Get The App

મેડીકેટેડ માઉથવાશનો ઉપયોગ ખરેખર કેટલો જરૂરી?

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
મેડીકેટેડ માઉથવાશનો ઉપયોગ ખરેખર કેટલો જરૂરી? 1 - image


શરીરની તંદુરસ્તી અને આરોગ્યની બાબતે સભાન લોકો કંઈ પણ ખાધા પછી મોંઢું સાફ કરવા માઉથવાશથી કોગળા કરી લે છે.મોંને સ્વસ્થ રાખવા તેની સ્વચ્છતા (ઓરલ હાઈજીન)નું ધ્યાન રાખવું જરુરી છે.

શરીરનો સમતોલ વિકાસ,વૃદ્ધિ થાય તથા તે સશક્ત રહે એ માટે પૌષ્ટિક અને સંપૂર્ણ આહાર આવશ્યક છે.પોષક તત્વોવાળા ખાદ્યપદાર્થો મોં દ્વારા જઠર સુધી પહોંચે છે.

ખાદ્યપદાર્થોને ચાવીને તેના ટુકડા,ભૂકો કરવો, તે સુપાચ્ય બને અને સરળતાથી અન્નનળી દ્વારા હોજરીમાં જાય તે માટે તેમાં લાળરસ ભેળવવા જેવી મહત્વની પ્રક્રિયા મોંમાં દાંત,જીભ અને લાળગ્રંથિ દ્વારા થાય છે. આ  પ્રક્રિયા બરાબર  ન થાય  તો  ખોરાકની પૌષ્ટિકતાનો પૂરેપૂરો ફાયદો શરીરને થતો નથી.

આ જોતાં પાચન ક્રિયાની સૌ પ્રથમ અને અત્યંત મહત્ત્વની પ્રક્રિયા મોં દ્વારા થાય છે. અને એટલે જ તેનાં દાંત,પેઢાં, જીભ,લાળ ગ્રંથિ જેવાં અંગો સ્વચ્છ રહે,સ્વસ્થ રહે એ  આપણા આરોગ્ય માટે અનિવાર્ય છે.યાદ રહે કે સ્વચ્છતા અને સ્વસ્થતાને ખૂબ ગાઢ  સંબંધ છે.ખાતાં પહેલાં અને ખાધા પછી મોં સ્વચ્છ હોય એ જરુરી છે.આ સ્વચ્છતા ન હોય તો ખોરાકના કણ દાંતમાં ભરાઈ રહે છે. તેથી હાનિકારક બેક્ટેરિયા પેદા થાય.પેઢામાં સોજો,પાયોરિયા,દાંતમાં પોલાણ(કેવિટિ), સડો,ર્શ્વાસની દુર્ગંધ જેવી તકલીફો થઈ શકે છે.પૂરતી કાળજી ન લેવાય તો મોંની આ તકલીફોની હાનિકારક અસરો જડબું,ગળુ,  અને છેક પાચનતંત્રના અવયવો સુધી પ્રસરી  શકે છે અને એકંદર આરોગ્યને નુકસાન થાય છે.

આ કારણે દાંત,જીભ સહિત મોંની યોગ્ય  સફાઈ,કોગળા કરવા,ઓરલ હાઈજીન માટે આવશ્યક છે.   જમ્યા પછી મુખશુદ્ધિને નામે મુખવાસ લેવાની આપણી પરંપરાનો હેતુ પણ મોંની સ્વચ્છતાનો જ છે. ઓરલ  હાઈજીન માટે  ઘરગથ્થુ,આયુર્વેદિક તથા મેડિકેટેડ  માઉથવાશ જેવા  અનેક નુસખા  ઉપલબ્ધ છે.

આમાં માઉથવાશનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા કદાચ સૌથી વધુ હશે. ત્યારે  માઉથવાશનો ઉપયોગ કેટલો જરુરી પ્રર્શ્ન થાય અને એ દિશામાં સંશોધનો કરાય તે સ્વાભાવિક છે. જોકે, આવા અભ્યાસનાં  તારણો સાર્વત્રિક હોય,જે તે વર્ગનાં બધાં ઉત્પાદનોને અને બધા લોકોને લાગુ પડે એવું ન પણ હોય અને તેમ છતાં માર્ગદર્શક બની રહે  એ  ખાસ ધ્યાનમાં  રાખવા  જેવી  વાસ્તવિકતા છે. વયસ્ક લોકોને માઉથવાશના ઉપયોગથી થતા ફાયદા જાણવા થોડા વખત પહેલાં એક  સંશોધનાત્મક અભ્યાસ કરાયો હતો. તેનો  હેતુ માનવ આરોગ્યની  જાળવણીમાં માઉથવાશની ભૂમિકા કેટલી તે જાણવાનો તથા તે વિશે લોકોને માહિતગાર કરવાનો હતો.હકીકત એ છે કે પેઢાં અને દાંતની સ્વસ્થતા માટે માઉથવાશના ઉપયોગની અગત્યતા વિશેની અનેક ગેરસમજ સાથે લોકોમાં  યોગ્ય  જાણકારીનો  અભાવ   છે.

