હીરાની પરખ કરતા ન આવડે તો....
- કોડીની વેલ્યુ છે કે કરોડોની એ ખબર કેમ પડે?
પવિ, કુલિશ, ભિદુર, વજ્રા, ચંદ્ર અને મણિવર જેવાં સંસ્કૃત નામે હીરક તથા હીરક પંચાવી નામે બંગાળમાં, પંજાબી તથા મરાઠીમાં હીરા તરીકે, કન્નડ અને તેલુગુમાં વજી, ફારસીમાં ઈલ્માસ કે અલ્માસ વિવિધ નામે ઓળખાતો હીરો લેટીન ભાષામાં પ્યોેર કાર્બન એડમ્સ તરીકે પ્રચલિત છે.
હીરકની વ્યુત્પત્તિનો રસપ્રદ ઈતિહાસ છે. પ્રાચીન ગ્રંથોમાં એવું વર્ણન મળે છે કે ઈન્દ્રએ દધિચિ ઋષિના હાડકામાંથી વજ્રા નામનું શસ્ત્ર બનાવ્યું. આ શસ્ત્રના નિર્માણ સમયે જે ભૂકો બાકી રહ્યો તે ભૂકાની કરચો હીરા બની ગયા. રસ કામઘેનુંમાં કરાયેલાં અંલકારિક વર્ણનમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે ઈન્દ્ર પોતાના વજ્રાસ્ત્ર વડે પર્વતોના શિખરો કાપી રહ્યો હતો ત્યારે વજ્રના ઘા કરતા જે તણખા ઝરેલા તે જ હીરા બની ગયા.
પરંતુ આધુનિક વૈજ્ઞાાનિક શોધખોળોએ તો હીરો કાર્બન છે તેવું સાબિત કરી દીધું છે. ધરતીના પેટાળમાં પડેલાં કોલસાના સ્તરો પર અમાપ ટનબંધી વજન પડેલું રહે છે. દબાણથી ઘર્ષણ થાય છે. આ ઘર્ષણમાં કોલસો બળવાની જગ્યાએ કઠણ સ્વરૂપ ધારણ કરી લે છે તેની કાળાશ જતી રહે છે અને સ્ફટિકમય બની જાય છે.
ભારતમાં અતિ પ્રાચીન સમયથી હીરક એ ખૂબ જ જ્ઞાાત પદાર્થ છે. ભારતમાંથી જ બહુમૂલ્ય રત્નો તરીકે હીરાનો વેપાર સદીઓથી થતો આવ્યો છે. તેમ જ ભારતમાં અનેક સ્થળે હીરા ઉત્પન્ન થતા રહ્યા છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં હીરા જ્યાંથી મળે છે. તેવા સ્થળોનો નિર્દેષ ઈસુ સંવત ૩૦૦માં થયેલો પણ જોવા મળે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર અનુસાર સભારાષ્ટ્રક (વિદર્ભ અથવા વરાર દેશ) મધ્યરાષ્ટ્રક (કૌશલ દેશ) કાશ્મીર રાષ્ટ્રક (કાશ્મીર) શ્રી કટનક (કસક પર્વત) મણિભન્તક (મણિમાન પર્વત) ઈન્દ્ર વાનક (કલીંગ દેશ) તેમ જ મધ્ય કાળમાં ગોલકુંડા, વિજયનગર પન્ના વિગેરે સ્થળોએથી હીરા પ્રાપ્ત થતા નોંધાયેલા છે.
હાલમાં હીરા ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, રશિયા તેમ જ અમેરિકાના કેટલાક સ્થળો જેવાં કેરોલીના, જ્યોર્જિયા, વરજીનીયા કોલોરેડોે કેલિફોર્નિયા વિ.સ્થળોએથી પ્રાપ્ત થાય છે.
