Get The App

કેટલી સુરક્ષિત છે મહિલાઓ 'પોતાના' જ ઘરમાં...

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
કેટલી સુરક્ષિત છે મહિલાઓ 'પોતાના' જ ઘરમાં... 1 - image

- હારીને જીવન ટૂંકાવી દેવું એ નરી કાયરતા છે. મારઝૂડનો મક્કમતાથી સામનો કરો. કાયદો અને મહિલા આયોગ તમારી સાથે છે...

થોડા સમય પહેલાં સરોજ નામની એક સ્ત્રીએ પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી.

તેને લગ્ન કર્યાને માત્ર એક વર્ષ થયું હતું. તેના પિતાએ દહેજમાં તેને ઘણું બધું આપ્યું હતું. આત્મહત્યા કરતાં પહેલાં સરોજે પત્રમાં લખ્યું હતું કે, તેને તેના પતિ તરફથી કોઈ ફરિયાદ નથી. તેની સાસુ અને જેઠાણીએ મળીને તેનું જીવવાનું મુશ્કેલ કર્યું હતું. તે તેમના તરફથી કરાતી સતામણી વધુ સહન કરી શકે તેમ નથી, આ કારણસર તે આત્મહત્યા કરી રહી છે.

૨૭ જુલાઈ, ૨૦૦૭ ના રોજ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં મીના નામની એક સ્ત્રીએ તેના ૫ વરસના, ૩ વરસના પુત્રો અને ૧૦ મહિનાની બાળકી સાથે શરીર પર કેરોસીન છાંટી, બળીને આત્મહત્યા કરી હતી. પુત્રીના મૃત્યુના સમાચાર સાંભળી હાંફળાફાંફળા ચેન્નઈથી આવેલા મીનાના પિતાનું કહેવું હતું કે મીનાના સાસરીવાળા લગ્નનાં આટલાં વર્ષો પછી પણ પૈસાની માગણી કરતા રહ્યા, જેને તેઓ શક્ય હોય ત્યાં સુધી પૂરી પણ કરતા રહ્યા. હજુ થોડા દિવસ પહેલાં પણ તેમણે પૈસાની માગણી કરી હતી. જે તેમનાથી પૂરી થઈ શકે તેમ નહોતી અને એનું પરિણામ સૌની સામે છે.

આજકાલ આ પ્રકારના સમાચારો  અખબારોમાં આવતા રહે છે. એક યુવતી જ્યારે લગ્ન થાય ત્યારે તેનાં માતાપિતાનું ઘર છોડી તેની સાસરીમાં એક વિશ્વાસ સાથે પગ મૂકે છે કે તે હવે તેનું જ ઘર છે, જ્યાં તેણે તેનું આખું જીવન વિતાવવાનું છે. અહીં બધાં તેના પોતાનાં છે, જે તેને ઘણો પ્રેમ આપશે, આદર આપશે અને દરેક જરૂરિયાતોનો ખ્યાલ રાખશે. બદલામાં તે પણ સૌને ભરપૂર પ્રેમ અને આદર આપશે, પરંતુ થોડા દિવસોમાં તેનું આ સપનું તૂટી પડે છે, જ્યારે તેનો જીવનસાથી અર્થાત તેનો પતિ જ નહીં, તેની સાસુ અને નણંદ ક્યારેક દહેજ માટે તો ક્યારેક ઘરની નાનીનાની વાતોને મોટું સ્વરૂપ આપી તેને મહેણાં મારી તેને હેરાન કરવાનું શરૂ કરે છે.

સગાં દ્વારા હેરાનગતિ

તે ઘણી લગન અને મહેનતથી રસોઈ બનાવે છે, છતાં પણ જાણે કેમ ક્યારેક મીઠું વધુ પડી જાય છે તો ક્યારેક તીખું બની જાય છે. ધોયેલાં કપડાં પર કોણ જાણે ડાઘ કેવી રીતે પડે છે? ઘરમાં આખો દિવસ ક્લેશ થાય છે અને તે એકલી સહન કરે છે. ઓફિસથી થાકીને આવેલા પતિને શા માટે હેરાન કરવા? એવું તે વિચારે છે, એટલે કશું કહેતી નથી, પરંતુ ઘરમાં પગ મૂકતાં જ પતિ વરસી પડે છે કે પત્નીએ તેની  મા અને બહેનને ગમે તેમ શા માટે કહ્યું?

