Get The App

પતિ-પત્નીએ એકબીજાની સાથે 'એડજસ્ટ' થતાં શીખી લેવું જોઈએ

Updated: Dec 13th, 2021

GS TEAM


Google News
Google News
પતિ-પત્નીએ એકબીજાની સાથે 'એડજસ્ટ' થતાં શીખી લેવું જોઈએ 1 - image


- જિંદગી પ્યાર કી દો... ચાર... ઘડી હોતી હૈ

વિજય પરિણીત અને બે પુત્રોનો  પિતા હતો. એની પત્ની માનસી અત્યંત સુંદર સુશિક્ષિત હતી. વડોદરાના ખંડેરાવ માર્કેટમાં વિજયની દુકાન હતી. વેપારી દુનિયામાં એ મહેનતુ તરીકે પ્રસિધ્ધ હતો.

સાંજના પાંચેક વાગ્યાની આસપાસ એ પોતાની દુકાન બંધ કરી વડોદરાના વિવિધ બજારોમાં દુકાનદારોને ઓર્ડર મુજબ માલ પહોંચાડવા જતો. રાતે આઠ વાગ્યે એ ઘેર પહોંચી જતો. આ દરમ્યાન માનસી પોતાનાં વૃધ્ધ સાસુ તથા બંને બાળકોને ભોજન કરાવી સુવડાવી દેતી. ત્યારબાદ વિજય ઘેર આવે ત્યારે બંને સાથે ભોજન કરતાં. આમ, બંનેનું લગ્નજીવન સુખમાં પસાર થઈ રહ્યું હતું.

વિજયે પોતાની મહેનતથી સારી એવી કમાણી કરી. પહેલાં એની પાસે માત્ર સ્કુટર જ હતું, પણ હવે એણે પોતાની કાર ખરીદી. વિજય મોટાભાગે વડોદરાના એક પેટ્રોલ પમ્પ પરથી જ કારમાં પેટ્રોલ ભરાવતો...

ત્યાં નજીકમાં આવેલ બસસ્ટોપ પર કાયમ એક યુવતી ઊભી રહેતી. એ ઘણીવાર વિજયને જોતી. એકવાર એણે વિજય પાસે કારમાં લિફટ માંગી. વિજયને થયું- યુવતીને લિફટ આપવામાં શો વાંધો? એ કહેશે ત્યાં ઉતારી દઈશ. પહેલાં દિવસે બંને વચ્ચે ઔપચારિક વાત થઈ. એ યુવતીનું નામ મીતા હતું. મીતા સુંદર હતી અને કોઈ બ્યુટીપાર્લરમાં કામ કરતી હતી. વાતચીત દરમ્યાન એણે જણાવ્યું કે ઘણીવાર બ્યુટીપાર્લરમાં ગ્રાહક મહિલાઓ વધારે આવી જતી હોવાથી મોડું થઈ જાય છે. ક્યારેક તો બસ પણ મળતી નથી.

એ દિવસ બાદ મીતા દર બે-ત્રણ દિવસે સુંદર રીતે તૈયાર થઈને વિજય પાસે લિફટ માંગવા લાગી. વિજય સાથે એ હળી મળીને એવી રીતે વાતચીત કરતી જાણે બંને વર્ષોથી એકબીજાને ઓળખતાં હોય. ધીમે ધીમે બંનેનું હળવા- મળવાનું અને વાતો કરવાનું સામાન્ય બની ગયું.

મીતા સાથે ફરવામાં વિજય એ પણ ભૂલી ગયો કે પોતે બે બાળકોનો  પિતા છે. ઘરમાં વૃધ્ધમાતા અને પત્ની એની રાહ જોતાં બેઠાં છે.

એ મીતાના સૌંદર્યની મોહજાળમાં ફસાઈ ગયો. વિજય મીતાને પૈસા પણ આપતો. એના પૈસાથી મીતાએ પોતાનું અંગત બ્યુટીપાર્લર શરૂ કર્યું. વિવિધ સાધનો વસાવ્યાં. મીતાના પિતાજી વૃધ્ધ અને રિટાયર્ડ હતા. મીતાનો ભાઈ પણ એમ વિચારીને ખુશ થતો કે પોતાની બહેને એક મોટા આસામીને ફસાવ્યો હતો.