હીરા અતિમૂલ્યવાન પદાર્થ તરીકે પ્રાચીનકાળથી પ્રસિધ્ધ છે. હીરા ઔષધ તરીકે પણ વપરાય છે. ચરક સુશ્રૂત સમયથી ઔષધ તરીકે હીરા વપરાતા આવ્યા છે. પૃથ્વીના ઊંડા પેટાળમાંથી પ્રાપ્ત થતા હીરા ખનીજ પદાર્થ છે. હીરાનું વ્યુત્પત્તિ કારણ કોલસા છે. પ્રાચીન રસશાસ્ત્ર પ્રમાણે કુદરતી હીરા અષ્ટાસ્ત્ર, અષ્ટ ફલક અને ષટકોણ વાળા પ્રાપ્ત થાય છે. હાલ આઠ ફલકીય હીરાની જગ્યાએ ૪૮ ફલકવાળા અને ચતુષ્કોણ આકારના હીરા પણ મળે છે. તેમ જ ઘણી ગઠ્ઠાના સ્વરૂપે હીરાને તરાશીને પારદર્શક કે અર્ધ પારદર્શક સ્વરૂપ આપવામાં આવતાં અત્યંત ચમકદાર પારદર્શક સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
હીરો પારાને બાંધવાની પ્રક્રિયામાંમ અંગભૂત ગણાય છે. મતલબ કે હીરો ઘડપણ, રોગ, ઉપાધીઓ વિગેરેનો નાશ કરનાર તેમ જ શુક્ર ગ્રહથી ઉત્પન્ન થતા દોષોનું હરણ કરનાર તરીકે ઓળખાય છે. તદુપરાંત દેવતાઓની પૂજામાં અને દાન માટે ઉપયોગમાં લેવાય છે. તેમ જ દૈદિપ્યમાન હોવાને કારણે હીરો ધારણ કરનાર વ્યક્તિનું વ્યક્તિત્વ સૌષ્ઠવ ખીલી ઉઠે છે.
કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં હીરાના રંગીન દ્રષ્ટિએ ૬ ભેદ પાડવામાં આવ્યા છે.
(૧) માર્જાર અક્ષક વર્ણ (૨) વિમીષ પુષ્પક વર્ણ (૩) ગૌમેદ વર્ણ (૪) સ્ફટીક વર્ણ (૫) મૂલાઠી પુષ્પ વર્ણ (૬) ગોમુલક
આ વર્ણન અનુસાર એવું અચૂક કહી શકાય કે ઈસુ ખ્રિસ્ત પહેલાં ૩૦૦ વર્ષ અગાઉ પણ પીત, (પીળો) શ્વેત (સફેદ) પીતાભંસ્વેત, આછો ગુલાબી રંગના હીરા મળતા હતા. રસશાસ્ત્રમાં વર્ણન અનુસાર શ્વેત, લાલ, પીળા અને કાળા હીરા મળતા હતા જેને અનુક્રમે બ્રાહ્મણ,ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એમ ચાર પ્રકારે ઓળખવામાં આવતા. આ ચારે પ્રકારના હીરામાં આકાર ભેદથી હીરાને નર-નારી કે નાન્યતર (નંપુસક) સંજ્ઞાાથી પણ જાણવામાં આવે છે.
નર હીરો : (શ્વેત બ્રાહ્મણ) આ હીરા આઠ અસ્ત્ર (કોણ) આઠ ફલક ષટકોણ અતિભાસુર ઈન્દ્ર ધનુષ્ય કાંતિ તુલ્ય વારિતર હોય છે. તેમાં કોઈપણ પ્રકારના બિંદુઓ કે રેખાઓ હોતી નથી.
નારી હીરાના લક્ષણોમાં ચપટો, વર્તુળાકાર, ષટકોણીય બિન્દુ યુક્ત અને રેખા વાળો હોય છે. બાકીનાં લક્ષણો નર હીરા જેવાં જ હોય છે.
