- લાંબા સમય સુધી અને એક જ પ્રકારની સ્થિતિ(પોઝીશન)માં બેસીને લખવાથી કે કમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણની કુદરતી પ્રકિયા થોડા અંશે મંદ થઇ જાય છે
કોઇ વ્યક્તિના રોજબરોજના જીવનમાં ઘરમાં કે વ્યવસાયના સ્થળે ખુરશીમાં બેસીને કામ કરવાની ટેવથી કે સ્થિતિથી તેના આરોગ્ય પર અવળી અસર થતી હોય છે તે બાબત પ્રત્યે મોટાભાગનાં લોકોનું ધ્યાન નથી હોતું. અથવા તો આ બાબત પ્રત્યે અજાણ હોય છે. ઘણાં લોકો પીઠના, કમરના, ખભાના, ડોકના, હાથના દુ:ખાવાની ફરિયાદ કરતાં હોય છે. તબીબી તપાસ દ્વારા જાણ થાય કે આ બધી વ્યક્તિઓની શારીરિક પીડાનું કારણ તેમની ખુરશીમાં બેસીને કામ કરવાની ટેવ કે પોઝીશન સાથે જોડાયેલું હોય છે.
સાચી વાત છે. કોરાનાની જીવલેણ મહામારીએ સમગ્ર માનવજાત પર પ્રચંડ પ્રહાર કર્યો છે. અસંખ્ય માનવીના અંગત જીવનમાં અને કારકિર્દીમાં નકારાત્મક પરિવર્તન આવ્યાં છે. ખાસ કરીને કોરોનાની મહામારી દરમિયાન સરકારી અને ખાનગી કંપનીઓનાં કર્મચારીઓએ લાંબા સમય સુધી ઘરે રહીને કામ કર્યું હતું. અમુક ખાનગી કંપનીઓ તો હજી પણ ત્રણ દિવસ ઘરેથી, ણિ દિવસ ઓફિસમાં આવીને કામ કરવાની વ્યવસ્થા કરી છે.
કોરોનાના શરૂઆતના તબક્કે તો ઘરે રહીને કામ કરવામાં ઘણાં કર્મચારીઓને આનંદ થતો હતો. જોકે સમય જતાં ઘરનો એ જ આનંદ તેમના માટે સમસ્યારૂપ બની ગયો હતો. ફોડ પાડીને કહીએ તો કર્મચારીઓ ઘરે ખુરશીમાં, સોફા પર કે બેડ પર બેસીને દિવસે અને મોડી રાત સુધી ઘણા કલાક સુધી કમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરતા હતા.
તબીબીશાસ્ત્રના સંશોધન અને અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી અને એક જ પ્રકારની સ્થિતિ(પોઝીશન)માં બેસીને લખવાથી કે કમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરવાથી શરીરમાં રક્ત પરિપ્રમણની કુદરતી પ્રકિયા થોડા અંશે મંદ થઇ જાય છે. શરીરમાં સ્ફૂર્તિ, તરવરાટનો અભાવ વરતાય છે. આહારનું પાચન યોગ્ય રીતે નથી થતું. પરિણામે વ્યક્તિને ગેસની અને અપચાની સમસ્યા થાય છે.
ઉપરાંત, મધુપ્રમેહ(ડાયાબિટીસ)ની અને હૃદય રોગ(હાર્ટ ડિસિઝ) નું જોખમ પણ રહે છે. સાથોસાથ, ઘણી વ્યક્તિઓને ડોકના, કમરના, પીઠના, ખભામાંના સાંધાના, દુ:ખાવાની સમસ્યા પણ થાય છે. કહેવાનો અર્થ એ છે કે ખુરશીમાં બેસવાની રીત, ટેવ કે સ્થિતિ ખોટી કે ખરાબ હોય તો તેની અવળી અસર વ્યક્તિના આરોગ્ય પર થાય છે.
નિષ્ણાત ફિઝિયોથેરપિસ્ટ્સ કહે છે, કર્મચારી, સરકારી હોય કે ખાનગી કંપનીનાં, તેમણે તેમની ફરજ તો ખુરશીમાં બેસીને જ બજાવવવાની હોય છે. આમ છતાં ખુરશીમાં તમારા શરીરની સ્થિતિ કેવી હોય છે તે બહુ જ મહત્વનું છે. સરળ રીતે સમજીએ તો ખુરશીમાં સાચી રીતે બેસવાથી શારીરિક તકલીફ કે બીમારી થવાની શક્યતા નથી રહેતી. જે કર્મચારીઓ તેમના ઘરે ખુરશીમાં નહીં પણ બેડ પર કે સોફા પર બેસીને કમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરતાં હોય છે તેમને પણ આ બાબત લાગુ પડે છે.
