ભારતીય પરંપરામાં દીપોત્સવી એટલે લક્ષ્મીપૂજન અને શારદાપૂજનું પર્વ.દીપોત્સવનું પર્વ કેવળ હિંદુઓનું જ પર્વ નથી રહ્યું પરંતુ સાર્વજનિક અને સાર્વવર્ણિક પર્વ બની ગયું છે. નોંધપાત્ર બાબત એ છે કે દીપોત્સવી એ શરદ ઋતુનું પર્વ છે અને તે કોઇ એક દિવસનું પર્વ નથી પરંતુ આખા સપ્તાહનું પર્વ છે. આસોમાસની વદ અગિયારશથી શરૂ કરી કાર્તિક-મહિનાની બીજ એટલે કે ભાઇબીજ સુધી લંબાયેલું પર્વ છે. એમ કહેવાય છે કે દીપોત્સવી એ વર્ષના તહેવારોનો અંત અને શરૂઆત પણ છે. દીપોત્સવીના દિવસોમાં આકાશમાં તેમજ પૃથ્વી ઉપર પ્રકૃતિ શ્રી સ્વરૂપે નવલું રૂપ ધારણ કરેલી જોવા મળે છે.
ભારતીય પરંપરામાં 'શ્રી'એ લક્ષ્મી તરીકે ભક્તિભાવપૂર્વક પૂજાય છે. હિંદુ ઘર્મમાં લક્ષ્મીની ઉપાસના વેદકાલથી શરૂ થયેલી જોવા મળે છે. ઋગવેદમાં પુરુશલૂકત લક્ષ્મીને સુખ અને સમૃધ્ધિની દેવી તરીકે વર્ણવામાં આવેલી છે. પૌરાણિક કથન પ્રમાણે લક્ષ્મીએ સમુદ્ર કન્યા એટલે સાગરની પુત્રી છે. અમૃત પ્રાપ્ત કરવા માટે દેવો અને દાવનોએ જ્યારે નવકુળ નાગનું નેતરું(દોરડું) બનાવીને સમુદ્રમંથન કર્યું ત્યારે જ નવરત્નો નીકળ્યાં તેમાં લક્ષ્મીનો પણ સમાવેશ થતો હતો. સમુદ્રે પોતાની આ સ્વરૂપવાન કન્યા (બધા દેવોમાં)પીતાંબર ધારણ ભગવાન વિષ્ણુને પરણાવી.લક્ષ્મીએ તો નારાયણનું,વિષ્ણુનું જ સ્વરૂપ મનાય છે. પુરાણો સ્પષ્ટ કહે છે કે લક્ષ્મી એ ભગવાન વિષ્ણુનો આત્મા છે. અધર્મનો નાશ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે તેમ જ દુષ્ટોના વિનાશ અને સાધુઓનું રક્ષણ કરવા માટે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે લક્ષ્મી એમની સાથે જ રહે છે અને તેમની જીવનસાથી બનીને તેમનાં બધાં કાર્યોમાં મદદરૂપ બને છે. પૃથ્વી ઉપર વિષ્ણુ જ્યારે આદિત્ય એટલે કે સૂર્ય સ્વરૂપે પ્રગટયા ત્યારે લક્ષ્મી પદમ સ્વરૂપે પ્રગટ થયા અને પદમા કહેવાયા. વિષ્ણુએ જ્યારે પરશુરામ તરીકે અવતાર ધારણ કર્યો ત્યારે લક્ષ્મી પૃથ્વી સ્વરૂપે પ્રગટ થયા અને દશરથ પુત્ર રામ તરીકે અવતાર ધારણ કર્યો ત્યારે લક્ષ્મી જનક સીતા તરીકે પ્રગટ થયા. સીતાની પ્રાપ્તિ જનક રાજાને ખેતરના ચાસમાંથી થઇ હતી.એ પ્રમાણે ભગવાન વિષ્ણુએ જ્યારે શ્રીકૃષ્ણ તરીકે અવતાર ધારણ કર્યો ત્યારે લક્ષ્મી રૂકમણિ તરીકે પ્રગટ થયાં. હિંદુઓ શ્રધ્ધાપૂર્વક માને છે કે વિષ્ણુએ જગતના પાલનપોષણ કરનાર દેવ છે અને લક્ષ્મીની મદદ વડે જ તેઓ આ કાર્ય સિધ્ધ કરી શકે છે. આ અર્થમાં લક્ષ્મીએ પાલનપોષણ કરનારી જગતજનની છે. હિંદુ પરંપરામાં વિષ્ણુ અને લક્ષ્મી એ જગતાના માતા-પિતા છે. લક્ષ્મીના પરિવારમાં હાથી,ગાય,વૃષભ અને અશ્વ અટેલે કે ઘોડાનો સમાવેશ થાય છે. આ પશુઓ શિલ્પોમાં ચિત્રોમાંલક્ષ્મીનો જલ વડે અભિષેક કરતાં દર્શાવાયાં છે.