નપુંસક હીરા : વર્તુળ, કોણ રહિત, ભારે ચપટો અને ત્રિકોણ હોય છે.
આમ અષ્ટાસ્ત્ર, અષ્ટફલક તેમ જ ષડછન પુણ્ય હીરામાં જોવા મળે અને આઠે બાજુ સરખી હોય તેવા હીરાને પુંવજ પ્રકારના હીરા સર્વશ્રેષ્ઠ ગણાય છે. ફલક અસ્ત્ર અને ખુણાની હીનતાના પ્રમાણમાં હીરા મધ્ય કોટીના કે નિમ્ન કોટીના ગણવામાં આવે છે.
આધુનિક અન્વેષકો એ હીરાનું સારી રીતે પૃથ્થકરણ કર્યું છે તેમ જ આકાર પરથી અનેક ભેદ પાડયા છે. આધુનિક પુસ્તકોમાં હીરો રંગ વિનાનો અથવા એંસ ગણાયો છે. તેમાં સૂર્ય કિરણો પ્રવેશવાથી વિવિધ રંગોની છાયા પડે છે જેથી પીળો,લાલ, નારંગી, લીલો, ભૂરો જણાય છે. કોઈ કોઈ વખત હીરો કાળો રંગ પણ ધરાવતો માલુમ પડયો છે. મોટા ભાગે હીરાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.
(૧) સામાન્ય હીરો :
ગોળ આકારવાળો સફેદ સિવાયના રંગવાળો હોય છે અને તેમાં દરાર હોતી નથી. બીજા રંગોની છાયા જોવા મળે છે પરંતુ આવા હીરામાં પીળાશ વધુ જોવા મળે છે. મૂલ્યની દ્રષ્ટિએ તેમાં દરાર બનાવવામાં આવે છે.
(૨) બોર્ટ : બોર્ટ હીરો ગોળાકૃતિવાળો મળે છે તેનો બહારનો ભાગ ખરબચડો અને તેની સ્ફટીક રચના સ્પષ્ટ હોતી નથી. તેમ જ નાના નાના ટૂકડામાં મળે છે.
(૩) કાર્બોનેડોે : કાર્બોનેડોે ગઠ્ઠાના સ્વરૂપે મણિભીય રૂપમાં મળે છે તેની કણ રચના કઠણ હોય છે તે રંગે કાળો અથવા મટોડી રંગનો અપારદર્શક હોય છે.
આધુનિક દ્રષ્ટિમાં હીરામાં ઉત્પન્ન થતી રંગોની છાયાનો નિર્દેષ થયેલો છે તેમ જ રસશાસ્ત્રના આધારે નર જાતિના હીરામાં અતિભાસુર અને ઈન્દ્રધનુષી કાંતિ જેવા લક્ષણો અનિવાર્ય ગણાયાં છે. પણ પ્રશ્ન એ છે કે આ લક્ષણો હીરામાં કેવી રીતે આવે છે
અતિભાસુર : લક્ષણ ધરાવતા હીરાના ફલક પર સૂર્ય કિરણો પડતાં તેમાંના કેટલાંક કિરણોે પરાવર્તિત થઈ જોનારની આંખમાં પ્રવેશે છે. જ્યારે બાકીનાં કિરણો હીરામાં પ્રવેશે છે. અને પરાવર્તિત થઈ જોનારની દ્રષ્ટિમાં પ્રવેશે છે. આ બે પ્રકારે પ્રકાશ કિરણોનું પરાવર્તન અને વર્તન હીરાને તેજપુંજ બનાવે છે. મેઘધનુષી રંગો જેવા કે લાલ, નારંગી, પીળો-લીલો આસમાની ભૂરો અને જાંબુડી રંગ સૂર્ય કિરણો જલબિંદુ પર પડતાં થાય છે. આવી જ રીતે સૂર્ય કિરણો હીરા પર ચિત્રવિચિત્ર રંગીન બની જાય છે. આવા લક્ષણો વાળો નર હીરો કહેવાય છે. જે ઉત્તમ ગણાય છે. ઉત્તમ હીરાના લક્ષણો સ્થૂળતા (મોટોે) ભારે પ્રહાર સહન કરી શકતો એટલે કે જલ્દી ટૂટી નહીં શકનારો, સરખા ખૂણા અને ઘસતા બીજા પાત્ર પર લિસોટો કરી શકનારા ગણાયા છે.