હવે વિજય મોડી રાત સુધી મીતાના બ્યુટીપાર્લરમાં બેસી રહેતો. રાતના ૧૧-૧૨ વાગ્યે ઘેર પાછો ફરતો. પરિસ્થિતિ એવી બની ગઈ કે વિજયની દુકાનમાં થતી આવક તથા બધો હિસાબ કિતાબ પણ મીતા રાખવા લાગી.

દિવસો પસાર થતા ગયા. વિજયને વેપારમાં ખોટ જવા લાગી. એ ભરપાઈ કરવા એણે માનસીનાં ઘરેણાં વેચી નાખ્યાં. એટલું જ નહીં, એને દારૂ- સિગારેટની કુટેવ પણ પડી ગઈ. હવે તો વિજય દિવસો સુધી મીતાના બ્યુટીપાર્લમાં જ પડયો રહેતો. એની દુકાનના પૈસા મીતા અને એનો ભાઈ લઈ લેતાં. વિજયના નામે દેવું ચડવા લાગ્યું. કાર અને દુકાન વેચી દેવાનો સમય આવ્યો. ધનના અભાવે બાળકોને સ્કૂલમાંથી ઉઠાડી લેવાં પડયાં. એક દિવસ મીતાએ વિજયને પોતાના બ્યુટીપાર્લરમાંથી ધક્કો મારી કાઢી મૂકતાં કહ્યું, 'મારે ત્યાં દારૂડિયા, અને ગરીબ માણસો માટે જગ્યા નથી.'

વિજય એ દિવસથી ઘરમાં દારૂના નશામાં ચકચૂર થઈને પડયો રહે છે. માનસી આસપડોસનાં લોકોનાં કપડાં સીવીને ઘરખર્ચ કાઢે છે. બાળકો રસ્તા પર ફરીને છાપાં વેચે છે. તેમની પાસે જે પૈસા ભેગા થાય છે તે પોતાના પિતાજીને આપતાં નથી. ઘરમાં રોજ કંકાસ થાય છે. કેવી પરિસ્થિતિ હતી અને કેવું બની ગયું? એક સમયે માનસી રાતે જમવા માટે પ્રેમથી પતિની રાહ જોતી હતી અને આજે એજ માનસી રાત દિવસ વૈતરું કરીને બાળકોને ઉછેરે છે. વિજય અને માનસીનું દામ્પત્યજીવન  ભાંગી પડયું, સાથોસાથ બાળકોનું ભાવિ પણ અંધકારમય થઈ ગયું.

ખરેખર, પતિ-પત્ની દામ્પત્યજીવન રૂપી ગાડીનાં એવાં બે પૈડાં છે, જે એકબીજા વિના અધૂરાં છે. જો એક પૈડામાં થોડી પણ ક્ષતિ હોય, તો ગાડી ચાલતી નથી. જો બંને પૈડા બરાબર હોય, તો જ દામ્પત્યજીવન અત્યંત સુચારુ રૂપે વ્યતીત થાય છે. સમય ક્યાં પસાર થઈ જાય છે, તેની ખબર જ પડતી નથી. એક બાબત સાથે તમે પણ સંમત થશો જ કે, બંને વચ્ચે પ્રગાઢ પ્રેમ હશે, તો કોઈ એક અથવા બંનેમાં કંઈ ઊણપ હશે, તો પણ તે ગૌણ બની જશે.

આપસી સમજદારીના અભાવમાં દામ્પત્યજીવનમાં નાની સરખી ઠેસ વાગતાં પણ તેમાં ભંગાણ પડી જાય છે. જો સમજદારીપૂર્વક વર્તન કરવામાં આવે, તો જીવન સુખમય પસાર થાય છે. કદાચ કોઈ કારણવશ એક વ્યક્તિની ભૂલ થાય તો તેના સ્થાને કોઈ અન્યને લાવવાને બદલે એ વ્યક્તિને જ સમજાવીને અપનાવવી જોઈએ.

