Get The App

ફેશનેબલ ડ્રેસ સેલ્ફ મેડ હોય તો... .

Updated: Jun 24th, 2024

GS TEAM

Google News
Google News
ફેશનેબલ ડ્રેસ સેલ્ફ મેડ હોય તો...                      . 1 - image

- લેટેસ્ટ ટ્રેન્ડ સાથે કદમ મિલાવવા કરો જુની સાડી-બોર્ડરનો ઉપયોગ

ફેશનેબલ વસ્ત્રો હંમેશા માનુનીને લલચાવે છે. રંગબેરંગી વિવિધ પેટર્નના પોશાક પહેરીને આકર્ષક દેખાવાનું કોને ન ગમે? પણ ઘણીવાર એમ થાય કે કઈ પેટર્ન વધુ સારી લાગશે? તૈયાર ડિઝાઈનર વસ્ત્રો ખરીદવાની ક્ષમતા મધ્યમ વર્ગની યુવતીઓમાં નથી હોતી. પણ તેઓ ઘરમાં પડેલી જુની સાડીનો ઉપયોગ કરીને કે પછી કપડું ખરીદીને દરજી પાસેથી આકર્ષક પેટર્નના વસ્ત્રો સીવડાવી શકે છે. આ રીતે સીવડાવેલા કપડાં કોઈપણ તૈયાર ડિઝાઈનર પરિધાન કરતાં જરાય ઉતરતાં નહીં લાગે, આમ છતાં સોંઘા પણ પડશે. વળી જો તે લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ સીવડાવવામાં આવે તો પછી પૂછવું જ શું?

વર્તમાન ફેશનની વાત કરીએ તો પટિયાલા સલવાર અને ચુડીદાર ઈન છે. કોટનના કાપડમાંથી સીવેલી એકદમ ખુલતી સલવાર ઉનાળાની ગરમીમાં આરામદાયક લાગે છે. પ્રિન્ટેડ પટિયાલા સાથે ઘુંટણથી થોડે ઊંચે સુધી આવતી પ્લેન કુરતીનું કોમ્બિનેશન એકદમ આકર્ષક લાગે છે. કુરતીમાં ઝાઝી પેટર્ન કરાવવાની જરૂર નથી. માત્ર ગળાપટ્ટી પાસે પ્રિન્ટને મેચ થાય એવી ઝીણી બોર્ડર મુકાવી દો અથવા સિકવન્સ લગાવી દો.

જ્યારે ચુડીદારમાં હમણાં લેગીંગ્સ ઈન છે. આ લેગીંગ્સની ખૂબી એ છે કે તે માનુનીના પગનો આકાર ધારણ કરી લે છે. કોટનનું ચુડીદાર થોડું ઓછું આરામદાયક લાગે છે. બેસતી વખતે તે થોડું તણાય પણ છે. જ્યારે હોઝિયરી મટિરિયલ જેવું લેગીંગ ઉઠવા-બેસવામાં ખૂબ સગવડદાયક લાગે છે. પ્લેન લેગીંગ અથવા ચુડીદાર સાથે પ્રિન્ટેડ કુરતી, લખનવી વર્ક કે અન્ય વર્ક કરેલી કુરતી એકદમ આકર્ષક દેખાય છે. આ કુરતીની લંબાઈ ઘૂંટણની અડોઅડ હોય એ લેટેસ્ટ ટ્રેન્ડ છે. અગાઉ ઘુંટણથી છેક નીચે સુધી આવતી કુરતી પહેરાતી હતી જે પુરુષોના ઝભ્ભા જેવી લાગતી હતી. પટિયાલા સલવાર હોય કે ચુડીદાર, જો તમે ઇચ્છો તો તેની સાથે દુપટ્ટો કે સ્ટોલ ધારણ કરો. બાકી ગરમીમાં દુપટ્ટો પહેરવાનો કંટાળો આવે તો તેને તિલાંજલિ આપી દો. આ કુરતીનો ઉપયોગ કયારેક ક્યારેક જિન્સ પર પણ કરી શકાય. સામાન્ય રીતે ભારતીય ત્વચા પર બેબી પીંક, પાઉડર બ્લુ, લેમન યેલો જેવા પેસ્ટલ કલર નથી જામતા. ઘઉંવર્ણી ત્વચા પર રસ્ટ, હળદર જેવો પીળો, મરૂન, પીકોક બ્લુ, ક્રીમ, બ્રાઉન જેવા રંગો ખૂબસુરત લાગે છે. કયા ડ્રેસ સાથે કઈ જ્વેલરી સારી લાગશે તેનો આધાર ડ્રેસના રંગ અને પેટર્ન પર રહે છે. 