ખુરશીમાં,સોફા કે બેડ પર કઇ સ્થિતિમાં બેસીને કામ કરવું જોઇએ ?
આ તબક્કે આપણે ખુરશીમાં ચોક્કસ કઇ રીતે અને કઇ સ્થિતિમાં બેસવું જોઇએ તેનું ઉપયોગી માર્ગદર્શન મેળવીએ.
* કર્મચારી ખુરશીમાં બેસે ત્યારે તેના શરીરનાં માથું, ડોક, ધડ(શરીરના છાતી,પેટ,પીઠ વગેરે મુખ્ય હિસ્સાને ધડ કહેવાય છે), બાવડાં, પગ વગેરે અંગો એક સરખી -- સીધી સ્થિતિમાં હોવાં જોઇએ. આવી પોઝીશનમાં બેસવાથી પીઠ સહિત આખા શરીરને ઘણો ફાયદો થાય છે.
* આવી સાચી અને સીધી સ્થિતિમાં બેસવાથી શરીરનાં સાંધા અને સ્નાયુઓ પર ઓછો બોજો આવે છે. સમગ્ર શરીરની સમતુલા જળવાય છે.
* કરોડરરજ્જુની સમગ્ર કુદરતી રચનાની સમતુલા જળવાઇ રહે છે.
* ખુરશીમાં બેસીને કામ કરો ત્યારે તમારી પીઠ સીધી -- ટટ્ટાર રાખો. ટટ્ટાર એટલે કે શરીર કડક નહીં પણ સીધી - હળવાશભરી સ્થિતિમાં રાખવાનું છે.પીઠ ખુરશીના પાછળના હિસ્સાને સ્પર્શે તે રીતે બેસો. શક્ય હોય તો ખુરશીમાં ગાદી રાખો, જે તમારી પીઠને ટેકો આપે.
* તમારા કમ્પ્યુટરનો કે લેપટોપનો સ્ક્રિન તમારી આંખને સમાંતર રાખો. સીધા બેસો. કમ્પ્યુટરના કે લેપટોપના સ્ક્રિન સામે ગરદન ઝૂકાવીને ન જુઓ.
* તમારા બંને પગ થોડાક પહોળા અને ફરસને સ્પર્શે તે રીતે હળવાશભરી સ્થિતિમાં રાખો.
* તમારા ઘુંટણના પાછળના હિસ્સાને ખુરશીથી થોડે દૂર રાખો. સાવ નજીક નહીં.
* તમારા બંને ખભાને હળવાશભરી સ્થિતિમાં રાખો. કડક નહીં.
* તમારા કમ્પ્યુટરના કી બોર્ડને અને માઉસને, બંનેને નજીક રાખો કે જેથી તમે માઉસને સરળ રીતે પકડી રાખી શકો. સાથોસાથ, સરળ રીતે ટાઇપિંગ પણ કરી શકો.
* તમે ઓફિસનું કામ કરતી વખતે એર્ગોનોમિક ચેર( શરીર સીધું રહે, સમતુલા જળવાઇ રહે,આરામ રહે તેવી ખાસ પ્રકારની રચના સાથેની ખુરશી) , યોગ બોલ(સુંવાળા ઇલેસ્ટિકથી બનેલો મોટા કદનો દડો : બોલ, જેના પર બેસીને હળવાશ અનુભવી શકાય. હળવી કસરત પણ કરી શકાય) નો પણ ઉપયોગ કરી શકો છો.
* નોટપેડ, પેન, મોબાઇલ ફોન(સાચો શબ્દ સેલ ફોન છે) વગેરે જરૂરી વસ્તુઓ તમારી નજીક રાખો. દૂર હશે તો તમારા ખભાના અને હાથના સ્નાયુઓ ખેંચાશે. તમને પીડા થવાની શક્યતા રહેશે.
* ખુરશીમાં કે ઘરના સોફા કે બેડ પર સતત વધુ સમય સુધી ન બેસો. એક જ સ્થિતિમાં વધુ સમય સુધી બેસી રહેવાથી શરીરમાંના રક્ત પરિભ્રમણની કુદરતી પ્રક્રિયા મંદ થવાની શક્યતા રહે છે. પરિણામે શરીરના સ્નાયુઓને પણ થાક લાગે. એક -દોઢ કલાક બાદ ખુરશીમાંથી ઉભાં થઇ જાવ. ઓફિસમાં કે ઘરમાં ચાલો.
હળવી કસરત કરો કે જેથી શરીરમાં રક્તપ્રવાહની ગતિવિધિ કુદરતી થાય. શરીરમાં સ્ફૂર્તિ -તરવરાટનો અનુભવ થાય. કાર્યશક્તિ વધે.
- જગદીશચંદ્ર ભટ્ટ