માઉથવાશની  ઉપયોગિતા  કેટલી  એનો નિર્ણય કરવામાં મહત્વનો મુદ્દો  ઓરલ હાઈજીન હોય છે એમ વિવિધ અભ્યાસમાં ભારપૂર્વક જણાવાયું છે.

માઉથવાશ એક પ્રકારનું રિન્સ(સાફ કરવાનું,ધોવા માટેનું)પ્રવાહી છે.પણ મોંની સ્વચ્છતા માટે રોજ બ્રશ કે ફ્લોશિંગ(રેશમી કે નાયલોન દોરાથી દાંતની વચ્ચે ભરાયેલા ખોરાકના કણ,છારી દૂર કરવાં તે)ને બદલે  તેનો ઉપયોગ ન કરાય.સામાન્યતથ ર્શ્વાસની દુર્ગંધ  દૂર  કરી  તેને  તાજપ  બક્ષવા માટે  માઉથવાશ યોગ્ય છે. જોકે, ખાસ  કરીને ફ્લોરાઈડ રિન્સિસ જેવાં માઉથવાશ છારી (પ્લેક)ના  બેક્ટેરિયા  કારણે  પેદા થતા એસિડ સામે દાંતનું રક્ષણ કરે છે.પેઢાંની તકલીફ કે ફંગલ ઈન્ફેકશન હોય તો શક્ય છે કે ડેન્ટિસ્ટ કોઈ ચોક્કસ માઉથવાશની ભલામણ કરે.

તરેહવારનાં માઉથવાશ ઉપલબ્ધ છે.જેમાંના  કેટલાંકમાં કેવિટિ થતી અટકાવતું ફ્લોરાઈડ  તો કેટલાંકમાં દાંત પર છારી ન બાઝે તે માટે  જર્મ્સ કિલિંગ  ધટકો  હોય  છે. અમુકમાં આલ્કોહોલ હોય છે, જે ગળી જવાય તો  જોખમરુપ  છે. અલબત,  કુંવારપાઠું (એલોવીરા)  અને   કેમોમાઈલ  જેવાં ધટકોવાળાં  નૈસગક  માઉથવાશ  પણ ઉપલબ્ધ છે.આવાં માઉથવાશ સંવેદનશીલ  (આળાં થઈ ગયેલાં)પેઢાં માટે  ઉપયુક્ત છે.  સંપૂર્ણ ઓરલ હાઈજીન માટે માઉથવાશ  ઉપયોગી છે એમ વિજ્ઞાાપનોમાં ભારપૂર્વક જણાવાય છે.પણ રોજિંદા બ્રશિંગ,ફ્લોસિંગ અને પ્રોફેશનલ ક્લિનીંગની સામે માઉથવાશ  બિનજરુરી  બની  રહે  છે. માઉથવાશ પ્રાથમિકપણે હળવી તકલીફોમાં ઉપયોગી  છે અને ર્શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. જ્યારે  બેક્ટેરિયારોધક માઉથવાશ છારી બાઝતી અટકાવે તે શક્ય છે.ઓરલ હાઈજીનને જાળવવા માગતા  અનેક  લોકો  માટે માઉથવાશનો વપરાશ એક આદત બની ગઇ  હોય છે. 

માઉથવાશથી થતા લાભ : 

૧) માઉથવાશ કેવિટિ થતી અટકાવી શકે છે.દાંતમાં સડો પેદા કરતા બેક્ટેરિયાનો તે નાશ કરે છે.માઉથવાશમાં ફ્લોરાઈડ હોય તો વધુ સારું કેમકે તેનાથી દાંતનું  ઈનેમલ

વધુ મજબૂત થાય છે અને કેવિટિ થતી  નથી.

૨) માઉથવાશ પેઢાંના સોજા તથા રોગોને અટકાવી પેઢાંને સ્વસ્થ રાખી શકે છે.

૩) માઉથવાશ દાંત પરના ડાઘ દૂર કરવામાં સહાયરુપ બની દાંતને ચમકદાર બનાવી શકે છે.

૩)  માઉથવાશ  બ્રેથ ફ્રેશનર્શ તરીકે અસર કરે છે.ર્શ્વાસની દુર્ગંધ દૂર થવા સાથે વ્યક્તિનો  આત્મવિશ્વાસ વધુ દ્રઢ થાય છે.