આ રીતે આખા ઘરમાં છાની રીતે ષડ્યંત્ર તેની વિરુદ્ધ રચાતું રહે છે, પરંતુ તે એટલી ભોળી છે કે આ ષડ્યંત્રનો ભેદ પામવા માટે અસમર્થ હોય છે. ધીરેધીરે જેમજેમ બધું તૂટીને વિખરાવા લાગે છે ત્યારે તેને અનુભવાય છે કે મુઠ્ઠીમાંથી રેતી સરકે તેમ બધું સરકી રહ્યું છે. પતિથી અંતર વધતું જાય છે. સાસુ-સસરા, નણંદ, જેઠાણી, જેઠ, દિયર વગેરે તેને મહેણાં મારી ગુસ્સો કરે છે. ક્યારેક પતિ તરફથી પણ મારઝૂડ થાય છે.

જાતીય શોષણ

પત્નીની ઈચ્છા કે સંમતિની પરવા કર્યા વિના પતિ દ્વારા શારીરિક સંબંધ સ્થાપિત કરાય છે તે જાતીય શોષણ કહેવાય છે. જે કાયદાની નજરમાં ગુનો પણ છે. મોટા ભાગે નશામાં પુરુષ આ પ્રકારના ગુના કરે છે. દારૂના નશામાં પત્નીનું જાતીય શોષણ કરે છે, અને મારઝૂડ પણ કરે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં પતિના પરિવારના સભ્યો દ્વારા જાતીય શોષણની ઘણી ઘટના બહાર આવી છે. ઘરમાં પુરુષ અર્થાત દિયર, જેઠ, સસરો પણ નવી પરણેલી વહુનું શારીરિક શોષણ કરે છે. કેટલીક ઘટનામાં તો આ પ્રકારના ષડ્યંત્રમાં પતિ પણ સામેલ હોય છે. પોતાની બઢતી માટે તે પત્નીને પોતાના બોસની પાસે જવા માટે લાચાર કરે છે.

એક સમય હતો જ્યારે આપણે ત્યાં સ્ત્રીઓની પૂજા કરાતી હતી. ઘરગૃહસ્થીનો સંપૂર્ણ અધિકાર તેના હાથમાં હતો અને તે તેના ઘરની રાણી કહેવાતી હતી, પરંતુ આજે આપણા સમાજમાં સ્ત્રીઓને તેના પોતાના જ પરિવારના હાથે હેરાનગતિ સાથે અપમાન ભોગવવું પડે છે, સાથે તેનું શોષણ પણ કરાય છે.

દહેજ માંગવું એ એક સામાજિક ગુનો છે, પરંતુ આજે પણ આપણા સમાજમાં એવા લોકો ઓછા નથી, જે ખુલ્લાં ખુલ્લા દહેજ માંગે છે અને ન મળે તો નવવધૂને હેરાનપરેશાન કરવાનું શરૂ કરે છે. માબાપ તેમની પુત્રીને તેમની હેસિયત કરતાં વધુ આપવાનો પ્રયાસ કરે છે. આ સ્થિતિમાં સાસરી તરફથી લગ્ન સમયે અથવા તો લગ્ન પછી તરત કોઈ માગણી કરાય છે ત્યારે તેઓ તેને પૂરી કરવા અસમર્થ હોય છે. ત્યારે નવવધૂ ગુસ્સાનો ભોગ બને છે. તે તેનાં માબાપની હેસિયત જાણતી હોય છે એટલે તે તેમને કહીને દુ:ખી કે ચિંતાગ્રસ્ત કરવા ઈચ્છતી નથી. તે મૂંગામૂંગા બધું સહન કરતી રહે છે જેનાથી આ વાત ઘરની ચાર દીવાલોની વચ્ચે જ રહે.પાડોશીઓ સામે નકામો તમાશો ન બની રહે.તે એ પણ જાણતી હોય છે કે જો વાત વધી જશે તો ચોક્કસ તેના માબાપ સુધી પહોંચી જ જશે.

