Get The App

તમે વસાવેલી વસ્તુઓ કઈ રીતે દેખાડશો?

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
તમે વસાવેલી વસ્તુઓ કઈ રીતે દેખાડશો? 1 - image

રચનાએ નવો મોબાઈલ લીધો. કોલેજ આવી અને તેના બધા મિત્રોને બતાવવા લાગી. બધાએ તેના નવા મોબાઈલની કિંમત અને ફીચર્સને લઈને ઘણા પ્રકારના પ્રશ્નો પૂછી નાખ્યા. રચના તેના વિશે કહેવા લાગી. દૂર ઊભેલી શબનમ આ બધું જોઈને ગુસ્સે થતી હતી. તેનું કહેવું હતું કે મોબાઈલ લીધો છે તો તેમાં શું ધાડ મારી લીધી કે બધાને દેખાડે છે. 

બીજા દ્વારા કોઈ પણ નવી વસ્તુ બતાવવામાં આવે ત્યારે આ પ્રકારની ફીલિંગ ઘણા લોકોને મનમાં થાય છે કે સામેવાળો ઘમંડ કરી રહ્યો છે એટલે પોતાની વસ્તુ બધાને દેખાડી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે અભિમાની નથી, પરંતુ એને નવી લીધેલી વસ્તુનો આનંદ છે, જે સ્વાભાવિક છે.

આમ પણ જો તમારી પાસે કોઈ સારી વસ્તુ હોય તો તેને દેખાડવામાં કોઈ ખરાબી શું છે, પરંતુ તેનાથી તો લોકોની વચ્ચે તમારી પ્રતિષ્ઠા વધશે. તમે ભલે સામાન્ય વ્યક્તિ હો પરંતુ તે વસ્તુના લીધે તમે લોકોનાં સમૂહ વચ્ચે તમારી એક જુદી જ ઓળખ બનાવી શકશો અને મહેફિલમાં દરેક જણ બસ તમારી તે વસ્તુની જ પ્રશંસા કરતું હશે. 

કહેવાય છે ને કે જેની પાસે હોય તે દેખાડે. જો તમારી પાસે સારી પર્સનાલિટી અને ફિગર હોય તો ફેશનેબલ કપડાં પહેરીને તેને કેમ દેખાડવામાં ના આવે. હાથ ખૂબ સુંદર હોય તો કટ સ્લીવ્ઝ સૂટ કેમ ના પહેરવો?

નખ સારા હોય તો વધારીને નેલ આર્ટ કેમ ના કરાવવી? વાળ લાંબા અને જથ્થામાં હોય તો ખુલ્લા કેમ ના રાખવા? આ બધામાં તમને તમારી મર્યાદાની જરૂર ખબર  હોવી જોઈએ. એટલે જો તમને ટાઈટ ફિટિંગ કપડાં, ઊંચા ટોપ, જીન્સ, કેપ્રી પહેરવાનો શોખ હોય અને તે તમને સૂટ પણ થતાં હોય તો તમારે તે પહેરવાં જોઈએ. જો કોઈ તમને જોઈને મોં બગાડતું હોય તો તેની વાતોમાં ના આવો, કારણ કે તેમને કદાચ એ વાતનો ગુસ્સો હોય કે કાશ, તેમનું શરીર પણ સિલ્મટ્રિમ હોત તો તે પણ તમારી જેમ ટાઈટ કપડાં પહેરી શકતી હોત.

જો તમારી પાસે પૈસા હોય તો તમે સોનાનાં ભલે પાંચ ઘરેણાં પહેરો, બીજાને એની સાથે કોઈ લેવાદેવા ના હોવી જોઈએ. તમે ઘરમાં નવું ફર્નિચર ખરીદો, મોંઘી ગાડી ખરીદો, તમારી પાસે પૈસા છે તો તમે તેનો ઉપયોગ તમારી સગવડો અને સ્ટેટસ વધારવા માટે કરી શકો છો.

શું દેખાડશો

* તમારી સારી લાઈફસ્ટાઈલ અને સ્ટેટસ દેખાડો.

* જો તમારી પાસે પૈસા હોય તો પૈસા દેખાડો.

* ફિગર અને પર્સનાલિટી સારી હોય તો દેખાડો.

* જો તમે ગુસ્સાવાળો સ્વભાવ અને કડક મિજાજના હો તો તમારો રોફ દેખાડો. 

* તમે ઇચ્છો તો દરેક વાતમાં તમારી સ્ટાઈલ અને અદાઓ પણ દેખાડી શકો છો.

નવો મોબાઈલ લો ત્યારે...

સ્ટાઈલ : તમારા નવા મોબાઈલમાં એલાર્મ સેટ કરો, જે લંચ ટાઈમમાં એક સારી ટયૂનની સાથે વાગે ત્યારે તમારો કોઈ ને કોઈ મિત્ર આ વિશે તમને પૂછી જ લેશે.

નવો ડ્રેસ લો ત્યારે...

સ્ટાઈલ : નવો ડ્રેસ પહેરીને ફંકશનમાં જાઓ અને કોઈ ને કોઈ બહાને વાતોમાં ને વાતોમાં તમારા મિત્રને કહી દો કે તમે નવો ડ્રેસ પહેર્યો છે. ન્યૂ પિંચ કરે ત્યારે એટલા જોરથી બૂમો પાડો કે આજુબાજુ ઊભેલા લોકોને પણ તેના વિશે ખબર પડી જાય.

નવી કાર લો ત્યારે...

સ્ટાઈલ : તમે તમારી કોલોનીમાં કારને ઝડપથી પણ સાચવીને લાવતી વખતે જોરથી હોર્ન વગાડો, ત્યારે લોકો ઇચ્છે કે ના ઇચ્છે એક વાર તેમની નજર તમારી કાર પર પડશે જ.

