- આરોગ્ય સંજીવની
છેલ્લા કેટલાક સમયથી ઇન્ફેક્શન અને તેમાં પણ વાયરલ ઇન્ફેક્શનનાં કેસોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં બદલાતી જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, વનસ્પતિઓનું નિકંદન, વધતું જતું પ્રદૂષણ વગેરે અનેક કારણો જવાબદાર છે. પ્રદૂષિત વાતાવરણમાં રહેલા ગેસ અને ઝેરી રજકણો હવામાં ભળી જઈને હવાને અશુદ્ધ કરી મૂકે છે. પ્રદૂષિત ગેસ, ડીઝલ, ધુમાડા, ઝેરી ધુમાડા વગેરેનાં કારણે વાતાવરણ પ્રદુષિત થાય છે અને આ પ્રદુષિત હવાથી વ્યક્તિ અનેક રોગોનો ભોગ બને છે. પ્રદુષિત વાતાવરણમાં વાયરસ, ઇન્ફેક્શનનાં રોગો જોર વધારે કરે છે, ખૂબ પીડા કરનાર વ્યાધિઓ, શરદી, ખાંસી, ઓરી, અછબડા, આંખ આવવી, તાવ આવવો, ફ્લ્યુ વગેરેથી થતી વ્યાધિઓમાં હેરાન-પરેશાન થઈ જાય છે. દર્દીનાં રોગ પ્રમાણેનાં જુદાજુદાલક્ષણો એવા પીડાદાયક હોય છે કે દર્દીને ખૂબ જ પરેશાની થાય છે.
કોઈપણ પ્રકારનાં વાઈરસ, ઇન્ફેક્શનમાં સીધો ઉપચાર કરવો શક્ય નથી છતાં પણ દર્દીનાં લક્ષણો પ્રમાણે ઉપચાર કરીને પીડા દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
Prevention is better than cure મુજબ રોગો થાય અને સારવાર કરવી એના કરતાં, તો રોગ જ ન થાય એ માટેની વ્યવસ્થા કરવી વધારે સારી ગણાય અને જો રોગ થયો હોય તો તેનાં કારણો ને જાણીને, કારણ ને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. વાઈરસ ઇન્ફેક્શનથી થનારા રોગોથી બચવા માટેનો શ્રેષ્ઠ, સરળ અને સારો ઉપાય છે - 'રોગ પ્રતિકારક શક્તિ વધારવી'. પ્રત્યેક વ્યક્તિઓએ પૌષ્ટિક ખોરાક લેવો, શુદ્ધ પાણી, નિયમિત વ્યાયામ, યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ઉપાય કરવો. જેમની ઇમ્યુનિટી વધારે હોય છે, તેમને વાઈરસ ઇન્ફેક્શનથી થતાં રોગોથી બચવું સરળ રહે છે. તાજા ફળો, દૂધ, કઠોળ, લસણ, મેથી વગેરેનો આહાર માં સમાવેશ કરવાથી રોગો સામે રક્ષણ મળે છે.
ખાસ કરીને ચોમાસામાં વાઈરસ ઇન્ફેક્શનથી બચવા માટે લસણ અને અજમાનો આહારમાં ઉપયોગ કરવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે. તુલસી, ફુદીનો, હળદર, કાળામરીનો પાઉડર વગેરનો ઉપયોગ કરવાથી ચોમાસામાં થતા રોગો સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત મોઢા ઉપર માસ્ક બાંધીને રાખવાથી પણ ચેપ લાગતો અટકાવી શકાય છે.
વાઈરલ કન્જક્ટિવાઈટીસ :-
એડીનો વાઈરસ જે રોગ કરે છે, તેમાં આંખ આવવી આ એક લક્ષણ છે. આ ઇન્ફેક્શન એક સાથે અનેક વ્યક્તિઓમાં જોવા મળે છે. આ રોગમાં આંખ લાલ થઈ જાય છે. આંખમાં થોડો દુ:ખાવો રહે છે. સતત આંખમાંથી પાણી નીકળ્યા કરે છે. આનો ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિને તરત જ લાગી જાય છે. આંખ આવવાનાં લક્ષણો શરૂ થાય કે તુરત જ નિષ્ણાત તબીબની સારવાર લઈને ઇલાજ શરૂ કરી દેવો જોઈએ.
સારવાર :- વાઈરસથી થતા રોગોની સીધી સારવાર ન હોવા છતાં પણ લક્ષણો પ્રમાણે સારવાર કરવામાં આવે છે. (૧) ત્રિફળા ચૂર્ણ ૧ ચમચી રાત્રે પાણી સાથે લેવું. આ ખૂબ જ ઉપયોગી છે. આથી ઘરમાં એક વ્યક્તિને આંખ આવી હોય તો તેમણે આંખ ઉપર ચશ્મા ચઢાવી રાખવા અને સ્વસ્થ વ્યક્તિને ચેપ ના લાગે, એ માટે સ્વસ્થ વ્યક્તિએ ત્રિફળાનાં પાણીથી આંખ ધોવી અને ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતી વખતે ૧ ચમચી લેવું.
(૨) રોગ-પ્રતિકારક શક્તિ વધારે થાય તે માટે ચ્યવનપ્રાશ, સપ્તામૃતલોહી, જીવંતીઘનવટી વગેરેનું સેવન નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ લેવું.
(૩) સાદો આહાર લેવો, દહીં, અથાણાં બંધ કરવા.
(૪) સુખોષ્ણ પાણીમાં કપડું પલાળી ત્રણ-ચાર વખત આંખના પોપચા પર ફેરવવું. જેનાથી દુ:ખાવામાં રાહત મળે છે.
* ઇન્ફ્લ્યુએન્ઝા :
આ રોગનો ફેલાવો છીંક જેવા શ્વસનતંત્રના માર્ગો દ્વારા થાય છે. આ રોગને આયુર્વેદમાં વાતકફજ જ્વર પણ કહે છે.
આ રોગમાં ઠંડી પૂર્વકનો તાવ ગમે ત્યારે આવે, એકાદ દિવસ થી અઠવાડિયા સુધી તાવ રહે છે. શરદી, નાકમાંથી પાણી નીકળવું, શરીર દુ:ખવું, થાક લાગવો અને શ્વેતકણો ઓછા થઈ જવા આ વ્યાધિના લક્ષણો છે.
સારવાર :- (૧) આ રોગમાં સૂંઠ, તુલસી, આદુ, ફૂદીનો વગેરેનું સેવન કરવું.
(૨) કાળા મરીનાં ૫ દાણા અને ફૂદીનાના ૫ થી ૭ પાન વાટી સવાર-સાંજ લેવાથી શરદી, ઉધરસમાં સારો ફાયદો થાય છે.
(૩) સુદર્શન ઘનવટી, ગોદંતી ભસ્મ, અભયાદી કવાથ વગેરેનું વૈદકીય સલાહ મુજબ સેવન કરવું. ત્રિભુવનકીર્તિરસ ૨-૨ ગોળી જમ્યા પછી, પાણી સાથે લેવી.
દરેક પ્રકારનાં ઇન્ફેક્શનથી બચવા માટેનો સરળ ઉપાય રોગપ્રતિકારક શક્તિ વધારવી તે જ છે. જે માટે પૌષ્ટિક આહાર, પૂરતી નિદ્રા, આસન, પ્રાણાયામ અને હકારાત્મકતા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જેમાં બેમત નથી.
- જહાનવીબેન ભટ્ટ