સ્ત્રીઓને આ દ્વિધામાંથી બચાવવા માટે અને દહેજની લેવડદેવડને રોકવા માટે ભારત સરકારે વિશેષ 'દહેજ અધિનિયમ' બનાવ્યો છે, જે અનુસાર દહેજ લેવું અને આપવું એ બંને ગુનો છે, જેના માટે આકરી સજાની જોગવાઈ છે. ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮ 'એ' મુજબ પતિ અથવા તેનાં સગાં દ્વારા દહેજની માગણી કરવી અને માગણી પૂરી ન થવા પર જો તેનાં સગાંસંબંધી તેને હેરાનપરેશાન કરે  તો તે ગુના બદલ તેમને સખત દંડ કરવાની જોગવાઈ છે.

દહેજ માટે હેરાન કરવી એ સિવાય ભારતમાં સ્ત્રીઓ સાથે ઘરેલું હિંસા સામાન્ય બની રહી છે. વહુ આવતાં જ કામવાળી, નોકરોને હટાવી, કામકાજની તમામ જવાબદારી નવવધૂના માથે નાખી દેવાય છે. જે આવું કરે છે, તેઓ એ નથી જાણતા કે સ્ત્રીને કોઈપણ રીતે શારીરિક નુકસાન કરવું, તેમનાં સ્વાસ્થ્ય અને રક્ષણને જોખમમાં મૂકવું, તેનાં માનન્માનને આઘાત પહોંચાડવો અથવા માનસિક ત્રાસ આપવો તે કાયદાકીય રીતે ગુનો છે.

જો કોઈ સ્ત્રીને અથવા તો તેના પરિવારવાળાને દહેજ માટે તંગ કરાય છે અથવા ધમકી અપાય છે ત્યારે તેણે મોડું કર્યા વિના કાયદાનો આશરો લેવો જોઈએ. યા મારઝૂડની સૂચના તેના પરિવારવાળા અથવા તો કોઈ બીજી વ્યક્તિ દ્વારા પણ દાખલ કરાવી શકાય છે. જો પીડિત સ્ત્રી પોતાના પતિ અથવા તો પતિના પરિવારના કોઈ સભ્ય વિરુદ્ધ કોઈ નક્કર અપરાધની ફરિયાદ દાખલકરે છે ત્યારે તે ગુનાની સજા આકરી હોવાની સાથે સાથે બિનજામીન પાત્ર પણ હોય છે.

ઘરમાં થતી હિંસા વિરુદ્ધ કાયદો

 સ્ત્રીઓ વિરુદ્ધ વધતી જતી ઘરેલું હિંસા રોકવા માટે 'ઘરેલું હિંસા કાયદો' લાગુ કર્યો. આ સંબંધમાં એક નિયમ ઓગસ્ટ ૨૦૦૫માં જાહેર કરાયો હતો. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ સાથે તેને કાયદાનો દરજ્જો મળ્યો છતાં તેનો અમલ થયો નહીં. મહિલા સંગઠનોએ તેને તાત્કાલિક અમલમાં લાવવા માટે કરેલા અથાગ પ્રયાસોના ફળસ્વરૂપે તેનો ૨૦૦૬ ના નવેમ્બર મહિનામાં અમલ કરાયો. આ કાયદા હેઠળ પરિણીત સ્ત્રીઓ જ નહીં, લગ્ન કર્યાં વિના પુરુષની સાથે રહેતી મહિલાઓને પણ સાથી પુરુષની હિંસા સામે સુરક્ષા આપવામાં આવી છે. શરૂમાં પતિ દ્વારા અને સાથે રહેતા પુરુષ તથા તેનાં સગાં દ્વારા થતી હિંસામાંથી બચાવવાની વાત હતી, પરંતુ પછીથી પત્નીના પરિવારવાળા જેમકે મા, બહેન અને બીજી મહિલા સંબંધીઓને પણ આ કાયદા હેઠળ રક્ષણ આપવાનો નિર્ણય કરાયો.