જ્યારે આયુર્વેદ પ્રકાશ પાંચ લક્ષણો ધરાવતા હીરાને શ્રેષ્ઠ ગણે છે. જેમાં સ્વચ્છ શ્વેત લઘુ એટલે કે (હલકો) તેમ જ પાણીમાં તરી શકતો હીરો અતિમૂલ્યવાન ગણવામાં આવે છે. પાણીમાં તરતાં હીરાની કિંમત બે લાખ આંકવામાં આવે છે. વિચિત્રતા એ છે કે હીરો પાણીથી સાડા ત્રણ ઘણો ભારે હોવા છતાં પણ પાણીમાં તરી શકે તેવો કહેવાયો છે. જે માનવામાં આવે તેવું નથી. કદાચ તેની વ્યંજના એ છે કે હીરો જેમ હલકો તેમ શ્રેષ્ઠ ગણાય છે.
આમ બન્ને શાસ્ત્રોના સામાન્ય લક્ષણોથી હીરા કસોટી કરી શકાય જેમાં (૧) સ્થળ (૨) ગુરૂ પ્રહાર સહનાર (૩) સરખા ખૂણાવાળો (૪) પાત્ર પર લીસોટો ખેંચનાર તીક્ષ્ણ (૫) ભ્રાજિષ્ણ (અત્યંત) ચમકદાર (૬) અષ્ટફલક (૭) ષટકોણ (૮) લઘુતા (૯) સ્વચ્છ શ્વેત (૧૦) મેઘધનુષ્યી રંગો બતાવનાર (૧૧) કુંભામ્રિનો સમાવેશ થાય છે.
હીરાનું રાસાયણિક સંગઠન :
હીરા કાર્બન છે. તેમાં કાર્બન સિવાય બીજું કોઈપણ તત્ત્વ નથી મતલબ કે તેમાં ફક્ત કાર્બનના પરમાણુઓ છે. હીરાનું વિશિષ્ટ ગુરૂત્ત્વ સાડા ત્રણ તેમના કઠીનતા ૧૦ં છે. હીરો ૧૬૦૦ સેન્ટીગ્રેડ તાપમાન આપતાં ગ્રેફાઈટ બની જાય છે. ઈ.સ. ૧૭૭૫માં લેલ્વાજિયે નામના વૈજ્ઞાાનિકે હીરો, કોલસો અને ગ્રેફાઈટ બાળીને સાબિત કર્યું હતું કે ત્રણેમાંથી કાર્બન ડાયોક્સાઈડ વાયુ જ બને છે. હીરાને બાળતા બનેલો વાયુ ચુનાના નિતર્યા પાણીને દૂધિયુ બનાવી દે છે. જેથી તે વાયુ સી.ઓ.ટુ છે. આમ હીરામાં કાર્બન તત્ત્વના પરમાણુ સશક્ત હોય છે અને તેનું કાઠિન્ય ૧૦ છે જ્યારે કાર્બન પોચો હોય છે.
ઈ.સ. ૧૭૭૫માં ડેવી નામના વૈજ્ઞાાનિકે હીરાને ગાળીને સિદ્ધ કર્યું હતું કે હીરો પ્રવાહી રૂપમાં રૂપાંતરિત થતો નથી. મતલબ કે હીરામાં હાઈડ્રોજનના પરમાણુ નથી. હીરો ભૂરી જ્વાળા સાથે બળીને અદ્રશ્ય થઈ જાય છે.
