Get The App

અપચો-અજીર્ણ .

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
અપચો-અજીર્ણ                                                . 1 - image


- આરોગ્ય સંજીવની

આજનાં સમયમાં ખોરાક ન પચવો, પેટમાં દુ:ખાવો થવો વગેરે ફરિયાદો દિવસે ને દિવસે વધતી જાય છે અને ઉપાય તરીકે ખોરાક પચાવવા માટે દારૂ પીવાની ફેશન પણ વધતી ચાલી છે. ધનિક વર્ગમાં જીભના સ્વાદને પોષવા માટે દારૂ પીને પણ સ્વાદિષ્ટ વાનગીઓ વધારે ખાઈ શકાય તેવી એક માન્યતાના કારણે દારૂનું પ્રમાણ વધતું રહ્યું છે. અને વિદેશી નામના લેબલોવાળો દારૂ ફેશનથી સુખી ઘરોમાં પાર્ટીઓમાં મોભો બનાવી, વાપરવામાં આવે છે. દારૂ અને સ્વાદિષ્ટ વાનગીઓ ઠાંસી-ઠાંસીને ખાઈને આજે લીવર, હોજરી અને આંતરડાનાં કેન્સર જેવાં ગંભીર દર્દોને માણસ જાતે જ આમંત્રિત કરે છે ત્યારે તેની સામે જો બચાવનાં ઉપાયો મૂકવાનો અર્થ નથી કેમકે  તેને તો આવી વાતો ગળે ઉતરે તેમ નથી. પરંતુ જે લોકો પોષણનાં અભાવે, આર્થિક ભીંસથી ચિંતાને કારણે અનિયમિત લાઈફ-સ્ટાઈલના કારણે પેટની ઉપરોક્ત ફરિયાદોનો ભોગ બને છે તેમને તો બિનખર્ચાળ અને ખૂબ સસ્તા ઘરગથ્થુ પ્રયોગો ઉપકારક બનશે તે આશયથી આ વિષયવસ્તુને પ્રસ્તુત કરવાનું પસંદ કર્યું છે.

કોઈપણ કારણસર અજીર્ણની ફરિયાદ થાય તો તરત જ સાવ સરળ ઉપાયોથી તે નિવારી શકાય છે. (૧) સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય તો ઉપવાસ છે. પેટને આરામ આપવો... માત્ર ગરમ પાણી પી ને શક્તિ અનુસાર એક કે બે ઉપવાસ કરી લેવાથી પેટમાં જામેલો જૂનો મળ નીકળી જાય છે અને દબાયેલું યંત્ર મુક્ત રીતે ચાલવાને સક્ષમ બને છે. પછી ધીમે ધીમે પ્રવાહી ખોરાક અને ત્યારબાદ હલકો સુપાચ્ય ખોરાક.... આમ એકાદ અઠવાડિયું કરી નોર્મલ ખોરાક લેવાનું શરૂ કરવું. એક પણ પૈસાની દવા ખાધા વગર અજીર્ણ મટાડી શકાય છે. અને અપચાથી ભવિષ્યમાં થનાર ગંભીર ફરિયાદો પહેલેથી જ નિવારી શકાય છે. ટૂંકમાં તંદુરસ્તી સુધારવા અને ચાલુ રાખવા મહિનામાં એકાદ ઉપવાસ ફક્ત સુખોષ્ણ પાણી પી ને કરવો જરૂરી છે.

(૨) ખોરાક ન પચવાથી પેટમાં દુ:ખતું હોય તો આદુનો રસ ૫ થી ૧૦ ગ્રામ જેટલો પીવો. મધ મેળવીને પણ તે લઈ શકાય છે. જરાક સિંધાલૂણ મેળવીને પણ લઈ શકાય છે. આદૂુનું અથાણું પણ ખોરાક સાથે લઈ શકાય. આદુ ખોરાકને સુપાચ્ય બનાવે છે તેથી જમવામાં જે રીતે સુગમ પડે તે રીતે તેને લેવું.

(૩) આથેલી ખારેકથી પણ અજીર્ણ મટે છે. ઉપરાંત ખોરાક પચી જાય છે અને ભૂખ પણ ઉઘડે છે. ખારેક તૈયાર કરવા માટેની રીત નીચે મુજબ છે. જેમાં સૌ પ્રથમ ખારેકને લીંબુના રસમાં બોળી રાખવી. તે નરમ પડી જાય ત્યારે તેમાંથી ઠળિયા કાઢી નાંખી સૂંઠ, મરી, પીપર, લવિંગ, જાયફળ, જાવંત્રી, ધાણા, વરિયાળી દરેક વસ્તુ બે-બે તોલા હોય તો સિંધવ અડધો તોલો લેવું. એ માપથી મસાલો તૈયાર કરવો. ખોરાકમાં તે જરૂરિયાત પ્રમાણે ભરવો. જમ્યા પહેલા અને પછી પણ ખારેક ખાઈ શકાય છે. તેનાથી અજીર્ણ હોય તો મટી જાય છે. જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે અને લોહી વધે છે. વળી, તે ખૂબ સ્વાદિષ્ટ હોવાથી સૌને ખાવી ગમે છે. પોતાને અનુકૂળ હોય તે રીતે ૧/૨ થી ૧ ખારેક દરરોજ ખાઈ શકાય છે.