ભારતીય મહિલાઓ ચોક્કસ વય પછી થોડી સ્થૂળકાય બની જ જાય છે. જોકે આજે ફાસ્ટફુડ ખાતી કન્યાઓ તો સગીર વયમાં જ દેહ  પર ચરબીના થર જમાવી લે છે. આવી સ્થૂળકાય યુવતીઓએ નીટેડ વસ્ત્રોથી દૂર જ રહેવું જોઈએ. સારો કટ ધરાવતો ઘેરા રંગનો ટોપ તેમને વધુ સારો લાગશે. જો તમારું વક્ષ:સ્થળ ભારે હોય તો સ્ટોલ અથવા સ્કાર્ફથી તેને ઢાંકી શકાય. આ માનુનીઓને શક્યત: સિંગલ કલર પર જ પસંદગી ઉતારવી. કાળો રંગ સ્લીમર લુક આપે છે. તેવી જ રીતે સાતથી સાડાસાત ઈઁચ ડીપ નેક પણ બંધ ગળાના ટોપની સરખામણીમાં વધુ સારાં લાગે છે.

જરૂરી નથી કે ફેશનેબલ વસ્ત્રોમાં સાડીનો સમાવેશ ન થાય. હોલ્ટર નેક, વન શોલ્ડર અથવા સ્પેગેટી બ્લાઉઝ સાથે શિફોન અથવા જ્યોર્જટની સાડી એકદમ સેક્સી લાગે છે. ઓછા ખર્ચમાં સરસ મઝાનો પોશાક તૈયાર કરવો હોય તો જુની સાડી કરતાં વધારે સારું શું હોઈ શકે? બનારસી અથવા કાંજીવરમની સાડીમાંથી તમે કલાસિક ટોપ બનાવડાવી શકો. આ ટોપ તમે સ્કર્ટ અથવા ટ્રાઉઝર સાથે પહેરી શકો. જો ટોપની લંબાઈ ઘૂંટણ સુધી કરાવો તો તે ચુડીદાર સાથે પણ પહેરી શકાય. હા, આવી સાડીમાંથી આખેઆખો ડ્રેસ સીવડાવવાનો પ્રયત્ન ન કરતાં. ઘણી વાર બનારસી સાડી ફાટી જાય તોય તેની મજબૂત બોર્ડર અકબંધ રહે છે. સિલ્ક, કોટન સિલ્ક કે અન્ય કોઈ ફેબ્રિક લઈને તેમાંથી કુરતી બનાવડાવી આ બનારસી સાડીની બોર્ડર મુકાવી શકાય. તેવી જ રીતે પટિયાલા સલવારના ટોપના ઘમનમાં આ બોર્ડર લગાવી શકાય. જો આ બોર્ડર મોટી હોય તો તેને વચ્ચેથી કાપીને ગળા અને હાથમાં પણ લગાવી શકાય. જો તમે સાઈડ સ્લીટવાળી જિન્સ પહેરતા હો તો જિન્સની સ્લીટ પર પણ આ બોર્ડર આકર્ષક લુક આપશે. જો સાડી ફાટી ન ગઈ હોય તો તેમાંથી સ્કર્ટ પણ સીવડાવી શકાય. અથવા એક બાજુથી ફાટી ગયેલી સાડી નકામી થઈ જાય તો તેના બીજા હિસ્સામાંથી પણ સ્કર્ટ બનાવડાવી શકાય. એટલું જ નહીં, બનારસી સાડીની બોર્ડરનો ઉપયોગ તમે તમારી પર્સને સજાવવામાં પણ કરી શકો. 

ઘણીવાર મનગમતી પેટર્નની લાલચમાં યુવતીઓ એવાં પોશાક સીવડાવી લેતી હોય છે જે તેમની ઉંચાઈ અને બાંધા સાથે મેળ નથી ખાતા. જો તમારી ઊંચાઈ ઓછી હોય તો કેપ્રી કે શોર્ટ સ્કર્ટ પહેરવાને બદલે ફુલ લેન્થ સ્કર્ટ-ટ્રાઉઝર પહેરો. તેવી જ રીતે આડી લાઈનની ડિઝાઈનને બદલે ઊભા સ્ટ્રાઈપ્સવાળી પ્રિન્ટ પસંદ કરો. આ પ્રકારના વસ્ત્રોમાં તમે લાંબા દેખાશો.  તેવી જ રીતે જો તમારા હાથ જાડા હોય તો સ્લીવલેસ અથવા ફલેરવાળી સ્લીવ્ઝ ન સીવડાવો. ફુલ સ્લીવ્ઝ અથવા પોણી બાંયના ટોપ વધુ સારાં લાગશે. જો ટોપમાં ભરતકામ કરેલું હોય તો તે ફ્રન્ટમાં હોય તે જુઓ.