આપણા જીવનમાં અનેક પ્રકારની ચડતી પડતી આવે છે, જેમાં ક્યારેક પૈસા કે પ્રેમનો અભાવ હોય છે, તો ક્યારેક અન્ય કોઈ અકસ્માત બને છે. એ સ્થિતિમાં પતિ-પત્નીમાંથી કોઈ એક અલગ થઈ જાય, તો જીવનની ખુશી નાશ પામે છે, બંનેના જીવનમાં નિરાશા છવાઈ જાય છે એટલું જ નહીં, તેમની સાથે જોડાયે  બંને પરિવાર તેમજ બાળકો પર પણ તેની ખરાબ અસર થાય છે. જીવનસાથીના કોઈ પ્રકારના ગેરવર્તનથી આઘાત લાગે, તો ધીરજથી તે સહન કરી લેવાથી દામ્પત્યજીવન ભાંગી પડતું બચી જાય છે.

દામ્પત્યજીવનમાં પતિ અને પત્ની બંનેનું મહત્ત્વ છે. કોઈ એકના અભાવમાં દામ્પત્યજીવન સુખદ બની શકતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, જો પતિ પરસ્ત્રીના લફરામાં ફસાય અથવા પત્ની કોઈ બીજા પુરુષની જાળમાં સપડાય, તો જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થાય જ છે.

જોકે પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક અવળા માર્ગે ચડી ગયું હોય, તો બીજા જીવનસાથીએ ધીરજપૂર્વક એને યોગ્ય માર્ગે લાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, પોતાના દામ્પત્યજીવનને તૂટી પડતું બચાવવા માટે ભરપૂર કોશિશ કરવી જોઈએ.

વિજય અને માનસીના કિસ્સામાં જો માનસી સમયસર ચેતી ગઈ હોત, તો એનું દામ્પત્યજીવન આમ બરબાદ ન થાત. વાસ્તવમાં, એણે જ્યારથી વિજય રાતે મોડો ઘેર આવવા લાગ્યો, ત્યારથી જ સમસ્યા શી છે તે વિશે જાણવાની જરૂર હતી અને વિજયને યુક્તિથી પોતાના પ્રેમમાં જકડી લેવો જોઈતો હતો.

જોકે દામ્પત્યજીવનમાં માત્ર પતિને કારણે જ નહીં, પત્નીના કારણે પણ તિરાડ પડી શકે છે. પત્ની પોતાનું શીલ જાળવી ન શકે, તો ઘર બરબાદ થઈ જાય છે. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પુરુષે ધૈર્યપૂર્વક પોતાની પત્નીને સમજાવી, સંભાળી લેવી જોઈએ. પત્ની ચારિત્ર્યહીન છે એ જાણી એની સાથે એકદમ સંબંધ તોડી નાખવાને બદલે પહેલાં એની ચારિત્ર્ય હીનતાનું કારણ જાણવાની કોશિશ કરવી જોઈએ. જ્યારે કારણની જાણ થાય ત્યારે તેનો સમજદારીપૂર્વક ઉકેલ કાઢીને પત્નીને અવળે માર્ગે જતાં અટકાવવાની હોય છે. આમ કરવાથી દામ્પત્યજીવનમાં તિરાડ નથી પડતી અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. તદુપરાંત, ભાવિ પેઢીનું ભવિષ્ય પણ સુધરી જાય છે.

અશોક ધીરધારનો વ્યવસાય કરતો હતો. એની પાસે કેટલાંક વેપારીઓ રૂપિયા વ્યાજે લેવા આવતા તો કેટલાંક પોતાના રૂપિયા અશોકને આપી એના દ્વારા વ્યાજ મેળવતા. અશોકની ઓફિસ અને ઘર દૂર હતાં એની પત્ની સુષમા સુંદર અને સુશીલ હતી. એની બે દીકરીઓની ઉંમર ૮ વર્ષ અને ૫ વર્ષ હતી.

સવારે આઠ વાગતાં જ અશોકના ઘેર લોકોની અવરજવર શરૂ થઈ જતી. અગિયાર વાગ્યા સુધી એ ઘેર જ વેપારીઓને મળતો.

ત્યારબાદ એ ઓફિસે ચાલ્યો જતો. આ સમય દરમિયાન સુષમા પણ બાળકોને તૈયાર કરી, સ્કૂલે મોકલી, પતિને મળવા આવતાં માણસોની આગતા- સ્વાગતામાં પ્રવૃત્ત રહેતી. અલબત્ત, ઘરમાં નોકર ચાકર હતા, પણ રૂપિયાની લેણદેણની વાત ગુપ્ત રાખવા માટે સુષમા પોતે જ બધું કામ કરતી.

