- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- આપણી પાસે પુસ્તક વાંચવાનો સમય નથી, કોઈ નવી આર્ટ શીખવાનો સમય નથી, પરિવાર સાથે બેસીને વાત કરવાનો સમય નથી, ભોજન કરવા દરમિયાન પણ એકબીજા સાથે વાત કરવાના બદલ આપણે મોબાઈલમાં વ્યસ્ત હોઈએ છીએ. હવે તો લાગણી વ્યક્ત કરવા માટે પણ હવે એકબીજાને રીલ્સ મોકલવાની શરૂઆત થઈ ગઈ છે.
તાજેતરમાં એક મિત્ર સાથે ચર્ચા થઈ. હું તેના ઘરે તેને મળવા માટે ગયો હતો. તેણે મને કહ્યું કે, તારા છેલ્લે પ્રકાશિત થયેલા કોઈ પુસ્તકો હોય તો મને વાંચવા આપજે. જો હમણાં કંઈ નવું ન લખ્યું હોય તો સારા લેખકોના પુસ્તકો તારી પાસે પડયા હોય તો મને આપજે. તેનું કારણ એવું હતું કે, ભાઈને એક્સિડન્ટ થયો હતો, બંને પગમાં પ્લાસ્ટર હતું અને ત્રણ મહિના સુધી બેડરેસ્ટ કરવાનો હતો. તેણે વાંચનની ઈચ્છા વ્યસ્ત કરી. મેં તેને ત્રણ પુસ્તક મોકલાવ્યા. આ વાત ટુંકાવું છું. તેના લગભગ એક મહિના પછી હું તેના ઘરે ગયો મેં તેને પુસ્તક વિશે પૂછયું તો તેણે કહ્યું કે, મારી પાસે સમય જ નથી રહેતો વાંચવાનો.
મને વિચાર આવ્યો કે, જે વ્યક્તિના બંને પગમાં પ્લાસ્ટર છે, હાલવા-ચાલવાની મનાઈ છે. પલંગ ઉપરથી ઊભો થઈ શકતો નથી, કામ-ધંધે જઈ શકતો નથી અને છતાં તેની પાસે સમય વધતો નથી. મને આશ્ચર્ય પણ થયું કે, તે શું કામ કરતો હશે. પહેલાં તો મને વિચાર આવ્યો કે, ઈરાન-અમેરિકાનું યુદ્ધ અટકાવવા મથતો હશે, પછી એમ થયું કે, કદાચ નાસાનું આટમિસ મૂન મિશન સફળતાપૂર્વક લોન્ચ થઈ જાય તેના કામમાં વ્યસ્ત હશે અથવા તો ગ્લોબલ વોમગ કે પછી અન્ય ગ્લોબલ ઈશ્યૂ ઉપર કામ કરતો હશે. આખરે ખબર પડી કે તે લગભગ મોટાભાગનો દિવસ રીલ્સ જોવામાં જ પસાર કરે છે. મને ત્યારે સમજાઈ ગયું કે, બિચારાનો સમય રીલ્સ જોવામાં પસાર થઈ જાય છે તો પુસ્તક માટે ક્યાંથી સમય વધે.
આવા બીજા પણ ઘણા લોકો છે જે માત્ર શોખ માટે, શો ઓફ કરવા કે સમાજમાં અમે લર્નેડ અને કલ્ચર્ડ ફેમિલી છીએ તેવું બતાવવા માટે મફતીયાની જેમ પુસ્તકો માગતા હોય છે પણ વાંચતા નથી હોતા. તેમના ઘરના બુક શેલ્ફમાં આ પુસ્તકો ધૂળ ખાય છે અને આ વધુ પડતા હોશિયાર માણસો મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે. પુસ્તક વાંચવા, અખબાર વાંચવા, મેગેઝિન વાંચવા માટે તેમની પાસે સમય જ નથી. તેઓ માને છે કે હવે કોઈને આ બધામાં રસ જ નથી. મોબાઈલમાં બધું જ આવી જાય છે. સ્માર્ટફોનની લ્હાયમાં માણસ ડફોળ, આળસુ અને કદાચ નિસ્પૃહી થતો જાય છે.
માણસ સખત વ્યસ્ત થઈ ગયો છે. તેની પાસે સમય જ નથી. તેની પાસે અઢળક કામ છે અથવા તો તેની પાસે અઢળક કામ કરવાનો ડોળ કરવાની આદત છે. દુનિયામાં આસપાસ નજર કરીએ તો એમ લાગશે કે દુનિયાની પોણા ભાગની વસતી કંઈક એવા મહત્ત્વના કામ કરી રહી છે જે પૂરા નહીં થાય તો દુનિયા અટકી જશે, પૃથ્વી રસાતાળ થઈ જશે અને કદાચ બને કે પ્રલય પણ વહેલો આવી જાય. કામના બોજ હેઠળ દબાયેલા આ પ્રજામાંથી લગભગ અડધી પ્રજા એવી છે જે સ્માર્ટફોનના કારણે વ્યસ્ત છે.