રજાના દિવસે કારને તમે બહાર કાઢી સાફ કરવાને બહાને કલાકો કાઢી શકો છો.

ફેશન દેખાડો

સ્ટાઈલ : શોર્ટ ટાઈટ જીન્સની સાથે ઝભ્ભા જેવું ટોપ પહેરો, બન્ને પગમાં જુદા જુદા રંગનાં મોજાં હોય, ટી શર્ટની એક બાંય ફુલ અને એક શોર્ટ હોય, બન્ને કાનમાં જુદી જુદી ડિઝાઈનની બુટ્ટી હોય, જીન્સ ઘણી જગ્યાએ ફાટેલું અથવા ઘસાયેલું હોય. શોર્ટ સ્કર્ટ અને ફીટ ટોપ પહેર્યું હોય, અવાજવાળા હાઈ હીલ્સ પહેર્યાં હોય તો સમૂહમાં પણ લોકોની નજર તમારા પર જરૂર પડશે અને તમને જોઈને એક વાર તો તે પરેશાન થઈ જશે અને પછી પોતાની સાથેના લોકોને કહેશે કે કાંઈક વધારે પડતી સ્ટાઈલ બતાવે છે અને કદાચ તમે એવું જ તો સાંભળવા ઇચ્છતા હતા.

પૈસો બતાવવા માટે

સ્ટાઈલ : તમાર હાથમાં સોનાની મોટી મોટી અનેક રિંગ પહેરો. ગળામાં ચેન, મોંઘાં કપડાં, મોંઘી ગાડીમાં કોલેજ અથવા 

ોફિસમાં ડ્રાઈવર લઈ જાય અને મૂકી જાય. પોતાના મકાનને ભવ્ય દેખાડવા માટે વધારે ને વધારે પૈસા ખર્ચવા અને હનીમૂન અને ફરવા માટે વિદેશ જવાનું. જો તમે આ બધું કરો છો તો લોકોને તમારે એ બતાવવાની જરૂર નથી કે તમે પૈસાવાળા છો, પરંતુ તમને જોઈને જ સમજી જશે.

ઇન્ટેલિજેન્સી દેખાડવી હોય

સ્ટાઈલ : ક્યાંય પણ કોઈ ગંભીર વિષય પર ચર્ચા થઈ રહી હોય તો તમે ટાઈમ બગાડયા વિના ત્યાં પહોંચી જાઓ અને તે વિષય સંબંધિત બધી જરૂરી અને આશ્ચર્ય પમાડે તેવી જાણકારી લોકોને આપો જેથી તે તમારી વાત માનવા લાગશે. તમારો કોઈ મિત્ર મુશ્કેલીમાં ફસાયો હોય તો તમારી બુદ્ધિથી વિચારીને કોઈ એવી યુક્તિ બતાવો કે મુશ્કેલીનો થોડી ક્ષણોમાં જ ઉકેલ આવી જાય. તેનાથી જ્યારે પણ કોઈ વાત બગડશે ત્યારે તે તમને જરૂર યાદ કરશે.

તમારો રોફ દેખાડવા માટે

સ્ટાઈલ : તમે લોકોથી એક અંતર રાખીને ચાલો. તેમની સાથે વધારે હળવુંમળવું નહીં અને કોઈ મજાકમશ્કરીમાં થોડું હસીને અટકી જશો તો લોકો તમને બહુ કડક ગુસ્સાવાળા સમજશે. બહુ ઓછું બોલવું અને નાની નાની વાતમાં નારાજ થવું એ તમારા નેચરને વધારે કડક બનાવશે. ઓફિસમાં પટાવાળા અને ઘરમાં બાળકો પર રોફ છાંટવાથી શરૂઆત કરી શકો છો. 

દેખાડાના ફાયદો

* જે લોકો તમને નીચા દેખાડવાનું નથી ચૂકતા તેમને સારી શિખામણ મળશે.

* લોકોને દેખાડવાથી તે વસ્તુમાં કોઈ ઊણપ હશે તો તમને તરત જ ખબર પડી જશે.

* તમારી વસ્તુ સારી હોય તો લોકો તમારાં વખાણ કરશે અને તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

* સોસાયટીમાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે તમારે બીજાથી થોડા અલગ દેખાવું જરૂરી છે.

* પોતાનું સ્ટેટસ સિમ્બોલ બતાવવા માટે પણ આપણે ઘણું બધું કરી શકીએ છીએ.

ના દેખાડવામાં નુકસાન

* જો તમે તમારી વસ્તુઓ છુપાવીને રાખશો અને કોઈને નહીં બતાવો તો લોકો તમને અભિમાની સમજશે.

* તમારું કોઈ સોશિયલ સર્કલ નહીં બની શકે, કારણ કે સોશિયલ લાઈફમાં મોટા ભાગની વાતો નવી લીધેલી વસ્તુઓની બાબતમાં જ થતી હોય છે.

* તમે નવી વસ્તુઓ વિશે જાણી નહીં શકો.

* જ્યારે કોઈ તમારી વસ્તુને જોશે જ નહીં તો તમારી પાસે વસ્તુઓ હોય કે ના હોય તેથી શું ફેર પડવાનો છે?

* તમારી પર્સનાલિટી ઇમ્પ્રૂવ નહીં થઈ શકે.

* તમારી વસ્તુને લોકો જોશે જ નહીં તો વખાણ પણ નહીં કરે. તેનાથી તમને નવી વસ્તુઓ લેવાનો ઉત્સાહ નહીં રહે.