અશોકને ત્યાં ઘણીવાર સલીમ નામનો એક વેપારી આવતો. એ વ્યાજે ફેરવવા માટે સૌથી વધારે રૂપિયા અશોકને આપતો હતો. સુષમાને જોઈ સલીમ એના પ્રેમમાં પડી ગયો અને એણે અશોકને વધારે રૂપિયા આપવાની શરૂઆત કરી.

અશોક ઘણીવાર સલીમને પોતાના ઘેર રાતે જમવા બોલાવતો. સુષમા પ્રત્યે આકર્ષાયેલા સલીમને આ દરમ્યાન એની સાથે વધારે વાતચીત કરવાની તક મળવા લાગી. પરિણામે, એની હિંમત વધી. હવે એ ક્યારેક અશોકની અનુપસ્થિતિમાં પણ એના ઘેર આવતો. સુષમા પણ જાણતી હતી કે સલીમે જ અશોકને સૌથી વધારે રૂપિયા આપ્યા છે અને તે પૈસા અશોકે વેપારીઓને વધારે વ્યાજે આપ્યા છે. આથી તેને અશોકની ગેરહાજરીમાં એની સાથે વાતો કરવી પડતી.

એક દિવસ સલીમે સુષમાને હીરાનો હાર ભેટ આપ્યો. સુષમાએ જ્યારે અશોકને હાર બતાવ્યો ત્યારે પળવાર તો અશોકના મનમાં શંકા પણ જાગી, પરંતુ એણે વિચાર્યું કે કદાચ પોતે ખોટું વિચારી રહ્યો હોય.

સમય પસાર થવાની સાથે સલીમે ક્યારેક સુષમા માટે ડ્રેસ, ક્યારેક સાડી, ક્યારેક સૌંદર્ય પ્રસાધન વગેરે ભેટરૂપે લાવવાનું ચાલુ રાખ્યું. એક દિવસ સુષમાએ મજાકમાં અશોકને કહ્યું, 'તમે તો મારા માટે કંઈ નથી લાવતા. સલીમ મારું કેટલું ધ્યાન રાખે છે!' અશોકે સુષમાને કહ્યું, 'સુષમા, સલીમ આખરે એક પારકો પુરુષ છે, તારે મર્યાદિત વર્તન રાખવું જોઈએ.

એક દિવસ સલીમ સાંજના સમયે અશોકના ઘેર પહોંચ્યો. એણે સુષમાને કહ્યું, 'હું અશોકની ઓફિસે જાઉં છું. તમે પણ ચાલો, આજે રાતે અશોક સાથે બહાર હોટલમાં જમી લઈશું.'

સુષમા આ સાંભળી ઝડપથી તૈયાર થઈ ગઈ, પછી બોલી, અશોકે તો મને તમારી સાથે જવા વિશે વાત નથી કરી, છતાં હું અશોકને ફોન કરી દઉં.'

'ના, ફોન કરવાની જરૂર નથી. આપણે ત્યાં એકાએક પહોંચી જઈને એને 'સરપ્રાઈઝ' આપીશું.' સલીમે કહ્યું.

સુષમા વધારે આનાકાની કર્યા વિના સલીમ સાથે કારમાં બેસી ગઈ. રસ્તામાં સલીમે કહ્યું, 'હજી ઓફિસનો સમય પૂરો થવાને ઘણો સમય બાકી છે. ચાલો, ત્યાં સુધી કોઈ હોટલમાં જઈને ચા પીશું?' સુષમાએ ના કહેવા છતાં સલીમ એને એક હોટલમાં લઈ ગયો. જોકે સુષમા પણ અંદર ખાને એના તરફ આકર્ષાઈ તો હતી જ. સલીમ એને હોટલના એક રૂમમાં લઈ ગયો, જ્યાં એકાંતમાં સુષમાએ એને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. ત્યારબાદ એણે કહ્યું, 'મને મારા ઘરે પહોંચાડી દો. મને અશોકની બીક લાગે છે.'

'તારી ઈચ્છા છે તો મૂકી જાઉં, પણ જમવું નથી?'

'ના, ફરી ક્યારેક વિચારીશું.'

સલીમ અને સુષમા ઘેર પહોંચ્યાં તો જોયું કે અશોક વહેલો ઘેર આવી ગયો હતો. સુષમાનો ફિક્કો ચહેરો અને અસ્તવ્યસ્ત હાલત જોતાં અશોકને ખ્યાલ આવી ગયો કે આજે એની સુષમા લૂંટાઈ ગઈ. જે વાતનો પોતાને ડર હતો, એમ જ બન્યું.

