Get The App

નવરાત્રિ અને શ્રી અંબાદેવીનું મહત્ત્વ

Updated: Sep 30th, 2024

GS TEAM


Google News
Google News
નવરાત્રિ અને શ્રી અંબાદેવીનું મહત્ત્વ 1 - image


- શ્રી અંબાદેવીની કેટલીક આગવી વિશેષતાઓ છે. શ્રી અંબાદેવી, શ્રી જગદંબા, અષ્ટશક્તિ ધારિણી, શ્રી વાઘેશ્વરી. ઈત્યાદિ કર્તવ્યવાચક અને વિશેષણાત્મક નામોથી પ્રચલિત છે

આધ્યાત્મિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતો ભારત દેશ, ઉત્સવઘેલો પણ છે. છાશવારે, કોઈને કોઈ આધ્યાત્મિક, સામાજીક, રાજકિય કે અન્ય પ્રસંગોએ વિધવિધ ઉત્સવો, ઉજવાયા કરે છે અને એ દ્વારા, વર્ષ દરમ્યાન, આનંદ, ઉત્સાહ અને ખુશીનો માહોલ જળવાઈ રહે છે. કદાચ સારા વિશ્વ કરતાં, ભારતમાં વધુ ઉત્સવો, જોવા મળે છે.

આવો જ એક આગવો આધ્યાત્મિક ઉત્સવ છે. ''નવરાત્રિ'' ભારતમાં, શાસ્ત્રોક્ત માન્યતા પ્રાપ્ત, તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ માંની નવ વિદ્યમાન દેવીઓની, પ્રશંસા, મહત્તા, ગાયન-પૂજન અને આગવી વિશિષ્ઠતાઓને સાંકળતો, આસો સુદ એકમથી નવ દિવસ માટે ઊજવાતો, આ એક અનોખો પ્રસંગ-ઉત્સવ છે.

''રાત્રિ'' શબ્દ પ્રયોગનું મહત્ત્વ

વાસ્તવમાં, આ ઉત્સવ, શક્તિઓની આરાધના સાથે સંકળાયેલ છે. અને આધ્યાત્મિક શક્તિની જરૂરત, મોટે ભાગે રાત્રે અંધકારમાં જ પડે છે. 

અંધકારમાં જ, જીવ, જંતુ, મચ્છર-માંકડ, તેમજ દુશ્મોનોનો વાર પણ અંધકારમાં જ થાય છે. 

દુશ્મનના વિમાનો, રાત્રિ-અંધકારના સમયે જ આવી, ''બોમ્બ મિસાઈલ વિ.થી વાર કરે છે. 

વાસનારૂપી શત્રુઓ પણ અંધકારમાં જ સતાવે છે, વાર કરે છે. જોકે આ અંધકાર બે પ્રકારનો હોય છે. સૂર્યાસ્ત પછીનો અંધકાર અને બીજો અજ્ઞાાનરૂપી અંધકાર. આ બન્ને અંધકારને દૂર કરવા શક્તિ આરાધનાની જરૂર પડે છે.''

નવ દેવીઓ

નવ વિદ્યમાન દેવીઓમાં પ્રથમ-આગવું સ્થાન ધરાવે છે....

...શ્રી અંબાદેવી. બીજી દેવીઓ છે, શ્રી કાલિકાદેવી, શ્રી સરસ્વતી દેવી, શ્રી લક્ષ્મીદેવી, શ્રી બહુચરમાત, શ્રી ગાયત્રી દેવી, શ્રી સંતોષી માત, શ્રી ખોડીયાર માતાજી અને શ્રી ઊમિયા દેવીજી. આ નવ દિવસ દરમ્યાન, નવ દેવીઓનું અનુષ્ઠાન, ગાયન-પૂજન, સાધના, આરાધના, અને રાત્રે ગરબા દ્વારા, આ ઉત્સવમાં રંગત લાવવામાં આવે છે.

શ્રી અંબાદેવીનું વિશેષ મહત્ત્વ શા માટે ?

