જે માનુનીઓના વાળ જન્મજાત વાંકડિયા હોય તેમને લિસ્સાં-સુંવાળા કેશ ધરાવતી મહિલાઓની ઇર્ષ્યા આવે. તેમને એમ લાગે કે તેઓ કેટલી આસાનીથી પોતાના વાળની જાળવણી કરી શકે છે. તેમના વાળમાં ગૂંચ થતી જ નથી. કાંસકો ફેરવો એટલે વાળ ઓળાઇ જાય. જ્યારે અમે તો સૂઇને ઉઠીએ ત્યારે અમારા વાળ કેટલા બધા ગૂંચવાઇ ગયા હોય છે. તેમની આ વાતમાં તથ્ય પણ છે. વાંકડિયા વાળની સારસંભાળ લેવી સહેલી નથી.જોકે હવે ઘણી યુવતીઓ કંગના રણૌત જેવી અદાકારાઓને જોઇને પોતાના લિસ્સાં વાળ પણ વાંકડિયા કરાવવા લાગી છે એ વાત જુદી છે. પરંતુ આપણે અહીં એ વાતનો વિચાર કરીશું કે વાંકડિયા વાળમાં સૂવું કેવી રીતે? કઇ રીતે સૂવાથી વાળ ઓછા ગૂંચવાય અને તેના કર્લ્સને પણ જાળવી રાખી શકાય.સૌંદર્ય નિષ્ણાતો તત્સંબંધી જાણકારી આપતાં કહે છે....,
સૌથી પહેલા તો તમે કઇ રીતે સૂઓ છો તે વાંકડિયા વાળની સારસંભાળ માટે મહત્વનું છે. જો તમે પડખાભેર કે ઊંધા સૂઓ છો તો તમારા કેશ ગૂંચવાઇ જવાની શક્યતા આપોઆપ ઓછી થઇ જાય છે. પરંતુ જો તમને કોઇ એક પડખે જ સૂવાની ટેવ હોય તો એ તરફના વાળના કર્લ્સ સીધાં થઇ જવાની ભીતિ રહે છે. તેથી કોઇ એક જ પડખે સુવાની ટેવ ન રાખવી. રાત્રે પડખાં બદલતા રહેવું.અલબત્ત,તે વખતે જો તમે તમારા હાથ વડે વાળને એકઠા કરીને એકબાજુએ નહીં કરો તો તેમાં ગૂંચ થઇ જશે.
નિષ્ણાતો વાંકડિયા વાળ ધરાવતી માનુનીઓને એકદમ ઢીલો અંબોડો વાળવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે આવા વાળને સારી રીતે જાળવવાનો આ સૌથી સહેલો ઉપાય છે.રાત્રે સુતી વખતે તમારા વાળનોે ઊંચી પોનીટેલ વાળતા એટલો ઊંચો અને સાવ ઢીલો અંબોડો વાળી લો. આમ કરવાથી તમારા વાળ ગૂંચવાશે કે ખેંચાશે નહીં.
તમે ચાહો તો તમારા વાળને તમારા ટી-શર્ટ વડે પણ બાંધી શકો છો. તેને માટે ટી-શર્ટનો નીચેનો હિસ્સો તમારી ગરદન તરફના વાળ સાથે પીન-અપ કરી લો. હવે તેની બાંય વડે બધા વાળ બાંધી લો.તેનાથી વાળમાં ગૂંચ નહીં પડે.અથવા ટી-શર્ટ પહેરીને પછી તે ઉતારો,ઉતારતી વખતે તેને માથાથી બહાર ન કાઢો.આમ કરવાથી ટી-શર્ટ ગરદનથી લઇને કપાળ સુધીનો ભાગ કવર કરી લેશે અને તમારા વાળ તેની અંદર રહેશે તેથી ગૂંચવાશે નહીં.તમે ચાહો તો આમ કરવાથી પહેલા વાળને ઊંચી પોનીટેલની જેમ રૂમાલની સાવ ઢીલી ગાંઠ મારીને બાંધી દો.
રાત્રે સુતી વખતે વાંકડિયા વાળને ગૂંચવાતા બચાવવા અને તેની કર્લ્સ જાળવી રાખવા હેડસ્કાર્ફ સૌથી સારું કામ આપે છે.તેથી હેડસ્કાર્ફ પહેરીને સૂઓ.
આવા કેશ ધરાવતી મહિલાઓએ સિલ્ક અથવા સાટિન ફેબ્રિકની ઓશિકાની ખોળનો ઉપયોગ કરવો. આવા પિલો કવરમાં વાંકડિયા વાળ ચોંટી નહીં જાય. વળી આવા મટિરિયલની ઓશિકાની ખોળને કારણે પડખું ફરતી વખતે વાળ સેહેલાઇથી સરકી જશે તેથી ગૂૂંચવાશે અને તૂટશે પણ ઓછા.
- વૈશાલી ઠક્કર