સમસ્યા એ છે કે, આપણી પાસે સમય નથી તેવી બુમરાણ કરતા હોઈએ છીએ પણ સમય ક્યાં અને કેવી રીતે પસાર કરીએ છીએ તેનો કોઈ હિસાબ જ નથી. દુનિયામાં એવી સાવ નવરી કદાચ તેનાથી આગળ કહીએ તો નિહાયત નવરી પ્રજા છે જે સ્માર્ટફોનમાં વ્યસ્ત રહેવાને જ જિંદગીનું સાચું સત્ય માને છે. ટોઈલેટમાં પણ ફોન લઈ જઈને કલાક સુધી અંદર બેસી રહે છે અને બહાર આવીને સોફા અને ખુરશીઓ ઉપર પણ મોબાઈલ જ હાથમાં રાખીને બેસી રહે છે. આ વેજાને કંઈક વાંચવાનું કહો તો પેટમાં દુ:ખે છે, માથું દુ:ખે છે, કંટાળો આવે છે અથવા તો તેમની પાસે સમય જ નથી.
માણસ હવે સ્માર્ટફોનની માયાજાળમાં ફસાઈ ગયો છે. લોકો સોશિયલ મીડિયાની રિલ્સમાં જ સમય પસાર કરે છે અને તેમાં જ વ્યસ્ત રહે છે. લોકોને ફોન જોવાની સખત આદત થઈ ગઈ છે. થોડી થોડી વારે તેઓ મોબાઈલ જોતા હોય છે. મિટિંગ ચાલતી હોય, મહત્ત્વની વાતચીત ચાલતી હોય કે પછી ઘણી વખત કોઈ પ્રેઝન્ટેશન અથવા તો બીજું કોઈ કામ ચલાતું હોય પણ વચ્ચે વચ્ચે ઘણા લોકો ફોનમાં નજર નાખતા જોવા મળે છે. સામાન્ય ચા-કોફી પીવા કિટલી ઉપર ભેગા થયેલા ચાર લોકોમાંથી સરેરાશ બે લોકો વારંવાર ફોન જોતા હોય છે.
લોકોને રિલ્સની એવી આદત પડી ગઈ છે કે, કોઈના મરણમાં સ્મશાનમાં ગયા હોય કે પછી બેસણામાં ગયા હોય તો પણ ગણતરીના મિનિટોમાં શોક વ્યક્ત કરીને ખૂણામાં ગોઠવાઈ જશે અને મોબાઈલમાં વ્યસ્ત થઈ જશે. મરી ગયેલી વ્યક્તિ કે તેના પરિવારનું આગળ શું છે તેમાં કોઈ ધ્યાન હોતું નથી. તેમને આ પ્રસંગ કરતા મોબાઈલમાં આવતી રીલ વધારે મહત્ત્વની લાગતી હોય છે.
લોકોને જે ઘેલછા લાગી છે તેનું એક કારણ એવું પણ છે કે, દરેક નાની-મોટી વાતે લોકો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકી દે છે. ઘરની બહાર નીકળેલી વ્યક્તિ કદાચ લપસી પડે તો પણ તેનો વીડિયો ઉતારીને રીલ બનાવીને સોશિયલ મીડિયામાં મુકાઈ જાય છે. કોઈ વ્યક્તિનો એક્સિડન્ટ થાય તો તેને મદદ કરનારા લોકો કરતા તેની આસપાસ ભેગા થઈને રીલ બનાવનારા લોકો વધારે હોય છે. ઘણા કિસ્સામાં આત્મહત્યા કરનારને પણ મદદ કરવાના બદલે લોકો વીડિયો ઉતારતા જોવા મળે છે. લોકોને કોઈપણ ભોગે રીલ્સ બનાવીને, શોર્ટ વીડિયો બનાવીને છવાઈ જવું છે. બીજી તરફ લોકોને આ રીલ જોઈને આનંદ લીધા કરવો છે.