લક્ષ્મીએ સુવર્ણ કહેવાતાં સોનાની અધિષ્ઠાતા દેવી છે. તેથી તેને 'હેમમાલિની'અને'હેમપદા'તરીકે પણ ઓળખવામાં આવે છે. લક્ષ્મીને વિવિધ પ્રકારનાં સુવર્ણ અંલકારો ધારણ કરેલી આલેખવામાં આવે છે. તેના ચાર હાથ પૈકી એક હાથમાં સુવર્ણમુદ્રા વેરતી પણ દર્શાવવામાં આવે છે. ભારતીય પરંપરામાં લક્ષ્મી એ શ્રી લક્ષ્મી,ગજલક્ષ્મી,મહાલક્ષ્મી,હેમપદમા ઇત્યાદિ સ્વરૂપે પૂજાય છે. ભારતીય શિલ્પો અને ચિત્રોમાં તેનું સુંદર આલેખન થયેલું જોવા મળે છે.
બૌધ્ધ પરંપરા અને જૈન પરંપરામાં પણ લક્ષ્મીનો સ્વીકાર કરવામાં આવેલો છે. વાસ્તુવિદ્યા અને શિલ્પવિદ્યાના શાસ્ત્રગ્રંથોમાં તેની મૂર્તિ કેવી રીતે તૈયાર કરવી તે અંગેના નિયમો બતાવેલા છે. લક્ષ્મીની મૂર્તિઓ હિંદૂ પરંપરામાં ચાર હાથવાળી અને આઠ હાતવાળી જોવા મળે છે. તેને ક્યારેક પણ ઉપર ઉભેલી કે આલેખવામાં આવે છે. તેના એક હાથમાં પદમ એટલે કમળ તો અવશ્ય જોવા મળે છે.
ભારતીય પરંપરામાં કમળ એ જીવનનું પ્રતીક મનાય છે. જીવનનો વિકાસ એકાએક કે આડેધડ થતો નથી પરંતુ સૂર્યના કિરણો પડતાંની સાથે કમળ જેમ પાંદડીએ પાંદડીએ ખીલે છે તેમ મનુષ્યનું જીવન પણ ધીમે-ધીમે પ્રગતિ કરીને સમૃધ્દ બને છે. ભારતીય ઈતિહાસની નોંધપાત્ર બાબત એ છે કે,મુસ્લિમ સુલતાનોના સિક્કામાં પણ લક્ષ્મીનું ચિહન જોવા મળતું.
લક્ષ્મીનો જન્મ ક્યારે અને કેવી રીતે થયો તે અંગે પુરાણોમાં અત્યંત રોચક કથાઓ છે. આમ તો લક્ષ્મી એક વૈદિક દેવી છે, જેનું વર્ણન વેદોમાં સૌંદર્ય અને શોભાની દેવીના રૂપમાં કરવામાં આવ્યું છે. ધનની દેવીના સ્વરૂપમાં તેની પ્રતિષ્ઠા પછીથી થઇ.
એક વખત દુર્વાસા ઋષિને રસ્તામાં ઇન્દ્રદેવ સાથે ભેટો થઇ ગયો. દુર્વાસા ઋષિએ ઇન્દ્રને વિષ્ણુ ભગવાનને ચઢાવવામાં આવેલું એક ફૂલ પ્રસાદ તરીકે આપ્યું. ઇન્દ્રને અપમાન લાગ્યું અને તેણે ફૂલને હાથીના મસ્તક પર મૂકી ફૂલોનું અપમાન કર્યું. તેથી દુર્વાસા ક્રોધે ભરાયા અને તેમણે ઇન્દ્રને શાપ આપ્યો કે જે મસ્તર પર આ પવિત્ર ફૂલ મૂકવામાં આવશે તેની પૂજા પહેલાં થશે અને ઇન્દ્ર, રાજલક્ષ્મી પણ તમારું ઘર ત્યજી દેશે.દુર્વાસાના શાપથી ઇન્દ્ર ગભરાઇ ગયા.વિષ્ણુએ કહ્યું કે જ્યાં મારા ભક્તનું અપમાન થયું હોય ત્યાં લક્ષ્મી સાથે રહી ન શકું આમ કહીને વિષ્ણુએ લક્ષ્મીજીને ક્ષીર-સાગરમાંથી ઉત્પન્ન થવાની આજ્ઞાા આપી અને દેવતાઓને લક્ષ્મી પ્રાપ્તિ માટે સમુદ્રમંથન કરવા કહ્યું. સમુદ્રમંથનથી નવ રત્ન પ્રાપ્ત થયા. જેમાં લક્ષ્મી પણ હતા. વિષ્ણુ ભગવાન લક્ષ્મીને વર્યા.
