૨૦૨૫ના વર્ષમાં મહિલા ખેલાડીઓએ પુરૂષોના ઘણાં કિલ્લા ધ્વસ્ત કરી ખેલના મેદાનમાં નવા વિક્રમો સ્થાપ્યા છે. વિવિધ મહિલા ખેલાડીઓએ વિવિધ સિદ્ધિઓ મેળવી દેશનું નામ વિવિધ રમતોમાં રોશન કર્યું છે.
દિવ્યા દેશમુખ: શતરંજ
જ્યોર્જિયામાં વિમેન્સ ચેસ વર્લ્ડ કપની થર્ડ એડિશનમાં હમ્પી કોનેરૂ સામે ત્રણ દિવસ રમી અનેક ટાઇબ્રેક બાદ દિવ્યા દેશમુખ વિજેતા બની હતી. ફિડે વર્લ્ડ ચેસ ચેમ્પિયન ટાઇટલ જીતનાર તે પ્રથમ ભારતીય ચેસ પ્લેયર છે. દેશની તે ચોથી મહિલા ગ્રાન્ડ માસ્ટર બની છે.
જાઇસ્મિન લંબોરિયા: બોક્સર
લિવરપુલમાં યોજાયેલી ૨૦૨૫ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી જાઇસ્મિન ઇન્ડિયન આર્મીની પ્રથમ મહિલા બોક્સર છે. જેણે વર્લ્ડ કપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ એમ બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
જ્યોતિ યારાજી: વિઘ્નદોડ
દક્ષિણ કોરિયામાં ઘુમી ખાતે યોજાયેલી એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશિપ્સમાં જ્યોતિ યારાજીએ મહિલાઓની ૧૦૦ મીટરની વિઘ્ન દોડમાં ભારતને આ કેટેગરીમાં તેનો પ્રથમ સુવર્ણચન્દ્રક અપાવ્યો હતો. ઉત્તરાખંડમાં યોજાયેલી ૧૦૦ મીટરની વિઘ્નદોડમાં તેણે સતત તેનો ત્રીજો ગોલ્ડમેડલ જીત્યો હતો.
દિપ્તી શર્મા: ક્રિકેટર ઓલરાઉન્ડર
એક જ વર્લ્ડ કપમાં ૨૦૦ રન કરનાર અને વીસ કરતાં વધારે વિકેટ લેનારી એક માત્ર ભારતીય ખેલાડી. આ ટુર્નામેન્ટમાં તેણે ત્રણ અડધી સેન્ચુરી મારી છે અને સૌથી વધુવિકેટો મેળવી છે. ફાઇનલમાં તેણે પાંચ વિકેટ મેળવી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી તરીકે રેકોર્ડ સર્જ્યો છે. દિપ્તીને ભારતની મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપવિજેતા બનાવનાર આર્કિટેક્ટ ગણવામાં આવે છે.
નીરૂ પાઠક: દોડવીર
નેશનલ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ્સમાં અંડર ૨૦ કેટેગરીમાં ૪૦૦ મીટરની દોડમાં વિજેતા. તેણે પોતાની દોડ ૫૩.૩૮ સેકન્ડમાં જ પુરી કરી હતી.
પૂજા ઓલ્લા: દોડવીર
તાઇવાન એથ્લેટિક્સ ઓપન ૨૦૨૫માં ૧૫૦૦ મીટર અને ૮૦૦ મીટર બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ વિજેતા. દક્ષિણ કોરિયામાં ઘુમી ખાતે ૨૬મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પૂજાએ આ જ કેટેગરીમાં સિલ્વર અને બ્રોન્ઝ પદક જીત્યા હતા.
પ્રણવી ઉર્સ: ગોલ્ફ મિક્સ ફિલ્ડ
નવેમ્બરમાં બોમ્બે પ્રેસિડેન્સી કલબમાં યોજાયેલી આઇજીપીએલ મિક્સ ફિલ્ડ ગોલ્ફમાં વિજય મેળવી ઇતિહાસ રચ્યો હતો. ટોચના પુરૂષ ગોલ્ફર્સને પાછળ મુકી પ્રણવીએ બહેતર પ્રદર્શન કરી મિક્સ ફિલ્ડમાં વિજય મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બની.
પૂજા સિંહ : હાઇજમ્પ
એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં ૨૦૨૫માં પૂજાએ ગોલ્ડ મેડલ જીત્યો. અંડર ૨૦ કેટેગરીમાં તેણે ૧.૮૯ મીટરનો જમ્પ મારી નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પણ ૧.૭૭ મીટરનો જમ્પ મારી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.