(૪) ભૂખ સાવ જ મરી ગઈ હોય તો અડધી અડધી ચમચી અજમો દિવસમાં બે વાર ચાવીને ખાવો.

(૫) સુવાદાણા અને મેથી સમભાગ લઈ શેકી લેવા. તેનું ચૂર્ણ અડધા તોલા જેટલું ખાવાથી ગેસ-વાયુ-અપચો મટે છે.

અજીર્ણ ક્યારેક વિરુદ્ધ આહારથી પણ થતું હોય છે. ત્યારે તે વિશે પણ થોડી વિગતો જાણવા જેવી છે.

દૂધ સાથે ખાટી ચીજો, દૂધ સાથે મૂળા, દૂધ સાથે ગોળ વિરુદ્ધ બતાવેલ છે. દૂધ સાથે અથાણું વગેરે ભૂલમાં પણ ન ખવાય. તે જ રીતે મૂળા સાથે અડદની કોઈ પણ વાનગી ન ખવાય. મધ અને ઘી સરખા વજને ન ખવાય. નાળિયેર પાણી સાથે બરાસકપૂર ન ખવાય. અડદની દાળ સાથે દૂધ, દહીં, કેરી કે આમલી ના ખવાય. તાડી સાથે છાશ ન લેવાય. યાદ રાખો કે જો દિવસે મૂળો ખાઓ તે દિવસે આખો દિવસ દૂધ ન પીવો કે દૂધની બનાવટ પણ ન જ ખાઓ. ઉપરોક્ત કોઈ પણ વિરુદ્ધ આહાર શરીરમાં ઝેર જેવા વિકારો પેદા કરે છે અને રોગો માટે માર્ગ મોકળો બની જાય છે.

ઘણાં વ્યક્તિઓને અજીર્ણની સાથે સાથે ભૂખ અને વજનની પણ સમસ્યાઓ સતાવતી હોય છે, તો તે માટે સરળ ઉપાયો અહીં બનાવું છું.

વજન વધારવા શું કરશો ?

* નરણે કોઠે ખજૂર સાથે દૂધ પીવાથી વજન વધશે.

* ૪ તોલા ખજૂર અને ૨ તોલા દ્રાક્ષ રોજ નિયમિત ખાવાથી સાવ સુકાઈ ગયેલા શરીરમાં પણ લોહીનો નવસંચાર થાય છે અને વજન વધે છે.

* રાત્રે ભેંસનાં દૂધમાં ચણા પલાળી સવારે ખાવાથી વજન વધે છે.

* અશ્વગંધાનો દૂધમાં ક્ષીરપાક બનાવી પીવાથી પણ વજન વધે છે.

* વજન ઘટાડવા શું કરશો ?

* સવારે નરણે કોઠે ગરમ પાણીમાં ૧ લીંબુ અને ૨ ચમચી મધ મેળવી બે ગ્લાસમાં પચાસ વારથી વધારે વખત ઉપર નીચે ઉછાળી પછી તે પીવો. ૨ કલાક બીજું કંઈ ન લો. થોડા દિવસમાં વજન ઉતરવા માંડશે.

* તુલસીનો રસ છાશમાં પીવાથી પણ મેદ ઘટવા લાગે છે.

* સુખોષ્ણ પાણીમાં મધ મેળવી નરણે કોઠે પીવાથી મેદ ઓગળવા લાગે છે.

ઘણાં એવા દર્દીઓ પણ મેં જોયા છે કે, જેમને અતિભૂખ લાગતી હોય અને ગમ ેતેટલું ખાય તો પણ શરીર ગળતું જ હોય. આવાં રોગને આયુર્વેદમાં 'ભસ્મક' રોગ કહે છે. આ રોગ માટે નીચેનાં ઉપાયો સૂચવું છું. તેમાંથી અનુકૂળ પડે તે પ્રયોગ કરવો.

(૧) ઉંબરાના મૂળ જમીનમાં હોય તેમાંથી એક મૂળ કાપી નીચે પાત્ર મૂકી જે પાણી આવે તે જીલી લેવું. આ રસ દર્દીને પીવડાવવો.

(૨) દૂધમાં દિવેલ મેળવી સવારે નરણે પીવું, થોડા દિવસમાં આ પ્રયોગથી 'ભસ્મક' રોગ મટે છે.

(૩) 'ભસ્મક' રોગમાં કેળાં અને ઘી ખવડાવવાથી પણ ખૂબ ફાયદો થાય છે અને અતિક્ષુધા શાંત થઈ જાય છે.

આમ, આયુર્વેદમાં આવાં સરળ અને ઘરગથ્થુ પ્રયોગોથી અજીર્ણ વજન અને ક્ષુધા સંબંધી સમસ્યાઓનું સરળતાથી સમાધાન થઈ જાય છે.

- જ્હાનવીબેન  ભટ્ટ

Tags :