શ્રી અંબાદેવીની કેટલીક આગવી વિશેષતાઓ છે. શ્રી અંબાદેવી, શ્રી જગદંબા, અષ્ટશક્તિ ધારિણી, શ્રી વાઘેશ્વરી. ઈત્યાદિ કર્તવ્યવાચક અને વિશેષણાત્મક નામોથી પ્રચલિત છે. શ્રી અંબા દેવીને જ આઠ હાથ બતાવ્યા છે.

''આઠ હાથનું રહસ્ય''

જગ કલ્યાણી, જગત્ માતા, શ્રી અંબા દેવીએ, સહન શક્તિ, પરખ શક્તિ, નિર્ણય શક્તિ, સામનો કરવાની શક્તિ, સહયોગ શક્તિ, સમાવવાની શક્તિ, સમેટવાની શક્તિ, તેમજ વિસ્તાર અને સંકીર્ણ શક્તિ. 

આ આઠેય આધ્યાત્મિક આગવી શક્તિઓ, અન્ય શક્તિઓ સમેટ, પોતાના યોગ બળ-આત્મબળ દ્વારા, સંપૂર્ણ માત્રામાં યાને ૧૦૦% ધારણ કરેલ હતી. 

આ આઠેય શક્તિઓના પ્રતીકસમ, શ્રી અંબાદેવીને, આઠ હાથ બતાવ્યા છે. બાકી વાસ્તવમાં કોઈને આઠ હાથ હોય ખરા ?

શક્તિ હોવી એક વાત છે પરંતુ એક સાથે વધુ શક્તિઓ હોવી અને તે પણ પોતાની સંપૂર્ણ માત્રામાં, આગવું સ્થાન અપાવે છે, જે સિધ્ધ શ્રી જગદંબાએ પ્રાપ્ત કરેલ હતી.

અષ્ટ શક્તિઓ

(૧) શહન શક્તિ : વૃક્ષ, પથ્થર મારનારને પણ મીઠા ફળ આપે છે. 

તેવી જ રીતે, દુન્યવી, સાંસારિક, ગમે તેવા અભદ્ર કહી શકાય એવા વ્યવહારો, અણગમતી પરિસ્થિતિઓને શહન કરી પોતાની સ્વસ્થિતી બગાડવા દેતા નથી. ફળાઉ વૃક્ષો માફક, અપકારીને પણ ઊપકારથી નવાજે છે.

(૨) પરમ શક્તિ : આ એક એવી અદ્ભૂત શક્તિ છે, જે દ્વારા મનુષ્ય, સાચુ-ખોટું, સારુ-નરસું, લાભદાયક-હાનિકારક, વસ્તુ-પરિસ્થિતિને પારખી શકે છે.

(૩) નિર્ણય શક્તિ : આ શક્તિ દ્વારા, મનુષ્ય વસ્તુ-પરિસ્થિતીને યોગ્ય રીતે પારખ્યા બાદ, કરવું કે ન કરવું, પોતાના નફા-નુકસાન બાબત યોગ્ય નિર્ણય લઈ શકે છે.

(૪) સામનો કરવાની શક્તિ : ગર્ભિત મહાશક્તિ છે, જે દ્વારા વિપરીત પરિસ્થિતીઓનો પણ, આત્મ બળ દ્વારા, યોગ્ય અને સફળ સામનો કરી, હેમખેમ અંતર્મુખી સ્થિતિમાં રહી શકાય છે.

(૫) સહયોગ શક્તિ : સહયોગ આપવાની તેમજ સામાનો સહયોગ મેળવવાની શક્તિ. આ અદ્ભૂત શક્તિ દ્વારા, સર્વ પરિસ્થિતિઓમાં, સર્વ સાથે, સંગઠનમાં રહી, દરેક સાથે યોગ્ય સંકલન સાધી, એક બીજાના અંગત વેરઝેર ભુલી, એક બીજાને મદદરૂપ બની-બનાવી શકાય છે. બધાનો સહયોગ મેળવી જ, શ્રીકૃષ્ણે, ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો ને ? તેવી જ રીતે, મહાન, ભગીરથ કાર્યો પણ કરી શકાય છે.

(૬) સમાવવાની શક્તિ : દરિયો, બધી નદીઓના, ગમે તેવા કાંપવાળા, ગંદા પાણીને પોતાનામાં સમાવી, પોતે પોતાના જળને નિર્મળ રાખે છે.

