Get The App

ગ્રીષ્મમાં શી રીતે કરશો ત્વચાની કાળજી .

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
ગ્રીષ્મમાં શી રીતે કરશો ત્વચાની કાળજી                                  . 1 - image

- સનટેન અને પરસેવાની ચીકાશ દૂર કરવા અજમાવો સરળ ઉપાય

ઉનાળાની ગરમી શરૂ થતાં શુષ્ક અને ફાટેલી ત્વચાની સમસ્યા ભલે દૂર થઇ જાય. પણ સૂરજના ધોમધખતા તાપ સાથે ત્વચાની દાઝી જવાની મુશ્કેલી શરૂ થઇ જાય તેનું શું? વળી પરસેવાને કારણે ત્વચા ચીકણી લાગે. જ્યારે તૈલીય ત્વચા ધરાવતી  માનુનીઓનું મોઢું તો ખરેખરું તેલ ચોપડયું હોય એવું થઇ જાય. નિષ્ણાતો ગ્રીષ્મમાં ત્વચાની કાળજી શી રીતે લેવી તેની સલાહ આપતાં કહે છે કે આ સિઝનમાં સનસ્ક્રીન લોશન અચૂક લગાવો. ઘરથી બહાર નીકળવાના હો તેનાથી પંદરેક મિનિટ પહેલાં સનસ્ક્રીન લોશન લગાવી લો. એટલું જ નહીં, ઘરમાં હો ત્યારે પણ સનસ્ક્રીન લોશન લગાવી રાખો જેથી ગરમ હવાને કારણે તમારી ત્વચાને નુકસાન ન પહોંચે. આ ઋતુમાં દિવસમાં ત્રણથી ચાર વખત સનસ્ક્રીન લોશન  એપ્લાય કરો.

મેકઅપ કરતી વખતે ત્વચા પર સૌથી પહેલા મોઇશ્ચરાઇઝર લગાવો. ત્યાર બાદ સનસ્ક્રીન લોશન લગાવીને પછી મેકઅપ કરો.

ઉનાળામાં પરસેવો થવાથી ત્વચા પર ગંદકી જલદી જામી જાય છે. વળી આ દિવસોમાં ત્વચા તૈલીય થઇ જતી હોવાથી ખીલ થવાનો ભય પણ રહે છે. આ પરિસ્થિતિ ઊભી ન થાય એટલા માટે પહેલેથી જ યોગ્ય ક્લિન્ઝિંગનો ઉપયોગ કરો. રોજ રાત્રે સુતી વખતે ચહેરાને ક્લિન્ઝિંગ મિલ્કથી સ્વચ્છ કરીને પછી મોઇશ્ચરાઇઝર લગાવી દો. ચામડીને ટોન કરવા ગુલાબ જળ લગાવો.

ત્વચાને સ્વચ્છ રાખવા બદામના પાવડર, જવના લોટ અને ગુલાબજળ મિશ્રિત પેસ્ટનો ઉપયોગ પણ કરી શકાય.

ચહેરો દિવસમાં ત્રણેક વખત સોફ્ટ ફેસવોશથી ધુઓ. તેનાથી ત્વચા શુષ્ક નહીં બને. હા, ચહેરો ધોવા સાબુનો ઉપયોગ બિલકુલ ન કરો.

તેવી જ રીતે ત્વચાને સુંવાળી બનાવી રાખવા માટે હર્બલ મોઇશ્ચરાઇઝર ફાયદાકારક પુરવાર થાય છે. એલોવેરા, આમળા, હળદરયુક્ત મોઇશ્ચરાઇઝર આ સિઝન માટે ઉપયુક્ત ગણાશે.

રાત્રે સુતી વખતે ત્વચાનું નવનિર્માણ થાય છે. તેથી રાત્રે સુવા જવાથી પહેલા બદામ  અને મધ ધરાવતી નાઇટક્રીમ લગાવવાથી ત્વચા સુંદર બને છે.

અઠવાડિયામાં એક વખત સ્ક્રબ કરવાથી ચામડી પરના મૃત કોષો દૂર થઇ જાય છે અને ચહેરો સ્વચ્છ બને છે.

