી કરવા સીવી નાખો. બીજા વર્ષે તે ટૂંકુ લાગે ત્યારે આ સિલાઇ ખોલી નાખો જેથી તેની લંબાઇ વધી જાય.
સ્વેટરમાં કાણું પડી જાય કે ખુલી જાય ત્યારે શું કરશો?
- તમારું જે રંગનું સ્વેટર ખુલી ગયું હોય તે રંગનું ઊન તમારી પાસે ન હોય કે બજારમાં પણ ન મળતું હોય તો તેની સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય એવા રંગનું ઊન લઇને મોટી સોયા વડે કોઇક નવી ડિઝાઇન એવી રીતે બનાવો કે તે સમારકામ કરેલું ન લાગે પણ ડિઝાઇનર દેખાય.
- તમે ચાહો તો ખુલી ગયેલા ભાગમાં ઊનનું બનાવેલું સુંદર મોટીફ પણ લગાવી શકો છો.
- જ્યારે પણ સ્વેટર બનાવો ત્યારે તેમાંથી વધેલું ઊન સાચવી રાખો જેથી સ્વેટર ઉધડી જાય કે ફાટી જાય ત્યારે તેનેેેે રિપેર કરી શકાય.
- અમલા


