- આવા પ્રાથમિક ઉપચાર તબીબી દ્રષ્ટિએ સાચા અને શિસ્તબદ્ધ હોય તો દરદીને જરૂર રાહતરૂપ થાય : આમ છતાં આવા પ્રાથમિક ઉપચારમાં કદાચ પણ ભૂલ થઇ જાય કે રીત ખોટી હોય તો પેલી વ્યક્તિને રાહતને બદલે વધુ નુકસાન થવાનું જોખમ રહે છે
દસ વર્ષના દેવેશને સવારે નાસ્તો કરવો હોવાથી તે રસોડોમાં ગયો. રસોડામાં ગેસ પર કુકરમાં રસોઇ બનતી હતી. દેવેશની મમ્મી ઘરકામ માટે બીજા રૂમમાં હતી. દેવેશે ટેબલ પર ચડીને નાસ્તાનું બોક્સ લેવા માટે પ્રયાસ કર્યો. અચાનક જ દેવેશે તેના શરીરનું સમતુલન ગુમાવ્યું. તેનો પગ પેલા કુકરને અડી ગયો. દેવેશ દાઝી ગયો. તેણે જોરથી બૂમ મારી મમ્મી ....
દેવેશની મમ્મી તરત જ દીકરા પાસે ગઇ.જોયું તો દેવેશનો જમણો પગ દાઝી ગયો હતો. તેની મમ્મીએ પ્રાથમિક સારવારરૂપે તરત જ રેફ્રીજરેટરમાંથી આઇસનો ટુકડો લઇને દેવેશના જમણા પગના દાઝી ગયેલા હિસ્સા પર ઘસ્યો. બરફના શેકથી દેવેશને થોડીક રાહત થઇ.
જોકે થોડા સમય બાદ દેવેશને ફરીથી પીડા થઇ. દેવેશનાં મમ્મી-પપ્પા તેને ડાક્ટર પાસે લઇ ગયાં. ડોક્ટરે ધ્યાનથી જોયું તો દેવેશના દાઝી ગયેલા હિસ્સાની ચામડી ફાટી ગઇ હતી. સાથોસાથ તે હિસ્સામાંની માંસપેશીઓને નુકસાન થયું હતું. ડોક્ટરે પૂછ્યું તો દેવેશની મમ્મીએ બરફ ઘસ્યો હોવાની વાત કરી. જોકે અનુભવી ડોક્ટરે દાઝેલા હિસ્સા પર બરફનો ટુકડો નહીં ઘસવા સલાહ આપી. પેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ સાચી છે. અકસ્માતમાં શરીરમાંથી લોહી વહી જવું, દાઝી જવું, બેહોશ થઇ જવું, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક વગેરે જેવી ગંભીર પરિસ્થિતિમાં પરિવારનાં સભ્યો કે રસ્તા પરનાં નાગરિકો પેલી વ્યક્તિને બચાવવા માટે પ્રાથમિક ઉપચાર(ફર્સ્ટ એઇડ) આપે છે. તેમની ભાવના કે ઇદારો સારાં હોય છે. આવા પ્રાથમિક ઉપચાર તબીબી દ્રષ્ટિએ સાચા અને શિસ્તબદ્ધ હોય તો દરદીને જરૂર રાહતરૂપ થાય. આમ છતાં આવા પ્રાથમિક ઉપચારમાં કદાચ પણ ભૂલ થઇ જાય કે રીત ખોટી હોય તો પેલી વ્યક્તિને રાહતને બદલે વધુ નુકસાન થવાનું જોખમ રહે છે.
વળી, આપણા સમાજમાં આવા પ્રાથમિક ઉપચારો પરંપરાગત પણ હોય છે. આજથી ૫૦ -૧૦૦ વર્ષ પહેલાં આજના જેવી આધુનિક તબીબી સેવા કે સુવિધા નહીં હોવાથી લોકો નાની નાની બીમારી કે આવી ઘટનાઓમાં પરંપરાગત ઉપચારો કરતાં.
આ તબક્કે આપણે પ્રાથમિક ઉપચારો એટલે કે ફર્સ્ટ એઇડમાં કઇ કઇ પદ્ધતિઓ ખોટી છે. જે તે બીમારીનાં લક્ષણો સમજવામાં ભૂલ થઇ જાય છે. તેને કારણે સંબંધિત વ્યક્તિના આરોગ્યને રાહત થવાને બદલે ઉલટું નુકસાન થાય છે તેની ઉપયોગી વિગતો જાણવા-સમજવા જેવી છે. અમલ કરવા જેવી પણ ખરી.
નાકમાંથી લોહી વહે તો માથું પીઠ ભણી નમાવવું : કોઇ વ્યક્તિને અચાનક નાકમાંથી લોહી વહેલા લાગે તો તેની આજુબાજુનાં લોકો તેને માથું ઉપર કરીના પીઠ તરફ નમાવવાની સલાહ આપે છે. લોકો એવું માને છે કે આવો પ્રાથમિક ઉપચાર કરવાથી પેલી વ્યક્તિના નાકમાંથી લોહી વહેતું બંધ થઇ જશે. તેને રાહત રહેશે.