મનોરંજનના સાધનો બદલાતા રહે છે અને તેના કારણે લોકોને તેનું આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. એક સમય હતો જ્યારે લોકો ફિલ્મો જોવા પડા પડી કરતા હતા. ધીમે ધીમે લોકોએ ફિલ્મો પાછળ ત્રણ કલાક આપવાનું છોડયું એટલે ફિલ્મો નાની થવા લાગી. દોઢ કલાકથી માંડીને બે કે વધુમાં વધુ સવા બે કલાકમાં ફિલ્મ પૂરી થઈ જાય છે. મજાની વાત એ છે કે, જૂના જમાનામાં ફિલ્મો થિયેટરમાં આવતી હતી ત્યારે તેની રિલ્સ થકી જ રિલિઝ થતી હતી. પ્રોજેક્ટર ઉપર ફિલ્મની રીલ ચડાવાતી અને ફિલ્મ બતાવવામાં આવતી હતી. તે વખતે બાર રીલ, સોળ રીલ કે પછી શોલે જેવી ફિલ્મ હોય તો ૨૩ રિલ્સ પણ થઈ જતી હતી. હવે ફિલ્મી કલાકારો પોતાની ફિલ્મની સોશિયલ મીડિયા રિલ્સ બનાવીને પ્રમોશન કરવા લાગ્યા છે. ફિલ્મના જ વીડિયો, સીન, ડાયલોગ, ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ રિલ્સમાં આવવા લાગ્યા છે. માણસ તેમાં અટવાતો જાય છે.
માણસ પાસે સમય વધ્યો જ નથી. ચાર કલાકની ફિલ્મો ઘટીને ત્રણ કલાક થઈ, તેમાંથી દોઢ કલાક થઈ અને હવે માણસને તેમાં પણ મજા નથી આવતી. એક સમયે ટેસ્ટ ક્રિકેટનું વળગણ હતું અને હવે ટી-૨૦નો ક્રેઝ છે. ત્રણ-સાડા ત્રણ કલાકમાં ગેમ પૂરી, ખાધુ-પીધું ને રાજ કર્યું. હવે કોણ પાંચ દિવસ સુધી રમ્યા કરે કે મેચ જોયા કરે. રોજિંદા જીવનમાં પણ આવું જ થયું છે. લોકો રિલ્સ જોવામાં વ્યસ્ત થઈ ગયા છે. એક પછી એક રીલ જોયા જ કરે છે અને સમય ખર્ચ્યા કરે છે અને છતાં તેમની પાસે સમય હોતો નથી.
એક તરફ ક્રિયેટિવિટીના નામે ગમે તે કન્ટેન્ટ બનાવીને પ્રસિદ્ધિ પામવાની ઘેલછા ચરમસીમાએ છે તો બીજી તરફ સહાનુભુતી મેળવવા માટે પણ આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. ઘણા લોકો બિમારી દરમિયાન, અકસ્માતમાંથી બચવા દરમિયાન કે અન્ય ગંભીર સ્થિતિમાં પણ વીડિયો બનાવીને કે રીલ બનાવીને પોતાની વાત રજૂ કરવાનો પ્રાધાન્ય આપે છે. આપણે બધા જ જાણીએ છીએ કે, રીલમાં જે આવે છે તે બધું જ સાચું નથી છતાં આપણે તેને સત્ય માનીને દોડયા કરીએ છીએ. હકિકતે જે લોકો કમાણી કરવા આ બનાવે છે તેઓ આ રીલને પોતાનું કામ ગણે છે પણ તેમનું આંધળુ અનુકરણ અને અનુસરણ કરનારા તથા તેમની રીલ્સ જોનારા લોકો સમયની બરબાદી સિવાય કશું જ કરતા નથી.
આપણી પાસે પુસ્તક વાંચવાનો સમય નથી, કોઈ નવી આર્ટ શીખવાનો સમય નથી, પરિવાર સાથે બેસીને વાત કરવાનો સમય નથી, ભોજન કરવા દરમિયાન પણ એકબીજા સાથે વાત કરવાના બદલ આપણે મોબાઈલમાં વ્યસ્ત હોઈએ છીએ. હવે તો લાગણી વ્યક્ત કરવા માટે પણ એકબીજાને રીલ્સ મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. હવે તો ઈમોજી પણ ખાસ વપરાતા નથી. દરેક બાબત રિલ્સ થકી જ વ્યક્ત કરવાનું, યાદ રાખવાનું કે રજૂ કરવાનું ચલણ બની ગયું છે. ઘરમાં રહેલા પતિ-પત્ની કે મા-બાપ અને સંતાનો એકબીજાને રીલ્સ મોકલીને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા થયા છે અથવા તો કથિત મજાક કરતા થયા છે. આ લોકો પાસે વાત કરવાનો સમય નથી. હકિકત એટલી જ છે કે, રીલ્સમાં અટકેલી દુનિયા રિયલ લાઈફથી દૂર થતી જાય છે. માણસેને પઈની પેદાશ નથી અને ઘડીની નવરાશ નથી. વર્ચ્યુઅલ વર્લ્ડમાં અટવાઈને વાસ્તવિકત જીવનથી દૂર થતા જાય છે. વાસ્તવિક પરિસ્થિતિઓ અને આનંદથી વિમુખ થતા જાય છે.