તેમ છતાં એ પોતાના પર કાબૂ રાખતાં બોલ્યો, 'કલકત્તાથી તારી મમ્મીનો ફોન હતો, આપણને વહેલી તકે ત્યાં બોલાવ્યાં છે. એટલે હું જલદી આવી ગયો, તું ઝડપથી બાળકોને તૈયાર કરી દે. નવ વાગ્યાની ફલાઈટ છે.'

સુષમાએ ઝડપથી બધી  તૈયારી કરી. તેઓ સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા. કલકત્તા જઈને અશોક સીધો પોતાના સાસરે ગયો. ત્યાં એણે સુષમાની માતાને બધી વાત કરી એટલે માતાએ ક્રોધે ભરાઈને સુષમાને ખૂબ ધમકાવી. પછી સમજાવી. ત્યારબાદ અશોકે પોતાનાં માતાપિતાને પણ જે કંઈ બન્યું હતું, એ જણાવ્યું. એણે તેમને તથા સુષમાની માતાને સુષમાનું ખાસ ધ્યાન રાખવાનું જણાવતાં કહ્યું કે હું મારો બધો વેપાર સમેટી લઈ કલકત્તા આવી જાઉં છું. આમ, અશોકે ધીમે ધીમે મુંબઈનો વેપાર સંકેલી લીધો અને તે કલકત્તા આવી ગયો.

જો અશોકે ધાર્યું હોત તો એ સુષમાને છુટાછેડા આપી શક્યો હોત, પરંતુ પત્ની ચારિત્ર્યહીન હોવા છતાં અશોકે એને સમજાવીને સાચા માર્ગે દોરી. એની દલીલ અનુસાર, શરીરનું કોઈ અંગ દાઝી જાય કે ક્યાંક ઈજા થાય, તો આપણે એટલો ભાગ કાપીને ફેંકી દેતા નથી, એની સારવાર કરીએ છીએ. સારવાર કરવાથી ઘા રુઝાઈ જાય છે.

અશોકે પોતાનાં માતાપિતા તથા સુષમાની માતાની મદદથી પોતાનું દામ્પત્યજીવન ભાંગી પડતું બચાવી લીધું. આ દરમ્યાન સુષમાને પણ પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો. અશોકે પોતાની દૂરંદેશી અને સમજદારીથી પોતાના દામ્પત્યજીવનને સંભાળી લીધું. એના આવા વ્યવહારને કારણે એની બંને દીકરીઓનું ભાવિ પણ બરબાદ થતું બચી ગયું.

ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પતિના ચારિત્ર્યનું પતન થાય, ત્યારે એ ધર્મની ઓથ લઈને પોતાના તથા પોતાના પરિવારના ભવિષ્ય સાથે ચેંડા કરવા તૈયાર થઈ જાય છે. કાયદેસર રીતે હિંદુ કે ક્રિશ્ચિયન પુરુષ બે પત્ની સાથે લગ્ન કરી શકતો નથી. માત્ર મુસ્લિમ ધર્મમાં જ ચાર પત્ની સાથે લગ્ન કરવાની છૂટ છે. આવા પુરુષ મુસ્લિમ ધર્મ અપનાવી, આ છૂટનો ગેરલાભ ઉઠાવે છે. તેઓ મુસ્લિમ ધર્મ અપનાવી બીજી પત્ની સાથે લગ્ન કરતા હોય છે. આમ કરવાથી તેમનાં બાળકોનું ઉજ્જવળ ભાવિ પણ ધૂળમાં મળી જાય છે.

આમ દામ્પત્યજીવનમાં સ્ત્રી અને પુરુષ બંને વચ્ચે આપસી બાંધછોડની વૃત્તિ, સમજદારી તથા પારસ્પારિક વિશ્વાસ હોય તે અત્યંત જરૂરી છે. જો લગ્નજીવનની ગાડીના બે પૈંડા એકબીજા સાથે તાલ મિલાવતા ચાલશે તો ગાડી એકધારી તેજ ગતિએ ચાલતી રહેશે, નહીંતર અનેક વિઘ્નો આવશે.

Tags :