સાચો ઉપચાર : તબીબીશાસ્ત્રના કહેવા મુજબ આવા કિસ્સામાં વ્યક્તિને સીધા ટટ્ટાર બેસીને થોડાક આગળ તરફ નમવાની સલાહ આપવી હિતાવહ છે.સાથોસાથ, પેલી વ્યક્તિના નાકના બહારના અને બંને આંખ નીચેના કડક હિસ્સાથી નીચેના નાજુક ભાગને ( જેને તબીબી ભાષામાં નેસલ બ્રીજ કહેવાય છે) લગભગ ૧૦ -૧ મિનિટ સુધી હળવે હળવે દબાવવાથી પેલી વ્યક્તિને રાહત રહેશે.
દાઝી ગયેલા હિસ્સા પર આઇસ ઘસવો : ઘરનો કોઇ સભ્ય કે પડોશી, અચાનક દાઝી જાય તો પરિવારનાં લોકો તેના દાઝી ગયેલા હિસ્સા પર આઇસ એટલે કે બરફનો ટુકડો ઘસે છે. બરફ ઠંડો હોવાથી પેલી વ્યક્તિને થોડીક રાહત જરૂર થાય. આમ છતાં આ ફર્સ્ટ એઇડની આ પદ્ધતિ કે રીત ખોટી છે.
સાચો ઉપચાર : સૌ પ્રથમ તો વ્યક્તિના દાઝી ગયેલા હિસ્સા પર બરફ ન ઘસવો પણ તે ભાગ પર સતત ૧૦ -૧૫ મિનિટ સુધી આછેરું ઠંડુ પાણી રેડવું. રેફ્રીજરેટરનું ટાઢુંબોળ(કોલ્ડ) પાણી ન રેડવું. આમ કરવાથી શરીરના દાઝી ગયેલા ભાગમાં થોડીક રાહત થશે. ત્યારબાદ તે ભાગ પર પાતળું -- સાફ કપડું વીંટાળી દેવું. હા, દાઝી ગયેલા ભાગ પર કોઇ જ જાતનો મલમ કે ફ્રીઝમાંનું ઠંડું માખણ લગાવવાનો પ્રયાસ ન કરવો. આમ કરવાથી વ્યક્તિના દાઝી ગયેલા હિસ્સાને વધુ નુકસાન થશે. વકરી જશે.
બ્રેઇન સ્ટ્રોકનાં લક્ષણો સમજવામાં ભૂલ કરવી : ઘણી વ્યક્તિઓનાં અંગો નિષ્ક્રિય થઇ જાય , બોલવામાં તકલીફ પડે અથવા દ્વિધા થતી હોવાનો અનુભવ થાય. વ્યક્તિ કે પરિવારજનો એવું સમજે કે થાક લાગ્યો હોવાથી આવાં લક્ષણોનો અનુભવ થાય છે. એટલે તેઓ જુદા જુદા પણ ખોટા ઉપચાર શરૂ કરે. પરિણામે ઘણો સમય પસાર થઇ જાય અને પેલા દરદી માટે જીવનું જોખમ સર્જાઇ શકે. આ સમજણ જોકે બહુ જ ખોટી છે.
તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ આવાં લક્ષણો ખરેખર તો બ્રેઇન સ્ટ્રોકનાં હોય છે. એટલે સંબંધિત વ્યક્તિને તરત જ નજીકની હોસ્પિટલમાં લઇ જવી જરૂરી છે. દરદીને સમયસર અને યોગ્ય તબીબી સારવાર મળે તો તે બ્રેઇન સ્ટ્રોકના જીવલેણ જોખમમાંથી બચી જઇ શકે છે.
સાચો ઉપચાર : કોઇપણ વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોક આવે ત્યારે તેના ચહેરાના આકારમાં ફેરફાર થાય છે. ચહેરો વાંકોચૂંકો થઇ જાય. બંને બાવડાંમાં અશક્તિનો અનુભવ થાય.બોલવામાં તકલીફ થાય. આવાં લક્ષણો દેખાય તો તે વ્યક્તિને તરત જ નજીકની હોસ્પિટલમાં લઇ જવી જરૂરી છે.
કરોડરજ્જુની ઇજા : કોઇપણ વ્યક્તિને અકસ્માતથી, પડી જવાથી, કોઇ વસ્તુના પ્રહારથી તેની કરોડરજ્જુમાં ઇજા થઇ હોવી જોઇએ તેવી શંકાથી તે વ્યક્તિને ઉંંચકીને બીજી સલામત જગ્યાએ લઇ જવાનો પ્રયાસ થાય છે. પરિણામે પેલી વ્યક્તિને ઉલટી વધુ પીડા થાય છે. તેને પેરાલીસીસ(લકવો : પક્ષઘાત) થવાનું જોખમ રહે છે. કરોડરજ્જુમાં ઇજાનાં લક્ષણો સમજવામાં ભૂલ થવાથી દરદીને વધુ સમસ્યા થાય છે.