તે માફક, મનુષ્યે દરિયાવ દિલ બની, સંસારની બધી બદીઓને સમાવતા છતાં, પોતે પોતાની આંતરિક સ્થિતી ઊપરામ સ્થિતિ, જાળવી સમર્થી હાંસલ કરી શકે છે.

(૮) સમેટવાની શક્તિ : ઊપરામ રહેનાર વ્યક્તિ, લૌકિક વ્યવહારમાં, સંબંધોમાં, એટલો બધો ગળાડુબ નથી રહેતો, જેથી પોતાની મરજી મુજબ, પોતાની કર્મેન્દ્રિયોને સમેટી લઈ, પળવારમાં અંતર્મુખી ન બની શકે. 

જેમ બહારગામ જતી વખતે, બધુ સમેટી લઈએ છીએ, તેમ આ દુનિયા છોડતાં પહેલાં, મૃત્યુ પહેલાં, આપણા કર્મોના ખાતા સમેટી લઈ, જમા પાસુ કેટલું વધારે છે તે જોઈ લેવું અતિઆવશ્યક છે. કારણકે પૂણ્યનું જમા ખાતું જ, મૃત્યુ વખતે સાથે લઈ જઈશું. ઈચ્છાઓ, કામનાઓ, નો સ્ટોક બહોળો હશે તો જલ્દી સમેટી નહીં શકીએ. અને એજ પાપકર્મો સાથે જવું પડશે...

(૮) વિસ્તાર અને સંકીર્ણ શક્તિ : જેમ, એક કાચબો, પોતાના કાર્ય અર્થ, અંગ-ઉપાંગોને બહાર કાઠે છે અને કાર્ય સમાપ્તિ પર, પોતાના અંગોને, અંદર સમાવી લે છે, તેવી જ રીતે, ઉપરામ સ્થિતી જાળવનાર યોગી, પોતાના લૌકિક-અલૌકિક કાર્યો કરતી વખતે, પોતાની કર્મન્દ્રિયોનો ઉપયોગ કરે છે અને કાર્ય સમાપ્તિ પર, પોતાની ઇન્દ્રિયોને, અંતર્મુખી બનાવી દે છે, અવ્યક્ત, દેહીઅભિમાની, આત્મિક સ્થિતિમાં, સહજતાથી સ્થિત થઈ જાય છે. 

એને દુનિયાના કોઈ પ્રલોભનો, ચલાયમાન કરી શકતા નથી.

જેમ, સૂર્યના કિરણો, જળબિંદુમાંથી પસાર થાય, ત્યારે સપ્તરંગી સુંદર ધનુષ્ય-મેઘ-ધનુષ્ય સર્જાય છે, તેમ સર્વ શક્તિમાન, જ્ઞાાનસૂર્ય પરમાત્માના સર્વ સમર્થ જ્ઞાાન અને યોગ શક્તિના દિવ્ય કિરણો આત્મામાંથી પસાર થાય છે, ત્યારે, અલૌકિક, અકલ્પ્ય, એવી શક્તિઓનું સુંદરતમ્ મેઘધનુષ્ય રચાય છે. આધ્યાત્મિક ગણિત જ એવું છે, કે એક શક્તિ સાથે બીજી શક્તિ ભળે, તો શક્તિઓનો સરવાળો થવાને બદલે ગુણાકાર થાય છે. આવી આઠેય શક્તિઓનો સમન્વય થાય ત્યારે કેવો ચમત્કાર સર્જાય છે તેનું સચોટ ઉદાહરણ શ્રી અંબાદેવી છે.

વાઘેશ્વરી-વાઘ પર સવારી કરનારી વાઘ, જેવી વિકરાળ અને દુશ્કર પરિસ્થિતિઓને, પોતાની યોગ શક્તિ દ્વારા, વશ કરનારી, તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવનારી, તેના પર સવાર થનારી શ્રી અંબાદેવીને વાઘેશ્વરી પણ કહેવાય છે.

આવી શ્રી અંબાદેવી ત્થા અન્ય દેવીઓને લાખ લાખ વંદન હજો.

Tags :