દુનિયાના દરેક દેશમાં વિવાહને લગતા ચોક્કસ કાનૂન હોય છે. આ કાયદાઓને મેરેજ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં પણ લગ્ન વિષયક કાયદા છે. આ કાનૂન હેઠળ વર-વધૂને કયા કયા હક્કો આપવામાં આવ્યાં છે તે જાણવું જરૂરી છે.
ધારાશાસ્ત્રીઓ કહે છે કે ભારતમાં આ એક્ટને ચાર મુખ્ય ધર્મો અનુસાર વહેંચવામાં આવ્યા છે. હિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ મેરેજ એક્ટ, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ અને પારસી મેરેજ એક્ટ.
- હિન્દુ મેરેજ એક્ટને વર્ષ ૧૯૫૫થી લાગુ કરવામાં આવ્યો હતો. આ કાનૂન ભારતના બધા જ હિન્દુ લગ્નને લાગુ પડે છે. પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં આ ધારો લાગુ નથી પડતો. હિન્દુ લગ્ન ધારામાં ૩૦ કલમ છે, જેમાંથી કેટલાક મહત્ત્વના સેક્શનની જાણકારીત અત્યંત આવશ્યક છે.
- હિન્દુ મેરેજ એક્ટના સેક્શન બે મુજબ પ્રત્યેક હિન્દુ ધર્મીને આ ધારો લાગુ પડે છે.
- સેક્શન પાંચમાં જણાવવામાં આવ્યું છે કે કઈ કઈ સ્થિતિમાં બે હિન્દુ લગ્નના બંધનમાં બંધાઈ શકે.
- કલમ સાત મુજબ વિવાહ હિંદુ ધર્મ અનુસાર સંપૂર્ણ રીત-રિવાજ સાથે થવા જોઈએ.
- સેક્શન આઠમાં વિવાહની નોંધણી વિશે જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિયમો મુજબ વિવાહના પુરાવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે.
- કલમ નવ અનુસાર જો પતિ-પત્નીમાંથી કોઈ એક જણ કોઈપણ કારણ વિના લગ્નનો અંત લાવવા ઈચ્છતું હોેય તો સામેની વ્યક્તિ તેની સામે કેસ દાખલ કરી શકે. આ કલમ હેઠળ પતિ અથવા પત્ની યોગ્ય કારણ વિના સામી વ્યક્તિને વિવાહ તોડવા મજબૂર ન કરી શકે.
- હિન્દુ લગ્ન ધારાની કલમ ૧૦માં અને ૧૩માં સંબંધ-વિચ્છેદની જાણકારી આપવામાં આવી છે. આમાંની કલમ ૧૩ છૂટાછેડા સંબંધી છે. કલમ ૧૪ મુજબ હિન્દુ લગ્ન ધારામાં વિવાહના એક વર્ષ સુધી કોઈ છૂટાછેડા માટે અદાલતના દ્વા ન ખખડાવી શકે.
- સેક્શન ૧૫ મુજબ કોઈપણ વ્યક્તિને અદાલતમાંથી છૂટાછેડા ન મળ્યા હોય ત્યાં સુધી બીજા લગ્ન ન કરી શકે. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હોય તે દરમિયાન પણ કોઈ બીજા વિવાહ ન કરી શકે.
- સેક્શન ૧૭ મુજબ પહેલી પત્ની સાથે કાનૂની રીતે છૂટાછેડા ન થયા હોય અને પતિ બીજાં લગ્ન કરી લે તો તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૧૪ અને ૪૧૫ હેઠળ કામ ચલાવી શકાય.
- કલમ ૨૨ મુજબ અદાલતમાં કેસ બંધબારણે જ ચાલે છે. માત્ર કોર્ટના જજમેન્ટ સિવાયની સુનાવણી વિશે છાપવું દંડનીય અપરાધ છે.
- કલમ ૨૪ મુજબ અરજીકર્તાની વય નાની હોય, ચાહે તે પતિ હોય કે પત્ની, જે ખર્ચનો બોજો વેંઢારી શકે તેને જ ખર્ચ કરવો પડે છે.
- સેક્શન ૨૫માં મેન્ટેનન્સ અને ભરણપોષણ અરજીકર્તાને મળવા જોઈએ કે નહીં એ બાબતે પતિ-પત્ની બેઉ એકબીજા સામે અરજી કરી શકે છે. જો ભરણપોષણ આપવામાં આવે તો જે તે વ્યક્તિ બીજા લગ્ન કરે ત્યાં સુધી જ મળી શકે. બીજા વિવાહ પછી તે ભરણપોષણ મેળવવાને હકદાર નથી રહેતી.
- કલમ ૨૬ મુજબ સંતાનોનો કબજો કોેને મળવો જોઈએ તેનો આધાર ઘણી બાબતો પર રહે છે. જેમ કે બાળકની વય અને તેની ઈચ્છા, કબજો લેનારની માનસિક અને આર્થિક સ્થિતિ વગેરે.
- ૧૯૫૪માં લાગુ કરવામાં આવેલો સ્પેશ્યલ મેરેજ એક્ટ પ્રત્યેક ભારતીય પર લાગુ પડે છે. ચાહે તે કોઈપણ ધર્મનો હોય. ચાહે તે ભારતમાં રહેતો હોય કે વિદેશમાં. દેશના પ્રત્યેક રાજ્યમાં આ ધારો લાગુ પડે છે. આ ધારા મુજબ...
- વિવાહ માટે યુવકની વય ૨૧ વર્ષ અને કન્યાની વય ૧૮ વર્ષની હોવી જોઈએ. તેનાથી નાની નહીં.
- વર-કન્યા બેઉમાંથી કોઈ માનસિક રોગી ન હોવો જોઈએ.
શારીરીક રીતે બંને સ્વસ્થ હોવા જોઈએ.
વિવાહમાં બંનેની સંમતિ હોવી જોઈએ.
બંને એક જ માતાપિતાના સંતાન ન હોવા જોઈએ.
વિવાહ પછી તેની લેખિત નોટિસ મેરેજ ઓફિસરને આપવી આવશ્યક છે.
મેરેજ ઓફિસર સેક્શન પાંચ હેઠળ વિવાહની નોટિસ પોેતાની બુકમાં લખી રાખે છે. સાથે સાથે આ નોટિસ બોર્ડ પર પણ જાહેર કરવામાં આવે છે.
બંને પક્ષ અને વિટનેસને મેરેજ ઓફિસર સામે ડિકલરેશન ફોર્મ પર સહી કરવી પડે છે.
વિવાહ વખતે મેરેજ ઓફિસરની હાજરી જરૂરી હોય છે. જો માત્ર વિવાહના રજિસ્ટ્રેશન માટે જ મેરેજ ઓફિસર પાસે ગયા હો તો ફોર્મમાં લગ્નની તારીખ અને સ્થળ લખવાં આવશ્યક છે.
મેરેજ ઓફિસર સઘળી ઔપચારિક્તા પૂરી કર્યા પછી જ નવવિવાહીત દંપતીને મેરેજ સર્ટિફિકેટ આપે છે.