ત્યાર બાદ વિષ્ણુ દ્વારાબતાવવામાં આવેલી પૂજા વિધી અનુસાર ઇન્દ્રએ સુવર્ણ કળશ પર ગણેશ,દિનેશ,અગ્નિ,વિષ્ણુ,શિવ અને પાર્વતીની પૂજા કરી ત્યાર બાદ ઇન્દ્રએ દ્વાદશાહાર મંત્રનો પાંચ લાખ જાપ કર્યો. જેનાથી પ્રસન્ન થઇને લક્ષ્મી પ્રગટ થઇ.લક્ષ્મી પ્રગટવાથી ઇન્દ્રએ ફરી તેની સ્તુતિ કરી. ઇન્દ્રની સ્તુતિથી પ્રગટ થઇને લક્ષ્મીએ ઇન્દ્રને વરદાન આપ્યું કે તમારા દ્વારા કરવામાં આવેલા આ દ્વાદશાકારનો જે વ્યક્તિ નિયમિતપણે પ્રતિદિન ત્રણેય પ્રહાર શ્રધ્ધાપૂર્વક જાપ કરશે તે કુબેરની જેમ ઐશ્વર્ય સંપન્ન થશે.આ રીતે ઐશ્વર્યની દેવીનો જન્મ થયો.
લક્ષ્મી પૂજા ક્યારે શરૂ થઇ. તેના વિશે ઘણા વિદ્વાનોએ સંશોધનો કર્યા છે. પૂરાણોમાં લક્ષ્મી પૂજાનું વ્રત,પોષ,ચૈત્ર અને ભાદરવામાં બતાવવામાં આવ્યું છે. 'સ્કન્ધ'પુરાણોમાં લક્ષ્મીપૂજા વિશે લખવામાં આવ્યું છેકે લક્ષ્મીપૂજન પૂનમે કરવું જોઇએ. જો આ દિવસે ગુુરુવાર હોય તો તે ઉત્તમ છે. તેનાથી એ સિધ્ધ થાય છે કે વૈદિક કાળમાં લક્ષ્મીની પૂજા પૂનમ પહેલાં કરવામાં આવતી ન હતી. આજથી લગભગ ૫૦૦ વર્ષ પહેલાં તાંત્રિક પરંપરાઓના સંપર્કમાં આવ્યા બાદ લક્ષ્મીપૂજન અમાસના દિવસે કરવાની શરૂઆત થઇ હશે.તંત્રમાં કારતક મહિનાના રાત્રિને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. તેને દુર્ગાસ્વરૂપ કહેવામાં આવી છે.આ દિવસે તંત્ર ઉપાસકો રાત્રે દેવીની પૂજા કરે છે તેથી લક્ષ્મીનું જે સ્વરૂપ તાંત્રિક છે તેની સાથે આ તહેવાર ઉજવવાની શરૂઆત થઇ હશે અને આજે પણ આ પરંપરા ચાલુ છે. પુરાણોમાં કારતક મહિનાની પૂનમે લક્ષ્મીપૂજાનું વિધાન છે. પરંતુ તેમાં પણ આ પરંપરા ક્યારથી શરૂ થઇ તેનો કોઇ સ્પષ્ટ ઉલ્લેખ નથી.જોકે લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવાની શરૂઆત 'શ્રી સૂક્ત'નામના લક્ષ્મીના સ્ત્રોતના સમયથી થઇ હશે. 'શ્રીસૂક્ત' માં લક્ષ્મીનું વર્ણન આ પ્રમાણે છે. ચંદ્રા પ્રભાસાં જ્વલંતો,શ્રિય લોકદેવ જુષ્ટામુદારમ.તાં પાદિમન શ્રી શરણં પ્રપદ્યે,લક્ષ્મી યે નશ્યતાં વૃણે.
અર્થાત ચંદ્રમા જેવી શુભ કાન્તિવાળી,સુંદર,યશથી દિપ્તી સ્વર્ગમાં દેવ-પૂજિતા,ઉદારશીલ,પદમહસ્ત લક્ષ્મીનું શરણ ગ્રહણ કરું છું. મારી દરિદ્રતા દૂર થઇ જાય તે માટે તારા શરણમાં આવ્યો છું.
'શ્રીસૂક્ત'ની રચના ઉપનિષદ કાળ બાદ માનવામાં આવે છે. 'શ્રીસૂક્ત'ને ઋગવેદનો પરિશિષ્ટ માનવામાં આવે છે. 'શ્રી સૂક્ત'માં જ સૌ પ્રથમ લક્ષ્મીને દેવીના રૂપમાં અધિસ્થાપિત કરવામાં આવી છે. સુખ સંપત્તિ,ધન,ઐશ્વર્યની દેવી માનવામાં આવતી હશે એમ પણ માનવામાં આવે છે કે ધન-સંપત્તિ અને ઐશ્વર્ય સાથે તેને ધન-ધાન્યથી દેવી માનવામાં આવે છે તે યક્ષ સંસ્કૃતિની દેણ છે.
આ સંસ્કૃતિમાં લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવતી હતી. કુબેર પણ યક્ષ દેવતા હતા જેને આજે પણ ધન અને ઐશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે.
પ્રાંતિક પરંપરામાં 'કમલા'નામની 'મહામાયા'જે લક્ષ્મીનું જ સ્વરૂપ છે, જેેને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. જેની પૂજા દિવાળીની સાંજે કરવામાં આવે છે.


