વિવિધ પ્રકારની સૌંદર્ય પ્રક્રિયાઓમાં આઈબ્રોઝ પછીના ક્રમાંકે વેક્સિંગ આવે. સાવ સીધીસાદી યુવતીઓ પણ ઝાઝાં નખરાં ન કરે તોય આઈબ્રોઝ અને વેક્સિંગ ચોક્કસ કરાવે. બ્યુટીકેરની દુનિયામાં અણગમતા વાળ દૂર કરવા માટેની કેેટલીક જાણીતી પ્રક્રિયાઓમાંથી વેક્સિંગ સૌથી સોંઘી અને સરળ પધ્ધતિ ગણાય છે. વેક્સિંગ કરાવ્યા પછી જે તે ભાગની ત્વચા એકદમ સ્વચ્છ અને લિસ્સી દેખાય છે. પરંતુ આ પ્રક્રિયા હાથ ધર્યા પછી ઘણી રમણીઓને ત્વચા પર નાની નાની ફોલ્લીઓ આવી જવી કે લાલ ચકામા ઉપસી આવવા જેવી સમસ્યાઓ ે સર્જાય છે. પરંતુ વેક્સિંગ થઈ ગયા પછી કેટલીક કાળજી લેવાથી આવી સમસ્યાઓમાંથી બચી શકાય છે. એટલું જ નહીં, તમારી ત્વચા પર ખંજવાળ આવવાની કે ચેપ લાગવાની ભીતિ પણ નહીં રહે. ત્વચા નિષ્ણાત ો તેની જાણકારી આપતાં કહે છે....
- મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો : વેક્સિંગ કરાવી લીધાં પછી જે તે ભાગમાં તરત જ મોઈશ્ચરાઈઝર લગાવો. જ્યારે એમ લાગે કે મોઈશ્ચરાઈઝર લૂછાઈ ગયું છે ત્યારે ફરીથી લગાવો. કહેવાનો અર્થ એ છે કે જે દિવસે વેક્સિંગ કરાવો તે દિવસે જે તે ભાગમાં આખો વખત મોઈશ્ચરાઈજર લગાવી રાખવાથી ત્વચા સુંવાળી રહેશે.
-બોડી સ્ક્રબનો કરિશ્મા : બોડી સ્ક્રબનો ઉપયોગ કરવાથી ત્વચા પર રહેલા મૃત કોષો દૂર થાય છે અને ચામડી સુંવાળી-સુંદર લાગે છે. વેક્સિંગ કરાવ્યા પછી ત્વચા પર આવી ગયેલા મૃત કોષો દૂર કરવા તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ બોડી સ્ક્રબ વડે હળવે હાથે વેક્સ કરાયેલા વિસ્તાર પરના મૃત કોષો દૂર કરો. તમે ચાહો તો ઘરમાં બનાવેલું બોડી સ્ક્રબ ઉપયોગમાં લો. અથવા બજારમાં મળતા સારી ગુણવત્તાના બોડી સ્ક્રબ વડે ત્વચા એક્સફોલિએટ કરો.
- એલોવેરા જેલ લગાવો : એલોવેરા જેલ ત્વચા પરની દાહ-બળતરા-ચીરા- ફોલ્લીઓ દૂર કરવાના અસરકારક ગુણો ધરાવે છે. તેથી વેક્સિંગ કરાવેલા વિસ્તારમાં ત્વચા પર એલોવેરા જેલ લગાવવાથી ત્વચા રાતી થઈ જવાની કે ફોલ્લીઓ આવવાની સંભાવના નહીંવત્ બને છે. એલોવેરાનું એક પાન લઈને તેની આસપાસનો કાંટા જેવો હિસ્સો કાપીને કાઢી નાખો. ત્યાર પછી તેને વચ્ચેથી ચીરીને તેની અંદર રહેલી જેલ કાઢીને ત્વચા પર લગાવો. થોડીવાર પછી તે સાદા પાણી વડે ધોઈને દૂર કરો.
- આઈસ ક્યુબ લગાવો : વેક્સ કરાવેલી ત્વચા પર આઈસ ક્યુબ ઘસવાથી તરત જ ટાઢકનો અનુભવ થાય છે. જેમની ત્વચા સંવેદનશીલ હોય તેમના માટે આ પ્રયોગ અત્યંત કારગર નીવડે છે. બરફ ઘસવાથી વેક્સ કરેલી ત્વચા રાતી થઈ જાવની ભીતિ નથી રહેતી.
- ગરમ પાણીનો ઉપયોગ ટાળો : વેક્સિંગ કરાવ્યા પછી જે તે ભાગ માત્ર સાદા પાણીથી ધૂઓ. ભૂલેચૂકે પણ ગરમ પાણીથી વેક્સિંગ કરેલી ત્વચા ન ધૂઓ. વેક્સિંગ કરાવ્યા પછી તરત જ ત્વચા પર ગરમ પાણી નાખવાથી એ ભાગ પર રતાશ કે ફોલ્લીઓ આવી જવાની શક્યતા રહે છે.
- દૂધ લગાવો : દૂધમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ્સ ત્વચાને ટાઢક આપે છે. વેક્સિંગ કરાવ્યા પછી જે તે ભાગમાં ટાઢું દૂૅધ લગાવો. એક બાઉલમાં ફ્રીઝમાં રાખેલું ઠંડુ દૂધ લો. તેમાં રૂનું પૂમડું બોળીને વેક્સ કરાવેલા હિસ્સામાં થપથપાવો. આ પ્રક્રિયા દસેક મિનિટ જારી રાખો.
- ખુલતાં સુતરાઉ વસ્ત્રે પહેરો : ચુસ્ત તેમ જ સિન્થેટિક પોશાક ચામડી પર અકળામણ પેદા કરશે.
- જયના