કૃત્રિમ હીરાનું નિર્માણ :
કૃત્રિમ હીરાનું સર્વપ્રથમ નિર્માણ ઈ.સ. ૧૮૯૩માં મોયર્સા નામના વૈજ્ઞાાનિકે કર્યું. આ વૈજ્ઞાાનિકે પ્રવાહી લોખંડમાં કાર્બન ભળી જાય છે તે સિધ્ધ કર્યું. મોયર્સાએ કાર્બન, લોખંડનો ટુકડો તેમ જ હાડકાંના કોલસાની સાથે મૂષા નામના યંત્રમાં ૪૦૦૦ સે.ગ્રે સુધી તપાવ્યાં ૪૦૦૦ સે.ગ્રે ગરમીએ પ્રવાહી લોખંડમાં કોલસો ભળી ગયો. પછી તરત જ આ સાધનને (મૂષા) તેણે ખૂબ જ ઠંડા પાણીમાંમ મૂકી દીધું. પરિણામે સંકોેચન પ્રક્રિયા શરૂ થતાં લોેખંડમાં ભળેલા કાર્બનનો કેટલાક અશાંત હીરા બની ગયા. તો કાર્બનનો કેટલોક ભાગ ગ્રેફાઈટ બની ગયો. આ કૃત્રિમ હીરાની નિર્માણ વિધિનો નમૂનો ગણાય તો પછી પ્રશ્ન એ થાય કે કૃત્રિમ હીરા અને અસલી શુદ્ધ હીરામાં તફાવત શું છે? સાચા હીરા અને કૃત્રિમ હીરાનો મોટો તફાવત એ છે કે કૃત્રિમ હીરામાં અતિભાસુર લક્ષણ હોતું નથી. સાચો હીરો મણિ તરીકે ગણવામાં આવે છે. કૃત્રિમ હીરાને મણિ કહી શકાય નહીં.
સાચો હીરો સ્થૂળ સ્વરૂપે (મોટો) પ્રાપ્ત થાય છે જ્યારે કૃત્રિમ હીરા નાના સ્વરૂપમાં જ બનાવી શકાય છે તેમ જ સાચા હીરાના અષ્ટફલક ઈન્દ્રધનુષ વર્ણ, તીક્ષ્ણ ખૂણા તેમ જ સરખી બાજુઓ અને શુદ્ધતા કૃત્રિમ હીરામાં જોવા મળતી નથી. હીરાની ભસ્મ એક શ્રેષ્ઠ પ્રકરનું ઔષધ ગણાય છે.
જ્યોતિષ શાસ્ત્રીય મહત્ત્વ :
હીરો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખુબ જ મહત્ત્વ ધરાવે છે ચાર વર્ણોમાં મળતા હીરા વર્ણ પ્રમાણે ધારણ કરવાથી જ ફળ આપે છે.
બ્રાહ્મણ વર્ણનો હીરો પૂર્ણશ્વેત, હોય છે. તેમાં કોઈ અન્ય રંગની ઝાંય પડતી મળતી નથી. આવો હીરો જો બ્રાહ્મણ પહેરે તો ફરીથી બ્રાહ્મણ યોનિમાં જન્મ લઈ વેદ-પુરાણનો પંડિત બને છે.
ક્ષત્રિય વર્ણનો હીરો શ્વેત તો હોય જ છે પણ તેમાં લાલ રંગની ઝાંય પડે છે. આભા ઉપસે છે. આ હીરો ક્ષત્રિય પહેરે તો તે શૂરવીર થાય છે. અને ક્યારેય હારતો નથી.
વૈશ્ય વર્ણના હીરામાં પીળા રંગની થોડીક આભા હોય છે. આવો હીરો રાજનૈતિક નેતાઓને વિશેષ ફળ આપે છે.