ઉનાળામાં વારંવાર પરસેવો થતો હોવાથી ચહેરા પર પાણીની છાલક  મારતા રહેવાથી પરસેવાની ચીકાશ દૂર થાય છે અને તાજગીનો અનુભવ થાય છે. વળી ચીકાશ દૂર થવાથી ચામડી પણ સારી રીતે શ્વાસ લઇ શકે છે. આ સિવાય ત્વચાને તાજી રાખવા ફ્રુટ ફેશિયલ બેસ્ટ ગણાશે. ચામડીને ઠંડક આપે એવા  કાકડી, ગુલાબજળ, ચંદન, મુલતાની માટી, કપૂર, લીમડાના પાનના ફેસ પેક પણ લગાવી શકાય.

સ્નાન કરતી વખતે પાણીમાં લીંબુનો રસ અથવા ગુલાબની પાંખડીઓ નાખો. નાહી લીધા પછી તાજગી અનુભવાશે અને તે લાંબા સમય સુધી ટકી રહેશે.

રાત્રે સુતી વખતે હોઠ પર બદામનું તેલ લગાવવાથી અધર નરમ-મુલાયમ રહે છે અને તેની કાળાશ પણ દૂર થાય છે.

ઘરથી બહાર જતી વખતે ચહેરા અને હાથ પર સનસ્ક્રીન લોશન લગાવો. તેવી જ રીતે ડિઓનો ઉપયોગ પણ કરો. તેનાથી તાજગી અનુભવાશે અને પરસેવાની ગંધ પણ નહીં આવે. આ ઉપરાંત તડકાથી આંખોને સુરક્ષા આપવા ગોગલ્સ પહેરવાનું ન ભૂલો.

ગરમી અને તાપને કારણે નેત્રદહન થતું હોય તો આંખો પર ફ્રીઝનું ઠંડુ પાણી છાંટો. આ સિવાય રૂના પુમડાને ગુલાબજળમાં બોળી તે નેણ પર દસેક મિનિટ મુકવાથી પણ રાહત થાય છે.

જો તડકાને લીધે ત્વચા કાળી પડી ગઇ હોય (સનટેન) તો કાકડીના રસમાં એટલો જ લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવો. વીસ મિનિટ પછી  મોઢુ ઠંડા પાણીથી  ધોઇ લો. તેવી જ રીતે હાથ  અને ગરદનનું સનટેન દૂર કરવા દહીંમાં એક ચપટી હળદર નાખીને તેનું મિશ્રણ લગાવો. અડધા કલાક પછી ધોઇ નાખો. આ સિવાય સૂર્યમુખીના તેલમાં લીંબુનો રસ અને સાકર નાખી તેનું મિશ્રણ હાથ પર લગાવવાથી પણ સનટેન દૂર થાય છે. જ્યારે પગની તડકાથી કાળી પડી ગયેલી ત્વચાને સામાન્ય બનાવવા પાણીમાં લીંબુ નાખો અને પગને તેમાં થોડીવાર ડૂબાડી રાખો.  આ પ્રયોગથી માત્ર સનટેન દૂર નહીં થાય, પરંતુ થાક પણ ઉતરી જશે.

કાળા પડી ગયેલા ચહેરા પર છાશ, દૂધ  અને મધનું  મિશ્રણ, એલોવેરા જેલ, એલોવેરાયુક્ત લોશન પણ કામ  આવે છે.

ગ્રીષ્મ ઋતુમાં વાળની સંભાળ રાખવા નિષ્ણાતો કહે છે કે એકાંતરે વાળને શેમ્પૂ કરીને કંડિશનર લગાવો. આ દિવસોમાં ગરમીને કારણે પરસેવો થવાથી માથું ચીકણું લાગે છે, તોય વાળમાં તેલ લગાવવાનું બંધ ન કરો. સ્નાન કરવાથી અડધોથી એક કલાક પહેલા નાળિયેર અથવા જૈતુનના હુંફાળા તેલથી મસાજ કર્યા પછી શેમ્પૂ કરો.

જો વાળમાં ખોડો હોય તો લીંબુનો રસ લગાવવાથી ખોડામાંથી છૂટકારો મળશે અને કેશ કંડિશન થશે તે છોગામાં.

ઉનાળામાં વાળમાં મહેંદી લગાવવાથી માથાને ટાઢક મળે છે અને કેશ સુંવાળા  થાય છે. તેવી જ રીતે હેર સિરમનો ઉપયોગ કરવાથી વાળમાં ચમક આવે છે.

આ દિવસોમાં કેશ ખુલ્લા રાખવાને બદલે પોની બાંધી દો. અથવા એકદમ શોર્ટ હેરકટ કરાવો. તડકામાં બહાર જતી વખતે  માથા પર સ્કાર્ફ બાંધો.