Get The App

ઇન્ડોર પ્લાન્ટ્સ ઘરની શોભા વધારે અને સ્વાસ્થ્ય સુધારે

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડોર પ્લાન્ટ્સ ઘરની શોભા વધારે અને સ્વાસ્થ્ય સુધારે 1 - image


ઇન્ડોર પ્લાન્ટ્સ મોટાભાગે ઘર કે ઓફિસની શોભા વધારવાના ઉદ્દેશથી રખાય છે. લીલાછમ પ્લાન્ટ્સને લીધે લિવિંગ સ્પેસમાં એક પ્રકારની એસ્થેટિક અપીલ ઉમેરાય છે, પરંતુ ખરું પૂછો તો એ માત્ર શોભાના ગાંઠિયા નથી. સંશોધકો લાંબા અભ્યાસ બાદ એવા ચોક્કસ નિષ્કર્શ પર આવ્યા છે કે ઇન્ડોર પ્લાન્ટ્સ પોતાની આસપાસના પર્યાવરણને શક્ય એટલું ચોખ્ખું બનાવી આપણને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો રોલ ભજવે છે. આ લેખમાં આપણે ઇન્ડોર પ્લાન્ટ્સ વિશે રસપ્રદ માહિતી મેળવવા ઉપરાંત એ પર્યાવરણને લગતા બે અગત્યના ઘટકો વાયુ પ્રદુષણ અને સૂર્યપ્રકાશ સંબંધમાં કેટલો અગત્યનો ભાગ ભજવે છે એ જાણીશું :

૧. એયર ફિલ્ટરેશન : હવામાના પ્રદુષકોને શોષીને અને એમનો નાશ કરીને ઇન્ડોર પ્લાન્ટ્સ કુદરતી એયર ફિલ્ટર્સનું કામ કરે છે. અમુક પ્રકારના પ્લાન્ટ્સ કાર્પેટ્સ અને ઘરની બીજી ચીજવસ્તુઓ પર જામતા સ્વાસ્થ્ય માટે જોખમી પ્રદુષકોને ઓછા કરી દે છે અથવા સમૂળગા દૂર કરે છે. આ હેતુ પાર પાડવા બોસ્ટન ફર્ન અને રબ્બર પ્લાન્ટ્સ સૌથી સારી પસંદગી બની રહે છે.

૨. વાયુ પ્રદુષણ ઘટાડે : વાયુ પ્રદુષણ આજે દુનિયાની સૌથી મોટી ચિંતાનો વિષય બની ગયું છે કારણ કે એ આરોગ્યને સૌથી વધુ નુકસાન કરે છે. આપણાં ઘર કે ઓફિસની ચાર દીવાલો પણ આપણને હવાના પ્રદુષકોથી સુરક્ષિત નથી રાખી શકતી કે ઘર-ઓફિસની હવા, પણ બહારની હવાથી વધુ નહિ, પણ એના જેટલી પ્રદુષિત તો હોય જ છે. આ સમસ્યાને હલ કરવામાં નેચરલ એયર પ્યુરિફાયર્સ તરીકે જાણીતા ઇન્ડોર પ્લાન્ટ્સ નોંધપાત્ર ફાળો આપે છે.

૩. ઓક્સિજનનું ઉત્પાદન : હરિયાળા પ્લાન્ટ્સ કાર્બન ડાયોક્સાઈડ શોષી લઈ ઓક્સિજન છોડવાની કુદરતી પ્રક્રિયા કરે છે, જેને સાયન્ટિફિક જારગોનમાં ફોટોસિન્થેસિસ કહેવાય છે. આ કુદરતી પ્રક્રિયા આપણી આસપાસની હવાની ગુણવત્તા સુધારવામાં અમૂલ્ય યોગદાન આપે છે એટલે જ ઘર-ઓફિસમાં ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવા જરૂરી મનાય છે. 

સ્નેક્સ પ્લાન્ટ્સ, સ્પાઈડર પ્લાન્ટ્સ અને પીસ લિલીઝ જેવા કોમન ઇન્ડોર પ્લાન્ટ્સ એમની ઓક્સિજનનું લેવલ વધારવાની ક્ષમતા માટે જાણીતા છે એટલે જ એ ચાર દીવાલની વચ્ચે આપણા આદર્શ સાથી બની રહે છે.