શુદ્રવર્ણના હીરામાં કાળી ઝાંયની પ્રતીતિ થાય છે. આ હીરો શુદ્ર પહેરે તો સુખી અને ઉત્તમ ફળવાળું જીવન પ્રાપ્ત થાય છે.
હીરો શુક્ર ગ્રહ સાથે વધુ સંકળાયેલો છે. શુક્ર જલતત્વ પ્રધાન ગ્રહ છે અને તેની પ્રકૃતિ કફ જ છે. શુક્ર ગ્રહની પ્રભાવ અવધિ ૨૫ વર્ષની છે. શુક્ર ગ્રહ કોપિત થાય તો અનેક પ્રકારની વ્યાધિ અને રોગો થાય છે આવા સમયે હીરો ધારણ કરવો અત્યંત અનિવાર્ય ગણાય છે. હીરો ધારણ કરવાથી શુક્રથી થવાવાળા રોગો જેવા કે નેત્રરોગ, વીર્યદોષ, પ્રદર રોગ, નિર્બળતા, પાગલપણું, કફ, શ્વાસરોગ, દમ, ગૃહ્ય ઈન્દ્રિયરોગ સ્વપ્નદોષ,ગર્ભાશય રોગ અને કોષવૃદ્ધિ વિ.માં રાહત મળે છે. રોહિણી કે ચિત્રા નક્ષત્રમાં શુક્રવારે સવારે ચલ ચોઘડિયામાં શુક્ર હીરાને સોનામાં મઢી કનિષ્ઠ આંગળી પર પહેરવો જોઈએ. હીરો ૨ થી ૭ રતી વજનનો જ હોવો જોઈએ. જો જાતકનો શુક્ર ઉચ્ચનો હોય, સ્વગૃહી મિત્રગૃહી કે ગોચરમાં ૧૧ં થી ૨૯ં સુધીમાં હોય તો તે સમયે હીરો ધારણ કરવાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.
હીરાના દોષો :
(૧) હીરામાં કોઈપણ પ્રકારનો તલ કે દોષ ન હોવો જોઈએ સફેદ યવવાળા હીરાથી સંપત્તિનોે નાશ થાય છે. લાલ યવ હોવાથી પશુધનનો નાશ થાય છે. કાળા હીરાથી ધનક્ષય થાય છે.
(૨) હીરામાં અભ્રક જેવી જાળી ન હોવી જોઈએ, જાળી વાળો હીરો માનસિક દુ:ખો આપે છે.
(૩) ખરબચડો હીરો અત્યંત કષ્ટદાયક હોય છે.
(૪) ખંડિત હીરો અશુભ ફળ આપે છે. હીરામાં ધુમડા જેવું ધાબું હોય તો પણ અશુભ ગણાય છે.
(૫) હીરામાં ખાડા હોય તો શારીરિક દર્દો થાય છે.
હીરાના ગુણો :
હીરો ધારણ કરનાર મનુષ્ય લલીતકલા પ્રેમી, કામ-કલામાં હોશિયાર ઐશ્વર્યવાળો વિલાસીત થઈ જાય છે. હીરો રજો -ગુણ પ્રધાન છે. હીરાને કાચ કે પત્થર પર ઘસતાં હીરો નહીં પણ કાચ કે પથ્થર પર લીસોટા પડે છે. કાચ કપાઈ જાય છે.
હીરાને સૂર્ય પ્રકાશમાં રાખી પછી અંધારા ઓરડામાં લઈ જવામાં આવે તો તેમાંથી સાત રંગોના પ્રકાશ કિરણો સ્ફૂટે છે. હીરાને તોડવો ખુબ જ મુશ્કેલ છે. હીરો ધારણ કરવાથી પત્ની સુખ, વાહન સુખ અને વસ્ત્રાભૂષણ સુખની પ્રાપ્તિ થાય છે. ધન સંપત્તિમાં વૃધ્ધિ થાય છે.
- નીપા