સાચો ઉપચાર : જે વ્યક્તિને કરોડરજ્જુમાં ઇજા થઇ હોય તેને એ જ શારીરિક સ્થિતિમાં રાખવી જોઇએ. તેનું હલનચલન ન થાય તેની પૂરી કાળજી રાખવી જોઇએ. વળી, તે વ્યક્તિની કરોડરજ્જુ જેમ બને તેમ સીધી રહે તેવો પ્રયાસ કરવો જોઇએ. કોઇ મકાન તૂટી પડયું હોય અને તેમાં અમુક વ્યક્તિઓ ફસાઇ ગઇ હોય તો તેમને બહુ જ કાળજીપૂર્વક બહાર કાઢવી જોઇએ કે જેથી તેમની કરોડરજ્જુને ઇજા ન થાય.
જખમ કે ઘા સાફ કરવો : કોઇ વ્યક્તિને પથ્થર કે ધારદાર શસ્ત્રથી જખમ કે ઘા થયો હોય તો તેને (જખમને) સાફ કરવા માટે ઘણાં લોકો અથવા કુટુંબીજનો હાઇડ્રોજન પેરોક્સાઇડનો કે આલ્કોહોલનો ઉપયોગ કરતાં હોય છે. જોકે આ સમજણ કે પદ્ધતિ ખોટાં છે. કારણ કે આવી ખોટી સારવાર કરવાથી તો પેલા દરદીની માંસપેશીઓને નુકસાન થાય છે. ઉપરાંત, તે જખમ કે ઘા લાંબા સમય સુધી રૂઝાતો નથી.
સાચો ઉપચાર : નિષ્ણાત તબીબોની સલાહ મુજબ પેલા દરદીના ઘા કે જખમને સાબુથી હળવે હળવે સાફ કરવો. ત્યારબાદ તેના પર પાણી રેડવું. જખમને આ રીતે સાફ કર્યા બાદ તેના પર એન્ટિબાયોટિક મલમ લગાડવો. સાથોસાથ બેન્ડેજ લગાડવી કે જેથી શરીરમાં ચેપ ન ફેલાય. ડોક્ટરની સલાહ મુજબ જખમનું નિયમિત રીતે ડ્રેસિંગ પણ કરાવવું જરૂરી છે કે જેથી તે જખમમાં સોજો ન આવે કે ચેપ પણ ન લાગે.
હાર્ટ એટેકમાં સીપીઆર આપવું : કોઇ વ્યક્તિને કદાચ પણ હાર્ટ એટેકની પીડા થાય તો હાજર વ્યક્તિઓ તેને કાર્ડિયોપલ્મનરી રિસ્યુસાઇટેશન(સીપીઆર)ની સારવાર આપવાનો પ્રયાસ કરે છે. સીપીઆર આપનારી વ્યક્તિની ભાવના તો પેલા દરદીને બચાવવાની હોય છે. આમ છતાં સીપીઆર આપવાની રીત કે પદ્ધતિ ખોટી હોય તો પેલા દરદીનું આરોગ્ય ઉલટું વધુ ખરાબ થવાની શક્યતા રહે છે.
સરળ રીતે સમજીએ તો સીપીઆર આપનારી વ્યક્તિ પેલા દરદીની છાતી પર ધીમે ધીમે કે હળવે હળવે દબાણ (પ્રેશર) આપે અથવા દબાણની સાચી રિધમ ન અપનાવે તો પેલા દરદીને જરાય રાહત ન થાય.
સાચો ઉપચાર : હૃદય રોગના નિષ્ણાત તબીબોના કહેવા મુજબ સીપીઆર સારવાર દરમિયાન હાર્ટ એટેકના દરદીની છાતીના મધ્યમાં જોરથી અને ઝડપથી પ્રેશર આપવું જરૂરી છે.
સરળ રીતે સમજીએ તો આ પ્રેશર અને ઝડપનો દર એક મિનિટ દીઠ ૧૦૦ - ૧૨૦ હોવો જરૂરી છે. સાથોસાથ જે વ્યક્તિ સીપીઆર આપતી હોય તેની હથેળી પેલા દરદીની છાતીના મધ્યમાં બરાબર યોગ્ય રીતે ગોઠવાવી જોઇએ. આવી સીપીઆર સારવારથી દરદીનો જીવ ઉગરી ગયો હોવાનાં ઉદાહરણ છે.
નિષ્ણાત તબીબ આવે ત્યાં સુધી આવી સીપીઆર સારવાર ચાલુ રાખવી જોઇએ.
- જગદીશચંદ્ર ભટ્ટ