૪. ભેજનું નિયમન : હવાને ફિલ્ટર કરવા ઉપરાંત ઇન્ડોર પ્લાન્ટ્સ ટ્રાન્સપિરેશન (ઉચ્છવાસ)ની પ્રોસેસ મારફત ભેજ રિલિઝ કરે છે. એને લીધે ઘરમાં ભેજનું અનુકૂળ લેવલ જળવાઈ રહે છે. પરિણામે ઘરમાં હવાથી ફેલાતા વાયરસ અને બેક્ટીરિયા માટે અનુકુળ વાતાવરણ ન રહેતા એમનું જોખમ નામશેષ થઈ જાય છે.

૫. તડકો અને ઇન્ડોર પ્લાન્ટ્સ : ઇન્ડોર પ્લાન્ટ્સના ઉગવા અને વધવા માટે સૂર્યપ્રકાશ સૌથી આવશ્યક છે. અમુક ઘરમાં કે ઓફિસમાં સીધો તડકો આવતો ન હોય તો ફિકર કરવાની જરૂર નથી. ઘણાં પ્લાન્ટ્સ ઓછા સૂર્યપ્રકાશમાં પણ ઉગે છે અને વિકસે છે.

૬. પ્રકાશ અને ફોટોસિન્થેસિસ : આગળ કહ્યું એમ પ્લાન્ટ્સ ફોટોસિમ્થેસિસ પ્રોસેસ મારફત પ્રકાશનું ઉર્જા (એનર્જી)માં રૂપાંતર કરે છે. એમને જીવતા રાખવામાં કાર્બન ડાયોકસાઈડ શોષીને ઓક્સિજન છોડવાની આ પ્રક્રિયા અગત્યનો ભાગ ભજવે છે. જુદા જુદા પ્લાન્ટ્સ પોતાની કુદરતી પ્રકૃતિ પ્રમાણે પ્રકાશની અલગ અલગ કન્ડીશનમાં ઉછરે છે. કોઈકને એકદમ તેજ પ્રકાશનું કોઈકને ઇન્ડાયરેક્ટ લાઈટ અને અમુકને ઓછો તડકો અનુકુળ આવે છે એટલે જ બાગાયતના નિષ્ણાતો ઘરમાં જે પ્રકારનો સૂર્યપ્રકાશ આવતો હોય એને મેચ થાય એવા પ્લાન્ટ્સ ઉગાડવાની સલાહ આપતા હોય છે.

૭. પ્રકાશનું વર્તન : પ્લાન્ટ્સ મોટાભાગે પ્રકાશના સ્ત્રોતોની દિશામાં વિકસે છે. અંગ્રેજીમાં એને ફોટોટ્રોપિઝમ કહેવાય છે એટલે જ બધા પ્લાન્ટ્સ એકસમાન વિકસે એ માટે એમને વારફરતી સૂર્યપ્રકાશમાં રાકવા જોઈએ.

૮. સૂર્યપ્રકાશ સુખાકારી લાવે : તડકો પ્લાન્ટ્સ માટે તો આવશ્યક છે જ, પણ એ ઉપરાંત સૂર્યપ્રકાશ માનવીના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી છે. બહુ ઓછા એ વાતથી વાકેફ હશે કે કુદરતી પ્રકાશ આપણો મૂડ સુધારે છે, ઉત્પાદકતા વધારે છે અને સારી ઊંઘ લાવે છે એટલે જ સવારનો કુમળો તડકો આવતો હોય એ સ્થળે ઇન્ડોર પ્લાન્ટ્સ ગોઠવવાથી પ્લાન્ટ્સની હેલ્થ સુધરવા ઉપરાંત ઘરનો માહોલ પણ સરસ રહે છે. આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સૂર્યપ્રકાશ નિ:શુલ્ક મળતી ઉપયોગી ઔષધિ છે.

- રમેશ દવે

Tags :