શું કાયદો છે

'ઘરેલું હિંસા વિરોધી કાયદા' હેઠળ ઘરમાં રહેતી કોઈપણ સ્ત્રીનાં સ્વાસ્થ્ય તરફ ધ્યાન ન અપાય, રક્ષણ ન અપાય, તેના જીવન અને શરીરને કશું નુકસાન કે પીડા  અપાય, શારીરિક અથવા માનસિક ત્રાસ આપવો અથવા તેમ કરવાની ઈચ્છા કરવી, જાતીય પીડા આપવી, તેના ગૌરવ અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવી, ગાળો આપવી, રોફ કરવો, બાળકો અથવા પુત્ર ન થાય ત્યારે મહેણાં  મારવાં, અપમાનિત કરવી અથવા છૂટાછેડા આપવા માટેની ધમકી આપવી વગેરે ઘરેલું હિંસાના વર્તુળમાં આવશે, જે કાયદાની નજરે ગુનો છે, જેના માટે ગુનેગારને ૧ વર્ષની સજા અથવા ૨૦ હજાર રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.

સ્ત્રીઓ વિરુદ્ધ ઝડપથી વધતી જતી ઘરેલું હિંસાને નજરમાં રાખીને આ કાયદો કરાયો છે તેના દ્વારા સ્ત્રીને સુરક્ષિત વાતાવરણ મળી રહે એ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

સ્ત્રીની આર્થિક અને નાણાકીય જરૂરિયાત પૂરી નહીં કરવાનું પણ હિંસાના ધેરાવામાં આવશે. આ કાયદાની સૌથી મહત્ત્વની જોગવાઈ એ છે કે સ્ત્રી જે ઘરમાં રહે છે તે તેનું ઘર છે, તેને ત્યાંથી કોઈ બહાર કાઢી શકે નહીં.

આ કાયદામાં પીડિત સ્ત્રીની મદદને માટે એક સંરક્ષણ અધિકારી અને બીજી સરકારી સંગઠનની નિમણૂકની પણ જોગવાઈ છે. જે પીડિત સ્ત્રીની તબીબી તપાસ, કાયદાકીય મદદ, સુરક્ષા અને રહેવા માટેની છત આપવાની જોગવાઈ જેવા કામ પર નજર રાખશે.

આ ગુનાઓનું ઈન્ડિય પીનલ કોડની કલમ ૩૨,૩૩,૩૩-એમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં મોટા ભાગે એવા ગુનાની સૂચિ છે જે બિનજામીનપાત્ર છે. માત્ર પીડિતતા બયાનના આધારે કોર્ટ ગુનેગારને એ ધારા મુજબ સજા આપી શકે છે.

ઉપરોક્ત કાયદો સ્ત્રીઓની સુરક્ષા માટે બનાવાયો. જો તમે તમારા પરિવારવાળાની હિંસાના શિકાર છો તો આ સમસ્યાનો ઉકેલ આત્મહત્યા તો નથી જ. તમે તમારા પરિવારવાળા અને ભરોસાપાત્ર મિત્રોની મદદથી પોલીસમાં ફરિયાદ લખાવી શકો છો તથા મહિલા સંગઠનોની મદદથી ન્યાય મેળવી શકો છો. આ સંગઠન પીડિત સ્ત્રીઓની ફરિયાદ મળતાં જ તેમને તેમના અધિકારો અને સંરક્ષણ સંબંધિત નિયમો અને કાયદાની જાણકારી આપે છે. તેને જુદાજુદા પ્રકારની મદદ કરે છે, પરંતુ પહેલો અવાજ તો તમારે જ ઉઠાવવાનો રહે છે. તેના માટે તમારા અધિકારો જાણી લેવા જોઈએ અને તેના માટે લડત આપવાનું શીખી લેવું જોઈએ.