૪) માઉથવાશથી મોંઢામાંનાં અલ્સરમાં રાહત મળતી હોવાનું કહેવાય છે.આલ્કોહોલ ન હોય એવાં માઉથવાશ સોજો લાવી શકે તેવા બેક્ટેરિયાનો નાશ કરી  વેદના આપતાં અલ્સર ઝડપથી મટાડી શકે છે.

માઉથવાશના ઉપયોગની ગેરલાભ : 

૧)માઉથવાશથી મોંમાં બળતરા થઈ શકે છે. વધુ પ્રમાણમાં આલ્કોહોલ હોય એવાં માઉથવાશમાં બેક્ટેરિયારોધક ગુણ વધુ તીવ્ર  હોય છે.જેથી મોંની અંદરની માંસપેશીઓમાં બળતરા થાય છે.પરિણામે મોંનાં અલ્સર ઝટમટતાં નથી.

૨) માઉથવાશ અને ખાસ તો વધુ પ્રમાણમાં આલ્કોહોલવાળાં માઉથવાશ ભૂલથી પણ પી જવાય તો તે જોખમરુપ છે.આ જ કારણે છ વર્ષથી નાનાં બાળકો માટે તેના ઉપયોગની ભલામણ કરાતી નથી.

૩) આલ્કોહોલવાળાં હોય કે ન હોય પણ માઉથવાશથી મોં સૂકાય છે.પરિણામે દાંત  સંવેદનશીલ થઈ શકે અને કેવિટિ તથા ર્શ્વાસની દુર્ગંધનું જોખમ વધે છે.

૪)માઉથવાશના ઉપયોગથી દાંતની સંભવિત તકલીફો  ઢંકાઈ નજાય  છે  અને  એની તાત્કાલિક જાણ થતી નથી.ર્શ્વાસની તીવ્ર  દુર્ગંધથની સમસ્યામાં ડેન્ટિસ્ટની સારવાર  સલાહભરી છે પણ માઉથવાશના નિયમિત  ઉપયોગથી આ તકલીફ ઢંકાઈ જાય છે. જે  લાંબા ગાળે આરોગ્ય માટે હાનિકારક છે. 

જીભની નીચે રહેલા બેક્ટેરિયાને કારણે ર્શ્વાસ દુર્ગંધવાળો થાય છે એમ કેટલાક ડોક્ટરો માને છે.આના ઈલાજમાં માત્ર માઉથવાશ પર આધાર રાખવાને બદલે  બ્રશિંગ દ્વારા જીભની નીચેના ભાગને યોગ્ય  રીતે સ્વચ્છ કરવો જોઇએ.ઓરલ હાઈજીન માટે નિયમિતરુપના બ્રશિંગ અને ફ્લોશિંગનું સ્થાન માઉથવાશ ન લઈ શકે એ મહત્વની  બાબત છે.અલબત્ત એ પછી મોંની કાળજી રાખવામાં માઉથવાશની સહાય લેવાય એ  અલગ વિકલ્પ છે.

 માઉથવાશના ઉપયોગ અને તેના લાભાલાભ વિશેના અનુભવો,મંતવ્યો અને નિર્ણયો વ્યક્તિએ વ્યક્તિએ તથા સંશોધને સંશોધને ભિન્ન ભિન્ન હોવાની શક્યતા છે તે તથા અધિકૃત તબીબી અભિપ્રાય વધુ માર્ગદર્શક બની  રહે તે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.

માનવજીવન સંસ્કૃતિ અને પરંપરાની આંગળી પકડીને ચાલતું હતું ત્યારની અને એ દરમિયાન વિજ્ઞાાનનો હાથ પકડીને ચાલવા માંડયું તે પછીની  જીવનશૈલીમાં ઘણો ફરક  પડયો  છે. શરીર  સ્વાસ્થ્ય  જાળવવા માટે રસાયણો પર આધારીત વિવિધ દવાઓ વિજ્ઞાાનમંડિત જીવનશૈલીની ભેટ છે અને એમાં માઉથવાશનો પણ સમાવેશ થાય છે. અન્યથા,બ્રશિંગ,ફ્લોશિંગ,માઉથવાશ જેવી ઓરલ હાઈજીન માટેની આધુનિક પદ્ધતિઓ કે તેના ખ્યાલ પણ પ્રચલિત નહીં હોય ત્યારે બાવળ,લીમડા અને મિસવાકનાં દાતણે કે હાથની આંગળીથી દાંત પર ધસાતાં મંજને કંઈ કેટલીય પેઢીઓનાં મોંની 

સ્વસ્થતા જાળવી છે એ એક માનવજીવન  શૈલીની તવારીખ છે.!

- મહેશ ભટ્ટ

Tags :